IND Vs AUS : ઋષભ પંત, શુભમન ગિલ, શાર્દૂલ ઠાકુર, વૉશિંગ્ટન સુંદર અને મોહમ્મદ સિરાઝ આ રીતે બન્યા ટીમ ઇન્ડિયાની શાન

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, વરિષ્ઠ રમતગમત પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
બ્રિસબેન ખાતેની ચોથી ટેસ્ટ મૅચમાં ભારતે યજમાન ઑસ્ટ્રેલિયા પર યાદગાર વિજય હાંસલ કર્યો.
આ સાથે જ ભારતે ચાર ટેસ્ટ મૅચની સિરીઝ 2-1થી જીતી લીધી તથા બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી પર કબજો કર્યો છે.
ઑસ્ટ્રેલિયા ખાતે ભારતને મોહમ્મદ સિરાજ, વૉશિંગ્ટન સુંદર, ટી. નટરાજન તથા હનુમા વિહારી તથા નવદીપ સૈની સ્વરૂપે આશાસ્પદ ખેલાડીઓ મળ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને ચોથી ટેસ્ટમાં વિજય સાથે પ્રવાસની પૂર્ણાહૂતિ કરી છે, પરંતુ આ યાત્રાએ અનેક ખેલાડીઓની કારકિર્દીમાં નવા પ્રકરણની શરૂઆત કરી છે.

અનુભવીઓનું 'આવજો', નવોદિતોની ઍન્ટ્રી

ઇમેજ સ્રોત, Getty Images
સમગ્ર પ્રવાસ દરમિયાન ભારતની સમસ્યા ઇજાગ્રસ્તોની રહી હતી. પ્રવાસનો પ્રારંભ થાય તે અગાઉ તો ઇશાંત શર્મા ઘાયલ થયા, ત્યારબાદ રોહિત શર્મા સમગ્ર સિરીઝ રમી શક્યા નહીં. માત્ર બે જ ટેસ્ટ રમવા માટે સિડની પહોંચ્યા.
મોહમ્મદ શમી અને ઉમેશ યાદવને ઘાયલ થઈને પરત ફરવું પડ્યું, તો લોકેશ રાહુલની પણ વતનવાપસી થઈ ગઈ. આ ઉપરાંત કૅપ્ટન વિરાટ કોહલીનું પહેલી ટેસ્ટ બાદ ભારત પુનરાગમન થયું, કારણ કે તેમનાં પત્ની અનુષ્કા માતા બનવાનાં હતાં.
આ ઉપરાંત પણ કેટલાક ખેલાડી ઘાયલ થયા. ચોથી ટેસ્ટ શરૂ થઈ તે અગાઉ તો એવી હાલત હતી કે જસપ્રિત બુમરાહ, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, હનુમા વિહારી પણ ટીમની બહાર થઈ ગયા. એકસાથે આટલી મોટી સંખ્યામાં ભારતે ક્યારેય ઈજાગ્રસ્તોની યાદી જોઈ નહીં હોય.
બૉલર્સને વિશેષ મદદરૂપ થતી બ્રિસબેનના ગાબા ક્રિકેટ ગ્રાઉન્ડની પિચ ઉપર બુમરાહ અને અશ્વિન રમતા ન હોય, ત્યારે ભારતની કેવી હાલત થશે તેની કલ્પના પણ કરી શકાતી ન હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
જોકે 'અભિશાપમાં આશીર્વાદ'ની કહેવત સાચી પડી. અહીં જ ભારતની બેન્ચ સ્ટ્રૅન્થ કામમાં આવી ગઈ. ભારતના નવોદિતો અથવા તો ઓછો અનુભવ ધરાવતા ખેલાડીઓએ એવું પ્રદર્શન કર્યું કે આ પ્રવાસ યાદગાર સાબિત થયો.
સામાન્ય રીતે હરીફ ટીમની સામે મેદાન ઉપરાંત માનસિક રમત રમવા માટે જાણીતા એવા કાંગારું ખેલાડીઓ પણ અવાચક થઈ ગયા. મહાન લૅગ-સ્પિનર શેન વૉર્ન અને રિકી પૉન્ટિંગે પણ ભારતના નવયુવાનોની પ્રશંસા કરવી પડી.
શેન વૉર્ને તો સિરીઝ પૂરી થવાની રાહ પણ જોઈ નહીં અને જાહેર કરી દીધું હતું કે પરિણામનો સ્કોર ગમે તે રહે, પણ આ સિરીઝમાં માનસિક રીતે ભારતનો વિજય થયો છે. વૉર્નના કહેવાનો અર્થ એ હતો કે ભારતનું પલ્લું ભારે રહ્યું છે.
આ સિરીઝમાં ભારતની નવી શોધ વિશે વાત કરીએ તો મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, વૉશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, શુભમન ગિલ, હનુમા વિહારીએ પ્રભાવિત કર્યા છે.
બ્રિસબેનના ગાબા ખાતે 1988 બાદ ઑસ્ટ્રેલિયા ક્યારેય હાર્યું ન હતું. આ મેદાન પર છેલ્લાં 32 વર્ષમાં માત્ર ત્રણ જ એવી ટેસ્ટ રહી છે કે જેમાં હરીફ કે પ્રવાસી ટીમ ઑસ્ટ્રેલિયાને મૅચના બંને દાવમાં આઉટ કરી શકી હોય. આ સિદ્ધિ વર્તમાન ટીમના બૉલરોએ હજી સોમવારે જ નોંધાવી હતી.
મોહમ્મદ સિરાજ અને શાર્દૂલ ઠાકુરે મળીને ઑસ્ટ્રેલિયન ટીમના બીજા દાવની નવ વિકેટ ખેરવી હતી. આવી જ રીતે પ્રથમ દાવમાં ટી. નટરાજન, શાર્દૂલ ઠાકુર અને વૉશિંગ્ટન સુંદરે ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી.
આ સિરીઝની ભારતની શાનદાર સફળતા એટલે કેટલાક નવોદિતોનું આગમન કહી શકાય. આવા જ કેટલાક ખેલાડી વિશે વાત કરીએ.

મોહમ્મદ સિરાજ

ઇમેજ સ્રોત, Icc twitter
હૈદરાબાદના આ બૉલરનું નામ આમ તો ભારતીય ક્રિકેટમાં સાવ નવું નથી, પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ચોક્કસથી નવું છે. 2017માં રાજકોટ ખાતે તે ન્યૂઝીલૅન્ડ સામે ટી-20 મૅચ રમી હતી, પરંતુ ટેસ્ટ ટીમમાં પ્રવેશ માટે ત્રણેક વર્ષની રાહ જોવી પડી હતી.
આઈ.પી.એલ. (ઇન્ડિયન પ્રીમિયર લિગ)માં રૉયલ ચૅલેન્જર્સ બૅંગલોર વતી રમતી વેળાએ વિરાટ કોહલીની નજરમાં આવ્યા હતા અને તેમને ભારતીય ટીમમાં લાવવામાં કોહલીએ મહત્વની ભૂમિકા અદા કરી હતી.
બ્રિસબેન ટેસ્ટ અગાઉ બુમરાહ ઘાયલ થતાં માત્ર બે ટેસ્ટનો અનુભવ ધરાવનાર સિરાજ ઉપર અચાનક જ ભારતીય બૉલિંગ આક્રમણમાં 'સિનિર બૉલર' તરીકેની જવાબદારી આવી પડી. સિરાજે ગાબા ખાતે પાંચ વિકેટ ખેરવીને સૌને પ્રભાવિત કરી દીધા હતા.
બે વર્ષ અગાઉ ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા ગઈ ત્યારે સિરાઝે વન-ડેમાં પદાર્પણ કર્યું હતું. જોકે ભારતના મહત્ત્વના બૉલર શમી અને ઉમેશ યાદવ ઘાયલ થયા ન હોત તો કદાચ સિરાજને ટેસ્ટ રમવાની તક સાંપડી ન હોત. પરંતુ અત્યારે તે ટીમના સ્ટ્રાઇક બૉલર બની ગયા છે.

ટી. નટરાજન

ઇમેજ સ્રોત, NATARAJAN TWITTER
તામિલનાડુના આ બૉલર પાસે તો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો પણ પૂરતો અનુભવ ન હતો, પરંતુ આ વખતે યુનાઇટેડ આરબ અમિરાતમાં યોજાયેલી આઈ.પી.એલ.માં પ્રભાવશાળી દેખાવ કરી લાઇમલાઇટ હાંસલ કરી હતી.
નટરાજનની ખાસિયત તો એ રહી કે તેમને એક જ પ્રવાસમાં ત્રણેય પ્રકારનાં ફૉર્મેટમાં ભારત માટે રમવાનો અનુભવ મળ્યો. આ જ પ્રવાસમાં અગાઉ તેમણે વન-ડે અને ટી-20 કારકિર્દીનો પ્રારંભ કર્યો અને હવે તેમને ટેસ્ટ મૅચમાં રમવાનો અનુભવ મળ્યો.
મેરનસ લબુશેન અને સ્ટિવ સ્મિથ સામે જે રીતે આ બૉલરે બૉલિંગ કરી હતી તે ખરેખર ધારદાર કહી શકાય તેવી હતી. ઑસ્ટ્રેલિયન ટીમમાં આ બે બૅટ્સમૅન સામે બૉલિંગ કરીને કોઈ બૉલર ફાયદામાં રહે તેવું ભાગ્યે જ બનતું હોય છે.
ચેન્નાઈ નજીકના ગામમાંથી એક સાવ સામાન્ય પરિવારમાંથી આવતો નટરાજન ડાબોડી ઝડપી બૉલર છે. એવી કહેવાય કે ઝહીર ખાન બાદ ભારતને આટલો પ્રતિભાશાળી લૅફ્ટ આર્મ પેસર મળ્યો નથી. સિરાઝ અને શાર્દૂલ ઠાકુર સાથે જે રીતે નટરાજને તાલમેલ બનાવ્યો છે તે પણ લાજવાબ છે.

વૉશિંગ્ટન સુંદર

ઇમેજ સ્રોત, Icc twitter
ભારતને છેલ્લા કેટલાક સમયથી સારા ઑલરાઉન્ડર ખેલાડીની ખોટ સાલી રહી છે. હાર્દિક પંડ્યા નિયમિત રીતે ટેસ્ટ ટીમ માટે ઉપલબ્ધ નથી બનતા, તો રવીન્દ્ર જાડેજા ઘાયલ છે તેવા સંજોગોમાં ટીમ મૅનેજમૅન્ટની નજર સ્વાભાવિકપણે જ સુંદર પર પડે.
આઈ.પી.એલ.માં અગાઉ પોતાનો પ્રભાવ દાખવી ચૂકેલા વૉશિંગ્ટન સુંદર કદાચ આ ટીમના સૌથી યુવાન ક્રિકેટર છે. એક તરફ સિરાઝ અને નટરાજને બૉલિંગમાં કમાલ કરી તો સુંદરે બૉલિંગ ઉપરાંત બૅટિંગમાં શાનદાર દેખાવ કર્યો હતો.
ઑસ્ટ્રેલિયાના 369 રનના સ્કોરથી ભારતને નજીક પહોંચાડવામાં સુંદર અને શાર્દૂલ ઠાકુર વચ્ચેની સદીની ભાગીદારી જવાબદાર હતી. બ્રિસબેનના ગ્રાઉન્ડ પર અગાઉ ભારત તરફથી સાતમી વિકેટ માટે ક્યારેય આટલી મોટી ભાગીદારી નોંધાઈ ન હતી.
વૉશિંગ્ટન સુંદર ઑલરાઉન્ડર છે, પરંતુ તેમની બેટિંગ જોયા બાદ એમ લાગે કે તે નિયમિત બૅટ્સમૅન છે. એ દિવસે તેમણે 67 રન ફટકાર્યા ત્યારે તેના પિતાનું રીઍક્શન એ હતું કે 'તેણે સદી સુધી પહોંચવાની જરૂર હતી.'
ગમે તે હોય પણ ભારતને વૉશિંગ્ટન સુંદરના રૂપમાં એક એવા ઑલરાઉન્ડર ખેલાડી મળ્યા છે જેઓ ટીમનો ધબડકો અટકાવી શકે છે.

નવદીપ સૈની

ઇમેજ સ્રોત, ICC TWITTER/ANI PHOTO
ભારતની ટી-20 ટીમમાં સૈનીનું નામ નવું નથી, પરંતુ ટેસ્ટ ટીમમાં તેઓ નવા જરૂર છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ કે પસંદગીકારો જે નવી ફોજ તૈયાર કરી રહ્યા છે, તેમાં એક જવાન તરીકે નવદીપ સૈની પણ સામેલ છે.
સૈની કદાચ અન્ય નવોદિતો જેટલા ઝંઝાવાતી દેખાતા નથી, પરંતુ તેમનામાં અદભુત સ્કીલ છે. બૉલને સ્વિંગ કરવામાં તેઓ અન્ય તમામને પાછળ રાખી દે છે.
જસપ્રિત બુમરાહ બાદ સૌથી ઘાતક કોઈ બની શકે તેમ હોય તો તે નવદીપ સૈની છે. તેમણે આઈ.પી.એલ.માં ઘણી વાર આ પ્રકારના ચમકારા દાખવેલા છે.

હનુમા વિહારી

ઇમેજ સ્રોત, ICC TWITTER/ANI PHOTO
વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતની મિડલ ઑર્ડર બૅટિંગ નબળી પડી જણાતી હતી. સિડની ખાતે 2021ના વર્ષની પહેલી જ ટેસ્ટમાં ભારતનો પરાજય નિશ્ચિત જ લાગતો હતો.
ઋષભ પંતે આક્રમક બેટિંગ કરીને ટીમને ટાર્ગેટથી નજીક પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની વિકેટ પડ્યા બાદ ભારત હારની અણી પર હતું, ત્યારે હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિને મળીને ટીમને પરાજયમાંથી ઉગારી હતી.
2018માં ઇંગ્લૅન્ડના પ્રવાસ દરમિયાન વિહારીએ તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો એટલે વર્તમાન ટીમના નવદિતોની માફક તેમને સાવ બિનઅનુભવી કહી શકાય નહીં, પરંતુ સિડની ટેસ્ટમાં સાડા ચાર કલાક સુધી બેટિંગ કરીને ઑસ્ટ્રેલિયન બૉલિંગ આક્રમણનો સામનો કરીને વિહારીએ પોતાની હાજરીની નોંધ લેવડાવી છે.
તેમણે આ પ્રદર્શન દ્વારા એ વાતની ખાતરી કરાવી દીધી છે કે ભારતીય ક્રિકેટનું ભવિષ્યમાં યુવાન પેઢીના હાથમાં સુરક્ષિત છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












