ગુજરાતમાં નબળી પડેલી કૉંગ્રેસને અહમદ પટેલની વિદાયથી ફટકો પડશે?

અહમદ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અહમદ પટેલ
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

કૉંગ્રેસના ખજાનચી અને દિલ્હી હાઇકમાન્ડના પાયાના સભ્ય ગણાતા ગુજરાતી નેતા અહમદ પટેલનું કોરોનાથી અવસાન થયું છે.

તેમનું અવસાન એવા વખતે થયું છે જ્યારે કૉંગ્રેસ ગુજરાતમાં અઢી દાયકાથી શાસનમાં નથી.

એવામાં નબળી પડી ગયેલી ગુજરાત કૉંગ્રેસને રણનીતિકાર મનાતા અહમદ પટેલના નિધનથી ફટકો પડશે કે કેમ?

"અહમદ પટેલ સત્તાના નહીં પણ સંગઠનના નેતા હતા. ગુજરાતમાં કૉંગ્રેસ ભલે લાંબા વખતથી સત્તામાં નથી પણ એ દૃષ્ટિએ અહમદ પટેલનું મૂલ્યાંકન ન કરી શકાય." આ શબ્દો ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જનક પુરોહિતના છે.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે "સત્તા અને સંગઠન અલગ બાબતો છે. રાજકીય સૂઝબૂઝ અને કાર્યોના આધારે અહમદ પટેલને મૂલવવા પડે. તેમના અવસાનથી કૉંગ્રેસના દિલ્હી હાઈકમાન્ડમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ જે હતું એ હવે નથી રહ્યું."

પુરોહિત કહે છે કે "અહમદભાઈ ગુજરાત કૉંગ્રેસના સામાન્ય કાર્યકર્તાની મુદ્દાસભર વાત પણ હાઈકમાન્ડ સુધી પહોંચાડતા હતા. દિલ્હી હાઈકમાન્ડ ગુજરાત કૉંગ્રેસ માટે કોઈ નિર્ણય લેતી તો અહમદ પટેલને સાથે રાખીને જ લેતી હતી."

"ગુજરાત કૉંગ્રેસના નિર્ણય પણ સીધી રીતે હાઈકમાન્ડ સુધી અહમદ પટેલ દ્વારા પહોંચતા હતા. એક વ્યૂહરચનાકાર તરીકે અહમદ પટેલની ખોટ ગુજરાત કૉંગ્રેસ તેમજ રાષ્ટ્રીય કૉંગ્રેસ બંનેને પડી છે. એ ખોટ ખરેખર પુરાય એવી નથી."

ગુજરાતનાં રાજકીય પ્રવાહોના અભ્યાસુ શારીક લાલીવાલા કહે છે કે "અહમદ પટેલ સોનિયા ગાંધીનાં આંખ - કાન હતાં. તેથી ગુજરાતના કોઈ પણ નાના-મોટા નિર્ણય લેવા હોય તો તેમના દ્વારા તરત થઈ જતા હતા."

"ગુજરાત અને દિલ્હી વચ્ચેની જે મહત્ત્વપૂર્ણ કડી અહમદભાઈ હતા તે હવે તૂટી ગઈ છે. જે ગુજરાત કૉંગ્રેસનું નુકસાન કહી શકાય. શક્તિસિંહ ગોહિલ જેવા ગુજરાત કૉંગ્રેસના નેતા દિલ્હીમાં છે, પણ હાઈકમાન્ડમાં એટલા આગળ નથી."

line

મુસ્લિમ હોવાને લીધે પડદા પાછળ રહેતા હતા?

અહમદ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અહમદ પટેલ

અહમદભાઈ 1985થી 1987 સુધી ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ હતા. એ પછી તેઓ દિલ્હીમાં સક્રિય થયા હતા. અહમદ પટેલ 1993, 1999, 2005, 2011 અને 2017માં એમ પાંચ વખત રાજ્યસભા સાંસદ રહ્યા હતા.

રાજ્યસભામાંથી ગુજરાતમાંથી ચૂંટાયા પણ તેમનું કાર્યકેન્દ્ર હંમેશાં દિલ્હી જ રહ્યું હતું. દિલ્હી ગયા પછી શું અહમદ પટેલ ગુજરાતના પ્રદેશ રાજકારણમાં જોઈએ એવો રસ નહોતા લેતા?

આનું ગણિત સમજાવતાં જનક પુરોહિત કહે છે કે "અહમદ પટેલ ગુજરાત કૉંગ્રેસના રાજકારણમાં સક્રિય હતા પણ પડદા પાછળ હતા. ગુજરાતની તાસીર હિન્દુત્વવાદી છે, તેથી ગુજરાતમાં પડદા પાછળ રહીને જ તેઓ વધારે કામ કરતા હતા."

"તેમને અંદાજ હતો કે પોતે મુસ્લિમ છે, તેથી વિપક્ષ તેમના મુસ્લિમપણાને આગળ ધરીને ધ્રુવીકરણના રાજકારણને વેગ આપશે અને પાર્ટીને પણ હિતકારી નહીં રહે. ગુજરાતમાં જ નહીં, હાઈકમાન્ડના સ્તરે પણ તેઓ પડદા પાછળ રહેવામાં વધારે માનતા હતા."

તેઓ કહે છે, "સોનિયા ગાંધીએ જ્યારે કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપ્યું ત્યારે દેશભરમાંથી એ પદ માટે અહમદ પટેલનું નામ સૂચવાયું હતું. એ વખતે પણ તેમણે ના પાડી દીધી હતી. કારણકે, તેઓ જાણતા હતા કે ભાજપ તેમને મુસ્લિમ તરીકે ચીતરશે અને કૉંગ્રેસને નુકસાન કરશે."

line

જ્યારે નરેન્દ્ર મોદીએ તેમને અહમદ 'મીયાં' પટેલ કહ્યા

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પ્રચાર દરમિયાન તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ અહમદ પટેલનો ઉલ્લેખ અહમદ મીયાં પટેલ તરીકે કર્યો હતો.

મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસે નક્કી કર્યું છે કે અહમદ મીયાં પટેલને મુખ્ય મંત્રી બનાવવા, પણ કૉંગ્રેસમાં હિંમત નથી કે તેઓ ખુલ્લેઆમ સ્વીકારે.

શારીક લાલીવાલા કહે છે કે "ગુજરાતમાં મુસ્લિમો પ્રત્યેનો અણગમો મોટો છે અને ખોટો છે. અહમદ પટેલ ના તો દાઢી રાખતા હતા કે ના તો ટોપી પહેરતા હતા. અંગ્રેજી બોલતા હતા."

"અહમદ પટેલ એ ટિપિકલ મુસ્લિમની ઇમેજથી બિલકુલ વિપરીત હતા. આ પરિબળો છતાં અહમદ પટેલ રાજકારણમાં પડદા પાછળ રહ્યા, એનું કારણ એ તો હતું જ કે તેમને મુસ્લિમ તરીકે ઉજાગર કરવામાં આવતા હતા."

તેઓ ઉમેરે છે, "આમાં અહમદ પટેલનો વાંક નથી પણ સંગઠન તરીકે કૉંગ્રેસનો વાંક વધુ છે. પાર્ટી તરીકે કૉંગ્રેસ કોમવાદની ઉપરવટ જઈને આઇડિયોલૉજિકલી માહોલ શા માટે ઊભો ન કરી શકી જે હિન્દુત્વને કાઉન્ટર કરી શકે? કૉંગ્રેસની એ રણનીતિ તો રહી જ છે કે મુસ્લિમ ચહેરાને પાછળ રાખવા."

ગુજરાતના અન્ય એક વરિષ્ઠ પત્રકાર દિલિપ ગોહીલ બીબીસીને કહે છે, "જે પોષતું, તે મારતું એ કહેવત ક્યાંક કૉંગ્રેસ માટે અહમદ પટેલની બાબતે લાગુ પડતી હતી. અહમદભાઈ કૉંગ્રેસમાં સંગઠનાત્મક રીતે જેટલા મજબૂત થયા એનો પાર્ટીને જેટલો ફાયદો થયો એટલો જ ભાજપને પ્રચારોમાં ફાયદો થયો."

"કૉંગ્રેસ જીતશે તો ગુજરાતના મુખ્ય મંત્રી અહમદ મીયાં પટેલ હશે આવો પ્રચાર ખૂબ ચાલ્યો હતો. નરેન્દ્ર મોદીએ એક સભામાં એવું પણ કહ્યું હતું કે કૉંગ્રેસ પાસે એક જ પટેલ છે અને એ છે અહમદ પટેલ. તેથી તેઓ કૉંગ્રેસના મજબૂત નેતા હોવાનો ફાયદો ભાજપે હંમેશાં લીધો છે."

તેઓ ઉમેરે છે કે "તેમને ક્યારેય મુસ્લિમ નેતા તરીકે જોવામાં આવ્યા નથી, પણ વિપક્ષ એટલે કે ભાજપ તરફથી આ ઓળખ ખાસ યાદ કરાવાતી હતી. ભરૂચમાં સ્થાનિક ધોરણે અહમદભાઈ 'બાબુભાઈ' તરીકે જાણીતા હતા."

line

અહમદ પટેલ ગુજરાતના છેલ્લા મુસ્લિમ સાંસદ બની રહેશે?

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

અહમદ પટેલ લોકસભામાં ગુજરાતમાં ભરૂચમાંથી 1977, 1980 1984 વખત ચૂંટાયા હતા.

મુસ્લિમ હોવા છતાં કોમના દાયરામાંથી બહાર નીકળીને વ્યાપક ઓળખ ધરાવતા કદાચ છેલ્લા નેતા અહમદ પટેલ હતા એવું શારીક લાલીવાલા માને છે.

તેઓ કહે છે કે "ગુજરાતમાં મુસ્લિમ નેતૃત્વ છે જ નહીં. ગુજરાતની વસતીમાં મુસ્લિમો 9-10 ટકા છે એની સામે મુસ્લિમ ધારાસભ્યો ત્રણ જ છે. ભરૂચથી ગુજરાતના છેલ્લા મુસ્લિમ સાંસદ અહમદ પટેલ જ હતા."

"70 અને 80ના દાયકામાં ગુજરાતમાં શક્તિશાળી મુસ્લિમ ચહેરા હતા. જેમાં અહેસાન જાફરી, રઉફવલી ઉલ્લાહ અને અહમદ પટેલ હતા. આ નેતાઓ બિનસાંપ્રદાયિક હતા. અહેસાન જાફરી અને રઉફવલી ઉલ્લાહ તો સોશિયાલિસ્ટ પણ ખરા."

"હવે જે મુસ્લિમ નેતાઓ છે, તેઓ પોતાના વિસ્તાર અને સમુદાય પૂરતા મર્યાદિત છે. રાજકારણને અને સમાજને શું સંબંધ છે એની સૂઝબૂઝવાળા નેતા હવે રહ્યા નથી. એ પરંપરાના છેલ્લા નેતા કદાચ અહમદ પટેલ હતા. ગુજરાતમાં નવી જે મુસ્લિમ નેતાગીરી છે, તે જે તે વિસ્તાર પૂરતી મર્યાદિત છે. તેથી ટોચના મુસ્લિમ નેતા એકમાત્ર અહમદભાઈ હતા એમ કહી શકાય. અહમદભાઈ જાયન્ટ લીડર હતા. એટલા મોટા નેતા કે 2007, 2012માં ભાજપે તેમને ટાર્ગેટ કરીને પ્રચાર કરવો પડતો હતો."

કૉંગ્રેસ એક સેક્યુલર પાર્ટી છે અને લઘુમતી સમુદાયમાંથી આવતા નેતા તરીકે અહમદ પટેલે એ સમુદાયના મુદ્દા આગળ ધરવા જોઈએ એ ધર્યા હતા?

આ જવાબમાં શારીક કહે છે કે "અહમદભાઈ જ્યારે મોટા નેતા બન્યા ત્યારે 90ના દાયકામાં કોમવાદી પરિબળો સિવાયના સમાજના સર્વાંગી વિકાસની જે વાત હતી, તેની સ્પેસ જતી રહી હતી. એ સમયે લઘુમતીના મુદ્દા ઉજાગર કરવા શક્ય નહોતું. જોકે, એ અહમદભાઈના વાંક કરતાં મને પાર્ટી તરીકે ગુજરાત કૉંગ્રેસનો વાંક વધુ લાગે છે."

line

કૉંગ્રેસના જૂથવાદમાં અહમદ પટેલનું જૂથ

અહમદ પટેલ

કૉંગ્રેસમાં જૂથવાદનો વિવાદ હંમેશાં રહ્યો છે. ગુજરાત કૉંગ્રેસમાં પણ માધવસિંહ સોલંકીનું જૂથ, શંકરસિંહ વાઘેલાનું જૂથ વગેરે વચ્ચે ગજગ્રાહ રહ્યા છે.

અહમદ પટેલનું પણ એક જૂથ હતું અને જ્યારે જૂથવાદની ટીકા થાય ત્યારે તેનો પણ ઉલ્લેખ થતો હતો.

દિલિપ ગોહિલ કહે છે, "અહમદ પટેલ કૉંગ્રેસની હાઈકમાન્ડ સાથે સંકળાયેલા હતા. તેથી તેમની ભૂમિકા સંતુલન સાધવાની વધુ હતી. પોતાના જૂથનું ચાલે એના કરતાં દરેક જૂથના મનમેળ અને સંતુલન સાચવવાનું કામ તેઓ કરતા હતા. મને લાગે છે કે કૉંગ્રેસમાં જેટલાં જૂથ છે, એમાં સૌથી ઓછું નુકસાન અહમદ પટેલના જૂથે કર્યું હશે."

જનક પુરોહિત દીલિપ ગોહીલની વાતનો તંતુ સાંધતાં કહે છે, "જૂથવાદ એ કૉંગ્રેસની દાયકા જૂની પરંપરા છે. મોરારજી દેસાઈ અને ઇંદિરા ગાંધી વખતે પણ મોરારજી જૂથ અને ઇંદિરા જૂથ હતાં. તેથી જૂથના આધારે અહમદ પટેલનું આકલન કરવું ગેરવાજબી રહેશે."

"અહમદ પટેલ ક્યારેય જૂથ સામે નહીં પણ સર્વાંગી રીતે ગુજરાતને જોતા હતા. ભરતસિંહ સોલંકીને ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ બનાવનારા અહમદ પટેલ હતા, નહિતર ભરતસિંહ તો માધવસિંહ સોલંકી જૂથના હતા. ગુજરાતના સંગઠનને ધ્યાનમાં રાખીને જે નિર્ણય કરવા પડે તે અહમદભાઈ કરતા હતા, પછી એમાં જૂથ વચ્ચે આવતું નહોતું."

line

અહમદ પટેલની રાજકીય સફર

અહમદ પટેલનું ગામ
ઇમેજ કૅપ્શન, અહમદ પટેલનું ગામ

1976માં ભરૂચમાં તાલુકા પંચાયતના સભ્ય બન્યા

1977માં 26 વર્ષની વયે લોકસભામાં ચૂંટાયા

1977થી 1982 સુધી ગુજરાત યુથ કૉંગ્રેસના અધ્યક્ષ રહ્યા

1983થી 1984 સુધી AICC જૉઇન્ટ સૅક્રેટરી રહ્યા

1985થી 1986 સુધી AICC જનરલ સૅક્રેટરી રહ્યા

1985માં પૂર્વ PM રાજીવ ગાંધીના સંસદીય સચિવ બન્યા

1986માં ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા

1991માં કૉંગ્રેસ વર્કિંગ કમિટીમાં સ્થાન

1996માં AICCના કોષાધ્યક્ષ બન્યા

2000માં સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર બન્યા

2006માં વક્ફ સંયુક્ત સંસદીય સમિતિના સભ્ય

કૉંગ્રેસમાં ગાંધી પરિવાર પછી સૌથી વર્ચસ્વ ધરાવતા નેતાઓમાં અહમદ પટેલની ગણના થતી હતી.

અહમદ પટેલનો જન્મ ગુજરાતનાં પિરામણ ગામે 21 ઑગસ્ટ 1949ના રોજ મોહમ્મદ ઇશાક પટેલ અને હવાબહેન પટેલના પુત્ર તરીકે થયો હતો.

અહમદ પટેલને 1985માં રાજીવ ગાંધી પછીના તમામ કૉંગ્રેસી નેતાઓ સાથે ગાઢ સંબંધ રહ્યો છે. 1991માં રાજીવ ગાંધીના નિધન પછી અહમદ પટેલ કૉંગ્રેસ પક્ષમાં મોટા રાજકીય ખેલાડી બની રહ્યા છે.

અહમદ પટેલનું ગુરુગ્રામ ખાતેની મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું હતું.

એકાદ મહિના પહેલાં કોવિડ-19થી સંક્રમિત થયા બાદ મલ્ટિપલ ઑર્ગન ફૅલરના કારણે તેમની તબિયત સતત લથડી રહી હતી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો