કોરોના વાઇરસ : નવા વર્ષમાં દુનિયાના કયા કયા દેશોમાં ફરી લૉકડાઉનની નોબત આવી?

અગાઉ દિવાળી બાદ કોરોનાના કેસોમાં સાર્વત્રિક વધારો નોંધાતાં ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ લાદ્યો હતો. ભારત સિવાયના દેશોમાં પણ નાતાલ અને નવા વર્ષ પછી કેસોમાં વધારો જોવા મળ્યો છે અને લૉકડાઉનની નોબત આવી છે.

એક તરફ કોરોના વાઇરસના નવા વેરિઅન્ટે ચિંતા વધારી છે તો વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાની તપાસને લઈને ચીનના વલણની ટીકા કરી છે. અલબત્ત, અનેક રસીઓનો સમાચારો આશાજનક છે પરંતુ હજી મામલો પૂરો નથી થયો.

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને પણ તાજેતરમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો જોતાં ઇંગ્લૅન્ડમાં ફરીથી લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે.

નોંધનીય છે કે ઇંગ્લૅન્ડની જેમ જ વિશ્વના ઘણા દેશોમાં બીજી કે ત્રીજી વખત લૉકડાઉન લાદવાની પરિસ્થિતિ સર્જાઈ છે. ઘોષિત પૂર્ણ લૉકડાઉન નહીં પણ આંશિક પ્રતિબંધોની સ્થિતિ લગભગ આખી દુનિયામાં છે.

ગુજરાતમાં મહામારીને લીધે વિરોધપ્રદર્શનની પરવાનગી નહીં અપાતી હોવાનો કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો છે તો ઉત્તરાયણનો તહેવાર રદ કરવા અને એ દિવસોમાં કડક પ્રતિબંધો લાગુ કરવા માગણી પણ થઈ છે.

પહેલાં 2020ના શરૂઆત અને મધ્યના મહિનાઓ દરમિયાન કડક લૉકડાઉન લાદવામાં આવ્યું હતું.

લૉકડાઉન બાદ સમગ્ર વિશ્વમાં આ મહામારીની રોકથામ માટે અનેક પ્રયાસો થયા.

ન્યૂઝીલૅન્ડ જેવા કેટલાક દેશોને આ પ્રયાસો ફળ્યા પરંતુ ઘણા વિશ્વના ઘણા દેશોમાં આર્થિક પ્રવૃત્તિઓ પૂર્વવત્ કરાયાં બાદ કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં ફરીથી લૉકડાઉન લાદવાની પરિસ્થિતિ સર્જાઈ છે.

નોંધનીય છે કે આ પૈકી ઘણા દેશોએ લૉકડાઉનનાં આંશિક અને સંપૂર્ણ નિયંત્રણો અમલમાં મૂક્યા છે.

કયા કયા દેશોમાં ફરીથી લાગુ કરાયું લૉકડાઉન?

હિંદુસ્તાન ટાઇમ્સ ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે ઇઝરાયલમાં સપ્ટેમ્બર, 2020માં બીજા તબક્કાનું લૉકડાઉન લાદવામાં આવ્યું હતું.

વડા પ્રધાન નેતન્યાહૂએ આ લૉકડાઉન અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, “પ્રથમ લૉકડાઉનની જેમ આ લૉકડાઉન હઠાવવામાં ઉતાવળ નહીં કરાય. આ લૉકડાઉનનાં નિયંત્રણો તબક્કાવાર હઠાવાશે. આ લૉકડાઉન એક વર્ષ કરતાં વધુ સમયનું હોઈ શકે છે.”

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર ફ્રાન્સના પાટનગર પૅરિસમાં છ ઑક્ટોબરથી બે અઠવાડિયા સુધી તમામ બાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર ફ્રાન્સમાં કોઈ પણ સભા કે પ્રસંગમાં માત્ર દસ લોકોને જ હાજરી આપવાની પરવાનગી અપાઈ હતી.

બિઝનેસ ઇનસાઇડર ડોટ ઇનના એક અહેવાલ અનુસાર રજાની સિઝનમાં કોરોનાના નવા કેસો પર નિયંત્રણ રાખવાના હેતુસર ડેન્માર્કમાં 25 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી ફરીવાર લૉકડાઉન લાદવાની જાહેરાત કરાઈ હતી.

જર્મનીમાં પણ કોરોનાના વધતા કેસોની સંખ્યાને કારણે ફરી વાર અમુક નિયંત્રણો સાથેનું લૉકડાઉન લાદવાની ફરજ પડી. તહેવારોની સિઝનમાં લોકો પોતાનાં ઘરોમાં જ રહે તે હેતુથી જર્મનીમાં 10 ડિસેમ્બર સુધી લૉકડાઉન લાદી દેવાયું હતું. આ લૉકડાઉન દરમિયાન પાંચ લોકો કરતાં વધુ વ્યક્તિઓના ભેગા થવા પર મનાઈ ફરમાવવામાં આવી હતી.

આ સિવાય કોરોના વાઇરસની પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે નેધરલૅન્ડ્સમાં પણ 19 જાન્યુઆરી સુધી ચાલનાર પાંચ અઠવાડિયાંના લૉકડાઉનની જાહેરાત કરાઈ છે. નોંધનીય છે કે નેધરલૅન્ડ્સના વડા પ્રધાનના આ નિર્ણયનો ત્યાંની જનતા દ્વારા વિરોધ પણ કરાયો હતો.

કોરોના વાઇરસના વધતા કેસો પર અંકુશ લાવવા માટે ચેક રિપબ્લિકમાં પણ આંશિક લૉકડાઉન લાદવામાં આવ્યું છે.

દેશમાં કોરોનાની આગેકૂચને અટકાવવા માટે રેસ્ટોરાં અને હૉટલો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ જાહેર અને ખાનગી સ્થળો પર છ લોકો કરતાં વધુ લોકોના ભેગા થવા પર પાબંદી લગાવવામાં આવી છે. રાત્રિના 11 વાગ્યાથી લઈને સવારના પાંચ વાગ્યા સુધી સાર્વત્રિક કર્ફ્યુ લાદવામાં આવ્યું છે.

ઇંગ્લૅન્ડમાં લૉકડાઉન

બીબીસી ડોટ કૉમના એક અહેવાલ અનુસાર બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને મંગળવારે ઇંગ્લૅન્ડમાં ફેબ્રુઆરી માસના મધ્ય ભાગ સુધી ચાલનાર લૉકડાઉનની જાહેરાત કરી હતી.

તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, “ઇંગ્લૅન્ડમાં નવા લૉકડાઉન દરમિયાન તમામને મંજૂરી સિવાયનાં કારણો વગર ઘરની બહાર ન નીકળવાનું જણાવ્યું છે.”

તેમણે આગળ કહ્યું કે, “તમામ શાળા અને કૉલેજો બંધ રહેશે. તમામ વિદ્યાર્થીઓએ રિમોટ લર્નિંગ શરૂ કરવાનું રહેશે.”

તેમણે કહ્યું કે, “કોવિડ-19ના નવા કેસોની સંખ્યા વધતાં આવનારાં અઠવાડિયાં મુશ્કેલ રહેશે.”

તેમણે કોરોનાની રસી અંગે માહિતી આપતાં કહ્યું કે, “આવતા મહિનાના મધ્ય ભાગ સુધી ટોચની પ્રાથમિકતા ધરાવતાં ચાર જૂથોની વ્યક્તિઓને રસી આપવામાં આવશે.”

અહેવાલ અનુસાર સ્કૉટલૅન્ડમાં પણ સ્ટે-ઍટ-હોમ ઑર્ડર ઇશ્યૂ કરવામાં આવ્યો છે. તેમજ વૅલ્સમાં પણ 18 જાન્યુઆરી સુધી તમામ શાળાઓ અને કૉલેજો વિદ્યાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

તેમજ ઉત્તરી આયર્લૅન્ડમાં પણ રિમોટ લર્નિંગની મુદ્દત વધારી દેવાઈ હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો