પ્રિન્સ ફિલિપના અંતિમસંસ્કાર માટે શું તૈયારી છે?

શુક્રવારે બ્રિટનનાં મહારાણી ઍલિઝાબેથ-દ્વિતીયના પતિ પ્રિન્સ ફિલિપનું 99 વર્ષની વયે અવસાન થયું છે. બ્રિટનમાં પ્રિન્સ ફિલિપના અંતિમસંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે.

આવનારા દિવસોમાં અંતિમસંસ્કાર અંગેની વધુ માહિતી જાહેર કરવામાં આવશે, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે મોટા સરકારી કાર્યક્રમના બદલે આ ફક્ત ઔપચારિક આયોજન હશે.

હવે પછી શું થશે?

બ્રિટિશ સરકારે જાહેરાત કરી છે કે અંતિમસંસ્કારના દિવસે સવારે 8 વાગ્યા સુધી તમામ સરકારી ઇમારતો પર યુનિયન જૅક અને રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. જે રાજવી ઇમારતોમાં બ્રિટનનાં મહારાણી ઍલિઝાબેથ-દ્વિતીય નથી રહેતાં ત્યાં પણ યુનિયન જેક્સ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

એવું માનવામાં આવે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગને લઈને સરકારની હાલની માર્ગદર્શિકા અને સલાહને ધ્યાનમાં રાખીને મહારાણી ઍલિઝાબેથ-દ્વિતીય અંતિમસંસ્કાર અને સંલગ્ન કાર્યક્રમોની યોજનાઓમાં ફેરફાર કરવાનો વિચાર કરી રહ્યાં છે.

અંતિમસંસ્કારના દિવસે પ્રિન્સ ફિલિપની શબપેટીને અંતિમસંસ્કારની વિધિ માટે નજીકમાં આવેલા સેન્ટ જ્યોર્જ ચેપલ લઈ જવામાં આવશે.

ઇંગ્લૅન્ડમાં કોરોના વાઇરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, જેના કારણે અંતિમસંસ્કારમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સાથે ફક્ત 30 લોકોને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.

રાજવી પરિવારના રાજાઓ, રાણીઓ, રાજકુમારો અને રાજકુમારીઓને સૅન્ટ જ્યોર્જ ચેપલની રૉયલ વૉલ્ટમાં દફનાવવામાં આવે છે.

પ્રિન્સ ફિલિપનું 99 વર્ષની વયે નિધન, ડ્યુક ઑફ ઍડિનબર્ગને અપાઈ 41 તોપની સલામી

બ્રિટન, જિબ્રાલ્ટર અને સમુદ્રમાં તહેનાત વિશાળ જહાજોથી ડ્યુક ઑફ ઍડિનબર્ગને સલામી આપવામાં આવી.

લંડન, ઍડિનબર્ગ, કાર્ડિફ અને કાઉન્ટી ડાઉનમાં હિલ્સબરો કાસલ સહિત અનેક સ્થળોએ ડ્યુક ઑફ એડિનબર્ગને 41 તોપોની સલામી આપવામાં આવી.

શુક્રવારે બ્રિટનનાં મહારાણી ઍલિઝાબેથ-દ્વિતીયના પતિ પ્રિન્સ ફિલિપનું 99 વર્ષની વયે અવસાન થયું.

પ્રિન્સ ફિલિપે બ્રિટનના ઇતિહાસમાં સૌથી વધારે વખત માટે રૉયલ ઍસ્કૉર્ટ તરીકે કામ કર્યું છે.

એચએમએસ ડાયમંડ અને એચએમએસ મૉન્ટ્રોઝ સહિત સમુદ્રમાં તહેનાત રૉયલ નૅવીનાં જહાજો પરથી પણ ડ્યુક ઑફ ઍડિનબર્ગને શનિવારે સલામી અપાઈ.

લંડનમાં ટાવર બ્રિજ પાસે જ્યાં ઑનરેબલ આર્ટિલરી કંપની તરફથી સલામી આપવામાં આવી ત્યાં સેંકડો લોકો હાજર રહ્યા હતા.

સેનાના અધિકારી તરીકે પ્રિન્સ ફિલિપે બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો.

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ સર નિક કાર્ટરે કહ્યું કે સેના માટે ડ્યુક ઑફ ઍડિનબર્ગ એક 'શાનદાર મિત્ર, પ્રેરણાદાયી અને રોલ મૉડલ' હતા.

બીબીસીના રૉયલ સંવાદદાતા જૉની ડાયમંડે જણાવ્યું હતું કે "પ્રિન્સ ફિલિપને યાદ કરવાની સાથે-સાથે સેનામાં તેમના યોગદાન અને બીજા વિશ્વયુદ્ધમાં તેમની ભાગીદારીને અનેક વર્ષો સુધી યાદ રાખવામાં આવશે."

રૉયલ નૅવીના સૌથી વરિષ્ઠ અધિકારી ફર્સ્ટ સી લૉર્ડ ઍન્ડ ચીફ ઑફ ધ નેવલ સ્ટાફ એડમિરલ ટોની રૅડેકિને નૌસના માટે ડ્યુકની "સહાનુભૂતિ, લાગણી અને સંબંધ"નાં વખાણ કર્યાં.

"અમારાં મૂલ્યો, ધોરણો અને નીતિ અંગે તેમની ઊંડી સમજને લીધે તેઓ આઠ દાયકાઓ સુધી નૌસેનાના ખૂબ અંગત મિત્ર બની ગયા હતા."

ઑસ્ટ્રેલિયાના કૅનબરામાં સંસદની બહાર ડ્યુક ઑફ એડિનબર્ગને 41 તોપોની સલામી આપવામાં આવી.

ન્યૂઝીલૅન્ડમાં રવિવારે વેલિંગટનમાં પૉઇન્ટ જેરનિન્ઘમમાં આ જ રીતે સેના દ્વારા સલામી આપવામાં આવશે.

આશા રખાઈ રહી છે કે રવિવાર સુધી ડ્યુક ઑફ ઍડિનબર્ગના અંતિમસંસ્કાર અંગે પૅલેસ વધારે માહિતી આપશે.

કૉલેજ ઑફ આર્મ્સના નિવેદન મુજબ ડ્યુક ઑફ ઍડિનબર્ગના અંતિમસંસ્કાર વિંડસરમાં સેન્ટ જ્યૉર્જ્સ ચૅપલમાં થશે અને કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવશે.

એમાં કહેવામાં આવ્યું કે ડ્યુકની ઇચ્છા મુજબ તેમના રાજકીય અંતિમસંસ્કાર નહીં કરવામાં આવે.

સામાન્ય નાગરિકોને મહામારીને કારણે અંતિમસંસ્કારમાં સામેલ ન થવા માટે "અફસોસ" સાથે વિનંતી કરવામાં આવી છે અને માનવામાં આવી રહ્યું છે કે ક્વીન અંતિમસંસ્કાર અને અન્ય પરંપરાગત રિવાજોમાં ફેરફારો અંગે વિચારી રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો