You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રિન્સ ફિલિપ : 99 વર્ષ, 143 દેશ અને એક પ્રસિદ્ધ પત્ની
ડ્યુક ઑફ ઍડિનબર્ગનું 99 વર્ષની વયે અવસાન થયું છે. કદાચ તેઓ દુનિયાના સૌથી પ્રખ્યાત પતિ હતા.
તેમણે તેમના જીવનના સાત દાયકા તેમનાં પત્ની, બ્રિટનનાં ક્વીન ઍલિઝાબેથ દ્વિતીયની છાયામાં વિતાવ્યા હતા, પણ તેમનું વ્યક્તિત્વ એટલું પ્રબળ હતું કે તેઓ ક્યારેય માત્ર પતિ બની રહ્યા ન હતા.
તો રાણી સાથે રહેનારા પ્રિન્સ ફિલિપ કોણ હતા અને રાણી સાથે તેમનાં લગ્ન કઈ રીતે થયાં હતાં?
પતિ ખરા, પણ રાજા ક્યારેય નહીં
સૌથી પહેલાં મહત્ત્વની વાતઃ પ્રિન્સ ફિલિપ તરીકે પણ ઓળખાતા ડ્યુક રાજગાદીના સીધા વારસદાર ક્યારેય ન હતા અને તેમને રાજાની પદવી ક્યારેય મળી ન હતી, પણ તેમના મોટા પુત્રને રાજગાદીનો વારસો મળશે.
તેનું કારણ એ છે કે બ્રિટનમાં જે સ્ત્રી રાજાને પરણે તેઓ મહારાણીની ઔપચારિક પદવીનો ઉપયોગ કરી શકે છે, પણ જે પુરુષ રાણીને પરણે તેઓ રાજાની પદવીનો ઉપયોગ કરી શકતો નથી.
તેનો ઉપયોગ રાજ પરિવારના પુરુષો જ કરી શકે છે.
ક્વીન ઍલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપનાં ચાર સંતાનોમાં પ્રિન્સ ચાર્લ્સ (વય 72 વર્ષ), પ્રિન્સેસ એન (70), પ્રિન્સ એન્ડ્રૂ (61) અને પ્રિન્સ એડવર્ડ (57)નો સમાવેશ થાય છે.
તેઓ યુવાન હતા ત્યારે ફિલિપ તેમની પાસે પોતાનું ધાર્યું કરાવતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજવી પરિવારનાં જીવનચરિત્ર લેખિકા ઈન્ગ્રિડ સેવાર્ડે પ્રિન્સ એન્ડ્રૂને બાળપણમાં એવું કહેતા ટાંક્યા હતા કે "અમને કરુણા ક્વીન પાસેથી મળી છે અને કર્તવ્યભાવના તથા શિસ્ત તેમની (પ્રિન્સ ફિલિપ) પાસેથી મળ્યાં છે."
પોતાના પિતા રાતે ઊંઘવાના સમયે કેવી ઘડી કાઢેલી વાર્તાઓ સંભળાવતા હતા કે તેમનાં બાળકો રૂડયાર્ડ કિપ્લિંગની જસ્ટ સો સ્ટોરીઝ વાંચે ત્યારે સાંભળતા હતા, એ પણ એન્ડ્રૂને યાદ છે.
પ્રિન્સ ફિલિપ તેમના દીર્ઘ જીવનકાળમાં આઠ પૌત્ર-પૌત્રીઓને મોટાં થતાં જોયા હતા અને 10 પ્રપૌત્રો-પ્રપૌત્રીઓના આગમનના સાક્ષી પણ બન્યા હતા.
તેમણે જીવનની શરૂઆત ક્યાંથી કરી હતી?
રસપ્રદ વાત એ છે કે ફિલિપની બકિંઘહામ પૅલેસ સુધીની યાત્રા 1922માં નારંગી મૂકવાના એક બૉક્સમાંથી બનાવેલા ઘોડિયાથી શરૂ થઈ હતી.
તેમનો જન્મ 1921ની 10 જૂને ગ્રીસના કોર્ફૂ ટાપુમાં થયો હતો. તેઓ ગ્રીસના પ્રિન્સ એન્ડ્રૂ અને બટેનબર્ગનાં પ્રિન્સેસ એલિસના સૌથી નાના સંતાન અને એકમાત્ર પુત્ર હતા.
એ વારસાને કારણે તેઓ ગ્રીસ તથા ડેન્માર્કના પ્રિન્સ બન્યા હતા, પણ એ પછીના વર્ષે બળવા બાદ તેમના પરિવારનો ગ્રીસમાંથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો.
એક બ્રિટિશ યુદ્ધજહાજે તેમને સહીસલામત ઈટાલી પહોંચાડ્યા હતા અને નાના ફિલિપ એ પ્રવાસ દરમિયાન ફળોની ટોપલીમાં ઊંઘતા રહ્યા હતા.
તેમનો ઉછેર કેવી રીતે થયો હતો?
ફિલિપનું બાળપણ ખંડિત હતું અને પારાવાર હતાશાથી ઘેરાયેલું રહ્યું હતું.
1930માં તેઓ આઠ વર્ષના હતા ત્યારે સખત નર્વસ બ્રેકડાઉનનો ભોગ બનેલાં તેમનાં માતાને એક સલામત મનોરોગ ચિકિત્સા કેન્દ્રમાં દાખલ કરવા પડ્યાં હતાં.
એ પછીનાં વર્ષોમાં ફિલિપની તેમનાં માતા-પિતા સાથે જૂજ મુલાકાત થઈ હતી.
તેમના પિતાએ ફ્રાન્સમાં એક નદીકિનારે એક મહિલા સાથે રહેવાનું નક્કી કર્યું હતું. બાદમાં તેમનાં માતાના બ્રિટનસ્થિત સગાંઓએ ફિલિપના ઉછેરમાં મદદ કરી હતી.
બાદમાં તેમણે માઉન્ટબેટન અટક અપનાવી હતી, જે તેમના પારિવારિક નામ બટ્ટેનબર્ગનું અંગ્રેજી સ્વરૂપ હતી.
તેમની તરુણાઈનાં વર્ષો એક સ્કોટિશ બોર્ડિંગ સ્કૂલ ગોર્ડન્સ્ટાઉનમાં પસાર થયાં હતાં. તેના સ્થાપક અને હેડમાસ્ટર શિક્ષણ ક્ષેત્રના જ્યુ અગ્રણી કર્ટ હાન હતા. નાઝીઓની ટીકા કરવા બદલ કર્ટ હાનને જર્મનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
સ્કૂલે ફિલિપનું ઘડતર કર્યું અને તેમનામાં આત્મનિર્ભરતાનું પોષણ કર્યું.
પ્રાચીન ગ્રીસના સ્પાર્ટાના લોકો જેવી જીવનશૈલીના પાઠ ભણાવવામાં આવતા હોવાથી સ્કૂલના વિદ્યાર્થીઓ વહેલી સવારે ઊઠીને ટાઢાબોળ પાણીથી સ્નાન કરતા અને લાંબી દોડ માટે નીકળી પડતા હતા.
એ તાલીમ કિશોરાવસ્થાના "ઝેરીલા ઝનૂન" સામે ટક્કર લઈ શકશે એવું હાન માનતા હતા.
ફિલિપનાં ચાર બહેનો પૈકીના એક સેસિલ તેમના જર્મન પતિ, સાસુ તથા બે દીકરાઓ સાથે 1937માં એક વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યાં હતાં. સેસિલ એ વખતે પ્રેગ્નન્ટ હતાં.
સેસિલ જર્મની પર લગભગ સંપૂર્ણ અંકુશ ધરાવતી નાઝી પાર્ટીમાં થોડા સમય પહેલાં જ જોડાયાં હતાં. સેસિલના મૃત્યુ સમયે ફિલિપ 16 વર્ષના હતા.
હિટલરના જયજયકારની સલામી આપતા લોકો વચ્ચેથી લઈ જવાતા બહેનના કોફિનની પાછળ શોકસંતપ્ત ફિલિપ ચાલતા રહ્યા હતા.
એ સમયને યાદ કરતાં પ્રિન્સ ફિલિપે બાદમાં કહ્યું હતું કે "ખરેખર આવું જ બન્યું હતું. પરિવાર વિખેરાઈ ગયો હતો. મારાં માતા બીમાર હતાં, મારી બહેનોનાં લગ્ન થઈ ગયાં હતાં, મારા પિતા ફ્રાન્સની દક્ષિણે હતા. મારે એ બધામાંથી આગળ વધવાનું હતું. વધવું જ પડે. છૂટકો નથી."
ફિલિપ અને મહારાણીનો પ્રેમ
ફિલિપનું શાળા શિક્ષણ પૂરું થયું ત્યારે બ્રિટન અને જર્મની વચ્ચે યુદ્ધ શરૂ થવાની તૈયારીમાં હતું.
તેઓ ડર્ટમાઉથ ખાતેની બ્રિટાનિયા રૉયલ નેવલ કૉલેજમાં જોડાયા હતા. નેવલ એકૅડેમીમાં તેઓ તેજસ્વી કૅડેટ પુરવાર થયા હતા અને સર્વોચ્ચ ક્રમાંક સાથે ગ્રેજ્યુએટ થયા હતા.
કિંગ જ્યોર્જ પંચમ જુલાઈ-1939માં સત્તાવાર મુલાકાતે આવ્યા ત્યારે તેમની યુવાન દીકરીઓ પ્રિન્સેસ ઍલિઝાબેથ તથા પ્રિન્સેસ માર્ગારેટને ખુશ રાખવાની જવાબદારી ફિલિપને સોંપવામાં આવી હતી.
બન્ને દીકરીઓના વાલી તરીકે કાર્યરત તેમની આયા મેરિઓન ક્રાફર્ડે બાદમાં એ દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે ફિલિપે "બહુ મોટું કામ કર્યું હતું." ફિલિપ 13 વર્ષનાં ઍલિઝાબેથના મનમાં વસી ગયા હતા.
પ્રિન્સ ફિલિપે હિન્દ મહાસાગરમાં સૌપ્રથમ વખત લશ્કરી કાર્યવાહી પર ધ્યાન આપીને બીજા વિશ્વયુદ્ધમાં ઉત્કૃષ્ટ ફરજ બજાવી હતી.
ઑક્ટોબર-1942માં તેઓ 21 વર્ષના હતા અને રૉયલ નૅવીના સૌથી નાની વયના લેફટનન્ટ્સ પૈકીના એક બની ગયા હતા.
તરુણ વયનાં રાજકુમારી અને નૌકાદળના અધિકારી એકમેકની સાથે પત્રો દ્વારા સંપર્કમાં રહેતાં હતાં.
ફિલિપ રાજવી પરિવાર સાથે થોડો સમય રહ્યા હતા. પછી 1943ની ક્રિસમસ વખતે નૌકાદળના યુનિફોર્મમાં સજ્જ ફિલિપનો ફોટોગ્રાફ ઍલિઝાબેથના રૂમના ટેબલ પર જોવા મળ્યો હતો.
અંતર્મુખી પણ દૃઢનિશ્ચય યુવતીનો એ નિર્ણાયક સંકેત હતો.
કેટલાક સહાયકોને શંકા હતી. સાંભળેલી વાતો અનુસાર, (કેમ કે એકથી વધુ અધિકારીઓએ એવું કહ્યું હતું) પ્રિન્સ "અજબ છે, અશિક્ષિત છે અને વફાદાર સાબિત નહીં થાય."
જોકે, ટીકાખોરો ભાવિ મહારાણીના નિશ્ચયને ડગાવી શક્યા ન હતા.
જીવનચરિત્ર લેખક ફિલિપ એડેના જણાવ્યા મુજબ, ફિલિપના 1946ના પત્રોમાં જીવનના નવા અર્થ સાથેનો એક ઉત્સાહી યુવાન જોવા મળે છે.
તેમણે તેમના ભાવિ સાસુને લખ્યું હતું કે "મારા જીવનમાં જે કંઈ સારું બન્યું છે તેને હું લાયક નથી તેની મને ખાતરી છે. યુદ્ધમાં બચી જવું અને વિજયના સાક્ષી બનવું, વિશ્રામની તક મળવી અને જીવન સાથે ફરી તાદાત્મ્ય સાધવું, સંપૂર્ણપણે અને નિઃશંક પ્રેમમાં પડવું. આ બધાની સામે વ્યક્તિગત અને દુનિયાભરની તકલીફો પણ નાની તથા વામણી લાગે."
કિંગ જ્યોર્જે તેમની પુત્રી સાથે પરણવાની પરવાનગી ફિલિપને આપી હતી, પણ એ પહેલાં તેમણે કેટલાક ફેરફાર કરવાના હતા.
ગ્રીસ તથા ડેન્માર્કના તત્કાલીન રાજકુમાર બ્રિટનનો હિસ્સો બની ગયા હતા. તેઓ ચર્ચ ઑફ ઇંગ્લૅન્ડ સાથે જોડાયા હતા અને તેમણે તેમની વિદેશી પદવીઓ છોડી દીધી હતી.
1947ની 20 નવેમ્બરે તેમનાં લગ્નના દિવસે તેમને ઍડિનબર્ગના ડ્યુક બનાવવામાં આવ્યા હતા.
એ ઍડિનબર્ગના ડ્યુકના નામે તેઓ આજીવન ઓળખાતા રહ્યા હતા. લગ્ન સમયે તેમની વય 26 વર્ષ અને તેમનાં પત્નીની વય 21 વર્ષ હતી.
રાજવી દંપતીનાં લગ્નને ચાર વર્ષ થયાં ત્યારે એક જવાબદારી આવી પડી. એ સમય દરમિયાન તેમને બે સંતાન થયાં હતાં.
કૉમનવેલ્થના 1952ના પ્રવાસ દરમિયાન તેઓ કેન્યાની એક ગેમ લોજમાં હતા ત્યારે તેમને માઠા સમાચાર મળ્યા હતા. ઍલિઝાબેથના પિતા કિંગ જ્યોર્જ પંચમનું 56 વર્ષની વયે અવસાન થયું હતું.
ઍડિનબર્ગના ડ્યુકના મિત્ર તથા અંગત સચિવ કમાન્ડર માઈકલ પાર્કરે એ પળનું વર્ણન કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે "તેમની માથે અરધું આભ તૂટી પડ્યું હોય એવા તેઓ લાગતા હતા. મારા જીવનમાં કોઈના માટે હું એટલો દિલગીર થયો નથી. તેઓ જોરદાર આઘાત લાગ્યો હોય તેમ જોરથી શ્વાસ લેતા હતા. તેમને તત્કાળ સમજાઈ ગયું હતું કે શાંતિભર્યા આનંદમય સહજીવનનો અંત આવી ગયો છે."
ફિલિપની નૌકાદળ સંબંધી આંકાક્ષા પર અંકુશ લાગી ગયો. પતિ ફિલિપ નવા રાણી ઍલિઝાબેથની સતત સાથે હોય એ જરૂરી હતું.
ડ્યુક ઑફ ઍડિનબર્ગને 'ક્વીન્સ કૉન્સોર્ટ' કહેવાયા. તેમનું મુખ્ય કામ તેમનાં પત્નીને કામકાજમાં ટેકો આપવાનું હતું.
ફિલિપનો આગ્રહ હતો કે રાજવી પરિવાર તેમની માઉન્ટબેટન અટક અપનાવી લે. 1950ના દાયકાના આરંભે શરૂ થયેલો વિવાદ લાંબો ચાલ્યો હતો.
ક્વીન ઍલિઝાબેથને વિન્ડસર જાળવી રાખવાનું કહેવામાં આવ્યું ત્યારે ગુસ્સે થયેલા ફિલિપે કહ્યું હતું કે "આ દેશમાં હું એક જ એવો પુરુષ છું, જે પોતાની અટક તેનાં બાળકોને આપી શકતો નથી."
પોતાના માટે નક્કી કરાયેલી મર્યાદિત ભૂમિકામાંથી નવો અર્થ શોધવા માટે ફિલિપ સંઘર્ષ કરતા રહ્યા હતા, પણ વ્યવહારુ સ્વભાવવાળી વ્યક્તિ તરીકે તેઓ બકિંઘહામ પૅલેસની ચુસ્ત પરસાળોમાં તાજી હવા ફૂંકવા કટિબદ્ધ હતા.
ફિલિપે રાજાશાહીને કેવી રીતે બદલી?
પોતાના પરિવારને ગ્રીસમાંથી બળજબરીપૂર્વક હાંકી કાઢવામાં આવ્યો હતો એ ડ્યુક ક્યારેય ભૂલ્યા ન હતા.
તેઓ માનતા હતા કે રાજાશાહીએ અસ્તિત્વ ટકાવવા પરિસ્થિતિને અનુકૂળ થવું જોઈએ.
સમાજના વિવિધ વર્ગના લોકોને ક્વીન ઍલિઝાબેથ મળી શકે એટલા માટે તેઓ ઔપચારિક ભોજન સમારંભનું આયોજન કરતા હતા.
રાજવી પરિવારના ભોજન માટે રાજમહેલમાં એક અલગ રસોડું કાર્યરત છે એવું જાણવા મળ્યું ત્યારે ફિલિપે એ રસોડું બંધ કરાવી દીધું હતું.
કેટલાક ફેરફાર વધારે અંગત હતા અને તેમાં ઉપકરણો પ્રત્યેના તેમના પ્રેમનું પ્રતિબિંબ જોવા મળતું હતું.
તાજપોશી પહેલાં ફિલિપ અને ભાવિ મહારાણી 1949માં ક્લેરેન્સ હાઉસમાં આવ્યાં ત્યારે તેમણે પરિશ્રમનું પ્રમાણ ઘટાડતા સંખ્યાબંધ સાધનો ઈન્સ્ટોલ કરાવ્યાં હતાં. એક ઉપકરણ એવું હતું કે જેમાં એક બટન દબાવવાથી વોર્ડરોબમાંથી સૂટ બહાર આવી જતો હતો.
ડ્યુકે રૉયલ ફેમિલી નામની બીબીસીની 90 મિનિટની એક ડૉક્યુમૅન્ટરી ફિલ્મને ટેકો આપ્યો હતો. 1969માં પ્રસારિત કરાયેલા એ ફિલ્મને ટેલિવિઝન ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ ગણવામાં આવે છે.
એ ફિલ્મમાં ક્વીન ઍલિઝાબેથ શાહી અશ્વોને ગાજર ખવડાવતાં, ટેલિવિઝન નિહાળતાં અને બાલ્મોરલ પૅલેસના બાર્બેક્યૂ પાસે પ્રિન્સેસ એન સોસેજ બનાવતાં હોય ત્યારે સલાડ વિશે ચર્ચા કરતાં જોવા મળે છે.
ફિલિપે બકિંઘહામ પૅલેસમાં ઈન્ટરકૉમ ઈન્સ્ટોલ કરાવ્યાં હતાં, જેથી ફિલિપના લેખિત સંદેશા રાણી ઍલિઝાબેથને પહોંચાડવા નોકરોએ વારંવાર જવું ન પડે.
તેઓ પોતાનો સામાન સાથે રાખતા હતા અને પોતાના રૂમમાં પોતાનો બ્રેકફાસ્ટ ઈલેક્ટ્રિક ફ્રાઈંગ પેન પર જાતે બનાવતા હતા. રાણી ઍલિઝાબેથે તેની વાસ સામે વાંધો લીધો પછી તેમણે રૂમમાં બ્રેકફાસ્ટ રાંધવાનું બંધ કર્યું હતું.
તેઓ કઈ રીતે સમય પસાર કરતા હતા?
બ્રિટનના ઇતિહાસમાં રાજવીના સૌથી લાંબા સમયના સહચર તરીકે પ્રિન્સ ફિલિપે 22,191 બેઠકોમાં ભાગ લીધો હતો.
2017માં રૉયલ ડ્યૂટીમાંથી નિવૃત્ત થયા બાદ તેઓ 780થી વધુ સંગઠનોના પુરસ્કર્તા, પ્રમુખ કે સભ્ય હતા એવું કહેવાય છે.
ક્વીન સાથે કૉમનવેલ્થ દેશોના વિશ્વભ્રમણ દરમિયાન તેમણે 143 દેશોની સત્તાવાર મુલાકાત લીધી હતી અને ફ્રેન્ચ તથા જર્મન ભાષા પરના પ્રભુત્વનો ઉપયોગ કર્યો હતો.
દક્ષિણ પેસિફિકના ટાપુ રાષ્ટ્ર વેનુઆતુમાં એક રેઈનફોરેસ્ટ સમુદાયના લોકો તેમને પુનર્જન્મ પામેલા પ્રાચીન યોદ્ધા તરીકે પૂજે છે.
તેમણે કરેલાં કામોમાં સૌથી વધારે યાદગાર ડ્યુક ઑફ ઍડિનબર્ગ ઍવૉર્ડ છે. ફિલિપે તેમના ભૂતપૂર્વ હેડમાસ્ટર કર્ટ હાનના કહેવાથી 1956માં આ ઍવૉર્ડની શરૂઆત કરી હતી.
14થી 25 વર્ષની વયના લોકો સ્વૈચ્છિક કામ કરીને, શારીરિક પ્રવૃત્તિ તથા કૌશલ્ય મેળવીને અને પર્વતારોહણ કે સમુદ્રપ્રવાસ ખેડવા જેવાં સાહસ કરીને આ ઍવૉર્ડ જીતી શકે છે.
2016માં 130થી વધુ દેશો-પ્રદેશોના 13 લાખ યુવાઓએ આ સ્કીમમાં ભાગ લીધો હતો.
તેના સ્થાપકે બીબીસીને કહ્યું હતું કે "તમે યુવા લોકોને કોઈ ક્ષેત્રમાં સફળતા અપાવી શકો તો એવી સફળતાની લાગણી બીજા ઘણા લોકોમાં ફેલાઈ શકે."
ફિલિપ પ્રતિભાશાળી સ્પૉર્ટ્સમૅન હતા. તેઓ ગૉર્ડન્સ્ટાઉન ખાતે સેઈલિંગ શીખ્યા હતા અને આઈલ ઑફ વાઇટ ખાતે દર વર્ષે ઉનાળામાં યોજાતી સેઈલિંગ સ્પર્ધામાં નિયમિત રીતે ભાગ લેતા હતા.
તેમને કેરેજ ડ્રાઈવિંગ જેવી અશ્વસંબંધી સ્પૉર્ટ્સમાં જોરદાર રસ હતો અને તેઓ 1960ના દાયકાના મધ્યભાગમાં બ્રિટનના ટોચના પોલો ખેલાડીઓ પૈકીના એક હતા.
તેઓ પર્યાવરણની તથા વન્યજીવનની જાળવણી માટે પ્રતિબદ્ધ હતા. 1961માં તેઓ વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડના પ્રમુખ બન્યા હતા.
એ જ વર્ષે ભારતમાં વાઘના શિકારના એક ફોટોગ્રાફમાં ક્વીન સાથે તેઓ નજરે પડ્યા ત્યારે તેમણે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
તેમનું વ્યક્તિત્વ તેમના પોતાના અને ક્વીનના શબ્દોમાં...
બ્રિટિશ જીવનમાં તેમણે આપેલા યોગદાન વિશેના સવાલનો જવાબ પ્રિન્સ ફિલિપે લાક્ષણિક નિખાલસતા સાથે આપ્યો હતો.
તેમણે કહ્યું હતું કે "મેં મારાથી બનતું શ્રેષ્ઠ કામ કર્યું છે. કેટલાક લોકોને તે યોગ્ય લાગે છે, કેટલાકને નથી લાગતું. તેમાં હું શું કરી શકું? હું મારી કાર્યપદ્ધતિ બદલાવી ન શકું. એ મારી શૈલીનો એક હિસ્સો છે."
પ્રિન્સ ફિલિપે બેધડક અથવા ભાવનાશૂન્ય વંશીય નિવેદનો કરીને વારંવાર વિવાદ પણ સર્જયા હતા. તેમાં તેમણે 1986માં ચીનમાંના બ્રિટિશ વિદ્યાર્થીઓના એક જૂથ સાથેની વાતચીતમાં કરેલી ટીપ્પણીનો સમાવેશ થાય છે. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે "જો તમે અહીં લાંબો સમય રહેશો તો તમારી બધાની આંખો પણ એકદમ ઝીણી થઈ જશે."
ટીકાકારો તેમને ગૅફે-પ્રોન (શરમમાં નાખનારા) અને આઉટ ઑફ ટચ ગણાવ્યા હતા. પ્રિન્સ ફિલિપનો બચાવ કરતા લોકો તેમને મસ્તી-મજાક કરવા ઈચ્છુક વ્યક્તિ ગણાવતા હતા.
જાણકારો કહે છે કે સ્પષ્ટવક્તા પ્રિન્સ ફિલિપ અને ક્વીન ઍલિઝાબેથને હાસ્યે જોડેલા રાખ્યા હતા. એમણે પોતે સૂચવેલું કે એ ક્વીનની સહનશીલતા છે.
ક્વીન ઍલિઝાબેથ એક સમયે તેમના ભાષણની શરૂઆત "મારા પતિ અને હું..." શબ્દોથી કરતાં હતાં તેની 1960ના દાયકામાં અને એ પછી હાસ્યલેખકોએ ખૂબ મજાક ઉડાવી હતી. એ પછી ક્વીને તે શબ્દો બોલવાનું બંધ કરી દીધું હતું, પણ લાગણી યથાવત રહી હતી.
ક્વીન ઍલિઝાબેથે તેમનાં લગ્નની સુવર્ણજયંતી પ્રસંગે આપેલા હ્રદયસ્પર્શી ભાષણમાં પ્રિન્સ ફિલિપના વ્યક્તિત્વનું વર્ણન કર્યું હતું.
ક્વીને કહ્યું હતું કે "પ્રિન્સ ફિલિપે મારું ભાષણ સાંભળવું પડશે તેનો ડર મને વારંવાર લાગે છે. ભાષણની ચર્ચા અમે અગાઉ કરી લઈએ છીએ અને તમે સમજી શકો કે તેઓ સ્પષ્ટ શબ્દોમાં તેમનો અભિપ્રાય વ્યક્ત કરે છે."
"તેઓ આસાનીથી વખાણ કરતા નથી, પણ તેઓ આટલાં વર્ષો સુધી ચુપચાપ મારી શક્તિ બની રહ્યા છે. હું અને તેમનો પરિવાર, આ અને વિશ્વના અનેક દેશો તેમના પારાવાર ઋણી છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો