કોરોના ભારતમાં પેદા થયો હોવાનો ચીનના વૈજ્ઞાનિકોનો દાવો કેટલો સાચો? ફૅક્ટ ચેક

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
આંતરરાષ્ટ્રીય અને નેશનલ મીડિયામાં એક અહેવાલ પ્રકાશિત થયો છે. આ અહેવાલોમાં ટાંકવામાં આવેલા રિસર્ચ પેપરમાં ચીનના સંશોધકોનો દાવો છે કે કોરોના વાઇરસનો ઉદ્ભવ ચીનમાંથી નહીં પણ ભારતમાંથી થયો છે.
જોકે ચીનના સંશોધકોના આ દાવાને અન્ય સંશોધકોએ ફગાવી દીધો છે. વળી વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ દાવાને સમર્થન નથી આપ્યું કે ન તેને ફગાવ્યો છે.
બ્રિટનના અખબાર 'ડેઇલી મેલ', 'નવભારત ટાઇમ્સ' અને અન્ય મીડિયાએ આ સંશોધનના દાવાના સમાચાર પ્રકાશિત કર્યાં છે.
આ સમગ્ર બાબત શું છે એ જાણવા બીબીસીએ પ્રયાસ કર્યો.

શું દાવો કરવામાં આવ્યો છે?

ઇમેજ સ્રોત, @SSRN
એસએસઆરએન એક ઑપન-ઍક્સેસ ઑનલાઇન પ્રિપ્રિન્ટ પ્લૅટફૉર્મ છે. તે સંશોધકોને તેમના શરૂઆતી-પ્રાથમિક સંશોધનો પ્રિપ્રિન્ટ સ્વરૂપે પ્રકાશિત કરવા માટે મંચ પૂરો પાડે છે.
આ પ્લૅટફૉર્મ પર પ્રકાશિત રિસર્ચ પેપરમાં દાવો કરાયો છે કોરોના વાઇરસનો ઉદ્ભવ ચીનના વુહાનમાંથી નહીં પરંતુ ભારતમાંથી થયો હતો.
એટલે તેમનો દાવો છે કે કોરોના વાઇરસ પહેલીવાર ભારતમાંથી વિશ્વમાં ફેલાયો છે.
ચીનની ઍકેડમી ઑફ સાયન્સીઝના સંશોધકોની એક ટીમનું કહેવું છે કે કોરોના વાઇરસ સંભવત: વર્ષ 2019ના ઉનાળામાં ભારતમાં પેદા થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનું કહેવું છે કે વાઇરસ જાનવરોમાંથી થઈને ગંદા પાણી મારફતે મનુષ્ય સુધી પહોંચી ગયો. ત્યાર પછી તે ભારત થઈને ચીનના વુહાન પહોંચ્યો અને ત્યાં તે વાઇરસની ઓળખ થઈ.
જોકે અત્રે નોંધવું કે આ દાવાની ચીનની સરકાર કે વિશ્વ આરોગ્ય સંસ્થા કે અન્ય કોઈ પણ સત્તાવાર સંસ્થાએ પુષ્ટિ નથી કરી કે ન સમર્થન કર્યું છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચીનમાં ડિસેમ્બરમાં વાઇરસના ફેલાવા બાદ તપાસ માટે તેમની ટીમ મોકલી હતી. આ ટીમ તેના ઉદ્ભવ અને અસરો તથા શરૂઆતી સ્વરૂપો ઉપરાંત તે ક્યાંથી આવ્યો તેની તપાસ કરી રહી છે.

ઇમેજ સ્રોત, Getty Images
હજુ સુધી ડબ્લ્યુએચઓ દ્વારા કોરોના વાઇરસના ઉદ્ભવ સ્થાન વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.
તદુપરાંત ચીનના સંશોધકોનું એવું પણ કહેવું છે કે ભારતની 'નબળી આરોગ્ય વ્યવસ્થા અને વસ્તી યુવાન હોવાથી કોરોના વાઇરસ ઘણા લાંબા સમય સુધી પકડમાં ન આવ્યો અને લોકોને સંક્રમિત કરતો રહ્યો.'
પેપરમાં ફિલોજિનેટિક વિશ્લેષણ (કોરોના વાઇરસના મ્યૂટેટ થવાની રીતનો અભ્યાસ)નો આધાર આપવામાં આવ્યો છે. જેથી કોરોના વાઇરસના સ્રોત માલૂમ કરી શકાય.
અન્ય કોશિકાઓની જેમ વાઇરસ પણ સ્વરૂપ બદલે છે અને ફરી પેદા થાય છે. આ દરમિયાન તેમના ડીએનએમાં મામૂલી ફેરફાર આવે છે.
ચીનના વૈજ્ઞાનિકોની દલીલ છે કે જે વાઇરસ ઘણા ઓછા સ્વરૂપ બદલે છે તેને ઓળખીને જાણી શકાય છે કે વાઇરસનો સ્રોત શું છે.
સંશોધકોએ દલીલ કરી કે તેમની તપાસ અનુસાર વાઇરસ બાંગ્લાદેશ, અમેરિકા, ગ્રીસ, ઑસ્ટ્રેલિયા, ભારત, ઇટાલી, ચૅક રિપબ્લિક, રશિયા અથવા સર્બિયામાં પેદા થયો હોય એવી શક્યતા છે.
પણ તેમનું કહેવું છે કે ભારત અને બાંગ્લાદેશમાં ઓછા મ્યૂટેશનવાળા નમૂના મળ્યા છે અને તે ચીનના પાડોશી દેશ છે આથી શક્ય છે કે સંક્રમણ અહીં જ સૌપ્રથમ શરૂ થયું હશે.
તેમનો એવો પણ દાવો છે કે આ દેશોમાંથી લેવાયેલા નમૂના અને અને મ્યૂટેશનમાં લાગેલા સમયને ધ્યાને લેતા કોરોના વાઇરસ વર્ષ 2019માં જુલાઈ અથવા ઑગસ્ટમાં ફેલાયો હશે.
પરંતુ બ્રિટનની ગ્લાસગો યુનિવર્સિટીના એક નિષ્ણાત ડેવિડ રોબર્ટસને ડેઇલી મેલને કહ્યું કે આ સંશોધનમાં ઘણી ભૂલ અને ક્ષતિ છે. કોરોના વાઇરસ વિશેની આપણી સમજમાં તે જરાય વૃદ્ધિ નથી કરતું.
જોકે આ પહેલી વખત એવું નથી બન્યું કે ચીને વાઇરસના ઉદ્ભવ મામલે બીજા કોઈ દેશનું નામ લીધું છે. અગાઉ તે અમેરિકા અને ઇટાલી વિશે પણ આવી બાબતો કહી ચૂક્યું છે.

કોરોના વાઇરસ ખરેખર ફેલાયો ક્યાંથી?

ઇમેજ સ્રોત, Getty Images
કોરોના વાઇરસ (કોવિડ-19)ના શરૂઆતી ફેલાવા વિશે વિશ્વ આરોગ્ય સંસ્થાનું અત્યાર સુધી જે વલણ રહ્યું છે તેમાં કહેવાયું છે કે વિશ્વમાં સૌપ્રથમ આ વાઇરસ અને તેનાથી થતી બીમારીની જાણકારી ચીનમાંથી મળી હતી.
આ વાઇરસનું મનુષ્યથી મનુષ્યમાં ફેલાવાની ઘટના અને પુરાવા ચીનના હુબેઈ પ્રાંતના વુહાનમાંથી મળ્યા હતા.
વાઇરસને લીધે સંક્રમણનો પહેલો કેસ અને મૃત્યુ પણ ચીનમાંથી જ નોંધાયાં હતાં. વુહાનના મ્યુનિસિપલ હેલ્થ કમિશને તેને રિપોર્ટ કર્યાં હતાં. અને આખરે નોવેલ કોરોના વાઇરસની ઓળખ થઈ હતી.
વિશ્વ આરોગ્ય સંસ્થાના સત્તાવાર નિવેદન અનુસાર 31મી ડિસેબર-2019ના રોજ તેમને ચીનની ઑફિસ દ્વારા આ મામલે સૌપ્રથમ રિપોર્ટ મળ્યો હતો.
3જી જાન્યુઆરીના રોજ ચીનમાં કુલ 44 વ્યક્તિઓ ન્યૂમોનિયાની ફરિયાદ સાથે દાખલ થયા હતા. જેમાંથી 11 ખૂબ જ ગંભીર હાલતમાં હતા.

ઇમેજ સ્રોત, Getty Images
વિવિધ અહેવાલો અનુસાર શરૂઆતમાં ન્યૂમોનિયા સાથેના કેસો ચીનમાં જોવા મળ્યા હતા અને તે ડિસેમ્બર મહિનામાં જોવા મળ્યા હતા.
જોકે અહેવાલ અનુસાર વુહાનના એક પશુબજારમાંથી વાઇરસ ફેલાયો હોવાની ધારણા બાંધવામાં આવી હતી. જેથી 1લી જાન્યુઆરી-2019ના રોજ તેને બંધ કરી દેવાયું હતું.
નિવેદનમાં એવું પણ કહેવાયું હતું કે બજારમાં કામ કરતા વેપારીઓમાં લક્ષણો જોવા મળ્યાં હતાં. પરંતુ ચીનની તપાસકર્તાઓની ટીમનું કહેવું હતું કે પ્રાથમિક ધોરણે મનુષ્યથી મનુષ્યમાં વાઇરસ ફેલાવાના કોઈ પુરાવા નહોતા મળ્યા.
5મી જાન્યુઆરીના રોજ ડબ્લ્યુએચઓએ સમાચાર પ્રકાશિત કર્યા હતા. તેમાં ચીને તેમને વાઇરસ મામલે શું રિપોર્ટ કર્યું હતું અને દર્દીઓની સ્થિતિ વિશેની માહિતી આપવામાં આવી હતી.
વળી 10મી જાન્યુઆરીએ સંસ્થાએ સમગ્ર વિશ્વને વાઇરસને ઓળખવા માટે અને તેની સામે સુરક્ષિત રહેવા માટેની સલાહ પણ જાહેર કરી દીધી હતી.

ઇમેજ સ્રોત, XAVIER GALIANA
સૌથી અગત્યની વાત એ છે કે ચીને ખુદ 12મી જાન્યુઆરીએ કોવિડ-19નો જનીનકોડ વિશ્વ સાથે શૅર કર્યો હતો. તેના બીજા જ દિવસે ચીન બહાર કોવિડ-19નો વિશ્વમાં સૌથી પહેલો કેસ થાઇલૅન્ડમાં નોંધાયો હતો.
ચીનના વુહાન ગયેલી ટીમે 22મી જાન્યુઆરીએ એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે વુહાનમાં વાઇરસ એક મનુષ્યથી બીજા મનુષ્યમાં ફેલાય છે તેના પુરાવા મળ્યા છે પરંતુ તેના ફેલાવાના વ્યાપને સમજવા માટે વધુ સંશોધન અને તપાસની જરૂર છે.
વળી 30મી જાન્યુઆરીએ ડબ્લ્યુએચઓએ કોરોનાવાઇરસ (કોવિડ-19)ને આતંરરાષ્ટ્રીય સ્તરની જાહેર આરોગ્ય આપદા જાહેર કરી દીધી હતી. ડબ્લ્યુએચઓના ડિરેક્ટર-જનરલે આ જાહેરાત કરી હતી.
અત્રે નોંધવું કે ભારતમાં કોરોના વાઇરસ સંક્રમણનો સૌપ્રથમ સત્તાવાર કેસ પણ આ જ દિવસે એટલે કે 30મી જાન્યુઆરી-2019ના રોજ નોંધાયો હતો.
આરોગ્ય મંત્રાલય અનુસાર ચીનની વુહાન યુનિવર્સિટીથી આવેલી વિદ્યાર્થિનીને સંક્રમણ થયું હતું. તેમનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો.
ભારતમાં કેરળમાં સૌપ્રથમ પહેલો કેસ નોંધાયો હતો. અને તેમની ટ્રાવેલ હિસ્ટ્રી ચીનના વુહાનની જ હતી. જ્યારે બીજી તરફ ચીન ખુદ 8મી ડિસેમ્બરે પોતાને ત્યાં સંક્રમણની બાબત નોંધાઈ હોવાની વાત ભૂતકાળમાં કરી ચૂક્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images
જોકે ડેઇલી મેલના એક અહેવાલ અનુસાર નવા સંકેતો મળ્યા છે તેમાં અન્ય શહેરોમાં વાઇરસ પહેલાથી હાજર હોવાના દાવા પણ મળ્યા છે. પરંતુ તેમાં કોઈ પણ એશિયન દેશ કે ભારત સામેલ નથી.
આમ સત્તાવાર જાહેરાતો અને અત્યાર સુધીના ઘટનાક્રમ દર્શાવે છે કે ચીનમાં નોંધાયેલા કોરોના વાઇરસના કેસના એક મહિનાથી પણ વધુ સમય બાદ ભારતમાં કોરોના વાઇરસનો પહેલો કેસ નોંધાયો હતો.
તો સવાલ એ થાય કે જે દાવો કરવામાં આવ્યો છે એ સંશોધકો અને તેમના પેપરની સત્યતા કેટલી છે?

ઇમેજ સ્રોત, Getty Images
સંશોધન પેપર વિશેની સામાન્ય બાબતો વિશે વધુ જાણવા બીબીસીએ પ્રયાસ કર્યો.
જેમાં પબ્લિક હેલ્થ સાથે સંકળાયેલી સુરતની સ્મિમેર હૉસ્પિટલના ડૉ. નિરાલી મહેતા અનુસાર ઉપરોક્ત રિસર્ચ પેપર પ્રાથમિક તબક્કામાં છે. એટલે તે સાચું છે કે ખોટું તે હાલ તુરંત ન કહી શકાય.
તેમણે સંશોધન પેપરના સામાન્ય અર્થઘટન વિશે કહ્યું, "જે પેપર મૂકવામાં આવ્યું છે તેની ઉપર એસએસઆરએન પ્લૅટફૉર્મે પણ નોટિસ લખી છે કે આ એક પ્રિપ્રિન્ટ પેપર છે અને પ્રાથમિક સંશોધન છે. તે જાહેર આરોગ્ય કે સામાન્ય વર્ગની વ્યક્તિ કે સરકાર માટે કોઈ પણ પ્રકારના આધાર માટે લાયક નથી."
"વળી તેનો પિઅર-રિવ્યૂ નથી થયો એટલે કે આ ક્ષેત્રના અન્ય તજજ્ઞો દ્વારા તેની સમીક્ષા નથી થઈ. એટલે આ દાવા વિશે હાલ કંઈ જ કહી ન શકાય."
સંશોધન પેપરમાં ભારતમાંથી વાઇરસ ફેલાયો હોવાનો જે તર્ક અપાયો છે તે બાબત વિશે વધુ જણાવતા ડૉ. નિરાલી કહે છે, "તેમાં (રિસર્ચ પેપરમાં) દલીલ કરવામાં આવી છે કે વુહાનમાં વાઇરસની જે મ્યૂટેશનની સ્ટ્રેન જોવા મળી છે તે ભારત અને અન્ય દેશો કરતાં ઓછી છે. તેમાં ઓછી વૈવિધ્યતા છે."
"તેમાં કહેવાયું છે કે જો વુહાનમાંથી વાઇરસ વિશ્વમાં ફેલાયો હોય તો મોટાભાગે તે જ સ્ટ્રેનના વાઇરસ વિશ્વમાં વધુ જોવા મળે. પરંતુ તેમનો દાવો છે કે ભારતમાં સ્ટ્રેન વધારે છે એટલે તે ભારતમાંથી પણ ફેલાયેલો હોઈ શકે."
તેમણે પેપરની જટિલ બાબત વિશે કહ્યું, "આ ખૂબ જ જટિલ વિષયવસ્તુ છે. તેમના આધાર અને તર્ક પણ જટિલ છે. એટલે તેની સત્યતા વિશે કંઈ કહી ન શકાય. પરંતુ તે માત્ર પ્રાથમિક તબક્કાનું એક સંશોધન છે જેને હજુ સુધી પ્રમાણિત નથી કરાયું અને તે સત્તાવર રીતે પ્રકાશિત નથી થયું."

કોરોના વાઇરસ મુદ્દે આરોપ-પ્રત્યારોપ

ઇમેજ સ્રોત, Getty Images
આ પહેલી વખત નથી કે કોરોના વાઇરસ મામલે એક દેશ બીજા દેશ પર આરોપ લગાવી રહ્યો છે.
ભૂતકાળમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કોરોના વાઇરસને ચીનનો વાઇરસ ગણાવ્યો હતો અને તે ચીનમાં જ પેદા થયો હોવાનો દાવો અને આરોપ કર્યો હતો.
બીજી તરફે ચીને આ દાવાઓ ફગાવી દીધા હતા. જોકે ચીનની સામ્યવાદી સરકાર પર પણ આરોપો લાગ્યા હતા કે તેમણે એવો આડકતરો પ્રચાર કરાવ્યો છે કે કોરોના વાઇરસ ચીનમાં બહારથી લાવવામાં આવ્યો હતો.
દરમિયાન હજુ સુધી કોરોના વાઇરસ શેમાંથી પેદા થયો અને પહેલા ક્યાંથી ફેલાયો તે વિશેની તપાસ ચાલી રહી છે.
આ સમગ્ર બાબતે અમે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર-જનરલ બલરામ ભાર્ગવાનો મત અને તેમનું શું કહેવું છે કે તે જાણવાનો પણ પ્રયાસ કર્યો. પરંતુ સંપર્ક થઈ શક્યો નથી.
તેમનો મત પ્રાપ્ત થયા બાદ તેને સામેલ કરી લેવામાં આવશે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે વિશ્વમાં હાલ કુલ સંક્રમણ કેસની સંખ્યા 6.1 કરોડથી પણ વધુને સ્પર્શી ગઈ છે. અને અમેરિકા તેમાં પહેલા ક્રમે જ્યારે ભારત બીજા ક્રમે છે. જ્યારે ચીન 92586 કેસ સાથે યાદીમાં ઘણા નીચલા ક્રમે છે.
જોકે ચીન પર આંકડા જાહેર કરવામાં ગેરરીતિ આચરી હોવાના આરોપ પણ લાગેલાં છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












