પ્રિન્સ ફિલિપના નિધન પર વિશ્વનેતાઓએ આપ્યા શોકસંદેશ

બકિંઘમ પૅલેસ દ્વારા 99 વર્ષની વયે પ્રિન્સ ફિલિપના નિધનની માહિતી અપાયા પછી વિશ્વના અનેક નેતાઓએ બ્રિટનના શાહી પરિવારને સાંત્વના પાઠવી છે.

અનેક દેશોના રાજવીઓ, સ્વીડનથી લઈને ભારત અને ન્યૂઝીલૅન્ડના વર્તમાન અને પૂર્વ વડા પ્રધાન તથા રાષ્ટ્રાધ્યક્ષોએ શોકસંદેશ પાઠવ્યો છે.

ઍડિનબર્ગના ડ્યુકે રાણી ઍલિઝાબેથ દ્વિતીય સાથે વિદેશમાં સેંકડો યાત્રાઓ કરી હતી.

ઑસ્ટ્રેલિયા

ઑસ્ટેલિયાના વડા પ્રધાન સ્કૉટ મૉરિસને એક નિવેદનમાં કહ્યું, "તેઓ એ પેઢીમાંથી આવતા હતા જેને આપણે ક્યારેય નહીં જોઈ શકીએ. "

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાને કહ્યું કે ડ્યુક રાણીને સતત ટેકો આપતા હતા અને ઑસ્ટ્રેલિયામાં અનેક સંસ્થાઓને ટેકો આપતા હતા.

ઑસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ નેતા જુલિયા ગિલાર્ડે કહ્યું કે ડ્યૂક પોતાની જવાબદારી પ્રત્યે સમર્પિત હતા અને તેઓ મજાની વ્યક્તિ હતા.

સ્વીડન

સ્વીડનના કિંગ કાર્લ ગુસ્તાફે કહ્યું કે "ડ્યુક કેટલાય વર્ષોથી પરિવારના સારા મિત્ર હતા, તેમના માટે આ સંબંધ ખૂબ મૂલ્યવાન હતો."

નેધરલૅન્ડ્સ

નેધરલૅન્ડ્સના શાહી પરિવારે કહ્યું કે તેઓ પ્રિન્સ ફિલિપને ખૂબ સન્માનથી યાદ કરે .

શાહી પરિવારના નિવેદનમાં આગળ કહેવાયું કે "તેમણે પોતાના લાંબા જીવનને બ્રિટનના લોકોની સેવામાં સમર્પિત કર્યું હતું. તેમના જીવંત વ્યક્તિત્વની અમિટ છાપ પડી હતી."

અમેરિકા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યૉર્જ ડબલ્યૂ બુશે ડ્યૂકના ગૌરવપૂર્ણ વ્યક્તિત્વના વખાણ કરતા કહ્યું, "પ્રિન્સ ફિલિપે લાંબું અને ઉલ્લેખનીય જીવન જીવ્યું અને તેમણે અનેક સારા હેતુ અને અન્ય લોકો માટે પોતાને સમર્પિત કર્યા હતા." બેલ્જિયમ

કિંગ ફિલિપે રાણીને એક ખાનગી સંદેશ પાઠવ્યો હતો અને તેઓ તેમની સાથે શક્ય બનશે ત્યારે વાત કરશે.

માલટા

માલટાના વડા પ્રધાન રૉબર્ટ અબેલાએ કહ્યું, "માલટાને પોતાના ઘર તરીકે જોનાર અને અનેક વખત અહીં આવનાર પ્રિન્સ ફિલિપને ગુમાવવા બદલ દુખ થયું. તેઓ અહીંના લોકોની સ્મૃતિમાં હંમેશાં રહેશે. "

ન્યૂઝીલૅન્ડ

ન્યૂઝીલૅન્ડનાં વડા પ્રધાન જકિન્ડા આર્ડને કહ્યું, "ન્યૂઝીલૅન્ડના લોકો અને સરકાર તરફથી હું હર મૅજેસ્ટી (રાણી ઍલિઝાબેથ દ્વિતીય) અને શાહી પરિવારને સાંત્વના પાઠવું છું."

ભારત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રિન્સ ફિલિપના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે હિસ રૉયલ હાઈનેસ ડ્યુક ઑફ ઍડિનબર્ગ પ્રિન્સ ફિલિપના નિધન પર રાજવી પરિવાર અને બ્રિટેનના લોકો પ્રત્યે હું સંવેદના પ્રકટ કરું છું. તેઓ સૈન્યમાં ઝળહળતી કારકિર્દી ધરાવતા હતા અને સમાજ સેવાના કાર્યોમાં કાયમ આગળ રહેતા હતા. ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો