BBC 100 women: બળાત્કારના મામલામાં ભારતને નિષ્ફળ બતાવનારી ત્રણ કહાણી

મહિલા
    • લેેખક, દિવ્યા આર્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

મોટાભાગે જોવા મળે છે કે ભારતમાં બળાત્કારની ઘટનાઓ એટલી ભયાનક હોય છે કે દેશમાં તે હૅડલાઇન્સની સાથે સાથે આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ ચર્ચાનો વિષય બને છે.

દિલ્હીમાં વર્ષ 2012માં નિર્ભયા સાથે સામૂહિક બળાત્કાર બાદ કાનૂનને કડક બનાવાયો અને ત્યાર પછી પોલીસ પાસે નોંધાતી ફરિયાદોમાં પણ વધારો જોવા મળ્યો.

જેનું કારણ મહિલાઓ વિરુદ્ધ થતી યૌન હિંસાઓ પરની ચર્ચામાં વધારો હોવાનું કહેવાઈ રહ્યું છે. તો વળી કાયદાના જાણકારો તેનું કારણ કાયદાકીય સુધારો હોવાનું માને છે.

સરકાર મૃત્યુદંડ જેવી કડક જોગવાઈ પણ લાવી છે. પરંતુ કેટલાક નિષ્ણાતો અનુસાર આ જોગવાઈઓ માત્ર સામાન્ય લોકોનો ગુસ્સો ઠંડો કરવા માટે લાવવામાં આવે છે અને તેમાં સમસ્યાના ઊંડાણ તથા તેનો મૂળથી જ ઉકેલ લાવવા પર ધ્યાન આપવામાં આવ્યું નથી.

બીબીસી 100 વુમન શ્રેણી હેઠળ આવી જ ત્રણ કહાણીઓ જણાવી રહી છે જેમાં સ્પષ્ટ થાય છે કે ભારતના કડક કાનૂનથી પણ બળાત્કારની શિકાર મહિલાઓને મદદ નથી મળી રહી.

line

"જીવતા જીવ ન્યાય મળી જાય તો સારું"

વૃક્ષ

આજે પણ આ ગામની ઓળખ એ જ છે કે અહીં ગળેફાંસો ખાધેલી હાલતમાં છોકરીઓની લાશ મળી હતી.

15 અને 12 વર્ષની બે પિતરાઈ બહેનોઓ આ ગામમાં આંબાના વૃક્ષ પર ગળામાં ફાંસો ખાઈ લટકતી હાલતમાં મળી હતી. તેમના પરિવારનો દાવો છે કે દુષ્કર્મ બાદ તેમને લટકાવી દેવાઈ હતી.

2012માં દિલ્હીમાં બળાત્કારની ઘટના બાદ આ મામલો એક મોટો મુદ્દો બન્યો હતો. ઘટનાને 6 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે પરંતુ કેટલાકના મનમાં ઘટના હજી તાજી છે અને તેમને લાગે છે કે જાણે ઘટના ગઈકાલે જ બની હતી.

ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લામાં સાંકડા માર્ગ પર અમે લોકોને ગામના રસ્તા વિશે પૂછ્યું તો દરેકને આ ગામ વિશે ખબર હતી અને અમને ત્યાં સુધી જવાનો માર્ગ બતાવ્યો.

જોકે બદાયુમાં રહેતા પીડિત પરિવાર માટે આ લડાઈ એટલી સરળ નથી રહી. હું તેમને વર્ષ 2014ના ઉનાળામાં મળી હતી. ત્યારે હું કારથી આઠ કલાકની લાંબી સફર કરીને દિલ્હીથી અહીં સૌથી પહેલાં પહોંચનારી સંવાદદાતાઓમાં સામેલ હતી.

એક પીડિતાના પિતાએ મારી સાથે એ જ વૃક્ષ નીચે વાત કરી જે વૃક્ષ નીચે તેમની દીકરી લટકેલી હાલતમાં મૃત મળી આવી હતી.

બીબીસી સંવાદદાતા દિવ્ય આર્ય
ઇમેજ કૅપ્શન, બીબીસી સંવાદદાતા દિવ્યા આર્ય

તેમણે કહ્યું હતું કે તેઓ ઘણા ડરેલા છે કેમ કે સ્થાનિક પોલીસે તેમને ટોણો મારીને મદદ કરવા માટે ઇન્કાર કરી દીધો હતો. પણ તેમનામાં બદલો લેવાની એક ઇચ્છા પણ જોવા મળી.

તેમણે કહ્યું, "આવા લોકોને ભીડ વચ્ચે ફાંસી પર લટકાવવા જોઈએ, જેવી રીતે તેમણે અમારી દીકરીઓ સાથે કર્યું."

જ્યારે કાનૂન કડક કરવામાં આવ્યા તો હેતુ એ હતો કે મહિલાઓ અને યુવતીઓને પોલીસ પાસે ફરિયાદ કરવામાં સરળતા હોય. બળાત્કારના મામલામાં મોતની સજાને પણ સામેલ કરાઈ અને મામલાના સુનાવણી માટે એક ખાસ ફાસ્ટ ટ્રૅક કોર્ટ સ્થાપિત કરવામાં આવી.

નવી જોગવાઈઓમાં એક અનુસાર કોઈ પણ સગીર છોકરી સાથે બળાત્કારના કેસમાં સુનાવણી કોઈ પણ સંજોગોમાં એક વર્ષની અંદર પૂરી થઈ જવી જોઈએ. તેમ છતાં બળાત્કારના પડતર કેસોની સંખ્યા વધી રહી છે.

સરકારના તાજેતરના આંકડાઓ અનુસાર વર્ષ 2013ના અંત સુધીમાં આવા પડતર કેસોની સંખ્યા 95 હજાર હતી જે 2019ના અંત સુધી વધીને એક લાખ 45 હજાર થઈ ગઈ.

પોટલું

બદાયૂંમાં અમે ફરી એ વૃક્ષ તરફ ગયા પરંતુ પીડિતાના પિતાએ નજર નીચી કરી રાખી હતી. તેઓ બોલ્યા કે જૂની યાદો ઘણું દુખ આપે છે. તેમને જોઈને લાગ્યું કે છ વર્ષમાં તેમની ઉંમર જાણે ઘણાં વર્ષો જેટલી વધી ગઈ હતી.

ગુસ્સો હજુ પણ કાયમ છે પરંતુ સાથે જ એ કડવા સત્યનો અનુભવ પણ છે કે ન્યાય મેળવવા માટેની લાંબી લડાઈ એકલા હાથે જ લડવી પડે છે.

તેમણે કહ્યું, "કાયદા અનુસાર મામલાની સુનાવણી જલદી થવી જોઈએ પરંતુ અમારી અરજીઓ મામલે અદાલતો બહેરી છે. હું અદાલતોના ધક્કા ખાઉં છું પરંતુ ગરીબોને કદાચ જ ન્યાય મળે છે."

જોકે મામલાની તપાસ ઝડપથી થઈ. પરંતુ તપાસકર્તા અધિકારીઓએ કહ્યું કે બળાત્કાર અને હત્યાને પુરવાર કરવા માટે પર્યાપ્ત પુરાવા નથી મળ્યા જેથી સંદિગ્ધો છૂટી જાય છે.

પરિવારે તેને પડકાર્યો અને મામલો ફરીથી શરૂ કરાવ્યો. પરતું અદાલતે આ વખતે છેડછાડ અને અપહરણના ઓછા ગંભીર આરોપો દાખલ કર્યા. હવે પરિવારે તેને પણ પડકારીને ફરીથી બળાત્કાર અને હત્યાનો આરોપ યથાવત રાખવા માટે અરજી દાખલ કરી છે.

મહિલા

ભારતીય નાગરિક વ્યવસ્થા પાસે સંશાધન અને કર્મચારી બંને જ ઓછા છે. બદાયુ મામલાની સુનાવણી ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં થઈ રહી છે. પરંતુ પરિવારના વકીલ જ્ઞાનસિંહ અનુસાર અહીં પણ કોઈ વિશેષ સુવિધાઓ નથી.

તેમણે કહ્યું, "ફાસ્ટ ટ્રૅક કોર્ટ ઝડપથી સુનાવણીની કોશિશ કરે છે પરંતુ ક્યારેક ફૉરેન્સિક તો ક્યારેક અન્ય રિપૉર્ટમાં વિલંબ થાય છે. ડૉક્ટર્સ અને તપાસકર્તા અધિકારીઓની ટ્રાન્સફર થઈ જાય છે અને સાક્ષીઓને અદાલતમાં પલટી મારતા વાર નથી લાગતી."

બદાયુમાં પરિવારના ઘરમાં ગત વર્ષોમાં દસ્તાવેજો અને ફાઇલોનો ઢગલો થઈ ગયો છે. બે પીડિતામાંથી એકનાં માતા માટે આ લડાઈ તેમની સહનશક્તિ કરતા કંઈક વધારે જ લાંબી ચાલી છે.

તેમની વિદાય પછી શબ્દો તેમના કાનમાં ગૂંજતા રહ્યા. માતાએ કહ્યું, "એ જ ઇચ્છા છે કે અમારા જીવતે જીવ ન્યાય મળી જાય."

line

'મારાં માતાપિતાએ મારા પ્રેમીને બળાત્કારના કેસમાં જેલ કરાવી'

મહિલા

ઉષા (નામ બદલ્યું છે) 17 વર્ષનાં હતાં જ્યારે તેમનાં માતાપિતાને સ્થાનિક યુવતી સાથેના તેમના પ્રેમપ્રસંગ વિશે જાણ થઈ ગઈ હતી.

ગુજરાતના પંચમહાલ જિલ્લાના નાનકડા ગામમાં આ ઘટના બની હતી પરંતુ ઉષાનાં માતાપિતાએ યુગલને મંજૂરી ન આપી.

તેથી પ્રેમી યુગલે ઘરેથી ભાગવાની કોશિશ કરી પરંતુ તેઓ કેટલાક દિવસો સુધી જ આઝાદ રહી શક્યાં. ઉષા અનુસાર તેમનાં માતાપિતાએ તેમને શોધી લીધાં અને પછી પરત લઈ આવ્યાં.

ઉષાએ કહ્યું, "તેમણે દોરડાં અને ડંડાથી માર માર્યો. ભૂખી રાખી અને પછી મને એક બીજી વ્યક્તિના હાથમાં સવા લાખ રૂપિયામાં વેચી દીધી."

પરંતુ ઉષા બીજી વ્યક્તિના ઘરેથી લગ્નની રાત્રે જ ભાગી નીકળ્યાં. તેઓ પરત પોતાના પ્રેમી પાસે ગયાં, લગ્ન કર્યાં અને ગર્ભવતી પણ થયાં. પરંતુ પછી આ પ્રેમ કહાણીમાં બીજી પણ મોટી મોટી મુશ્કેલી આવી.

કાનૂની સુધારા મુજબ છોકરીઓ માટે સેક્સની સંમતિની ઉંમર 16 વર્ષથી વધારીને 18 વર્ષ કરી દેવાઈ હતી. આથી ઉષા તેમની મરજીથી પ્રેમ કરે તો પણ કાનૂનની નજરમાં સેક્સ માટે સંમતિ આપવા માટે લાયક ન માની શકાય.

મહિલા

આથી ઉષાનાં માતાપિતાએ તેમના પ્રેમી પર બળાત્કારનો આરોપ લગાવી તેમને જેલ મોકલી દીધા.

યુવકના પરિવારને પણ નિશાન બનાવાયો. તેમનાં માતા પર પણ અપહરણના ષડયંત્રના આરોપ લગાવાયો.

યુવકના માતાએ જણાવ્યું, "હું બે સપ્તાહ સુધી જેલમાં રહી છું. યુવતીના પરીવારે અમારું ઘર લૂંટી લીધું, દરવાજા તોડી નાખ્યા અને અમારાં પશુ પણ લઈ ગયાં. અમારે જીવ બચાવવા માટે સંતાઈ જવું પડ્યું."

આ બળાત્કારનો એક જૂઠો મામલો છે જ્યારે કાનૂનનું કામ ઉષાની રક્ષા કરવાનું હતું.

અદાલતો સુધી પહોંચતા આવા જૂઠા કેસોની સંખ્યાનો કોઈ આંકડો ઉપલબ્ધ નથી. પરંતુ વકીલોનું કહેવું છે કે તેમની પાસે આ વાતના પૂરતા પુરાવા છે કે આવા મામલાના લીધે પહેલાથી જ કેસોનું ભારણ ઝેલી રહેલી વ્યવસ્થા પર ભાર વધી રહ્યો છે.

વળી નિષ્ણાતોનું કહેવું છે કે આવા મામલા ગંભીર સમસ્યા તરફ ઇશારો કરે છે જેને કાનૂન બદલી શકતો નથી.

ગરિમા જૈન નૅઘરલૅન્ડના ટિલબર્ગ વિશ્વવિદ્યાલયના ઇન્ટરનેશનલ વિક્ટિમૉલૉજી ઇન્સ્ટિટ્યૂટમાં પોતાના સંશોધન માટે બળાત્કાર પીડિતાઓની સાઇકોલૉજી પર અભ્યાસ કરે છે.

ગરિમા અનુસાર કોઈ પણ યુવતી માટે તેના માતાપિતાના વિરુદ્ધ જવું મુશ્કેલ હોય છે. ખાસ કરીને ત્યારે જ્યારે તે નાબાલિગ હોય છે અને ઘરવાળા પર નિર્ભર હોય છે.

સામાજિક કાર્યકર્તા સીમા શાહ
ઇમેજ કૅપ્શન, સામાજિક કાર્યકર્તા સીમા શાહ

તેમણે કહ્યું, "બળાત્કાર પીડિતાના અનુભવ જાણતી વેળા મેં જોયું કે જ્યારે તેમના પ્રેમીને ખોટા કેસમાં જેલ કરાવવામાં આવે છે તો ન માત્ર તેમના પરસ્પરના સંબંધો નષ્ટ થઈ જાય છે પરંતુ મહિલા અંદરથી એકદમ તૂટી જાય છે. તેનાં પરિણામે તેની પર પરિવારનું નિયંત્રણ વધી જાય છે."

ઉષાને આનંદી નામના એનજીઓની મદદ મળી. તેની મદદથી ઉષા તેમના પતિના પરિવારને જામીન પર છોડાવી શક્યાં અને પોતાના માતાપિતા સામે ઊભાં રહ્યાં .

વળી જ્યારે ઉષા 18 વર્ષ નાં થયાં તો તેમણે પરિવાર સામે તસ્કરીનો કેસ દાખલ કરાવ્યો. જોકે તેઓ નહોતાં ઇચ્છતાં કે તેમણે આવું કરવું પડે.

ઉષાએ કહ્યું, "જો યુવતીઓ પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરી શકે તો વિશ્વ ઘણું જ સુખી હશે."

સળિયાં

પરંતુ દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યારે યુવતીઓ સમાજે નક્કી કરેલી મર્યાદાઓ પાર કરવાની કોશિશ કરે છે તો માતાપિતા તેમને રોકવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.

ઉષાના પરિવારવાળાએ એનજીઓ આનંદીના સામાજિક કાર્યકર્તાઓ વિરુદ્ધ તસ્કરીનો મામલો નોંધાવવાની ધમકી પણ આપી.

આ ગ્રામીણ વિસ્તારમાં સંમતિ આપવા સંબંધિત ઉંમરના કાયદાનો ખોટો ઉપયોગ ઘણો થઈ રહ્યો છે.

2013, 2014 અને 2015માં દાખલ કરવામાં આવેલી ફરિયાદો પર 'આનંદી' દ્વારા કરવામાં આવેલા અભ્યાસ અનુસાર તેમાં 95 ટકા મામલા માતાપિતા તરફથી જ દાખલ કરાયા હતા.

આનંદીના સામાજિક કાર્યકર્તા સીમા શાહે કહ્યું, "એવું લાગે છે કે કાનૂનો યોગ્ય ઉપયોગ નથી થઈ રહ્યો. આ એક મોટી સમસ્યા છે જેમાં યુવતીઓને વસ્તુની જેમ જોવામાં આવે છે અને તેમને સ્વતંત્ર રીતે બોલવાની પરવાનગી નથી હોતી."

line

'કાયદાનું શિક્ષણ મેળવી મારા જેવી દલિત મહિલાઓ માટે લડવા માંગુ છું'

સામાજિક કાર્યકર્તા મનીષા મશાલ
ઇમેજ કૅપ્શન, સામાજિક કાર્યકર્તા મનીષા મશાલ

માયાનું હાસ્ય તેમની આંખો સુધી પહોંચતું નથી પણ દુખ છુપાવવા તેઓ તેની મદદ લેવાની પૂરી કોશિશ કરે છે.

તેમની કહાણી તેઓ વિગતે કહેવા માંગે છે પરંતુ ગત વર્ષ તેઓ જે બાબતમાંથી પસાર થયા તેનાથી વારંવાર તેમનું ગળું રુંધાય જાય છે.

માયા દલિત છે અને મહિલા પણ. એટલે ભેદભાવ બેગણો છે.

તેઓ ઇજનેર બનવા માટેનો અભ્યાસ કરી રહ્યા હતા પરંતુ ત્યારે એક અન્ય જાતિ (ઊંચી જાત)ની વ્યક્તિએ તેમનો પીછો કરવાનું શરૂ કર્યું.

વ્યક્તિએ પોતાના હાથની નસ કાપી લીધી અને માયાની ના સાંભળવા તૈયાર ન હતી. આખરે માયા સાથે તેણે બળાત્કાર કર્યો.

માયાએ કહ્યું, "એ ઘણો કદાવર હતો. મેં કોશિશ કરી પણ રોકી ન શકી."

માયાનાં માતાપિતાએ પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરાવી પરંતુ જ્યારે એ શખ્શે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો તો સમાજના દબાણના કારણે મામલો પરત લઈ લેવો પડ્યો.

તેમનો વિચાર હતો કે દીકરીને બળાત્કાર પીડિતા હોવાના સામાજિક કલંકથી બચાવી લેવાય. પરંતુ આ લગ્ન એક રીતે નરક સાબિત થયાં.

મહિલાઓ

રડતા અવાજે માયાએ કહ્યું, "મારા પતિના પરીવારવાળા કહેતા કે તમે દલિત છો. તમને જોઈને પણ અમને ચિતરી ચડે છે."

"પતિ શરાબના નશામાં ઘરે આવે. પોલીસ કેસ કર્યો એટલે ગાળો આપે, અત્યાચાર કરે અને હું ના કહું તો પણ અપ્રાકૃતિક યૌન સંબંધ બાધવા માટે મજબૂર કરતો હતો."

માયા અનુસાર તેઓ એટલું અસહાય અનુભવતા હતા કે તેમણે આત્મહત્યા કરવાનું વિચારી લીધુ હતું. પણ એક દિવસ પતિએ ભૂલથી દરવાજો ખુલ્લો મૂકી દીધો તો તેઓ ભાગી ગયાં.

તેમને આઝાદીનો અનુભવ ત્યારે થયો જ્યારે તેમની મુલાકાત એક દલિત વકીલ અને સમાજિક કાર્યકર્તા મનીષા મશાલ સાથે થઈ.

મનીષા ત્યારે હરિયાણામાં દલિત મહિલાઓ સાથે થતા બળાત્કારના મામલાનો અભ્યાસ કરી રહ્યાં હતાં.

તેમને જોવા મળ્યું કે જાતિ ઉન્મૂલન અને યૌન હિંસા બંધ કરાવવા માટે બનાવેલા કાનૂન કારગત નથી કેમ કે દલિત મહિલાઓને આ કાનૂન વિશે જાણકારી જ નથી.

આ સિવાય આરોપી મોટાભાગે દલિતોની સરખામણીમાં આર્થિક અને સામાજિક રીતે વધુ મજબૂત હોય છે.

મહિલા

ઇમેજ સ્રોત, DIBYANGSHU SARKAR

મનીષા અનુસાર પ્રશાસન, પોલીસ અને ન્યાયપાલિકામાં પણ જાતિગત અસમાનતા છે જે પીડિતાને ન્યાય મળવાના માર્ગમાં અવરોધ બને છે.

મનીષા માટે સમસ્યાનો ઉકેલ દલિત મહિલાઓનું સશક્તિકરણ હતો. તેથી તેઓ માયા જેવી પીડિતાઓને કાનૂનના અભ્યાસ માટે મદદ કરવા લાગ્યાં.

વકીલાતનો અભ્યાસ માયાના જીવન જીવવા માટેનું નવું કારણ બન્યો. જીવનને તેઓ ખતમ કરવા તૈયાર હતાં અને તેમને એક નવું લક્ષ્ય મળ્યું. તેમણે બળાત્કારની ફરિયાદ ફરી શરૂ કરાવી અને તેમાં અપ્રાકૃતિક યૌન સંબંધના આરોપોને પણ સામેલ કરાવ્યા.

માયાએ જણાવ્યું, "મનીષા દીદીને મળ્યા બાદ જ મને અવાજ ઉઠાવવા અને જીવન જીવવા માટે સકારાત્મ રહેવાનો આત્મવિશ્વાસ મળ્યો."

"મેં ત્યારે કાયદાનો અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો જેથી હું મારા જેવી દલિત મહિલાઓ માટે લડી શકું જેઓને અત્યાચાર બાદ ચૂપ રહેવા માટે મજબૂર કરવામાં આવે છે."

મહિલા

માયા એ છ બળાત્કાર પીડિતામાંથી એક છે જેઓ મનીષા સાથે રહે છે. તેઓ એક નાનકડા ભાડાના મકાનમાં એકતાથી રહે છે. તે તેમના દુખદ ભૂતકાળ કરતાં અલગ જીવન છે.

મનીષાએ જણાવ્યું,"દલિત મહિલાઓને ઊંચી જાતિના લોકો વસ્તુની જેમ જુએ છે. જેને મરજી મુજબ વાપરી શકાય અને તેને ત્યજી શકાય. જો કોઈ મહિલા આ અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાની કોશિશ કરશે તો તેની હત્યા થઈ જાય છે."

આરોપીઓના પરિવાર તરફથી મનીષાને નિયમિત રીતે ધમકીઓ મળી રહે છે પરંતુ તેમ છતાં તેઓ મક્કમ રહે છે. તેઓ યુવતીઓ તથા ન્યાયિક વ્યવસ્થા વચ્ચનો સેતુ બનવાની પણ ભૂમિકા નિભાવી રહ્યાં છે.

તેમણે કહ્યું,"અમારા સમુદાયના લોકો હિંસાનો શિકાર થઈ રહ્યા છે અને પીડિત તરીકે મરતાં આવ્યા છે. હું એવું નથી ઇચ્છતી. હું એક નેતા તરીકે સંઘર્ષ કરવા માગું છું. એક પીડિતા તરીકે નહીં."

(ભારતીય કાનૂન પ્રમાણે પીડિતાઓનાં નામ બદલ્યાં છે.)

(વધારાનું રિપોર્ટિંગ તેજસ વૈદ્ય છે.)

બીબીસી 100 વુમન દર વર્ષે વિશ્વભરના 100 પ્રભાવશાળી અને પ્રેરક મહિલાઓની યાદી અને તેમની કહાણીઓ લઈને આવે છે. અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તથા ટ્વિટર પર જોઈ શકો છો અને હૅશટૅગ #BBC100Women યૂઝ કરો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો