વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે કોઈ વાતને લઈને મતભેદ છે?

વિરાટ કોહલી અને રોહિત શર્મા

ઇમેજ સ્રોત, DIBYANGSHU SARKAR

ઇમેજ કૅપ્શન, વિરાટ કોહલી અને રોહિત શર્મા
    • લેેખક, આદેશ કુમાર ગુપ્ત
    • પદ, ખેલ પત્રકાર, બીબીસી હિંદી માટે

ઑસ્ટ્રેલિયાએ સિડનીમાં રમાઈ રહેલી પ્રથમ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચમાં ભારતને 66 રનથી હરાવી દીધું. આ જીત સાથે જ તેઓ ત્રણ મૅચની સિરીઝમાં 1-0થી આગળ થઈ ગયા છે.

જોકે, ઑસ્ટ્રેલિયા સામેની હાર કરતાં વધુ ચર્ચા એ વાતની છે કે શું ભારતના કૅપ્ટન વિરાટ કોહલી અને ઉપકપ્તાન રોહિત શર્મા વચ્ચે કોઈ બાબતને લઈને મતભેદ છે કે કેમ?

આ વાત પ્રથમ વખત ત્યારે સામે આવી, જ્યારે ભારતીય ટીમ ગયા વર્ષે ઇંગ્લૅન્ડમાં આયોજિત ક્રિકેટ વિશ્વકપમાં રોહિત શર્માએ અત્યંત શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેઓ વિરાટ કોહલીનો સૌથી મોટો આશરો સાબિત થયા હતા.

જોકે ઘણી વખત વિરાટ કોહલી, રોહિત શર્માના પ્રદર્શનની એવી પ્રશંસા ન કરી શક્યા જેટલી એક કૅપ્ટન તરીકે તેમણે કરવી જોઈતી હતી.

સમય સાથે આ વિવાદ સમાપ્ત થઈ જવો જોઈતો હતો, પરંતુ તેવું ન બન્યું. વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને ભારત જ નહીં વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડી ગણાય છે. સ્પષ્ટ છે કે બંને પૈકી કોઈ પણ સામે ચાલીને આવી વાતો પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયત્ન નહીં કરે.

જો આવું ન હોત તો બંને ખેલાડી મેદાનની બહાર ડ્રેસિંગ રૂમમાં એકબીજા સાથે વાત કરતા હોત અથવા મૅચ બાદ પત્રકારપરિષદમાં બંને એકસાથે આવ્યા હોત કારણ કે વિશ્વકપ ક્રિકેટ ટુર્નામેન્ટ બાદ પણ બંને ખેલાડી ઘણી વખત એકસાથે રમ્યા છે.

line

કેમ વધી રહ્યું છે અંતર?

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, Getty Images

કદાચ સફળતાના રથ પર સવાર વિરાટ કોહલી અને રોહિત શર્માનો 'ઇગો' કે 'અહમ્' બંને વચ્ચેના અંતરનું કારણ હોઈ શકે.

આ અંતર એટલું વધારે છે કે ઑસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ કૅપ્ટન વિરાટ કોહલીએ શુક્રવારે રમાયેલી પ્રથમ ODI મૅચના એક દિવસ અગાઉ પત્રકારપરિષદમાં કહ્યું કે રોહિત શર્માની ઈજાને લઈને ભ્રમની સ્થિતિ છે અને તેમની પાસે ઈજા અંગે સંપૂર્ણ જાણકારી નથી.

વિરાટ કોહલીએ એવું પણ કહ્યું કે તેમને એ વાતના કારણની ખબર નથી કે કેમ રોહિત શર્મા ટીમ સાથે નથી આવ્યા.

વિરાટ કોહલીએ કહ્યું કે પસંદગી સમિતિની બેઠક પહેલાં તેમને ઈ-મેઇલ મળ્યો હતો કે રોહિત શર્મા ઉપલબ્ધ નથી.

કોહલી અનુસાર, "ઈ-મેઇલમાં કહેવાયું હતું કે રોહિત શર્માને IPL દરમિયાન ઈજા થઈ છે. પરંતુ ત્યાર બાદ રોહિત શર્મા IPLમાં રમ્યા અને બધાએ વિચાર્યું કે તેઓ ઑસ્ટ્રેલિયા જનારી ફ્લાઇટમાં હશે. અમે હજુ સુધી તેમના વિશે સ્પષ્ટ જાણકારીની રાહ જોઈ રહ્યા છીએ."

વિરાટ કોહલીએ કહ્યું કે તેમને માત્ર એટલી જ માહિતી મળી છે કે તેઓ NCAમાં છે, તેમની તપાસ કરાઈ રહી છે. 11 ડિસેમ્બરના રોજ ફરી તપાસ કરાશે.

હવે જો વિરાટ કોહલી કહી રહ્યા છે તો કદાચ તેઓ સત્ય જ કહી રહ્યા હશે. અહીં અચરજની વાત એ છે કે બંને વચ્ચે સંવાદની એટલી કમી છે કે બંને આ મુદ્દે એકબીજા સાથે વાત કરવા પણ તૈયાર નથી.

આવું ત્યારે છે, જ્યારે બંને UAEમાં રમાયેલી IPLમાં એકબીજાની સામસામે રમ્યા હતા.

બધાએ જોયું કે હાર-જીતને ભૂલીને ઘણી ટીમોના ખેલાડી એકબીજા સાથે કે વિરોધી ટીમના કૉચ સાથે પણ ખુલ્લા દિલે વાત કરી રહ્યા હતા.

આ વાતો વચ્ચે રોહિત શર્માની ભૂમિકા પર પણ પ્રશ્ન ઊઠી રહ્યા છે કારણ કે તેમણે ઈજા વિશે જાતે સામે આવીને વાત નથી કરી.

એક તરફ તેઓ ઈજાગ્રસ્ત જાહેર થાય છે અને ઑસ્ટ્રેલિયાના પ્રવાસથી તેમને હઠાવી દેવાય છે. બીજી તરફ તેઓ આ જાહેરાત બાદ IPLની ક્વૉલિફાયર અને ફાઇનલ મૅચમાં રમે પણ છે એક કૅપ્ટન તરીકે ફાઇનલ જીતીને પોતાનું કદ પણ વધારે છે.

line

BCCI શું કરી રહ્યું છે?

સૌરવ ગાંગુલી

ઇમેજ સ્રોત, Getty Images

આવી પરિસ્થિતિમાં BCCIની શાખ પર પણ અસર થઈ, જે આ સમગ્ર મામલામાં મૂકદર્શક સાબિત થયું. બૉર્ડના વ્યવહારમાં પરિપક્વતાનો અભાવ જોવા મળ્યો.

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં ખેલાડીઓએ ઘરેલુ ક્રિકેટમાં રમવાના નામે પોતાની જાતને ઈજાગ્રસ્ત જાહેર કર્યાના અને વિદેશમાં રમવાની વાત આવે ત્યારે ફિટનેસ સર્ટિફિકેટ લઈને પહોંચી ગયાના અસંખ્ય કિસ્સા નોંધાયા છે.

જોકે આ મામલો ઊલટો છે. રોહિત શર્મા IPL ફાઇનલ રમીને દેખાડવા માગતા હતા કે તેઓ ફિટ છે અને તેમને ઈજાગ્રસ્ત જાહેર કરાઈ રહ્યા છે.

જોકે, ખેલાડીઓની અંદરોઅંદર મતભેદના મામલા વિશ્વના તમામ ખેલોમાં છે. ભારત પણ તેનાથી અલગ નથી.

ક્રિકેટ તો જવા દો, ભારતીય ટેનિસ ટીમમાં પણ લિએન્ડર પેસ અને અન્ય ખેલાડીઓ વચ્ચે વિવાદ રહ્યો છે. પેસ અને મહેશ ભૂપતિ વિવાદ વિશે કોણ નથી જાણતું?

જ્યારે વર્ષ 1984-85માં ઇંગ્લૅન્ડના ભારતપ્રવાસ દરમિયાન ગાવસ્કર કૅપ્ટન હતા અને કપિલ દેવને દિલ્હીમાં રમાયેલી ટેસ્ટ મૅચ બાદ ટીમમાંથી બહાર કરી મોહમ્મદ અઝહરુદ્દીનને ટીમમાં સામેલ કરાયા હતા, એ વિવાદ અંગે હજુ સુધી સુનિલ ગાવસ્કર અને કપિલ દેવ સ્પષ્ટતા કરતા રહે છે.

આ સિવાય એક વખત ભારતના પૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઇંગ્લૅન્ડમાં સમગ્ર ટીમ સાથે પત્રકારપરિષદમાં માત્ર એટલું દેખાડવા આવવું પડ્યું કે તેમની અને વીરેન્દ્ર સહવાગની વચ્ચે કોઈ મતભેદ નથી.

બધા જાણે છે કે મહેન્દ્ર સિંહ ધોની અને વીરેન્દ્ર સહવાગ જ નહીં, પરંતુ ગૌતમ ગંભીર, વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડના સંબંધોનો શો અંજામ થયો.

'મામલો બની ગયો તમાશો'

વિરાટ કોહલી અને રોહિત શર્મા

ઇમેજ સ્રોત, CHRIS HYDE - CA

ઇમેજ કૅપ્શન, વિરાટ કોહલી અને રોહિત શર્મા

હવે વાત એ છે કે આ વાતોમાં કોઈ તથ્ય છે કે પછી આ બધું લોકોનો વિચાર માત્ર છે. પૂર્વ ક્રિકેટર અને પસંદગીકાર રહી ચૂકેલા અશોક મલ્હોત્રા જણાવે છે, "આ સમગ્ર મામલો એક તમાશો બની ચૂક્યો છે. જો પસંદગીકાર અને BCCI પારદર્શી રહ્યાં હોત તો બધા માટે બહેતર પરિસ્થિતિ રહી હોત."

"રોહિત શર્માએ કહ્યું કે હું 12 દિવસમાં છ મૅચ નહીં રમી શકું પરંતુ IPLમાં ત્રણ મૅચ રમી ગયા એ પણ ઓછા દિવસના અંતરે. સૌથી મોટી વાત તો એ છે કે જો તેઓ ઈજાગ્રસ્ત હતા તો BCCIએ તેમને IPLમાં રમવાની પરવાનગી કેવી રીતે આપી દીધી?"

"રોહિત શર્માએ કાં તો BCCI કે પછી ફિઝિયો સાથે વાત કરવી જોઈતી હતી. એવું લાગે છે કે એક શંકાની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે, શું સાચું છે અને શું ખોટું એ વાતની સમજ નથી પડી રહી."

"જો રોહિત શર્માએ રિહૅબમાં જવાનું હતું તો તેઓ ઑસ્ટ્રેલિયામાં પણ જઈ શક્યા હોત. હવે જો તેઓ ઑસ્ટ્રેલિયા જશે તો પણ તેમને 14 દિવસ માટે ક્વોરૅન્ટીન થવું પડશે. એ દિવસો દરમિયાન ન તો તેઓ બહાર નીકળી શકશે કે ના રમી શકશે. જો તેઓ ભારતીય ટીમ સાથે ગયા હોત તો પહેલાં જ ક્વોરૅન્ટીનનો સમય નીકળી ગયો હોત. એવું લાગે છે કે આ બધી પરેશાનીઓ ઊભી કરેલી છે અને કોઈ પણ આ વિશે સ્પષ્ટતાથી વાત નથી કરી રહ્યું."

line

હવે આ સ્થિતિનો જવાબદાર કોણ?

અશોક મલ્હોત્રા માને છે કે BCCIના અધ્યક્ષ અને પસંદગી સમિતિ આ માટે જવાબદાર છે. તેઓ કહે છે કે ખેલાડીઓ એકબીજા સાથે મતભેદ રાખે તે બિલકુલ યોગ્ય નથી. તેમણે અહંકારને દૂર રાખવો પડશે.

તો શું આ અંગે વિરાટ કોહલી કે રોહિત શર્મા પહેલ કરશે? અશોક મલ્હોત્રા કહે છે કે જ્યારે રમત સમાપ્ત થઈ જાય છે ત્યારે બધા મિત્ર બની જાય છે, પરંતુ જ્યાં સુધી રમત ચાલુ છે ત્યાં સુધી કોઈ પહેલ નથી કરતું.

આવી પરિસ્થિતિમાં BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી જેઓ પૂર્વ કૅપ્ટન પણ રહી ચૂક્યા છે અને આવી વાતોનો અંત લાવવાનું જાણે છે, તેમણે સામે આવવું પડશે.

જ્યારે કપિલ દેવને ટીમમાંથી કાઢી મુકાયા હતા ત્યારે સુનીલ ગાવસ્કર અને કપિલ દેવ વચ્ચે સમાધાન કરાવવા માટે તત્કાલીન BCCIના પદાધિકારી એનકેપી સાલ્વેએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રોહિત શર્માને આટલા મહત્ત્વપૂર્ણ ઑસ્ટ્રેલિયા પ્રવાસથી દૂર ન રાખી શકાય.

શું વિરાટ કોહલી માટે કૅપ્ટનશિપ કાંટાળો તાજ સાબિત થઈ રહી છે? આ અંગે અશોક મલ્હોત્રા કહે છે કે દરેક કૅપ્ટનના પોતપોતાના ફૅવરિટ હોય છે.

તેઓ કહે છે, "બની શકે કે આવી પરિસ્થિતિમાં કૅપ્ટનને વાઇસ-કૅપ્ટન સાથે ન બનતી હોય. બની શકે કે બંને વચ્ચે કોઈ નાની અમથી વાત બની ગઈ હોય. અહીં BCCI અને પસંદગીકારો સાથે રોહિત શર્માની પણ ભૂલ છે. તેમણે પોતાનો પક્ષ હજુ સુધી સ્પષ્ટપણે કેમ સામે નથી મૂક્યો?"

"રોહિત શર્માએ કેમ નથી કહ્યું કે તેમણે કોઈ રિપોર્ટ નથી આપ્યો અને તેઓ ઑસ્ટ્રેલિયા જવા ઇચ્છે છે. તેઓ રિહૅબમાં NCA કેમ ગયા અને સીધા ઑસ્ટ્રેલિયા કેમ ન ગયા. આ બધી એ વાતો છે જે ગળે નથી ઊતરતી. આ મામલા અંગે શંકા છે અને તેમાં સુધારો થતો નથી દેખાઈ રહ્યો."

ભારતીય ક્રિકેટ પર આ વિવાદની શી અસર થશે?

રોહિત શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

આ બધું ભારતીય ક્રિકેટ માટે કેટલું ખરાબ છે? અશોક મલ્હોત્રાનું માનવું છે કે આ બધું બિલકુલ ઠીક નથી.

તેઓ કહે છે કે "એક તરફ વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ મૅચ બાદ ભારત પરત ફરી રહ્યા છે, બીજી તરફ રોહિત શર્માને ટેસ્ટ સિરીઝ માટે પસંદ કરાયા છે, જ્યારે તેઓ ODI ક્રિકેટના બેતાજ બાદશાહ છે. તેઓ વિશ્વકપમાં પાંચ શતક ફટકારી ચૂક્યા છે."

"રોહિત શર્મા જાણે છે કે તેમનો રેકૉર્ડ એટલો જ સારો છે, જેટલો વિરાટ કોહલીનો. ODI અને T-20માં જેટલા મહત્ત્વપૂર્ણ વિરાટ કોહલી છે તેટલા જ રોહિત શર્મા પણ છે. જો ટેસ્ટની જ વાત કરીએ તો જો રોહિત શર્મા 11 ડિસેમ્બર બાદ જ ઑસ્ટ્રેલિયા પહોંચવાના હોય તો નિશ્ચિતપણે ભારતીય ટીમને તે મોંઘું પડશે."

"આવી પરિસ્થિતિમાં ઑસ્ટ્રિલયન ટીમનું પલ્લું ભારે લાગી રહ્યું છે અને તેમની જીતની સંભાવના પણ અધિક છે. સામેની બાજુએ પ્રતિદ્વંદ્વીને જોતાં યુવાન ખેલાડીઓ પાસેથી ખૂબ જ સારા પ્રદર્શનની આશા ન રાખી શકાય."

શું ખરેખર વિવાદ છે કે આ બધું માત્ર અનુમાન છે?

વિરાટ કોહલી અને રોહિત શર્મા

ઇમેજ સ્રોત, AFP

અશોક મલ્હોત્રા કહે છે કે અહીં દાળમાં કંઈક કાળું નથી પરંતુ આખી દાળ કાળી છે. કારણ કે કોઈએ તો ગરબડ જરૂર કરી છે. એટલે જ તો રોહિત શર્માને એક જ ઝાટકે ODIમાંથી બહાર કરી દેવામાં આવ્યા.

તેઓ પૂછે છે, "જો રોહિત શર્માએ કહ્યું કે તેઓ ફિટ નથી તો તેમને IPLમાં રમવાની પરવાનગી કોણે આપી? શું IPL આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરતાં મોટી છે? શું IPLની ફ્રેંચાઇઝી BCCI કરતાં મોટી છે. આ કેટલીક એવી વાતો છે જે ગળે નથી ઊતરતી. આમ, વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને સમજદાર છે અને ધીમે-ધીમે બંને સમજી જશે."

મલ્હોત્રા કહે છે કે આપણે સમજી રહ્યા છે, એવું બંનેની વચ્ચે કદાચ ન પણ હોય, પરંતુ અત્યારે તો કંઈક ગરબડ છે તેવું લાગી રહ્યું છે.

પૂર્વ ક્રિકેટર અને પસંદગીકર્તા રહેલા મદન લાલ જેઓ આ પ્રકારના વિવાદ જોઈ ચૂક્યા છે, તેઓ કહે છે કે ઘણી વાર ઝઘડા નહીં પરંતુ વિચારોની વાત હોય છે.

ઘણી વાર એકબીજાનો ઇગો ટકરાય છે તો ઘણી વાર એકમેક સાથે મતભેદ પણ હોય છે. તેથી કહેવાય છે કે બે ટક્કરના કે મોટા ખેલાડીઓમાં એકમેક વચ્ચેનો સંવાદ અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે.

તેઓ કહે છે કે, "પસંદગીકર્તા અને સહયોગી સ્ટાફમાં સંવાદ પણ હોવો જોઈએ કારણ કે કૅપ્ટન તો આખરે કૅપ્ટન છે. તેને દરેક વાત અંગે જાણ હોવી જોઈએ. અંતે તે જ ટીમને ચલાવે છે. વિરાટ કોહલીએ પત્રકારપરિષદના માધ્યમથી પોતાની નારાજગી વ્યક્ત કરી. જ્યારે ટીમનો કોઈ પણ શીર્ષ ખેલાડી ટીમમાં ન હોય તો કૅપ્ટનને ચિંતા થાય જ છે."

રોહિત શર્મા મૅચ જિતાડનારા ખેલાડીઓ પૈકી એક છે. તેઓ ટીમ સાથે નથી તે વાતની વિરાટ કોહલી પર અસર પડી હશે.

વિરાટ કોહલીએ કહ્યું પણ છે કે જો રોહિત શર્મા દુબઈથી ઑસ્ટ્રેલિય જતા રહ્યા હોત અને ત્યાં જ 14 દિવસ ક્વોરૅન્ટીન રહ્યા હોત તો સારું થયું હોત.

મદન લાલ કહે છે કે, "આના પરથી એ પણ ખબર પડે છે કે તેઓ કેટલા ફિટ છે. જો ફિટ ન હોત તો તેઓ પાછા આવી ગયા હોત. પરંતુ અત્યાર સુધી તો કૅપ્ટન વિરાટ કોહલીને પણ ખબર નથી કે તેઓ રમશે કે નહીં. ટીમના કૅપ્ટન અને કૉચને ખબર હોવી જોઈએ કે કયો ખેલાડી કોની જગ્યા લઈ શકે છે."

બે ખેલાડી એકબીજા સાથે વાત કેમ નથી કરતા?

રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે સંવાદનહીનતાને લઈને મદન લાલ કહે છે કે તેમાં વિરાટ કોહલીની કોઈ ભૂલ નથી.

તેઓ કહે છે કે, "રોહિત શર્માને જ્યારે અનફિટ જાહેર કરાયા ત્યારે જ તેમણે મુંબઈ ઇંડિયન્સ માટે IPLના મૅચ રમ્યા. તો શું તેમની ઈજા ઠીક થઈ ગઈ હતી કે વધુ બગડી ગઈ હતી? તેમણે સારી બેટિંગ કરી કારણ કે 20-20 ક્રિકેટમાં અનફિટ થવાની શક્યતાઓ વધુ હોય છે."

એ પણ એક મુદ્દો છે કે જો રોહિત શર્માએ આરામ કર્યો હોત તો સારું હોત, પરંતુ બાદમાં રોહિત શર્માએ કહ્યું કે તેમણે સ્થિતિને સંભાળી લીધી છે. રોહિત શર્મા ભારતીય ટીમ માટે પણ આવું કરી શક્યા હોત.

તો શું બે ખેલાડી અને એ પણ કૅપ્ટન અને વાઇસ-કૅપ્ટન એકબીજા સાથે વાત નથી કરી શકતા?

મદન લાલ કહે છે કે તેઓ એકબીજા સાથે વાતચીત તો કરી શકે પણ પસંદગીકાર હોવાના કારણે તેઓ જાણે છે કે વાત પહેલાં પસંદગીકારો પાસે જાય છે, પછી કૅપ્ટન સુધી પહોંચે છે અને તે ખેલાડી સાથે વાત કરે છે.

જ્યારે વિરાટ કોહલીને એ વાતની માહિતી જ ન અપાઈ કે રોહિત શર્મા ફિટ છે કે અનફિટ એટલે જ તો તેમણે પત્રકારપરિષદમાં આ વાત અંગે નારાજગી વ્યક્ત કરી.

ખરેખર આ બંને ખેલાડીઓ વચ્ચે મતભેદ છે?

આ વિશે મદન લાલ કહે છે, "મતભેદ કઈ વાત અંગે હોઈ શકે. તેમના વિચાર અલગ હોઈ શકે છે. રોહિત શર્માને કૅપ્ટન કે વાઇસ-કૅપ્ટન બનાવવાનું કામ વિરાટ કોહલીના હાથમાં નથી."

મદન લાલ કહે છે કે જો તેઓ પસંદગીકાર હોત તો તેમણે રોહિત શર્માને કહ્યું હોત કે જો તેઓ 60-70 ટકા પણ ફિટ હોય તો તેમને ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ટીમ સાથે જાય. જો તેઓ બિલકુલ ફિટ ન હોત તો તેમણે કોઈ અન્ય ખેલાડીની પસંદગી કરી લીધી હોત.

line

કેવી રીતે ઘટશે અંતર?

આ પ્રશ્નના જવાબમાં મદન લાલ કહે છે કે આ ઘર્ષણ નથી, ના તો રહેશે. કારણકે દરેક ખેલાડી પોતાના પ્રદર્શનના બળે જ ટીમમાં આવે છે અને જળવાઈ રહે છે. જો પ્રદર્શન જ સારું ન હોય તો ઘર્ષણ શું ઊભું થશે. ઘર્ષણને કારણે તો પ્રદર્શન પણ સારું નહીં રહે.

જો રોહિત શર્મા ODI કે 20-20માં કૅપ્ટન બનવા માગે છે અને જો આ કારણે જ તેમને વિરાટ કોહલી સાથે મતભેદ કે ઘર્ષણ હોય તો એમાં વિરાટ કોહલીની શું ભૂલ છે?

મદન લાલ કહે છે કે કોને કૅપ્ટન બનાવવા એ પસંદગીકારો પર નિર્ભર છે. આ વાતને લઈને કોઈ ખેલાડીએ નારાજ ન થવું જોઈએ કારણ કે તેઓ ભારત માટે રમી રહ્યા છે.

રોહિત શર્મા બહુ મોટા ખેલાડી છે અને એવું નથી લાગતું કે તેમના મનમાં આવી કોઈ વાત છે. જ્યારે કૅપ્ટન બનવાનો તેમનો વારો આવશે ત્યારે તેઓ કૅપ્ટન બની જ જશે.

જો તેઓ ODI અને 20-20માં સારી કૅપ્ટનશિપ કરે છે તો તે ભારત માટે સારું રહેશે. કારણ કે ભારત પાસે એવો ખેલાડી હશે જે ક્યારેય પણ કૅપ્ટન બની શકે છે. જો વિરાટ કોહલી ત્રણેય ફૉર્મેટમાં કૅપ્ટન છે તો તેઓ તેના હકદાર પણ છે.

અંતે મદન લાલ કહે છે કે રોહિત શર્મા ફિટ નથી પરંતુ તેઓ કેટલા અનફિટ છે એ વાત તો તેઓ જ જાણે છે. અનફિટ હોઈને પણ IPLમાં રોહિત શર્માનું રમવું એ જણાવે છે કે પ્રોફેશનલ હોવાને કારણે ફ્રેંચાઇજી માટે તેમણે રમવું જ પડત.

મદન લાલ એક ખાસ વાત કરે છે કે જો હું પસંદગીકર્તા હોત તો કહેત કે આપ અનફિટ હતા છતાં રમ્યા અને તમે રન પણ બનાવ્યા તો કોઈ વાત નહીં આપ ટીમ સાથે ચાલો. 10-15 ટકા તો આપ ત્યાં જ ઠીક થઈ જશો. કારણ કે રોહિત શર્મા જેવા ખેલાડીને છોડી ન શકાય.

પ્રથમ ODIમાં જે પ્રકારની વિકેટ હતી જો રોહિત શર્મા ટીમમાં હોત તો તેમણે એટલા રન બનાવ્યા હોત કે કદાચ ભારત એ મૅચ જીતી ગયું હોત. એવું લાગી રહ્યું હતું જાણે ભારતીય વિકેટ પર બેટિંગ થઈ રહી છે.

મૅચનું તો જે પરિણામ આવવાનું હતું એ આવી ગયું પરંતુ વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચેની દીવાલ જેટલી જલદી પડી જાય એટલું જ ભારતીય ટીમ માટે સારું છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો