ચીન : વિકાસની હરણફાળ છતાં યુવાવર્ગ ‘નિરાશા’માં કેમ ધકેલાઈ ગયો છે?

ઇમેજ સ્રોત, YVES DEAN/GETTY IMAGES
- લેેખક, ફૅન વાંગ અને યિત્સિંહ વાંગ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
ચીનમાં સારી સ્કૂલમાં ઍડમિશન લેવાની વાત હોય કે પછી ઇજ્જતદાર નોકરીની, માણસ પેદા થતાં જ એક પ્રકારની રેસમાં દોડવા લાગે છે.
પણ નવયુવાન પેઢી જે રીતે નિરાશાનો સામનો કરી રહી છે, એ જોતાં હવે લાખો લોકો આ સિલસિલાને તોડવા માગે છે.
જ્યારે સન કેએ વર્ષ 2017માં કૉલેજમાં ગ્રૅજ્યુએશન પૂરું કર્યું પછી તેઓ પોતાનાં સપનાંને પૂરાં કરવાં માટે શાંઘાઈ ચાલ્યા હતા. સારી કૅરિયર, ગાડી અને એટલે સુધી કે એક ઘર પણ, તેમની પેઢીમાં આ સપનું તમામ નવયુવાનોનું હોય છે.
27 વર્ષીય આ યુવકને ત્યારે ખબર નહોતી કે તેમનાં સપનાંની રાહમાં અનેક મુશ્કેલીઓ છે. સન કેનાં માતાપિતાને બધું એકડેએકથી શરૂ કરવું પડ્યું હતું અને તેઓ એ કરી શક્યાં હતાં. શાંઘાઈ પાસેના એક નાના શહેરમાં તેમનાં માતાપિતા પાસે ઘણી સંપત્તિ છે.
વર્ષ 2018માં સન કેએ પોતાનો રેસ્ટોરાંનો કારોબાર શરૂ કર્યો. પણ બહુ ઝડપથી તેમને ખ્યાલ આવ્યો કે આ ધંધા પર મોટી બ્રાન્ડ્સ અને ડિલિવરી પ્લૅટફૉર્મનો દબદબો છે અને આ ધંધામાં તેઓ મોડા પડ્યા છે.
સન કે કહે છે, "ડિલિવરી ઍપ પર અન્ય આઉટલેટ્સ સાથે પ્રતિસ્પર્ધા કરવામાં મારા બિઝનેસ પાર્ટનર અને મારે પોતાના ખિસ્સામાંથી ડિલિવરી ફી ભરવી પડતી હતી, જેથી ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપી શકાય. અને આ બધા વચ્ચે મોટી બ્રાન્ડ્સ જ પૈસા બનાવી રહી હતી."

ચીનની 'નિરાશ' પેઢી

ઇમેજ સ્રોત, GETTY IMAGES
બે વર્ષ બિઝનેસ કર્યા બાદ સન કેને આ ધંધામાં દસ લાખ યુઆન (ભારતીય ચલણમાં 1,12,81,759 રૂપિયા)નું નુકસાન થઈ ચૂક્યું હતું. આખરે છેલ્લા વર્ષે તેમણે આ ધંધો સમેટી લીધો.
સન કેનું કહેવું છે કે તેઓ 'નિરાશ' થઈ ગયા છે, જેવું ચીનમાં તેમની પેઢીના અન્ય નવયુવાનો સાથે થઈ રહ્યું છે. ચીની ભાષામાં તેના માટે એક શબ્દ 'નેઈજુઆન' ખાસ ઉપયોગમાં લેવાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'નેઈજુઆન' શબ્દનો અર્થ એ સામાજિક અવધારણા સાથે પણ છે, જ્યાં જનસંખ્યા વૃદ્ધિથી ન તો ઉત્પાદકતા વધી રહી છે અને ન તો નવી રીત કે નવી ટેકનિક વિકસિત થઈ રહી છે. ચીનમાં આજકાલ આ શબ્દનો ઉપયોગ 'નિરાશ' થઈ ગયેલા નવયુવાનો માટે પણ કરવામાં આવે છે.
ચીનમાં આ ચલણ સૌથી ઉચ્ચ ગણાતાં યુનિવર્સિટી કૅમ્પસોમાં છેલ્લા વર્ષે ત્યારે શરૂ થયું જ્યારે કઠોર મહેનત કરનારા વિદ્યાર્થીઓની તસવીરો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ.
ગત વર્ષે વાઇરલ થયેલી તસવીરોમાં એક ટીશિંગહુઆ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીનો ફોટો હતો, જેમાં તેઓ સાઇકલ ચલાવતાં સમયે લેપટૉપ પર પણ કામ કરતા જોવા મળ્યા હતા. આ વિદ્યાર્થીને 'ટીશિંગહુઆનો નેઈજુઆન કિંગ' કહેવાયો હતો.

'સુંદર દિવસો' જતા રહ્યા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ચીનના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ વીબો પર આ મોટો ટ્રેન્ડ રહ્યો અને તેની સાથે જોડાયેલા હૅશટૅગને એક અબજથી વધુ વાર જોવાયા. આ શબ્દ ગત વર્ષે ચીનના દસ સૌથી પ્રચલિત શબ્દોમાં પણ સામેલ થયો હતો.
ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર બિયાઓ શિયાંગ કહે છે, "ચીનના નવયુવાનોને આજે પણ એ લાગે છે કે જો તેઓ કઠોર મહેનત નહીં કરે કે પ્રતિસ્પર્ધાઓમાં ભાગ નહીં લે તો સમાજ તેમનો બહિષ્કાર કરશે. પણ અનેક પ્રયાસો છતાં તેઓ સફળતા થતા જોવા મળતા નથી."
સન કે કહે છે, "અમારાં માતાપિતાની પેઢીને પણ પડકારોનો સામનો કરવો પડ્યો હતો, પણ તેમની પાસે તકો પણ હતી. બધું નવું હતું. જ્યાં સુધી તમારી પાસે નવા વિચાર અને તેના પર આગળ વધવાની હિંમત હતી, ત્યારે સફળતાની ઘણી શક્યતા હતી."
એવું નથી આ અવધારણા માત્ર ચીનમાં લાગુ છે. મોટા ભાગના વિકસિત દેશોમાં એક પેઢી આ જ સ્થિતિમાંથી પસાર થઈને સફળતાનો સ્વાદ ચાખી ચૂકી છે. પણ ચીનની એ સમસ્યા છે કે તેના એ 'સુંદર દિવસો' એટલા ઝડપથી પસાર થઈ ગયા કે લોકોનાં મનમાં તેની યાદો તાજી છે.
એનો મતલબ એ થયો કે સન કે જેવા નવયુવાનોની પેઢી પોતાનાં માતાપિતાની સફળતાના સાક્ષી છે. તેમણે એ જોયું છે કે કેવી રીતે તેમનાં માતાપિતા શૂન્યથી શરૂ કરીને સફળ થયાં છે.

ધનિક લોકો સામે નિરાશા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
બર્કલેસ્થિત યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયામાં લેક્ચરર ડૉક્ટર ફાંગ શૂ કહે છે, "તેમનાં માતાપિતા કે પડોશી, જે બની શકે કે ઉંમરમાં તેમનાથી દસ વર્ષ જ મોટા હોય, આ ધંધામાં ઘણી કમાણી કરી ચૂક્યા છે. પણ હવે એ દરવાજો બંધ થઈ ગયો છે. નવી પેઢી સામે હવે પહેલાં જેવી સંભાવનાઓ નથી."
અબજોપતિની સંખ્યાની દૃષ્ટિએ ચીન દુનિયાનો બીજો સૌથી મોટો દેશ છે. પણ તેની સાથે દેશમાં 60 કરોડ લોકો એવા પણ છે, જેમની માસિક આવક માત્ર 1000 યુઆન (ભારતીય ચલણમાં 11,418 રૂપિયા) છે.
ચીનમાં ગરીબી અને અમીરી વચ્ચે જે ખાઈ છે, તેના કારણે નવયુવાન લોકોમાં પોતાની નિયુક્તિ કરનાર સામે અસંતોષની ભાવના વધી રહી છે. નવયુવાન પેઢીને એવું લાગે છે કે તેમનો સંઘર્ષ ટોચ પર બેસેલો લોકો સમજી શકતા નથી.
'હાર્પર્સ બાઝાર ચાઇના'નાં પૂર્વ સંપાદક અને કારોબારી સુ મૅંગે જ્યારે એમ કહ્યું કે 'નેઈજુઆન' કોઈ વ્યક્તિની આળસ અને તેમની તમન્નાઓ વચ્ચેનું અંતર છે તો તેમને સખત વિરોધનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં તેમણે માફી માગી લીધી, પણ જે નુકસાન થવાનું હતું એ થઈ ગયું હતું.
ચીનની કારોબારી દુનિયામાં અઠવાડિયામાં છ દિવસ સવારે નવ વાગ્યાથી રાતે નવ વાગ્યા સુધી કામ ચાલે છે. આ ચલણ પર કૉમેન્ટ કરતાં એક યૂઝરે કહ્યું, "જો બૉસ એ લોકોને સમજી ન શકે જેઓ તેમના માટે કામ કરે છે, તો 996નું મહત્ત્વ ન હોત અને હતાશા અને નિરાશાનો માહોલ પણ ન હોત."
અન્ય એક યૂઝરે લખ્યું, "પૂંજીપતિઓએ તેમનું મોં બંધ રાખવું જોઈએ."

ખાલી બેસી રહેવું- એક વિકલ્પ, જેની મંજૂરી નહીં

ઇમેજ સ્રોત, GETTY IMAGES
અબજોપતિ જૅક માએ ભૂતકાળમાં '996 સંસ્કૃતિ'નાં વખાણ કરીને તેને એક 'વરદાન' ગણાવ્યું હતું. ઇન્ટરનેટ પર કેટલાક લોકોએ 'રક્તપિપાસુ પૂંજીવાદ'ના નાયકની હેસિયતથી તેમના પતન માટે તેમની કંપની અલીબાબા સામે ચાલી રહેલી તપાસ અને તેમના આ નિવેદનને જવાબદાર ગણાવ્યું હતું.
પણ તેની સાથે ચીનમાં અન્ય એક ચલણ પણ જોવા મળી રહ્યું છે. ચુપચાપ ખાલી બેસી રહેવું, જેને ચીની ભાષામાં 'ટૅંગ પિંગ' કહેવાય છે. તેની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે ઇન્ટરનેટ પર એક યૂઝરે કહ્યું કે છેલ્લાં બે વર્ષથી તેઓ કંઈ કામ કરતા નથી અને તેને તેઓ કોઈ સમસ્યા માનતા નથી. ચીનમાં સફળતાને લઈને જે અવધારણા છે, આ યૂઝરના વિચાર તેનાથી સાવ ઊલટા હતા.
આ યૂઝરની દલીલ હતી કે સમાજના આદર્શો પર ચાલવાની જરૂર નથી. તેમણે લખ્યું, "માત્ર ચુપચાપ બેસી રહેવાથી કોઈ દરેક ચીજનું માપદંડ બની શકે છે." અને તેની સાથે "ચુપચાપ બેસી રહેવાનો સિદ્ધાંત" અસ્તિત્વમાં આવ્યો.
'ટૅંગ પિંગ'ના વિચારમાં વધુ કામ ન કરવું, એવાં લક્ષ્યોની પાછળ પડવું, જેને હાંસલ કરી શકાય, જેવી વાતો સામેલ છે. ચીનના કેટલાક ઇન્ટરનેટ યૂઝર્સ તેને એક આધ્યાત્મિક આંદોલન પણ ગણાવે છે.
પ્રોફેસર શિયાંગનું કહેવું છે કે આવા સંકેત એ દર્શાવે છે કે ચીનની નવયુવાન પેઢી નિરર્થક પ્રતિસ્પર્ધા છોડવા માગે છે. તેનાથી સફળતાના જૂના મૉડલ પર પુનર્વિચારની પણ જરૂર અનુભવાય છે.

શી જિનપિંગે શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
ચીનમાં નવયુવાન પેઢીના ઘણા લોકોએ આ રેસવાળી સિસ્ટિમને છોડવાની વાત કહી છે, પણ વિશેષજ્ઞોને આશંકા છે કે કદાચ જ મોટી સંખ્યામાં લોકો તેને અપનાવે. સરકારની મંજૂરી પણ મળવાની નથી, કેમ કે આ સમાજવાદી મૂલ્યોની વિરુદ્ધ છે.
વર્ષ 2018માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિેંગે એક ભાષણમાં કહ્યું હતું કે 'નવો જમાનો એ લોકોનો છે, જેઓ સખત મહેનત કરશે' અને 'મહાન પ્રયાસોથી જ ખુશીઓ હાંસલ' કરી શકાશે.
એવું લાગે છે કે ચીનના સરકારી મીડિયાને પણ 'ચુપચાપ બેસી રહેવાનો સિદ્ધાંત' પસંદ પડ્યો નથી. સાંસ્કૃતિક મામલાના અખબાર 'ગુઆંગ મિંગ'માં છપાયેલા એક લેખમાં આ સિદ્ધાંતને દેશની અર્થવ્યવસ્થા અને સમાજ માટે નુકસાનકારક ગણાવ્યો છે.
'નાનફાંગ ડેલી'માં એક લેખકે આ ચલણને 'ગેરવાજબી અને શરમજનક' ગણાવ્યું છે. જોકે ડૉક્ટર ફાંગ શુનું કહેવું છે કે તેમને નથી લાગતું કે આ ચલણ એટલું જલદી ખતમ થઈ જશે.
"દુ:ખની વાત એ છે કે આગામી પાંચથી દસ વર્ષ સુધી આ જ સ્થિતિ રહેવાની છે, કેમ કે ન તો ઉદ્યોગજગતમાં કોઈ મોટી તકનીકી ક્રાંતિ થવાની છે અને ન તો આ નવયુવાનો માટે એવું કોઈ ક્ષેત્ર છે, જ્યાં નવી સંભાવનાઓ શોધી શકાય. માટે ચુપચાપ ખાલી બેસવાનું ચલણ વધી જશે."
ડૉક્ટર ફાંગ શુ કહે છે કે પશ્ચિમી દેશોમાં નવયુવાન લોકો આ રીતનું જીવન પસંદ કરી શકે છે, પણ ચીનમાં આ વિકલ્પ નથી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












