ચીન વીગર મુસ્લિમ વિસ્તારમાં મૌલવીઓ પર અત્યાચાર કરી રહ્યું છે- રિપોર્ટ

ઇમેજ સ્રોત, Kevin Lee/Getty Images
- લેેખક, જોએલ ગુંટર
- પદ, બીબીસી સંવાદદાતા
વીગર રાઇટ્સ ગ્રૂપના એક નવા અહેવાલ મુજબ ચીને શિનજિયાંગ ક્ષેત્રમાં વર્ષ 2014થી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 630 ઇમામ અને બીજા મુસ્લિમ ધર્મગુરુઓને જેલમાં ધકેલ્યા છે અથવા તેમને અટકાયતમાં લીધા છે.
વીગર માનવાધિકાર પ્રોજેક્ટ (યુએચઆરપી)એ સંશોધન અહેવાલ તૈયાર કર્યો છે અને બીબીસી સાથે આ અહેવાલ શૅર કર્યો છે. તેમાં એ વાતની પણ સાબિતી મળી છે કે જેલવાસમાં અથવા તેનાથી થોડા જ સમય બાદ લગભગ 18 મૌલવીઓ મૃત્યુ પામ્યા છે.
ચીને જેમની ધરપકડ કરી તેમાંથી ઘણા મૌલવીઓ પર 'કટ્ટરવાદનો પ્રચાર કરવો', 'સામાજિક વ્યવસ્થા બગાડવા માટે ભીડ એકત્ર કરવી' જેવા ગંભીર આરોપો લાગ્યા હતા.
પરંતુ તેમના સ્વજનોએ જણાવ્યા પ્રમાણે આ મૌલવીઓને અસલમાં ધાર્મિક ઉપદેશ આપવો, પ્રાર્થના સમૂહને એકત્ર કરવો અથવા ઇમામ તરીકે કામ કરવું, જેવા અપરાધના કારણે પકડવામાં આવતા હોય છે.
યુએચઆરપીએ 1046 મુસ્લિમ મૌલવીઓ વિશે માહિતી મેળવી હતી. તેમાંથી મોટા ભાગના વીગર મુસલમાનો હતા. તેના માટે કોર્ટના દસ્તાવેજો, પરિવારની જુબાનીઓ અને જાહેર તથા ખાનગી ડેટાબેઝમાંથી મીડિયા રિપોર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
તમામ 1046 મૌલવીઓને કમસે કમ એક વખત અટકાયતમાં લેવાયા હતા.
આ અંગેની માહિતી પર ચીનમાં ચુસ્ત નિયંત્રણો છે. તેથી ઘણા મામલાની પુષ્ટિ કરી શકાય તેવા પ્રમાણ નથી મળ્યા.
એવું જણાય છે કે કુલ 630 મામલામાંથી ઓછામાં ઓછા 304 મૌલવીઓને જેલમાં ધકેલવામાં આવ્યા છે. વીગર મુસલમાનોને મોટા પ્રમાણમાં હિરાસતમાં લેવા સાથે સંકળાયેલા ચીનના 'પુનઃશિક્ષણ શિબિર' ઉપરાંત આ કાર્યવાહી થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોર્ટના દસ્તાવેજો અથવા સાક્ષીઓ પાસેથી મળેલી માહિતી દર્શાવે છે કે તેમને શિનજિયાંગમાં અત્યંત આકરી સજા કરવામાં આવી છે. 96 ટકા મૌલવીઓને ઓછામાં ઓછા પાંચ વર્ષની કેદની સજા થઈ છે. 26 ટકાને 20 વર્ષ અથવા વધારે સજા થઈ હતી. 14 લોકોને ઉંમરકેદની સજા પણ સંભળાવવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
આ ડેટા સંપૂર્ણ નથી. તે શિનજિયાંગના કુલ મૌલવીઓમાંથી અમુક હિસ્સાનું જ પ્રતિનિધિત્વ કરે છે. ઘણા ડેટાની સ્વતંત્ર રીતે ચકાસણી થઈ શકી નથી.
પરંતુ આ અભ્યાસ શિનજિયાંગમાં ધર્મગુરુઓને ખાસ કરીને નિશાન બનાવવામાં આવે છે તેના પર પ્રકાશ ફેંકે છે. તેનાથી એ આરોપોને પણ સમર્થન મળે છે કે ચીન વીગર મુસ્લિમોની ધાર્મિક પરંપરાઓ ખતમ કરીને તેમને હણ ચીની સંસ્કૃતિમાં ઢાળવા માંગે છે.
જોકે, ચીને આ આરોપોને નકારી કાઢ્યા છે. તેનું કહેવું છે કે શિનજિયાંગમાં કથિત 'પુનઃશિક્ષા' શિબિરોનો હેતુ વીગર અને અન્ય મુસ્લિમ લઘુમતીઓમાં કટ્ટરવાદને ખતમ કરવાનો છે.
ધર્મને કટ્ટરવાદ સાથે જોડવો

ઇમેજ સ્રોત, Getty Images
એક અંદાજ પ્રમાણે ચીને શિનજિયાંગમાં દસ લાખથી વધારે વીગર અને અન્ય મુસલમાનોને અટકાયતમાં લીધા છે.
શિનજિયાંગ ઉત્તર-પશ્ચિમી ચીનનો એક બહુ મોટો વિસ્તાર છે જ્યાં તુર્ક મૂળના મુસ્લિમો વસવાટ કરે છે.
ચીન પર આ વિસ્તારમાં માનવાધિકારના ભંગનો આરોપ છે, જેમાં બળજબરીથી નસબંધી અને બળાત્કાર પણ સામેલ છે.
શિનજિયાંગમાં હિરાસતમાં લેવાયેલા મોટા ભાગના લોકોને 'પુનઃશિક્ષણ' શિબિરોમાં મોકલી દેવાય છે. તે એક પ્રકારની જેલ જેવી શિબિર હોય છે જ્યાં લોકોની સામે આરોપો ઘડ્યા વગર અનિશ્ચિત સમય સુધી રાખવામાં આવે છે.
પરંતુ ઘણા લોકોને જેલની સજા પણ કરવામાં આવી છે અને વર્ષ 2017 પછી આવા કેસની સંખ્યા અને ગંભીરતા વધી છે.
લોકોને અટકાયતમાં લેવાને લગતા અથવા આરોપોના સાર્વજનિક દસ્તાવેજો બહુ ઓછા છે. પરંતુ જે દસ્તાવેજ ઉપલબ્ધ છે, તે દર્શાવે છે કે ચીન કઈ રીતે શિનજિયાંગમાં સામાન્ય ધાર્મિક અભિવ્યક્તિને કટ્ટરવાદ અથવા રાજકીય અલગાવવાદ સાથે જોડી રહ્યું છે.
શિનજિયાંગમાં કાબાના 51 વર્ષના કઝાખ ઇમામ ઓકેન મહમતને ધરપકડ અંગે મળેલી નોટિસ પ્રમાણે તેમના પર 'કટ્ટરવાદનો પ્રચાર કરવાનો' આરોપ લગાવાયો હતો.
શિનજિયાંગ વિક્ટિમ્સ ડેટાબેઝમાંથી મળેલાં નિવેદનો પ્રમાણે તેમના પરિવારનું કહેવું છે કે તેમને શુક્રવારની નમાજ પઢાવવા અને મસ્જિદમાં લગ્નવિધિ કરવા બદલ પકડવામાં આવ્યા છે.
મહમતને હિરાસતમાં લેવાની શરૂઆતની નોટિસમાં જણાવાયું છે કે તેમના પર 'વિવાહના સોગંદ લેવડાવવા, શિક્ષણ અને જાહેર વહીવટ અંગેના રાષ્ટ્રીય કાયદાનો ભંગ કરવા માટે ઉશ્કેરવા, સાથે સાથે કટ્ટરવાદ સંલગ્ન ચીજો તૈયાર કરવા અને તેનો પ્રચાર કરવા'નો આરોપ છે. તેમને કથિત રીતે આઠથી દસ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.

રાજ્ય દ્વારા અનુમોદિત ઇમામ 58 વર્ષના બકથાન મિર્જાન હામી પ્રાંતના વતની છે. તેમની પણ 'કટ્ટરવાદનો પ્રચાર કરવા'ના આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
મિર્જાનની વર્ષ 2018માં ધરપકડ કરવામાં આવી હતી અને મે 2019 સુધી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા.
ત્યાર પછી બિંટુગઆન ઉરુમચી જેલમાં 14 વર્ષની સજા સંભળાવાઈ હતી. મિર્જાનના પરિવારનું કહેવું છે કે તેમનો ગુનો માત્ર એટલો છે કે તેમણે ઇમામ તરીકે પોતાની જવાબદારી નિભાવી હતી.
આતુશ શહેરના જાણીતા વિદ્વાન અને ઇમામ એબિદીન અયપ પર લાગેલા આરોપો વિશે માત્ર અમુક લાઇનો લખવામાં આવી છે. આ લાઇનો એક હણ ચીની અધિકારી વિરુદ્ધ ચાલેલા એક અલગ મામલામાં કોર્ટના એક લાંબા દસ્તાવેજમાં પણ હાજર હતી.
તે અધિકારી પર આરોપ હતો કે તેમણે અયપની ધરપકડ પછી તેમના પુત્રને હૉસ્પિટલ ડિટેન્શન સેન્ટરમાં આવવાની છૂટ આપી હતી. તેમને 2017માં અટકાયતમાં લેવાયા હતા. કોર્ટના દસ્તાવેજોમાં 88 વર્ષના અયપને 'ધાર્મિક કટ્ટરવાદી' ગણાવવામાં આવ્યા છે.
અયપનાં ભત્રીજી મરયમ મુહમ્મદે બીબીસીને જણાવ્યું કે એબિદીન અયપ એક 'દયાળુ, મહેનતુ, ઉદાર, સુસભ્ય અને જાણકાર વ્યક્તિ છે જેઓ યુવાનોને માત્ર ધાર્મિક પુસ્તકો વાંચવાના બદલે શાળાના અન્ય વિષયોનો અભ્યાસ કરવા માટે પણ પ્રોત્સાહિત કરતા હતા.'
અમેરિકામાં રહેતાં મરયમ જણાવે છે કે અયપની ધરપકડ પછી તેમના પરિવાર સાથે સંકળાયેલા 60 લોકોની અટકાયત કરવામાં આવી હતી. તેમાં તેમના પતિ અને ઇમામનાં તમામ આઠ બાળકો સામેલ છે.

જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં ચાઇનીઝ કાયદાના નિષ્ણાત ડોનાલ્ડ ક્લાર્ક જણાવે છે કે, "શિનજિયાંગમાં લગાવાયેલા કટ્ટરવાદના આરોપોનો કાનૂની આધાર બહુ નબળો છે. તેમાં એવા અપરાધ માટે આરોપો લગાવાયા છે જેને અપરાધ જ ગણી ન શકાય."
ડોનાલ્ડ ક્લાર્ક જણાવે છે કે, "શું તમે 'કટ્ટરવાદનો પ્રચાર કરવા'ને કાયદેસરનો આરોપ ગણો છો, શું આ આરોપોને ટેકો આપી શકે તેવા તથ્ય હાજર છે? અમે દાઢી રાખવી, શરાબ પીવો અથવા વિદેશ જવું જેવા આરોપો પર નજર નાખીએ ત્યારે સમજાય છે કે આ આરોપોમાં તથ્ય નથી."
વીગર માનવાધિકાર પ્રૉજેક્ટના સિનિયર પ્રોગ્રામ ઑફિસર પીટર ઇરવિનનું કહેવું છે કે ઇમામો 'સમુદાયના લોકોને એકસાથે લાવવાની ક્ષમતા' ધરાવે છે તેથી તેમને નિશાન બનાવાયા છે.
તેઓ કહે છે, "સરકાર લાંબા સમયથી ઇમામોની સાથે સાવધાનીપૂર્વક વ્યવહાર કરતી હતી કારણ કે તેઓ તેમના પ્રભાવને જાણે છે. પાછલાં કેટલાંક વર્ષોની નજરબંધી અને કારાવાસ એ વીગર સંસ્કૃતિ અને ધર્મને મીટાવી દેવા માટે તૈયાર કરાયેલા ત્રણ દાયકાના દમનની ચરમ સ્થિતિ છે."
પરંતુ ચીન સરકારના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે શિનજિયાંગમાં "ધાર્મિક આસ્થાની અભૂતપૂર્વ સ્વતંત્રતા છે."
તેમણે કહ્યું, "સરકારે શિનજિયાંગમાં કટ્ટરવાદી વિચારોને નિયંત્રણમાં રાખવાના પ્રયત્ન કર્યા તેનાથી ધાર્મિક કટ્ટરવાદના પ્રસારમાં ઘટાડો થયો છે. તેણે કટ્ટરવાદી વિચારો પર અંકુશ મૂકવાના વૈશ્વિક પ્રયાસોમાં ભારે યોગદાન આપ્યું છે."
પુનઃ શિક્ષણની શરૂઆત

ચીનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં તુર્ક મૂળના લોકોને નિશાન બનાવવા એ કોઈ નવી વાત નથી.
અહીં મુસ્લિમ લઘુમતીએ 1950થી 1970 વચ્ચે લાંબો સમય અત્યાચાર સહન કર્યો છે. તે સમયે કુરાન સળગાવાયાં હતાં, મસ્જિદો અને કબ્રસ્તાન તોડવામાં આવ્યાં હતાં અને પરંપરાગત વસ્ત્રો તથા હેરસ્ટાઈલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
1980ના દાયકામાં તુલનાત્મક રીતે ખુલ્લાપણા અને પુનરોદ્ધારનો સમય આવ્યો હતો.
તોડવામાં આવેલી મસ્જિદોનું સમારકામ કરવામાં આવ્યું અને નવી મસ્જિદો બાંધવામાં આવી હતી. ધાર્મિક તહેવારોની છૂટ આપવામાં આવી અને ઇમામ તથા અન્ય જાણીતા લોકોને પ્રવાસ કરવાની છૂટ અપાઈ હતી.
વિખ્યાત વીગર વિદ્વાન મુહમ્મદ સલીહ હાજિમે પહેલી વખત કુરાનનો વીગર ભાષામાં અનુવાદ કરાવ્યો હતો.
પરંતુ 1990માં શિનજિયાંગના બરેન શહેરમાં વીગર કટ્ટરવાદીઓની હિંસા વધવાના કારણે ચીને સખતાઈ દેખાડવાનું શરૂ કર્યું. ચીની વહીવટી તંત્ર મૌલવીઓને સમુદાય પર પ્રભાવ ધરાવતા લોકો તરીકે જુએ છે. તેમણે વારંવાર દેશ પ્રત્યે પોતાની નિષ્ઠા જાહેર કરવી પડી હતી.
વર્ષ 2000ની શરૂઆતમાં ઘણા ઇમામોને ઔપચારિક શિક્ષણ કોર્સ કરવાની ફરજ પાડવામાં આવી હતી, જે આજે ચાલતા 'પુનઃશિક્ષણ' કાર્યક્રમનો એક સંકેત પણ હતો.
હ્યુમન રાઇટ્સ વોચ મુજબ 2001 અને 2002 વચ્ચે લગભગ 16 હજાર ઇમામો અને અન્ય ધાર્મિક હસ્તીઓએ 'રાજકીય પુનઃશિક્ષણ' લેવું પડ્યું હતું.
તેમાં ટર્સન નામના એક ઇમામ પણ હતા. તેમનાં ભત્રીજીએ જણાવ્યા મુજબ તેમને અરબીમાંથી વીગર ભાષામાં પ્રાર્થનાઓનું અનુવાદ કરવા બદલ વર્ષ 2001માં પહેલી વખત અટકાયતમાં લેવાયા હતા.

ચીન બહાર વસતા ટર્સનનાં ભત્રીજીએ બીબીસીને જણાવ્યું કે, "મજૂરી દ્વારા પુનઃશિક્ષણ" શિબિરમાં ટર્સનને બે વર્ષની અટકાયતમાં મોકલવામાં આવ્યા હતા.
તેઓ જણાવે છે કે ટર્સનને 2002માં મજૂર શિબિરમાંથી છોડી દેવાયા હતા પરંતુ પોલીસ તેમને સતત પરેશાન કરતી રહી. તેમને વારંવાર 'અભ્યાસ' કરવા માટે બેથી ત્રણ સપ્તાહ માટે લઈ જવાયા હતા. ત્યાર પછી 2005માં તેમની ફરીથી અટકાયત કરવામાં આવી અને ચાર વર્ષની જેલની સજા સંભળાવાઈ હતી.
ટર્સનનાં ભત્રીજી જણાવે છે, "અમને કોર્ટમાંથી કોઈ નોટિસ અપાઈ ન હતી. તેમના વિશે પૃચ્છા કરવા મારો પરિવાર પોલીસ સ્ટેશને ગયો, પરંતુ પોલીસે લેખિતમાં તેમની સજાની જાણકારી આપી અને જેલનું સરનામું આપી દીધું."
ટર્સનને 2009માં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા, પરંતુ કટ્ટરવાદી રાજનેતા ચેન ક્વેંગુને શિનજિયાંગના પ્રભારી બનાવાયા પછી 2017માં તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. ચેન ક્વેંગુએ વીગરો વિરુદ્ધ અભિયાન વધારે ઉગ્ર બનાવ્યું હતું.
ટર્સનનાં ભત્રીજીએ જણાવ્યા પ્રમાણે બીજા ઇમામોની જેમ ટર્સનના આખા પરિવારને પણ નિશાન બનાવાયો હતો. તેઓ ત્યાં સુધીમાં ચીન છોડીને બહાર જતા રહ્યા હતા.
તેઓ કહે છે, "મારા કાકા અને તેમનાં પત્નીની ધરપકડના સમાચાર મળ્યા પછી મને ખબર પડી કે મારાં માતા અને બીજાં સગાંની પણ ધરપકડ કરવામાં આવી છે. 14 વર્ષથી વધારે વયની તમામ વ્યક્તિઓને તેઓ ઉપાડી ગયા છે. હું છેલ્લાં ચાર વર્ષથી મારાં માતા અને બીજા સ્વજનોની ભાળ મેળવવાની કોશિશ કરી રહી છું."

એક મહિના અગાઉ ટર્સનનાં ભત્રીજીને ખબર પડી કે તેમનાં માતાને 13 વર્ષની અને નાના ભાઈને પાંચ વર્ષની જેલની સજા સંભળાવાઈ છે. તેમની સામેના આરોપોની પણ માહિતી ઉપલબ્ધ નથી.
તેમનાં પિતા પહેલેથી ઉંમરકેદની સજા કાપી રહ્યા છે. વર્ષ 2008માં 'ગેરકાયદે ઉપદેશ' અને 'અલગાવવાદ'ના આરોપો હેઠળ આ સજા અપાઈ હતી.
તેઓ કહે છે, "મારાં માતા એક સામાન્ય ગૃહિણી છે અને તેમને 13 વર્ષની જેલની સજા કરવામાં આવી. મને નથી ખબર કે મારા કાકાએ કેટલો સમય જેલમાં રહેવું પડશે."
"તેમને તેમના અદૃશ્ય પ્રભાવના કારણે નિશાન બનાવાયા હતા. સરકારે તેમને તોડવા અને બરબાદ કરવા માટે બધું કર્યું. આવું માત્ર ધાર્મિક નેતાઓ સાથે નથી થયું. શાંતિપૂર્વક ઇસ્લામમાં માનતા અને વીગર હોવા બદલ ગૌરવ અનુભવતા લોકો સાથે પણ આમ જ થયું છે. તેમને ખતમ કરવાનો તમામ સંભવ પ્રયાસ કરાયો છે."
અટકાયતમાંથી ગાયબ થયેલા કેટલાક લોકો ક્યારેય પાછા નથી આવ્યા. ડેટાબેઝ મુજબ અટકાયતમાં અથવા તેના થોડા સમય પછી 18 ઇમામોનાં મોત નિપજ્યાં હતાં.
બે બાળકોના પિતા નૂરગેગી મલિક શિનજિયાંગ ઇસ્લામિક ઇન્સ્ટિટ્યૂટના ગ્રેજ્યુએટ હતા. તેઓ સરકારની મંજૂરીથી ચાલતી ધાર્મિક પત્રિકાના મુખ્ય સંપાદક પણ હતા.
નવેમ્બર 2018માં તેઓ કથિત રીતે પોલીસ અટકાયતમાં જ મૃત્યુ પામ્યા હતા. બિનસત્તાવાર માહિતી પ્રમાણે ચીની વહીવટી તંત્રે તેમના પરિવારને આ વિશે જણાવ્યું હતું, પરંતુ તેમનો મૃતદેહ સોંપ્યો ન હતો.
બીજા રિપોર્ટમાં પણ આવી સ્થિતિ જાણવા મળી છે. મલિકના મિત્રો અને સ્વજનોએ કઝાખસ્તાનમાં જ તેમના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.
ગુપ્ત રીતે નમાજ પઢી

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2019ના અંતમાં જ્યારે 'પુનઃશિક્ષણ' શિબિરોના નેટવર્ક અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ શરૂ થઈ ત્યારે ચીને દાવો કર્યો હતો કે તેણે બધા લોકોને મુક્ત કરી દીધા છે.
ઘરમાં નજરબંધ કરાયેલા અને શિનજિયાંગના નિયંત્રણવાળી જગ્યાઓમાં મોટી સંખ્યામાં લોકોને મુક્ત કરવામાં આવ્યા, પરંતુ માનવાધિકાર સમૂહોનું કહેવું છે કે આવા ઘણા લોકોને ઔપચારિક જેલોમાં ધકેલવામાં આવ્યા છે.
એ વાતના પણ પુરાવા મળ્યા છે કે હજારો લોકો જેલમાં બંધ હતા. ન્યૂયોર્ક ટાઇમ્સ અને અન્યના અહેવાલ પ્રમાણે 2017 અને 2018માં શિનજિયાંગમાં કેદીઓની સંખ્યામાં બહુ મોટો તફાવત હતો. અગાઉના વર્ષમાં બે લાખ કેદી હતા જ્યારે ત્યાર પછી કેદીઓની સંખ્યા વધીને 2.30 લાખ થઈ હતી.
ચીનના સરકારી ડેટા મુજબ વર્ષ 2017માં શિનજિયાંગમાં અપરાધિક ધરપકડો આખા દેશમાં થયેલી ધરપકડોના 21 ટકા હતી જ્યારે આ વિસ્તારની વસતી આખા દેશની વસતીના માત્ર દોઢ ટકા છે.
'પુનઃશિક્ષણ' વ્યવસ્થાથી વિપરીત જેલની સજા માટે આધારભૂત દસ્તાવેજ હોવા જોઈએ, પરંતુ શિનજિયાંગ વિક્ટિમ્સ ડેટાબેઝના સંશોધનકર્તા જેને બુનિન મુજબ પ્રમાણે કોર્ટમાં આવા કોઈ દસ્તાવેજ નથી મળ્યા.
બુનિન મુજબ શિનજિયાંગ માટે વર્ષ 2018ના માત્ર 7714 ચુકાદા ઉપલબ્ધ છે જ્યારે તે વર્ષ દરમિયાન આ વિસ્તારમાં 74,348 કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
જે કેસના ચુકાદા ઉપલબ્ધ નથી તેમાં ધાર્મિક વીગરો પર 'કટ્ટરવાદનો પ્રચાર કરવો' અને 'અલગાવને ઉત્તેજન આપવું' જેવા આરોપો હતા. તેના પરથી જણાય છે કે ચીન જાણી જોઈને કેસના રેકર્ડ ગાયબ કરી દે છે.
જે કેસમાં સત્તાવાર ઉપલબ્ધ હોય અને તેની વિગત આપવામાં આવી હોય તેમાં આરોપોની વિગત ચોંકાવનારી છે.

ઇમેજ સ્રોત, Getty Images
55 વર્ષના એક વીગર ખેડૂતને 'કટ્ટરવાદનો પ્રચાર કરવા માટે' પહેલેથી દસ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ 'જેલમાં નમાજ પઢવાનો ગુપ્ત અને સરળ રસ્તો શોધવાના કારણે' તેમની સજા બમણી કરી દેવાઈ હતી. આ મામલાના સરકારી રેકર્ડ નષ્ટ કરી દેવાયા છે. પરંતુ શિનજિયાંગ વિક્ટિમ્સ ડેટાબેઝ પાસે આ રેકર્ડ હાજર છે.
તેવી જ રીતે ઇસ્માઈલ સિદ્દીક જેલમાં નમાજ પઢતા હતા. તેમની સાથે હાજર એક કેદીએ તેમના વિશે ફરિયાદ કરી અને તેમના પર 'ગેરકાયદે ધાર્મિક પ્રવૃત્તિઓ' કરવાનો અને 'જાતીય નફરત તથા ભેદભાવ ફેલાવવાનો' આરોપ મુક્યો હતો.
ત્યાર પછી તેમના પર કથિત રીતે બૂમો પાડીને એવું બોલવાનો આરોપ મુકાયો કે વીગરોએ સરકારને એક-બીજા વિશે માહિતી આપવી ન જોઈએ. તેઓ 2038 સુધીમાં જેલમાંથી મુક્ત થશે.
જે લોકોને શિબિરમાં અટકાયતમાં રાખવામાં આવ્યા હતા તેમને કેટલાંક મહિના અથવા વર્ષ પછી છોડી દેવાયા હતા. પરંતુ શિનજિયાંગમાં જેલમાંથી મુક્તિ મળવાનો અર્થ એવો નથી કે વ્યક્તિને સ્વતંત્રતા મળશે.

ઇમેજ સ્રોત, Getty Images
શિનજિયાંગથી ભાગી ગયેલા એક વીગર મુસલમાન મેમતે બીબીસીને જણાવ્યું કે તેમના પિતાએ ઘણાં વર્ષો સુધી શાંતિપૂર્વક ઇમામની જવાબદારી નિભાવી હતી, ત્યાર બાદ વર્ષ 2017માં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
મેમતને શિનજિયાંગમાં રહેતી એક ઓળખીતી વ્યક્તિ મારફત વર્ષો સુધી તેના પરિવારની માહિતી મળતી રહી. તેઓ વાતચીત કરવા માટે વીચેટ એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. પરંતુ તેમને પોતાના પિતા વિશે કોઈ જાણકારી નથી મળી.
તાજેતરમાં જ તેમને ખબર પડી કે તેમના પિતાને મુક્ત કરવામાં આવ્યા છે. તેથી મેમતે તેમની સાથે વાત કરવાની કોશિશ શરૂ કરી. તેમણે પોતાના પિતાને શોધીને ફોન પર વાત કરાવવા માટે એક પરિચિત વ્યક્તિને જણાવ્યું.
પરંતુ જે દિવસે વાત થવાની હતી તે દિવસે મેમતને વીચેટ પર એક મેસેજ મળ્યો. તેમાં તેમની ઓળખીતી વ્યક્તિએ કહ્યું કે તેમના પિતાનો પત્તો મળી ગયો છે. પરંતુ તેમના પિતાનું કહેવું છે કે તેઓ પોતાના પુત્ર સાથે વાત ન કરે તેમાં જ ભલાઈ છે. ત્યાર પછી તે પરિચિતે મેમતને બ્લૉક કરી દીધા.


ઇમેજ સ્રોત, MohFW, GoI















