કોરોના વૅક્સિન : પાકિસ્તાન ચીન અને રશિયાના ભરોસે, પણ રસી મળશે ખરી?

    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં આગામી 16 જાન્યુઆરીથી કોરોના વાઇરસની રસીનો કાર્યક્રમ આખા દેશમાં યુદ્ધના ધોરણે થવાના છે, દક્ષિણ એશિયાના ઘણા દેશો એવા છે, જેમણે હજુ પણ રસી માટે થોડી રાહ જોવી પડશે.

ખાસ કરીને પાકિસ્તાનની વાત કરવામાં આવે તો ત્યાંની સરકારનું કહેવું છે કે ફેબ્રુઆરીના મધ્ય સુધી ચીનની કંપની સિનોફાર્માથી પહેલો જથ્થો પહોંચી જશે.

પાકિસ્તાન મેડિકલ ઍસોસિયેશનના અધ્યક્ષ કૈસર સજ્જાદે બીબીસીને કહ્યું કે અત્યાર સુધીમાં સિનોફાર્મા દ્વારા બનાવેલી સિનોવૅકની ટ્રાયલના ત્રણ તબક્કા પૂરા થઈ ગયા છે.

તેમનું કહેવું હતું કે પાકિસ્તાન રસી માટે રશિયા સાથે પણ વાતચીત કરી રહ્યું છે, જે હવે નિર્ણાયક દોરમાં છે અને જલદી રશિયાથી રસી લાવવાનો રસ્તો પણ સાફ થઈ જશે.

તેઓ કહે છે, "ટ્રાયલના ત્રણ તબક્કા સફળ રહ્યા છે, જે ડિસેમ્બરની 31 તારીખ સુધી ચાલતા રહ્યા. કુલ મળીને 18 હજાર વૉલન્ટિયરો પર પ્રયોગ કરાયો અને હવે અમને તેની ક્ષમતાને લઈને પૂરો વિશ્વાસ છે. પણ આખા દેશમાં રસી પહોંચાડવી અને લોકોને આપવી એક મોટો પડકાર છે."

તો પાકિસ્તાનના કાર્યવાહક સ્વાસ્થ્યમંત્રી ફૈસલ સુલતાન અનુસાર, આ વર્ષે ફેબ્રુઆરીના મધ્ય સુધી ચીનથી રસી પાકિસ્તાન પહોંચશે તો સૌથી પહેલા તબક્કામાં જે લોકોને રસી અપાશે, જેમાં સ્વાસ્થ્યકર્મીઓ અને 'ફ્રન્ટલાઇન વર્કર્સ' સહિત વરિષ્ઠ નાગરિકો હશે.

ફૈસલ સુલમાન સ્વાસ્થ્ય અને કોરોના વાઇરસથી લઈને વડા પ્રધાન ઇમરાન ખાનના સલાહકાર પણ છે.

તેઓ કહે છે કે પહેલા જથ્થામાં પાંચ લાખ લોકો માટે દસ લાખથી વધુ રસીના ડોઝ મંગાવ્યા છે.

આમ તો પાકિસ્તાનમાં કોરોના વાઇરસના કેસના સંખ્યા પણ પાંચ લાખની આસપાસ છે.

અન્ય વૅક્સિન

પાકિસ્તાન મેડિકલ ઍસોસિયેશનનું કહેવું છે કે રશિયા અને ચીનની રસી સહિત પાકિસ્તાન બાયૉએનટેક, ફાઇઝર અને મૉડર્નાની રસી પણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પાકિસ્તાનના લોકસેવાના પૂર્વ અધિકારી અને 'પબ્લિક પૉલિસી'ના વિશેષજ્ઞ હસન ખ્વાર અનુસાર પાકિસ્તાને કોવિડ-19ની રસી માટે 150 અબજ ડૉલર ફાળવ્યા છે, જેનાથી દસ લાખથી થોડા વધુ ડોઝ ખરીદી શકાય તેમ છે.

તેઓ કહે છે, "આ જથ્થો આવી જાય તો પણ તેનાથી પાકિસ્તાનની વસતીના માત્ર 0.2 ટકા ભાગને તેનો લાભ થશે. તેનાથી એ સમજાય છે કે પાકિસ્તાનની મોટી વસતી સુધી રસી પહોંચાડવા માટે ફાળવેલી રકમ ઘણી વધુ હોવી જોઈએ."

વિશેષજ્ઞોનું માનવું છે કે પાકિસ્તાન સામે 70 અબજની વસતીને કોરોનાની રસી આપવાનું લક્ષ્ય છે. ત્યારે જ ક્યાંક "હર્ડ ઇમ્યુનિટી" હાંસલ કરી શકાય છે. એટલે કે ભારતના પડોશીને 140 અબજ ડોઝની જરૂર છે, આથી તેના માટે ઘણા પૈસા ફાળવવાની જરૂર છે.

પડકારો

જોકે હસન ખ્વાર અનુસાર પૈસા કરતાં પણ મોટો પડકાર છે રસી ઉપલબ્ધ કરાવવી. તેમના અનુસાર રસીના નિર્માતાઓ પાસે આ વર્ષ સુધીના તમામ ઑર્ડર પૂરા થઈ ગયા છે.

તેઓ માને છે કે પશ્ચિમી દેશોની વૅક્સિન કંપનીઓ તરફથી આ વર્ષે કોઈ રસી મળે તેવું લાગતું નથી. તેમનું કહેવું હતું કે જો યોગ્ય સમયે પાકિસ્તાને રશિયા અને ચીનની રસીના ઑર્ડર ન આપ્યા તો તેનું મળવું પણ મુશ્કેલ થઈ જશે.

હસન ખ્વાર માને છે કે પાકિસ્તાને આ અંગે જલદી નિર્ણય લેવો પડશે, નહીં તો રસી મેળવવાની દોડમાં એ પાછળ રહી જશે.

તેઓ કહે છે, "બધા વિકાસશીલ દેશો માટે રસી મેળવવી પણ બરાબરીનો ખેલ નથી. જે રસી અત્યાર સુધીમાં બુક થઈ ગઈ છે, તેમાં મોટી અર્થવ્યવસ્થાવાળા દેશોની સંખ્યા 72 ટકા છે. બાકીના મધ્યમ આવકવાળા અને સંપૂર્ણ પછાત દેશ છે."

તેમનું કહેવું છે કે સૌથી વધુ ગરીબ દેશો તો હજુ સુધી રસી બુક પણ કરાવી શક્યા નથી.

પાકિસ્તાનના કેન્દ્રીય સ્વાસ્થ્યસેવા મંત્રાલયમાં સંસદીય સચિવ નૌશિન હામિદના કહેવા અનુસાર, પાકિસ્તાન સરકારે રસી મેળવવા માટે કેટલીક ખાનગી કંપનીઓની મદદ પણ લીધી છે.

તેમનું કહેવું છે કે હાલમાં પાકિસ્તાનમાં પોલિયોના રસીકરણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, આથી તેનો ફાયદો કોરોના વાઇરસની રસી લગાવવામાં પણ ઉઠાવાશે.

વિરોધ અને જોખમ

જોકે ખૈબર પખ્તુનખ્વાહના વિસ્તારોમાં પોલિયો અભિયાનમાં સામેલ એક સ્વાસ્થ્યકર્મીની હત્યા બાદ આ અભિયાનને ઝટકો લાગ્યો છે, પણ પાકિસ્તાન મેડિકલ ઍસોસિયેશનના અધ્યક્ષ કૈસર સજ્જાદ કહે છે કે રસીકરણ સામે દરેક દેશમાં એક લૉબી સક્રિય હોય છે. પણ તેનાથી કશો ફેર નહીં પડે.

બીબીસી સાથે વાત કરતા તેઓએ કહ્યું કે માત્ર રસીને લઈને જ નહીં, પણ કોરોના વાઇરસને પણ અફવાઓ ફેલાતી રહી છે.

તેઓ કહે છે, "ઘણા લોકો કોરોનાને પણ માનવાનો ઇન્કાર કરે છે. પણ તેઓ કહે છે કે કોરોના વાઇરસનું રસીકરણ પોલિયોના રસીકરણથી થોડું અલગ હશે, કેમ કે પોલિયોના રસીકરણ માટે સ્વાસ્થ્યકર્મીઓ ઘરેઘરે ફરે છે."

"કોરોના રસી માટે રસીકરણકેન્દ્ર બનાવાશે અને આ સંપૂર્ણ રીતે લોકોની મરજી પણ નિર્ભર કરશે કે કોણ રસી લગાવવા માગે છે અને કોણ નહીં. તેમાં કોઈ દબાણ નહીં કરાય. લક્ષ્ય હશે વરિષ્ઠ નાગરિકો અને અન્ય ગંભીર રોગોથી ગ્રસ્ત લોકોને પહેલા રસી આપવી."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.