ચીન-ઈરાનની ગુપ્ત 'લાયન-ડ્રેગન ડીલ' પર કેમ થઈ રહ્યા છે સવાલો?

ઇમેજ સ્રોત, STR/AFP VIA GETTY IMAGES
- લેેખક, બીબીસી મૉનિટરિંગ
- પદ, ટીમ બીબીસી
ચીન અને ઈરાનની વચ્ચે એક કરાર થયો છે, જેની વિગતો હજી સુધી જાહેર કરવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે બંને દેશોની વચ્ચેનો આ કરાર 25 વર્ષ સુધી માન્ય રહેશે.
નિષ્ણાતો અને સામાન્ય લોકો આ સોદા વિશે વિવિધ અટકળો કરી રહ્યા છે અને પોતાનો મત રજૂ કરી રહ્યા છે.
જોકે ઈરાનની સામાન્ય જનતા આને લઈને નિરાશાવાદી દેખાઈ રહી છે.
આને 'લાયન-ડ્રેગન ડીલ' એટલે કહેવામાં આવી રહી છે કારણ કે ઈરાનના કટ્ટરપંથી અખબાર 'જવાન'એ આ કરારના સમાચાર છાપતા આ હેડિંગ માર્યું હતું.

કરાર છે શું?

ઇમેજ સ્રોત, Getty Images
આ કરારની જાહેરાત સૌથી પહેલાં 23 જાન્યુઆરી, 2016એ જ્યારે ચીનના રાષ્ટ્રપ્રમુખ જિંગપિંગે ઈરાનના પ્રવાસે ગયા હતા ત્યારે એક સંયુક્ત નિવેદન દ્વારા કરવામાં આવી હતી.
ઈરાનની તસનીમ સમાચાર સંસ્થા અનુસાર આ ડીલનો અનુચ્છેદ-6 કહે છે કે બંને દેશો ઊર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ અને ટેકનૉલૉજીના ક્ષેત્રમાં એકબીજાનો સહયોગને વધારશે.
સમાચાર એજન્સી પ્રમાણે, "બંને પક્ષો આગામી 25 વર્ષ સુધી એકબીજાનો સહયોગ વધારવા માટે સહમત થયા છે."
ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામેનેઈએ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે એક મુલાકાત દરમિયાન 'કેટલાંક દેશોની', ખાસ કરીને અમેરિકાના વર્ચસ્વવાદની નીતિની તરફ ઇશારો કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું હતું, "આ સ્થિતિને જોતા સ્વતંત્ર દેશોએ એકબીજાનો વધારે સહયોગ કરવો જોઈએ. ઈરાન અને ચીનની વચ્ચે આગામી 25 વર્ષ સુધી થયેલાં આ વ્યૂહાત્મક કરારનું બંને પક્ષ ગંભીરતાથી પાલન કરશે."
ખામેનેઈ સિવાય ઈરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રૂહાનીએ પણ અનેક વખત અમેરિકાના પ્રતિબંધોની વિરુદ્ધમાં ચીનના સમર્થન અને સહયોગ કરવાની પ્રશંસા કરી છે.
21 જૂને રૂહાનીએ એક કૅબિનેટ બેઠકમાં કહ્યું હતું કે આ કરાર, ચીન અને ઈરાન બંને માટે મૂળભૂત અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલાં મોટા પ્રૉજેક્ટમાં ભાગીદારીની તક છે. રૂહાનીએ કહ્યું હતું કે તેમણે ચીનના પક્ષ સાથે વાતચીત કરવા અને વાતચીતને અંતિમ રૂપરેખા આપવાની જવાબદારી વિદેશ મંત્રી ઝરિફને સોંપી છે.

ઊર્જાના ક્ષેત્રમાં સહયોગ

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાનના અર્થશાસ્ત્રી અલી અસગર ઝરગરે ઈરાનની આઈએલએનએ સમાચાર એજન્સીને આપેલા અર્ધ-અધિકૃત ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ઈરાન, ચીન અને રશિયાની વચ્ચે ઑઈલ સાથે જોડાયેલાં કોઈ પણ કરાર ઊર્જા, સુરક્ષા અને આર્થિક બાબતોમાં મદદગાર સાબિત થશે.
ઝરગરે કહ્યું, "ચીન પોતાની નીતિ હેઠળ એ દેશોની પસંદગી કરે છે જે કોઈ અન્ય દેશના પ્રભાવમાં ન હોય. એટલા માટે, ઈરાનથી ચીનને સ્વતંત્ર રીતે મદદ મળે છે. જ્યારે બીજી બાજુ ચીને પણ અમારી કેટલીક યોજનાઓમાં ભાગ લીધો અને આમાં ઉપનિવેશવાદની લાલચ નથી. એટલા માટે આ ડીલથી બંને દેશોને ફાયદો થઈ શકે છે. ચીનને ઇરાકમાં પણ ઈરાનની હાજરીનો ફાયદો મળી શકે છે."
ઝરગર પ્રમાણે, ચીનને ઊર્જા સંશોધનોની જરૂરિયાત છે અને ઈરાનને ટેકનૉલૉજી અને રોકાણની જરૂરિયાત છે, એટલા માટે આ કરાર બંને દેશોના હિતમાં હશે.

ચીન અને ઈરાન વિરુદ્ધ અમેરિકા
ઈરાનના અખબાર 'જવાન'એ પોતાની એક ટિપ્પણીમાં લખ્યું છે કે આ ઈરાન અને ચીનની વચ્ચે ડીલને લઈને સૌથી સારો સમય છે. કારણ કે હાલના સમયમાં અમેરિકા ચીનની સામે 'નબળા'નો અહેસાસ કરે છે અને ચીન અમેરિકાથી 'અસુરક્ષિત' થવાનો અહેસાસ કરે છે.
અખબાર લખે છે કે ચીનની 'અમેરિકાવિરોધી' નીતિઓ પણ કરાર માટે ફાયદાકારક છે.
અખબારે ઈરાની સંસદ મજલિસના સ્પીકર મોહમ્મદ કલીબફના એ નિવેદનનો ઉલ્લેખ કર્યો છે, જેમાં તેમણે કહ્યું હતું, "આપણે જોયુ કે કેવી રીતે ટ્રમ્પ વહીવટી તંત્ર બીજા દેશોની સ્વતંત્રતા અને શાસનમાં દખલ દે છે. અમેરિકાએ ઈરાન અને ચીનની સાથે પણ આવું જ કર્યું છે. આપણે તેના સાક્ષી રહ્યા છીએ. આટલા માટે ચીનની સાથે ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય સહયોગ અનિવાર્ય છે. આપણે આને નજરઅંદાજ કરી શકીએ તેમ નથી."
ઈરાનની સરકારના પ્રવક્તા અલી રબીઈએ 23 જૂને કહ્યું હતું કે આ કરારના મુસદ્દાને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે.
તેમનું કહેવું હતું, "આ કરાર સાબિત કરે છે કે અમેરિકાની ઈરાનને અલગ કરવાની અને તેના આંતરરાષ્ટ્રીય સંબંધોને છિન્ન-ભિન્ન કરવાની નીતિ નિષ્ફળ રહી છે."

ઈરાનની નીતિ બદલાઈ રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાનના વરિષ્ઠ પત્રકાર અહમદ ઝીદાબાદીનું માનવું છે કે ઈરાન 'ઇસ્ટ પૉલિસી' તરફ નથી વળી રહ્યું પરંતુ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનો ભાગ બની રહ્યું છે.
અહમદ લખે છે, "ચીન દુનિયાની સાથે દુશ્મનીના સ્થાને સ્થિરતા પર ભાર આપે છે. તે ઈરાન, સાઉદી અરેબિયા અને ઇઝરાયલ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખવા માગે છે."
સાથે જ અહમદને પણ એમ લાગે છે કે આ કરારના કારણે ઈરાનની પોતાની નીતિઓ બદલાઈ જશે અને તે ચીનની નીતિઓ પર ચાલવા માટે મજબૂર થઈ જશે.
અહમદ પુછે છે કે શું ઈરાનના અધિકારીઓનો ચીન સાથેનો આ કરાર અમેરિકા અને યુરોપને ધમકાવવા માટે કર્યો જેથી તે તેના પર વારંવાર પ્રતિબંધો મૂકવાની નીતિ સામે પોતે નરમ બને?
અહમદ એ અનુમાન પણ કરે છે કે ઈરાનની સરકારે આ કરાર કદાચ એટલા માટે કર્યો હશે કારણ કે તેને પોતાની નીતિઓમાં પરિવર્તન કરવા સિવાય કોઈ વિકલ્પ દેખાઈ રહ્યો નહીં હોય.

આ ડીલને આટલી 'ગુપ્ત' કેમ રાખવામાં આવી?
આ કરારની જાણકારી ન આપવા બદલ ઈરાનની સરકારની ટીકા પણ થઈ રહી છે. ઈરાનના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ મહમૂદ અહમદીનેજાદે 27 જૂને એક રેલીમાં કહ્યું હતું, "જનતાની ઇચ્છા અને માગણી જાણ્યા વિના કોઈ પણ વિદેશી પક્ષ સાથે કોઈપણ પ્રકારનો કરાર કરવો દેશહિતની વિરુદ્ધ છે અને અમાન્ય છે."
તેમણે ડીલની 'અસ્પષ્ટતા' અને ઈરાની સરકારના 'તથ્યોને ગુપ્ત રાખવાના' વલણની ટીકા કરી. અહમદીનેજાદે સરકારી અધિકારીઓને અપીલ કરી કે તે દેશને આ કરાર વિશે સંપૂર્ણ જાણકારી આપે.
અહમદીનેજાદના આરોપના જવાબમાં ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અબ્બાસ મૌસ્વીએ કહ્યું કે ચીનની પરવાનગી પછી મંત્રાલય આ કરારની તમામ વિગતો પ્રકાશિત કરી શકે છે. તેમણે ડીલની જોગવાઈમાં કોઈ પણ પ્રકારની અસ્પષ્ટતા એ આરોપોને રદિયો આપ્યો છે.
અર્થશાસ્ત્રી મોહસીન શરીયાતિના કહે છે કે કરારથી એ સાબિત થાય છે કે ઈરાન હાલ પૂર્વ તરફથી નરમ નીતિને અપનાવી રહ્યું છે. તેનું માનવું છે કે આ ડીલનો રોડમેપ વ્યૂહાત્મક સહયોગ છે જે 'અલાયન્સ'થી અલગ છે. મોહસીનનું માનવું છે કે ચીન અને ઈરાન વિચાર, નીતિઓ અને બંધારણ ખરેખર ઘણુ અલગ છે.

શું કહી રહ્યા છે ઈરાનના લોકો?
ઈરાનની જનતા આ ડીલના સમચારને સાંભળીને ખુશ જોવા મળી રહી નથી. સોશિયલ મીડિયા પર લોકો આ કરારને 'ચીનના ઉપનિવેશવાદ'ની શરૂઆત કહી રહ્યા છે.
સોશિયલ મીડિયા યૂઝર્સ ગત 24 કલાકમાં #iranNot4SELLnot4RENT (ઈરાન વેચાવા માટે અને ભાડા માટે નથી.) હેશટેગની સાથે 17 હજારથી વધારે લોકોએ ટ્વીટ કર્યું છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













