કોરોના વાઇરસ : એશિયાની સરકારોએ મહામારીને નામે કેવી રીતે છીનવી નાગરિકોની આઝાદી?

    • લેેખક, આયેશા પરેરા
    • પદ, બીબીસી ન્યૂઝ

દિલ્હીમાં વિવાદાસ્પદ નાગરિકતા કાયદા વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનમાં ભાગ લેવાના આરોપસર શફૂરા ઝર્ગરની ધરપકડ થઈ ત્યારે તેમને મહિનાનો ગર્ભ હતો.

તેમની 10 એપ્રિલના રોજ ધરપકડ થઈ હતી, તે સમયે ભારતમાં મહામારીની શરૂઆતના દિવસો હતા.

સરકારની પોતાની સલાહ પ્રમાણે સગર્ભા સ્ત્રીઓને સંક્રમણ લાગવાનો ભય વધુ હતો. તેમ છતાં તેમને બે મહિના કરતાં વધુ સમય સુધી અગાઉથી કેદીઓથી ઉભરાઈ રહેલી તિહાર જેલમાં રાખવામાં આવ્યાં હતાં.

તેઓ જેલમાંથી છૂટ્યાં ત્યારે તેમણે બીબીસીનાં ગીતા પાંડેને જણાવ્યું હતું કે, “તેઓ અન્ય કેદીઓને મારી સાથે વાત કરવાની ના પાડતા. તેઓ મને કહેતા કે હું એક આતંકવાદી છું જેણે હિંદુઓનાં મૃત્યુ નીપજાવ્યાં છે. મારા સાથી કેદીઓને પ્રદર્શનો વિશે ખબર નહોતી. તેમને નહોતી ખબર કે મને પ્રદર્શનમાં ભાગ લેવા બદલ જેલમાં મોકલવામાં આવી છે.”

ટીકાકારોના મત પ્રમાણે મુસ્લિમ સંપ્રદાયને નિશાન પર લેતા કાયદા વિરુદ્ધ થયેલાં દેશવ્યાપી પ્રદર્શનોમાં ભાગ લેવાને તેમનો ગુનો ગણવામાં આવ્યો હતો. આ પ્રદર્શનો પર દેશ અને દુનિયાની તમામ નજરો તે સમયે ટકેલી હતી.

પરંતુ તે સમયે તેમના છૂટકારા માટે શેરીમાં કોઈ પ્રદર્શન ન થયું. અને તે શક્ય પણ નહોતું. ભારતમાં વિશ્વના કઠોરતમ લૉકડાઉનો પૈકી એક લૉકડાઉન અમલી હતું.

આ લૉકડાઉનના કારણે લોકો ઘરમાં જ પુરાયેલા રહેવા માટે મજબૂર હતા. તે સમયે થયેલી ઘણી બધી ધરપકડોમાંથી એક શફૂરાની ધરપકડ પણ હતી.

એશિયાના અન્ય દેશોની સરકારોએ પણ કોરોના વાઇરસનાં નિયંત્રણોની આડશમાં ધરપકડો કરી, કાયદાને લાગુ કરાવવા માટે કડક પગલાં લીધાં અને નવી વિવાદાસ્પદ યોજનાઓ અમલમાં મૂકી.

જો આવું સામાન્ય સંજોગોમાં થયું હોત તો તેનો પ્રતિકાર માત્ર સ્થાનિક સ્તરે જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ થયો હોત.

"માનવ અને નાગરિક અધિકારોમાં પીછેહઠ"

પરંતુ પ્રતિકારને બદલે મહામારીના સંજોગોને કારણે ઘણી સરકારોની લોકપ્રિયતા વધી. કારણ કે લોકો આ મહામારીના સમયમાં માર્ગદર્શન માટે સરકાર સામે જોઈ રહ્યા હતા.

સિવિકસ, ગ્લોબલ એલાયન્સ ઑફ સિવિલ સોસાયાટી ઑર્ગેનાઇઝેશન્સ ઍન્ડ ઍક્ટિવિસ્ટના જોસેફ બેનેડિક્ટે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “મહામારીના સમયે વાઇરસ દુશ્મન હતો અને તેની સામે યુદ્ધ સ્તરે કામગીરી ચાલી રહી હતી. તેના કારણે ‘મહામારી સામે લડવા’ના નામ પર સરકારોને દમનકારી કાયદાઓ લાગુ કરવાની તક મળી ગઈ.”

“તેનો અર્થ એ થયો કે માનવ અને નાગરિક અધિકારોમાં એક ડગલું પીછેહઠ થઈ છે.”

સિવિકસના તાજેતરના રિપોર્ટ ‘ઍટેક ઑન પીપલ પાવર’ અનુસાર, એશિયા પૅસિફિક વિસ્તારમાં “રાજ્યના અત્યાચારોના અહેવાલો પર નિયંત્રણો અને મહામારીમાં રાજ્યની કામગીરીને લગતા અહેવાલો પર નિયંત્રણો થકી સંખ્યાબંધ સરકારો દ્વારા વિરોધને દબાવવાના પ્રયત્નો જોવા મળ્યા છે.”

આ રિપોર્ટમાં સર્વેલન્સ અને ટ્રૅકિંગની કામગીરી અંગે વાત કરાઈ છે. જે હાલ કૉન્ટેક્ટ ટ્રૅસિંગ માટે ઉપયોગમાં લેવાય છે.

આ સિવાય રિપોર્ટમાં કડક કાયદા થકી રાજ્યની ટીકાકારી પ્રવૃત્તિઓને દબાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોવાનું પણ નોંધવામાં આવ્યું છે.

આ તમામ કામગીરી મહામારીને જોતાં થઈ રહી હોવાનું જણાવવામાં આવતું જેથી આ નિયંત્રણો સામે કોઈ પ્રતિકાર નહોતો જોવા મળતો કે નજીવો પ્રતિકાર જોવા મળતો હતો.

સિવિકસના રિપોર્ટ અનુસાર આ વિસ્તારમાં આ સમયગાળા દરમિયાન 26 દેશોમાં કઠોર કાયદા લાવવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 16 દેશોમાં માનવાધિકાર માટે સંઘર્ષ કરતી વ્યક્તિઓ પર કામ ચલાવવામાં આવ્યાં હતાં.

‘એક કડક સંદેશો’

શફૂરાની જેમ જ ભારતમાં 83 વર્ષીય કૅથલિક પાદરીની રાજદ્રોહ, ગુનાહિત બદનક્ષી અને આંતકવાદ-વિરોધી કાયદા અંતર્ગત ધરપકડ કરાઈ હતી. તેઓ પાર્કિન્સન્સ રોગથી પીડાય છે. પરંતુ આવા કડક કાયદા અંતર્ગત કેસ નોંધાયેલા હોઈ તેમને જામીન મળવા લગભગ અશક્ય છે.

આ પરિસ્થિતિને કારણે ઘણી સંસ્થાઓ લોકોને જાગૃતિનો સંદેશો પહોંચાડવા લાગી છે. સંયુક્ત રાષ્ટ્રના પાંચ દૂતોએ આ ધરપકડો અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે, “આ ધરપકડો સ્પષ્ટપણે ભારતના વાઇબ્રન્ટ નાગરિક સમાજને કડક સંદેશો આપવા માટે કરવામાં આવી છે.”

ઇન્ટરનૅશનલ કમિશન ઑફ જ્યુરિસ્ટ્સના કાયદાકીય બાબતોનાં સલાહકાર મૈત્રેયી ગુપ્તાએ બીબીસીને જણાવ્યું કે, તેઓ ઘણી વખત રાજકીય બંદીઓને મુક્ત કરવા માટે સરકારને રજૂઆત કરી ચૂક્યા છે.

આંતરરાષ્ટ્રીય દબાણ છતાં પણ આ ધરપકડોનો સિલસિલો ચાલુ રહ્યો હતો અને તેનો પ્રતિકાર પણ ખૂબ ઓછો થયો હતો.

સરકાર સતત જેમની ધરપકડ થઈ રહી છે તેમના પર આરોપ મૂકતી આવી છે કે તે લોકો રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. તેમજ આ તમામ ધરપકડો કોઈ અન્ય ઉદ્દેશથી ન થઈ રહી હોવાનું તેઓ અવારનવાર જણાવતા રહ્યા છે.

ફિલિપિન્સમાં 62 વર્ષીય ઍક્ટિવિસ્ટ તેરેસિતા નાઉલ જેઓ હૃદયરોગ અને અસ્થમાની બીમારીથી પીડાય છે તેમની અપહરણ, ગંભીર ગેરકાયદેસર ડિટેન્શન, વિનાશક આગ લગાડવાના આરોપમાં ધરપકડ થવાના કારણે, આ પગલાનો ઘણો પ્રતિકાર થયો હતો.

મીડિયા સમક્ષ નાઉલને ટોચના ‘કૉમ્યુનિસ્ટ નેતા’ તરીકે રજૂ કરાયા હતા. નાઉલની જેમ જ અન્ય 400 લોકોની આ ગંભીર આરોપોસર ધરપકડ કરાઈ છે. જેમાં મોટા ભાગના ઍક્ટિવિસ્ટ અને પત્રકારો સામેલ છે. ઝારા અલ્વારેઝ અને રેન્ડલ ઇખાનીસ જેવા અમુક પર હુમલો કરી તેમનું મૃત્યુ નીપજાવી દેવાયું છે.

મે મહિનામાં દેશના સૌથી મોટા મીડિયા નેટવર્ક ABS-CBNને બળજબરીપૂર્વક બંધ કરાવાયાને કારણે ઘણા લોકો મહામારીને લગતી અગત્યની માહિતીથી વંચિત રહી ગયા હતા.

તેમ છતાં ત્યાંના રાષ્ટ્રપતિ રોડ્રિગો ડ્યુતર્ટે નાગરિકોમાં એટલા જ લોકપ્રિય રહ્યા હતા.

બાંગ્લાદેશ, નેપાળ અને મ્યાનમારનાં પગલાંની પણ ટીકા

બાંગ્લાદેશમાં પણ કોવિડ અંગે દુષ્પ્રચાર કરવાના આરોપમાં સરકારની ટીકા કરતી ઘણી વેબસાઇટો બંધ કરવામાં આવી હતી.

નેપાળમાં મૂળનિવાસી નેવાર સમુદાયનાં ઍક્ટિવિસ્ટ બિદ્યા શ્રેષ્ઠાએ બીબીસીને જણાવ્યું કે સરકારે મહામારીનો ઉપયોગ જૂથને પ્રતાડિત કરવા માટે કર્યો છે.

તેઓ જણાવે છે કે મહામારી દરમિયાન અધિકારીઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ જઈને કાઠમાંડુ ખીણમાં સ્થિત નેવાર સમુદાયની પરંપરાગત વસાહતમાં નવો રોડ બનાવવા માટે 46 મકાનો તોડી પાડ્યાં.

અધિકારીઓએ પ્રદર્શનોને અવગણ્યાં, કેટલાંક પ્રદર્શનો પર તો બળપ્રયોગ પણ કરવામાં આવ્યો. સરકારે આ અંગે કહ્યું કે સ્થાનિકોએ પોતાની વાત યોગ્ય ચૅનલને અનુસરીને કરવાની રહેશે અને રસ્તાનું નિર્માણકાર્ય ‘જનહિત’માં હોઈ તે ચાલુ રહેશે.

સિવિકસના રિપોર્ટમાં કંબોડિયા, થાઇલૅન્ડ, શ્રીલંકા અને વિયેતનામનો પણ ઉલ્લેખ છે. કારણ કે આ તમામ દેશોમાં તેમના નાગરિકો વિરુદ્ધ કડક પગલાં લેવાના કિસ્સા નોંધાયા છે. જે પૈકી ઘણા પર તો મહામારી અંગે દુષ્પ્રચાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આ સિવાય મ્યાનમારની પણ ટીકા થઈ છે. કારણ કે ત્યાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નિયંત્રણ મૂકવા માટે ‘આતંકવાદ’નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અમુક વખત સરકારનાં પગલાંને મહામારી સાથે સીધો સંબંધ હોતો નથી. પરંતુ આવું ક્યારે બન્યું તે ક્યારેય જાણી નહીં શકાય.

જૂન માસમાં હૉંગકૉંગમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદો પસાર કરવામાં આવ્યો. આવું ત્યારે શક્ય બન્યું જ્યારે હૉંગકૉંગમાં દરરોજ પ્રદર્શનો થઈ રહ્યાં હતાં. આ પગલાથી લોકશાહીતરફી ચળવળને કડક સંદેશો ગયો છે.

જોકે, ઘણી વસ્તુઓ મહામારી સાથે સંબંધિત છે, પરંતુ માત્ર સપાટી પરથી.

દક્ષિણ કોરિયા, તાઇવાન અને હૉંગકૉંગમાં સર્વેલન્સ ટૅક્નૉલૉજીમાં વધારો વાઇરસની રોકથામમાં ઘણી ઉપયોગી નીવડી છે. પરંતુ ICJએ ચિંતા વ્યક્ત કરી છે કે તેનો ઉપયોગ મહામારી ખતમ થયા બાદ પણ થતો રહેશે.

મિસ્ટર બેનેડિક્ટને લાગે છે કે આ દેશો પૈકી મોટા ભાગના દેશોમાં નાગરિક સમાજ સંસ્થાઓ સરકાર દ્વારા ઊભા કરાયેલા અવકાશને પૂરવા માટે આગળ આવી છે. તેમ છતાં થાઇલૅન્ડમાં રાજાશાહીવિરોધી પ્રદર્શનો અને ઇન્ડોનેશિયાની ‘સર્વગ્રાહી’ રોજગારીસર્જન ચળવળ જેવી અનેક ચળવળો ચાલુ છે.

જોકે, મહામારી સમાપ્ત થઈ ગયા છતાં પણ આ વર્ષે ઘડાયેલ નવા કાયદા અને ધરપકડોની અસર લાંબા સમય સુધી રહેશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો