You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રિટનના શાહી પરિવારના સભ્યોના મૃત્યુને બીબીસી કેમ આટલું વિગતવાર કવરેજ કરે છે?
આજે સમાચારો કંઈક અલગ લાગે છે. બીબીસીની વેબસાઇટ્સ તથા ન્યૂઝ બુલેટિનોમાં માત્ર એક જ મુદ્દો ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચાઈ રહ્યો છે. હળવું કે હલકું-ફૂલકું કશું જ જોવા કે સાંભળવા નથી રહ્યું અને સમાચારવાચકના બોલવાની લઢણ ગંભીર છે.
યુકેના રાજવી પરિવારના વરિષ્ઠ સભ્યનું નિધન થવાને કારણે આ ફેરફાર જોવા મળી રહ્યા છે. જો તમે આજે સમાચાર જોયા કે વાંચ્યા હશે તો તમે આ બાબત જાણતા હશો. ક્વીનના પતિ પ્રિન્સ ફિલિપ રાજવી પરિવારના ચાર વરિષ્ઠોમાંથી એક હતા, એટલે બીબીસી તેમના અવસાનના સમાચાર આ રીતે રિપોર્ટ કરી રહ્યું છે.
તેમના સિવાયના અન્ય ત્રણ રાજવીમાં ક્વીન ઍલિઝાબેથ દ્વિતીય, તેમના પુત્ર અને વારસદાર પ્રિન્સ ચાર્લ્સ (પ્રિન્સ ઑફ વેલ્સ) અને તેમના પુત્ર અને તેમના પછી વારસદાર પ્રિન્સ વિલિયમ (ડ્યુક ઑફ કૅમ્બ્રિજ)નો સમાવેશ થાય છે.
મૃત્યુના સમાચારને અન્ય કોઈ મીડિયા ઑર્ગેનાઇઝેશન કરતાં બીબીસી તેને વધુ ગંભીરતાથી લઈ રહ્યું છે, એમ લાગી શકે છે, તો આવું કેમ છે?
રાજવી પરિવારમાં મૃત્યુ એ બીબીસી માટે આટલી મોટી બાબત કેમ છે?
ક્વીન ઍલિઝાબેથ દેશમાં સૌથી લાંબો સમય સુધી સર્વોચ્ચ પદ પર રહેનારાં છે. તેઓ 69 વર્ષથી રાજગાદી પર બિરાજમાન છે. તેઓ યુકે તથા 15 અન્ય દેશનાં વડાં છે.
તેઓ કૉમનવૅલ્થનાં પણ વડાં છે, જે 54 સ્વતંત્ર દેશનું સ્વૈચ્છિક સંગઠન છે. અગાઉ આ દેશો બ્રિટિશ શાસન હેઠળ હતા. બ્રિટનની જનતા તથા બહારના લોકો માટે પણ તેઓ ખૂબ મહત્ત્વપૂર્ણ છે.
જ્યારે કોઈ બ્રિટિશ રાજવીનું અવસાન થાય, ત્યારે વિશ્વભરનું મીડિયા તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરતું હોય છે. આથી, યોગ્ય કવરેજ માટે બીબીસી શક્ય તમામ પ્રયાસ કરે છે, અને તેના માટે યોગ્ય કારણ પણ છે.
બીબીસીને બ્રિટનની સરકાર પાસેથી નાણાં નથી મળતાં, પરંતુ સીધા જ બ્રિટનની જનતા પાસેથી મળે છે. જે લાઇસન્સ ફી તરીકે ઓળખાતા કર દ્વારા મળે છે. સંસ્થાની સંપાદકીય સ્વતંત્રતા જળવાઈ રહે તે માટે આ ફંડિગ મૉડલ અપનાવવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીએ લાઇસન્સ ફી આપનારાઓને વળતર આપવું રહ્યું અને યુકેની જનતા રાજવી પરિવારમાં રસ ધરાવે છે, તે બાબત વરસોવરસ સતત સાબિત થઈ છે.
વર્ષ 2002માં 'ક્વીન મધર' તરીકે ઓળખાતાં રાણી ઍલિઝાબેથનાં માતાનું અવસાન થયું, એ સમયે વેસ્ટમિનસ્ટર પૅલેસ ખાતે ત્રણ દિવસ દરમિયાન એક લાખ કરતાં વધુ શોકાતુરો એકઠા થયા હતા.
એક અનુમાન પ્રમાણે, જ્યારે ક્વીન મધરના મૃતદેહને વિન્ડસરમાં અંતિમવિશ્રામ માટે લઈ જવામાં આવ્યો ત્યારે રસ્તા પર 10 લાખ કરતાં વધુ લોકો એકઠા થયા હતાં અને એક કરોડ કરતાં વધુ લોકોએ આ અંતિમયાત્રા ટીવી પર નિહાળી હતી. વૈશ્વિક મીડિયાએ પણ આ ઘટનાને ખૂબ જ ઊંડાણપૂર્વક કવર કરી હતી.
બ્રિટનના રાજવી પરિવારમાં વરિષ્ઠ સભ્યનું અવસાન થાય ત્યારે બીબીસી તેને કેવી રીતે રિપોર્ટ કરે છે?
લગભગ વિશ્વભરમાં રાજવી પરિવારના સભ્યોને લગતાં સમચારને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, એટલે કદાચ આ બાબત આશ્ચર્યજનક નથી.
ખૂબ જ સાદી વાત છે, તે મોટા સમાચાર છે એટલે જ બીબીસી તેને એ રીતે રજૂ કરે છે.
બીબીસીના રૉયલ કૉરસ્પૉન્ડન્ટ જોની ડાયમંડના કહેવા પ્રમાણે, "શાહી બાબતો 'માત્ર સૅલિબ્રિટી' ન આકર્ષે તે રીતે લોકોનું ધ્યાન ખેંચે છે."
"આવું કેમ થાય છે તે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે, આધુનિક સમયે આ બાબતો અસંગત લાગે અને દિલમાં એ વાત જાણતા હોવા છતા, કેટલાક લોકો રાજવી બાબતોને પરિકથાની જેમ માણે છે."
આવા મોટા સમાચાર દરમિયાન લોકો બીબીસી વર્લ્ડ સર્વિસ પાસે આવે તેવી અપેક્ષા રાખી શકાય.
વર્લ્ડ સર્વિસના ભાષાકીય સમાચાર નિયામક તારિક કાફલાના કહે છે, "રાજવી પરિવારમાં મૃત્યુ એ વિશ્વભરના લોકોમાં વ્યાપકપણે રસ ઊભો કરે છે. બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશનના વિશ્વભરમાં કરોડો દર્શક, શ્રોતા અને વાચક ફેલાયેલા છે, તેઓ આવી ઘટના માટે વ્યાપક માહિતી મેળવવાની આશાએ અમારી પાસે આવશે."
બીબીસીના ઑડિયન્સને એક બાબત ધ્યાને આવશે કે તેમણે આ વિશેના સમાચાર સૌથી પહેલાં અન્ય કોઈ જગ્યાથી જાણ્યા હશે. આવું એટલા માટે થાય છે કે બીબીસી સમાચારને સૌ પહેલા રિપોર્ટ કરવામાં નથી માનતું, પરંતુ તે યોગ્ય રીતે રિપોર્ટિંગ થાય તેની ખાતરી કરવા ચાહે છે.
આ અંગેનું રિપોર્ટિંગ કોઈ બ્રૅકિંગ ન્યૂઝ કરતાં સત્તાવાર જાહેરાત જેવું વધુ જણાશે.
અન્ય સમાચાર સંસ્થાઓ પાસે ધ્યાનાકર્ષક ગ્રાફિક્સ હશે, પરંતુ અવસાન થયું છે તે બાબતને ભારપૂર્વક ધ્યાને રાખીને બીબીસીના કવરેજનો સૂર સંતુલિત હોવો રહ્યો.
બીબીસી મૃત્યુની જાહેરાત બાદ તરત જ બીજા કોઈ સમાચાર ન પણ આપે, અને વેબસાઇટ તથા ટીવી અને રેડિયો ન્યૂઝ બુલેટિનમાંથી અમુક ઓછા અસરદાર સમાચારને હઠાવી દેવામાં આવી શકે છે.
આ સિવાય તમે વેબપેજ ઉપર જે કંઈ જુઓ કે બુલેટિનમાં સાંભળો, રાજવી પરિવારના મૃત્યુની જાહેરાતના અમુક કલાકો પછી, તે દરેક જગ્યાએ તેને મુખ્ય સમાચાર તરીકે જોશો.
પ્રિન્સ ફિલિપ માટે પણ એ જ રીતે કેમ?
એ ખરું કે પ્રિન્સ ફિલિપ ક્યારેય રાજગાદી દાવેદાર ન હતા અને તેમને ક્યારેય રાજાની ઉપાધિ નહોતી મળી. તેમના મોટા પુત્ર સિંહાસનના વારસ છે.
યુકેમાં જે કોઈ મહિલા રાજવીને પરણે, ત્યારે તેણી રાણીનો ઔપચારિક ખિતાબ વાપરી શકે છે, પરંતુ જો કોઈ પુરુષ મહારાણી સાથે વિવાહ કરે તો તેને રાજાની ઉપાધિ મળતી નથી. તેનો ઉપયોગ માત્ર પુરુષ સાર્વભૌમ શાસક રાજા જ કરી શકે છે.
20મી નવેમ્બર, 1947માં લગ્ન થયાં, ત્યારથી તેઓ સતતપણે ક્વીન ઍલિઝાબેથની સાથે રહ્યા છે. બ્રિટનના ઇતિહાસમાં તેઓ મહારાણીના સૌથી લાંબા સહચારી રહ્યા છે અને તેમનું મુખ્ય કામ મહારાણીને સહયોગ કરવાનું હતું.
તેઓ એક ટીમની જેમ હતાં અને અને ક્વીન તેમનાં દરેક ભાષણની શરૂઆત "મારા પતિ અને હું..."થી કરતાં હતાં.
લગ્નની પચાસમી વર્ષગાંઠે આપેલી સ્પીચમાં તેમણે માર્મિક રીતે કહ્યું હતું કે, "આટલાં વર્ષો દરમિયાન તેઓ ખૂબ સહજતાથી મારી તાકાત બની રહ્યા છે."
"હું અને મારો આખો પરિવાર તથા બીજા ઘણા દેશ તેમના કોઈ દાવા કરતાં પણ ખૂબ જ વધારે ઋણી છીએ."
તેમના મૃત્યુના સમાચારને કેમ મહત્ત્વ આપવું જોઈએ તે માટે આટલું પૂરતું છે?
ડાયમંડના મતે, "ખરા અર્થમાં આ અંતિમ વૈશ્વિક રાજાશાહી છે અને ફિલિપ હંમેશાં ક્વીન સાથે રહ્યા અને તેમની સાથે યાત્રાઓ કરતા રહ્યા. તેઓ વિશ્વના લગભગ દરેક ખૂણામાં જોવાં મળ્યાં હતાં."
"તેઓ ખરેખર વૈશ્વિક સેલિબ્રિટી હતા અને અગ્રેસરોમાંથી એક હતા."