દેશભરની જેમ ગુજરાતના ખેડૂતો આંદોલન કેમ નથી કરી રહ્યા?

ખેડૂત

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જીગર ભટ્ટ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દેશનાં વિવિધ રાજ્યોમાં કૃષિસુધાર કાયદાનો વિરોધ ચાલી રહ્યો છે. પંજાબ અને હરિયાણાથી કૂચ કરીને આવેલા ખેડૂતોને બે દિવસના સંઘર્ષ બાદ દિલ્હી આવવાની મંજૂરી મળી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના ખેડૂતોએ પણ કૂચ કરીને દિલ્હી જવાનું એલાન કર્યું છે.

છેલ્લા બે મહિનાથી પંજાબ સહિત અલગ-અલગ રાજ્યના ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિસુધારા કાનૂન સામે વિરોધ કરી રહ્યા છે.

પંજાબના ખેડૂતોએ રેલવે ટ્રૅક અને હાઈવે પર બેસીને પણ વિરોધ કર્યો હતો. ઘણા દિવસો સુધી પંજાબમાં ટ્રેનસેવાઓ ખોરવાઈ હતી.

ખેડૂતોનું કહેવું છે કે કેન્દ્ર સરકારને પોતાની વેદના જણાવવા માટે દિલ્હી જઈ રહ્યા છે.

પંજાબ અને હરિયાણાના ખેડૂતોની સાથે-સાથે ઉત્તર પ્રદેશના ખેડૂતોએ મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર ચક્કાજામ કર્યા છે.

ખેડૂત

ખેડૂતોની દિલ્હી તરફ થઈ રહેલી કૂચને લઈને દિલ્હી પોલીસે કેજરીવાલ સરકાર પાસે નવ સ્ટેડિયમને અસ્થાયી જેલમાં ફેરવવાની માગ કરી હતી, પરંતુ દિલ્હી સરકારે પોલીસની આ માગને રદ કરી દીધી છે.

દિલ્હીના ગૃહવિભાગ તરફથી આપવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યું છે, "ખેડૂતોની માગ યોગ્ય છે અને કેન્દ્ર સરકારે ખેડૂતોની માગણી તરત જ માનવી જોઈએ."

26-27 નવેમ્બરે દિલ્હીમાં ખેડૂતો ધરણાં કરી અને કેન્દ્ર સરકાર પર સુધારેલો કૃષિ કાયદો પાછો લેવા માટે દબાણ કરવાના હતા.

કેન્દ્ર સરકારે ફાર્મ્સ (એમ્પાવરમૅન્ટ ઍન્ડ પ્રૉટેકશન) ઍગ્રિમેન્ટ ઑફ પ્રાઇસ ઍશોરેન્સ ઍન્ડ ફાર્મ સર્વિસિસ ઍક્ટ 2020, ફાર્મ્સ પ્રૉડ્યુસ ટ્રેડ ઍન્ડ કૉમર્સ (પ્રૉમોશન ઍન્ડ ફૅલિસિટેશન) ઍક્ટ 2020 અને ઇસેન્શ્યિલ કૉમોડિટિસ (ઍમેન્ડમૅન્ટ) ઍક્ટ 2020 પસાર કર્યા છે.

27 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણેય બિલ પર સહી કરતા તે કાયદા બની ગયા છે.

જોકે આ દરમિયાન ગુજરાતમાં ખેતીસુધાર કાયદાઓને લઈને ખાસ વિરોધ જોવા મળ્યો નથી.

આ બિલ અને વિરોધ અંગે અમે ગુજરાતનાં વિવિધ ખેડૂત સંગઠનો સાથે વાત કરી હતી.

line

પંજાબ અને હરિયાણાના ખેડૂતનું વધારે નુકસાન થવાનો ભય

ખેડૂત

ઇમેજ સ્રોત, Getty Images

ખેડૂત એકતા મંચના સાગર રબારીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર કૃષિસુધારને લઈને જે કાયદાઓને લઈને આવી છે તેનાથી પંજાબ અને હરિયાણાના ખેડૂતોને ડર છે કે સરકાર ઘઉં અને ચોખા તેમની પાસેથી ટેકાના ભાવે ખરીદી રહી છે તે પણ ખરીદવાનું બંધ કરી દેશે. જેના કારણે તેઓ વિરોધ કરી રહ્યા છે.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "સરકાર એપીએમસીના પ્લેટફૉર્મનો ઉપયોગ કરીને ખરીદી કરતી હોય, હવે નવા કાયદા પ્રમાણે એપીએમસીમાં અનાજ વેચવું કે ખરીદવું ફરજિયાત નથી જેના કારણે ખેડૂતોને ડર છે કે સરકારે હવે ટેકાના ભાવે ખરીદી નહીં કરે."

તેઓ કહે છે, "ગુજરાતના બહુ ઓછા ખેડૂતો આ પ્રકારે ટેકાના ભાવે વેચાણ કરે છે. મગફળીનું વેચાણ ક્યારેક ક્યારેક કરતાં હોય છે, જેથી તેમને આ મુદ્દો એટલો સ્પર્શતો નથી. પંજાબ અને હરિયાણાના 90 ટકા ખેડૂતો આ પ્રકારે વેચે છે. જ્યારે ગુજરાતમાં આ પ્રકારે અનાજ વેચનારા ખેડૂતોની સંખ્યા બહુ ઓછી છે."

વરિષ્ઠ પત્રકાર અજય નાયક કહે છે, "ભારતનું કૃષિપ્રધાન રાજ્ય પંજાબ છે. અહીં મોટા પ્રમાણમાં ઘઉંની ખેતી થાય છે. જેની સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે. જ્યારે ગુજરાતમાં રોકડિયો પાક થાય છે જેની ટેકાના ભાવે ખરીદી શક્ય નથી. ગુજરાતના ખેડૂતોને તેમાં સારું મળે છે તે સંતુષ્ટ છે."

જ્યારે ગુજરાત ખેડૂત સમાજના જયેશ પટેલનું કહેવું છે કે ગુજરાતના ખેડૂતો આંદોલન કરે છે. ગઈ કાલે પણ દેશમાં આંદોલનની સાથે ગુજરાતના વિવિધ જિલ્લામાં આંદોલન કરવામાં આવ્યાં હતાં.

તેમણે વધુમાં કહ્યું, "ગુજરાતમાં હાલ કોરોના વાઇરસની સ્થિતિ ગંભીર છે, જેના કારણે મોટાં વિરોધપ્રદર્શન અમે કરી શકતા નથી."

ખેડૂત

ઇમેજ સ્રોત, Getty Images

સાગર રબારી કહે છે, "ગુજરાતના ખેડૂતો સતત અનેક વર્ષોથી આંદોલન કરતા હતા, તેઓ કૉર્પોરેટ અને કૉન્ટ્રાક્ટ ફાર્મિંગને લઈને આંદોલન કરતા હતા. હાલ હવે તેને કાયદા દ્વારા રેગ્યુલરાઇઝ કરવામાં આવ્યું છે."

તેઓ કહે છે, "મેં કાયદાઓનું સમર્થન કર્યું છે. આ પ્રોગ્રેસિવ કાયદાઓ છે. જૂના કાયદાઓ હતા ત્યારે છેલ્લાં 10 વર્ષમાં 3 લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ખેડૂતોની આવક સ્થિર છે. આપણે તેને વધારવા માટે નવા પ્રયોગ કરવા પડશે. આને પ્રયોગ ગણી ચલાવવું જોઈએ, ના સારું થાય તો બદલવું જોઈએ."

વીસાવદરના ખેડૂત અગ્રણી નાગજીભાઈ ભાયાણી કહે છે, "ગુજરાતમાં ખેડૂતોની ટેકાના ભાવની ખરીદી ખૂબ જ જૂજ છે. જેના કારણે તેમને આ ત્રણ કાયદાની એટલી અસર થતી નથી માટે આંદોલન કરતા નથી."

પંજાબના ખેડૂતોના રાજકારણ વિશે વાત કરતાં નાગજીભાઈ કહે છે કે જે એપીએમસી હતી તેમાં જે ઠેકેદાર હતા તે પણ ખેડૂત હતા અને રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હતા. તેમનું કમિશન હવે જતું રહેશે માટે તે લોકો આંદોલનને સમર્થન કરી રહ્યા છે.

line

"ગુજરાતમાં સરકાર પોલીસને આગળ રાખી ખેડૂતોને દબાવે છે"

ખેડૂત

ઇમેજ સ્રોત, Getty Images

સુરેન્દ્રનગરના ખેડૂત આગેવાન રતનસિંહ ડોડિયા કહે છે, "ગુજરાતના ખેડૂતો ડરેલા છે. અહીં જે પ્રકારે કિસાન કૉંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાને માર માર્યો, જેના કારણે આજે ખેડૂતો સરકારનો વિરોધ કરતા ડરે છે."

આ વાતને સાગર રબારી પણ સમર્થન આપતાં કહે છે, "ગુજરાતમાં ચોક્કસ સરકાર ખેડૂત આગેવાનોને ડરાવે છે, જેના કારણે ખેડૂતોમાં આંદોલન કરતા નથી."

કિસાન કૉંગ્રેસના પાલ આંબલિયા કહે છે, "સરકાર પોલીસને આગળ કરી રહી છે. 26 નવેમ્બરે વિરોધપ્રદર્શનની વાત હતી તો 25 નવેમ્બરે મારા ઘરે પોલીસ આવી ગઈ હતી. જ્યારે પણ આંદોલનની વાત હોય ત્યારે પોલીસ ખેડૂત આગેવાનના ઘરે પહોંચી જાય છે. જો ખેડૂત નેતા જ બહાર નીકળી શકે તો ખેડૂતો ક્યાંથી બહાર આવશે."

line

ગુજરાતના ખેડૂત વહેંચાયેલા છે

ખેડૂત

ઇમેજ સ્રોત, BBC/PRABHU DAYAL

પંજાબ અને હરિયાણાના ખેડૂતો પોતાના હક માટે એક પ્લેટફૉર્મ પર આવે છે.

આ અંગે સાગર રબારી કહે છે, "પંજાબ અને હરિયાણાના ખેડૂતોમાં લડાયક મિજાજ છે. તેઓ વિવિધ પાર્ટીઓ સાથે જોડાયેલા છે, જ્યારે પોતાના હકની વાત આવે ત્યારે ખેડૂત તરીકે એક થઈને વિરોધમાં આવી જાય છે."

પાલ આંબલિયા કહે છે, "ગુજરાતમાં છેલ્લાં 40-45 વર્ષથી કિસાન સંઘ ખૂબ જ ઍક્ટિવ હતો. તે પહેલાં એવું કહેતો હતો કે તેને ભાજપ સાથે કોઈ સંબંધ નથી. જ્યારથી ભાજપને સત્તા અપાવી ત્યારથી તે ખેડૂતોના પ્રશ્ન માટે બોલી રહ્યો છે. ખેડૂતો તેના કારણે દુ:ખી છે અને તેના આઘાતમાંથી હજુ પણ બહાર આવ્યા નથી. ખેડૂતોને આજે પણ લાગે છે કે તેમનો રાજકીય રીતે ઉપયોગ થઈ જશે."

નાગજીભાઈ પણ પાલ આંબલિયાની વાત સાથે સહમત થતા કહે છે, "કિસાન સંઘ એક સમયે ખૂબ જ ઍક્ટિવ હતો, પરંતુ ભાજપ સત્તામાં આવ્યા પછી તે પણ ઠંડો પડી ગયો છે. જેના કારણે ખેડૂતો સંગઠનો સાથે જોડાતા નથી."

ખેડૂત

ઇમેજ સ્રોત, Getty Images

પાલ આંબલિયા કહે છે, "ખેડૂત સંગઠનો ગુજરાતમાં ઊભા થઈ રહ્યાં છે, પરંતુ તેમને હજુ ચારથી પાંચ વર્ષ થયાં છે. ભવિષ્યમાં તેઓ ઊભા થશે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં ખેડૂત સમાજ ઍક્ટિવ હતો. જ્યારે સૌરાષ્ટ્રમાં કિસાન સંઘ સિવાય કોઈ નહોતું. આજે સૌરાષ્ટ્રમાં પણ અનેક સંગઠન ઍક્ટિવ થયાં છે."

ગુજરાતનાં ખેડૂત સંગઠનો વિશે રતનસિંહ ડોડિયા કહે છે, "ગુજરાતનાં ખેડૂત સંગઠનો પક્ષોમાં વહેંચાયેલાં છે, જેના કારણે ખેડૂતના પ્રશ્નોની વાત ખૂબ જ ઓછી થાય છે."

વરિષ્ઠ પત્રકાર અજય નાયક કહે છે, "પંજાબમાં કૉંગ્રેસની સરકાર છે, ત્યાંના મુખ્ય મંત્રીએ ખેડૂત આંદોલનને ટેકો આપ્યો છે. ત્યાંના લોકો માટે ખેતી મહત્ત્વની છે. જેના કારણે કૉંગ્રેસની સાથે અકાલી દળને પણ તેમાં જોડાવું પડ્યું અને મંત્રીપદમાંથી રાજીનામું આપવું પડ્યું. કૉંગ્રેસે આંદોલનને થવા દીધું છે."

તેઓ વધુમાં કહે છે, "ગુજરાતમાં ભાજપની સરકાર છે માટે કેન્દ્રમાં ભાજપની સરકારે બનાવેલા કાયદાનો વિરોધ ન થવા દે. બીજું કે છેલ્લાં અનેક વર્ષોથી ગુજરાતમાં શ્રમિકો, ખેડૂતોનાં આંદોલન ઘટી ગયાં છે. આક્રમકતા ગુજરાતના લોકોમાં ઘટી રહી છે."

line

ગુજરાતમાં નબળાં ખેડૂત સંગઠન

ખેડૂત

ઇમેજ સ્રોત, ANI

કૉંગ્રેસના હોવા છતાં પાલ આંબલિયા કહે છે, "ખેડૂત આંદોલન થાય પણ ભાજપ હોય કે કૉંગ્રેસ, બંને માટે આંદોલન સત્તા પરિવર્તન અથવા પોતાનો ગોલ પૂર્ણ કરવા જ હોય છે. સત્તામાં આવ્યા પછી તમામ પક્ષો મુદ્દાઓને છોડી દે છે. પક્ષોએ પોતાના સ્વાર્થ ખાતર ખેડૂતોના વિશ્વાસને તોડવાનું કામ કર્યું છે."

રતનસિંહ ડોડિયા પણ ખેડૂત સંગઠનો અને આગેવાનો પર પાર્ટીઓમાં વહેંચાઈ ગયા હોવાનો આરોપ મૂકે છે.

તેઓ કહે છે, "ગુજરાતનાં સંગઠનો અને આગેવાનો રાજકીય પાર્ટીઓમાં વહેંચાઈ ગયા છે. જેના કારણે આંદોલન ઊભું થતું નથી."

તો સાગર રબારી કહે છે, "ગુજરાતમાં હાલ 150 જેટલાં ખેડૂત સંગઠનો છે, પરંતુ તેમાંથી મોટા ભાગના પ્રમુખ સરકારના મંત્રી હશે અથવા આંદોલન માત્ર સોશિયલ મીડિયાના પ્લેટફૉર્મ પર જ છે."

તેઓ વધુમાં કહે છે કે જિલ્લા પ્રમાણે અનેક વખત સંગઠન બનતાં હોય છે પણ તેના નેતા 5000 ખેડૂતોની રેલી કરે તો તેઓ રેલીનો ઉપયોગ કરીને અંગત કામ કરાવી લે છે. જ્યારે ખેડૂતોની સાચી વાત થાય ત્યારે તે લોકો બહાર આવતા નથી.

વરિષ્ઠ પત્રકાર અજય નાયક કહે છે, "ઉત્તર ભારતના લોકોની પ્રકૃતિ આક્રમક છે. લોકો આંદોલન કરે છે. તેઓ સક્રિય અને આક્રમક હોય છે, જે ગુજરાતના લોકોમાં નથી. સંગઠનો પણ ગુજરાતમાં નબળાં જ છે, જ્યારે પંજાબમાં સરકારનો ટેકો છે."

નાગજીભાઈ ગુજરાતના આંદોલન વિશે કહે છે, "ખેડૂતોનાં આંદોલનો અહીં રાજકીય છે. ગુજરાતમાં સંગઠનો રાજકીય હાથો બન્યાં છે, આથી ખેડૂત સંગઠનો સાથે ખેડૂતો જતા નથી."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો