You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીરમાં સેનાના ઍન્કાઉન્ટર પર સવાલ, પરિવારજનો કહે છે 'નિર્દોષોને મારી નાખ્યા'
- લેેખક, માઝીદ જહાંગીર
- પદ, શ્રીનગરથી, બીબીસી માટે
ભારતપ્રશાસિત કાશ્મીરના શ્રીનગરમાં થોડા દિવસ પહેલાં સૈન્યે દાવો કર્યો હતો કે એક ઍન્કાઉન્ટરમાં તેમના હાથે ત્રણ ઉગ્રવાદીઓ માર્યા ગયા છે.
સૈન્યે દાવો કર્યો હતો કે આ વ્યક્તિઓ સુરક્ષાદળો પર હુમલા કરવાની યોજના બનાવી રહી હતી. પરંતુ મૃતક યુવાનોના પરિવારજનો આ ઍન્કાઉન્ટરને બનાવટી ગણાવી રહ્યા છે.
પરિવારના સભ્યો કહે છે કે તેમનાં બાળકોને આંતકવાદ સાથે કોઈ લેવાદેવા નહોતી અને તેઓ સાધારણ નાગિરક હતા. જમ્મુ-કાશ્મીર પોલીસના DIG દિલબાગ સિંહે સૈન્યના દાવાને ફગાવી દીધો નથી પરંતુ તેમને યુવાનોના પરિવારજનોની માગ પર તપાસ કરવાનો ભરોસો આપ્યો છે.
આ તરફ સૈન્યના જનરલ ઑફિસર કમાન્ડિંગ મેજર જનરલ એચ. એસ. સાહીએ બુધવારે એક પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું કે શ્રીનગરના હોકરસર વિસ્તારમાં આવેલ એક મકાનની અંદર થયેલા ઍન્કાઉન્ટરમાં ત્રણ આંતકવાદીઓ માર્યા ગયા છે.
જનરલ એચ. એસ. સાહીએ જણાવ્યું કે માર્યા ગયેલા ઉગ્રવાદીઓને શરણાગતિ સ્વીકારવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ આ માટે તૈયાર ન થયા અને ઓચિંતા સુરક્ષાદળો પર ગોળી ચલાવવા લાગ્યા, જે બાદ ઍન્કાઉન્ટર શરૂ થઈ ગયું.
પરિવારના સભ્યો કહે છે કે સેના જે દાવા કરી રહી છે, તે ખોટા છે અને તેમને તેમનાં બાળકોના મૃતદેહ પણ સોંપવામાં આવ્યા નથી અને ઘરથી દૂર દફનાવી દેવામાં આવ્યા છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં શોપિંયામાં સૈન્યે એક ઍન્કાઉન્ટરમાં ત્રણ ઉગ્રવાદીઓને ઠાર મારવાનો દાવો કર્યો હતો. પાછળથી ખબર પડી કે ત્રણેય રાજોરીના મજૂર હતા.
થોડા દિવસ પહેલાં જ પોલીસે સેનાના એક કૅપ્ટન સામે આ મામલામાં એક ચાર્જશીટ પણ દાખલ કરી છે.
ગમગીન માહોલ
શોપિયાં જિલ્લાના તુરકાવંગમમાં ઝુબૈર અહેમદના ઘરમાં પ્રવેશતાં જ ત્યાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થયેલી જોવા મળે છે અને એક ખૂણામાં, ઝુબૈરનાં માતા ચોધાર આસુંએ રડી રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રડતાં-રડતાં ઝુબૈરનાં માતા સારા બેગમ કહે છે, "તે દિવસે સવારે મેં તેના માટે ભોજન પીરસ્યું હતું. તે બાદ મને ખબર નથી કે કોણ તેને લઈ ગયું? તે ન તો ઉગ્રવાદીઓ સાથે હતો અને ના તો તેમની સાથે કોઈ સંબંધ હતો."
"બીજા દિવસે ખબર પડી કે તે શહીદ થઈ ગયો છે. તે એક સામાન્ય નાગરિક હતો. તેની બહેનો ખૂબ પરેશાન છે. તેઓ ભાઈનો ચહેરો જોવા માગે છે. તેને જ્યાં દફનાવવામાં આવ્યો છે ત્યાં પણ ચહેરો બતાવવામાં આવ્યો નહોતો."
ગયા બુધવારે સેનાએ શ્રીનગરના હોકરસર વિસ્તારમાં થયેલા એક ઍન્કાઉન્ટરમાં ત્રણ આંતકવાદીઓને ઠાર મારવાનો દાવો કર્યો હતો. સારા બેગમના પુત્ર ઝુબૈર અહેમદ લોન પણ આ વિવાદાસ્પદ ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.
ઍન્કાઉન્ટર બાદ મૃતક યુવકોના પરિવારના સભ્યોએ શ્રીનગરમાં દેખાવો કર્યા હતા અને જણાવ્યું હતું કે તેમનાં બાળકો ઉગ્રવાદી નહીં પણ સામાન્ય નાગરિકો હતા.
ઝુબૈરના ભાઈ આબિદ અહમદ લોન કહે છે કે બપોરે એક વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ થોડીવારમાં ઝુબૈરે મને ફોન કર્યો અને જણાવ્યું કે તેઓ સાંજ સુધીમાં પાછા આવી જશે.
તેઓ કહે છે, "સાંજ સુધીમાં જ્યારે તે પરત ન આવ્યો ત્યારે અમે તેને ફોન કર્યો, જે બંધ હતો. ત્યારબાદ બીજા દિવસે બપોરે ફોન કર્યો ત્યારે ફરીથી ફોન બંધ આવતો હતો."
"બપોરે 12 વાગ્યે એક વ્યક્તિએ મને ફોન કર્યો અને જણાવ્યું કે મારો ભાઈ શહીદ થઈ ગયો છે, અમારે શ્રીનગર પહોંચી જવું જોઈએ. શ્રીનગર પહોંચ્યા બાદ જોયું તો પોલીસ કંટ્રોલરૂમમાં ભાઈનો મૃતદેહ હતો."
"દફનવિધિ માટે તેઓ મૃતદેહની સોનમર્ગ લઈ ગયા. મૃતદેહ અમને સોંપવામાં ન આવ્યો. કહેવામાં આવ્યું કે તેઓ ઉગ્રવાદી હતા."
"જે બાદ અમારો પરિવાર પણ સોનમર્ગ ગયો અને ત્યાં ભાઈનો જનાજો વાંચ્યો. અમારી માંગણી માત્ર એટલી છે કે મૃતદેહ પરત કરવામાં આવે. મારા ભાઈ નિર્દોષ હતા. જે ઍન્કાઉન્ટરની તેઓ વાત કરી રહ્યા છે તે નકલી હતું. તેમના મૃતદેહ પર હથિયાર મૂકવામાં આવ્યાં હતાં અને કોઈ ઓરડીમાં લઈ જવામાં આવ્યા હતા."
ગુરુવારે ઝુબૈર અહેમદના ગામ તુરકાવંગમમાં બધી દુકાનો બંધ રહી હતી. આબિદ કહે છે કે તેમનો ભાઈ ગામમાં શટરિંગનું કામ કરતા હતા.
સેનાએ દાવો કર્યો છે કે માર્યા ગયેલા યુવાનો પાસેથી હથિયાર કબજે કરવામાં આવ્યાં છે અને આ ત્રણેય યુવાનો સુરક્ષાદળો પર કોઈ મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા.
ઝુબૈરના સંબંધી શફી કહે છે, "સેના કઈ પણ કહી શકે છે. શું સેના પાસે હથિયારોનો અભાવ છે? તેઓ ગમે ત્યાંથી પણ હથિયાર લાવીને કોઈના ખભા પર મૂકી શકે છે."
"અમારા ભાઈના ઉગ્રવાદ સાથે કંઈ લેવા-દેવા નહોતી. નિર્દોષ બાળકો શું યોજના બનાવી શકે? તેઓ અત્યાર સુધી સાધારણ માણસની જેમ જીવન ગાળી રહ્યા હતા. બે કલાકમાં શું યોજના બનાવી શકે?"
તેઓ વધુમાં ઉમેરે છે, "જો તેમની પાસે એવા કોઈ પુરાવા છે, જેનાથી અમને ભરોસો આવી શકે તો અમને દેખાડે. અત્યાર સુધી સેના દ્વારા જે દાવા કરવામાં આવ્યા છે, અમે તેનું ખંડન કરીએ છીએ. અમે તપાસની માગ કરીએ છીએ, જેથી સાચી હકીકત બહાર આવે."
એજાઝ મકબૂલ ગનાઈના પિતાએ શું કહ્યું?
સૈન્યના આ કથિત અને વિવાદાસ્પદ ઍન્કાઉન્ટરમાં પુલવામા જિલ્લામાં રહેતા મોહમ્મદ મકબૂલના દીકરા એજાઝ મકબૂલ ગનાઈ પણ માર્યા ગયા છે.
મોહમ્મદ મકબૂલ કહે છે, મારો દીકરો નિર્દોષ છે. પાછલા 35 દિવસથી તે ખાટલા પર હતો. આ રહ્યા તેનાં કાગળો. આ તેના ઍક્સરે રિપોર્ટ છે. થોડા કલાકોની અંદર તે ઉગ્રવાદી કઈ રીતે બની ગયો?
ગયા બુધવારે બપોર સુધી મોહમ્મદ મકબૂલના દીકરા એજાઝ મકબૂલ પોતાના ઘરે હતા.
મકબૂલ કહે છે, "જે દિવસે તે ગાયબ થયો એ દિવસે તે પોતાનાં માતાને પૂછીને ઘરેથી બહાર ગયો હતો. કૉલેજ જવા માટે સવારે સાડા દસ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. આશરે 4 વાગ્યે માતા સાથે ફોન પર વાત થઈ હતી."
"માતાને જણાવ્યું હતું કે એક કલાકમાં ઘરે આવી જશે. ઘણું મોડું થઈ ગયું છતાં પાછો ન આવ્યો અને ફોન પણ સતત બંધ આવી રહ્યો હતો. સવારે સાડા આઠ વાગ્યે મને રાજપુરા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો."
"પછી મને પ્રશ્ન કરવામાં આવ્યો કે તમારો દીકરો ક્યાં છે અને ઘરેથી ક્યારે નીકળ્યો હતો? પછી મને દીકરાનો એક ફોટો આપવા જણાવ્યું."
તેઓ વધુમાં જણાવે છે કે, "મેં તસ્વીર મોકલી આપી. રાજાપુરાના સ્ટેશન ઑફિસરનું કહેવું હતું કે શ્રીનગરમાં માર્યા ગયેલા ઉગ્રવાદીઓની ઓળખ કરવા માટે જોઈએ છે. તે બાદ હું સીધો શ્રીનગર પોલીસ કંટ્રોલ રૂમ પર પહોંચી ગયો."
"ત્યાં મેં મારા દીકરાની લાશ જોઈ, જે એકદમ નગ્ન અવસ્થામાં હતી. શરીર પર કોઈ કપડાં નહોતાં. એક પણ નહીં. ત્યાં ત્રણ મૃતદેહ પડ્યા હતા. મારા દીકરાનો મૃતદેહ ત્રીજા નંબરે હતો. શરીરના ઘણા ભાગમાં ગોળીઓ વાગી હતી."
એજાઝના બે માળના ઘરે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને લોકો તેમના મૃત્યુને લઈને નિંદા કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે એજાઝને નકલી ઍન્કાઉન્ટરમાં મારી નાંખવામાં આવ્યા છે.
એજાઝના પિતા કહે છે, "આજ દિન સુધી મારા દીકરા સામે કોઈ પોલીસ કેસ નથી. તમે રાજપુરા પોલીસસ્ટેશનમાં જઈને મારા દીકરાના રૅકર્ડ વિશે માહિતી મેળવી શકો છો."
મકબૂલ કહે છે તેમણે શ્રીનગરમાં માગ કરી હતી કે તેમને દીકરાનો મૃતદેહ સોંપવામાં આવે પણ આપવામાં ન આવ્યો.
તેઓ કહે છે, "તેમણે મને જણાવ્યું કે ઉપર બેસેલા અધિકારીઓની પરવાનગી નથી. ત્યાર બાદ મૃતદેહોને ગાડીમાં મૂકવામાં આવ્યા અને સોનમર્ગ લઈ જવામાં આવ્યા. અમે પણ ગાડીની પાછળ-પાછળ ત્યાં પહોંચી ગયા."
"હું પોલીસના બધા મોટા અધિકારીઓને વિનંતી કરું છું કે અમારી સાથે ન્યાય કરે. તેઓ ઉગ્રવાદી નહોતા. તેમના મૃતદેહને ઘરથી આટલા દૂર કેમ દફનાવવામાં આવ્યા? આ કયા પ્રકારનો કાયદો છે કે કોઈ બહાર નીકળશે તો તેમને મારી નાખવામાં આવશે?"
મકબૂલ પોતે પોલીસ વિભાગમાં કામ કરે છે. તેઓ કહે છે કે ઝુબૈર લોનને ન તો તેમનો દીકરો ઓળખતો હતો અને ન તો તેઓ ઓળખે છે. પુલવામાનો જે યુવાન માર્યો ગયો છે, તેઓ તેમના સંબંધી થાય છે.
મકબૂલ કહે છે કે બે દિવસ પહેલાં ઘરમાં વાતચીત દરમિયાન દીકરો તેમને જણાવી રહ્યો હતો કે તે ભણવા માટે પંજાબ જવા માગે છે. એજાઝ પુલવામા ડિગ્રી કૉલેજમાં બી. એસસી ભણી રહ્યા હતા.
મુશ્તાકના પરિવારના સભ્યો શું કહે છે?
મુશ્તાક અહમદ વાનીના 17 વર્ષીય પુત્ર અતહર મુશ્તાક પણ એજાઝ અને ઝુબૈર સાથે હોકરસર ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.
પુલવામાના બેલવ ગામમાં સ્થિત પોતાના બે માળના ઘરની બહાર બેસેલા મુશ્તાક એકદમ ચૂપ અને ઉદાસ હતા.
દીકરો ઉગ્રવાદી હતો, તે વાત માનવાનો ઇન્કાર કરતાં મુશ્તાક કહે છે, "આ ઍન્કાઉન્ટર નકલી છે. તે ઍન્કાઉન્ટર નહોતું. જે દિવસે આ બનાવ બન્યો તે દિવસે બપોરે 12 વાગ્યે મારી મુલાકાત થઈ હતી."
"ત્યાર બાદ 12 વાગ્યે તે પોતાના કાકાની દુકાન પર આવ્યો હતો. બપોરે દોઢ વાગ્યે ઘરે જમ્યા બાદ ઘરેથી નીકળી ગયો. બપોરે સાડા ત્રણ વાગ્યે પોતાનાં બહેનને ફોન કરીને જણાવ્યું હું એક મિત્ર સાથે શ્રીનગર આવ્યો છું. જલદી પાછો આવી જઈશ. દીકરીએ બીજા દિવસે બપોરે સા઼ડા ચાર વાગ્યે ફોન કર્યો તો તેનો મોબાઈલ બંઘ આવતો હતો."
તેઓ જણાવે છે, "હું સાંજે સાડા છ વાગ્યે ઘરે પાછો આવ્યો. મેં અતહર વિશે પૂછપરછ કરી. મેં ફોન લગાવ્યો તો તે બંધ હતો. આખી રાત સુધી ફોન બંધ આવતો હતો."
"મેં પરિવારના સભ્યોને આશ્વાસન આપ્યું કે સવાર સુધી પાછો આવી જશે. સવારે હું ઍરપૉર્ટ માટે નીકળી ગયો. પરત ફરતી વખતે ભાઈનો ફોન આવ્યો કે જલદીથી ઘરે આવી જાઓ."
"જ્યારે હું ઘરે આવ્યો તો ઘરની બહાર લોકોની બહુ ભીડ હતી. મેં લોકોને પૂછયું કે શું થયું છે. શું મારો દીકરો ઉગ્રવાદી બની ગયો છે? ઘરે બધા રડી રહ્યા હતા. ત્યાર બાદ અમે શ્રીનગર પોલીસ કંટ્રોલરૂમ પહોંચ્યા. ત્યાં મારા દીકરાનો મૃતદેહ હતો."
મુશ્તાક કહે છે જ્યારે તેમણે દીકરાનો મૃતહેદ જોયો તો બૂમ પાડીને કહ્યું કે તેમને દીકરાનો મૃતદેહ પરત કરવામાં આવે, પણ મૃતદેહ તેમને આપવામાં ન આવ્યો.
તેઓ કહે છે, "જે ગાડીમાં દીકરાનો મૃતદેહ મૂકવામાં આવ્યો હતો, તેની આગળ હું આડો પડી ગયો અને પોતાની જાતને મારી નાખવાનો પ્રયત્ન કર્યો."
"પછી પોલીસે મને જણાવ્યું કે સોનમર્ગ આવી જાઓ, જ્યાં તેની દફનવિધિ કરવામાં આવી. ત્યાં મેં મારા દીકરાને પોતાના હાથે કબરમાં મૂક્યો છે. બસ એટલું સમજી જાઓ કે અડધો મૃતદેહ ત્યાં 150 કિલોમિટર દુર મૂક્યો છે અને અડધો અહીં."
તેઓ કહે છે, "મારા દીકરાના ન તો કોઈ ખરાબ મિત્ર હતા અને ન તો કોઈ સારા મિત્ર. તે ઘરનું કામ કરતો હતો. બગીચાનું કામ કરતો હતો. મારા કહેવા છતાં તે ક્રિકેટ રમવા પણ જતો ન હતો."
મુશ્તાક કહે છે કે અતહર 11મા ધોરણમાં ભણતો હતો અને આજકલ પરીક્ષા આપી રહ્યો હતો. મુશ્તાક સફરજન અને કૉન્ટ્રેક્ટનું કામ કરે છે.
અતહરના કાકા મોહમ્મદ શફી કહે છે, "તે દિવસે સવારે સાડા દસ વાગ્યે ચા લઈને આવ્યો. મેં અતહરને પૂછ્યું પણ કે તારી તો પરીક્ષા ચાલી રહી છે તો મારી પાસે કેમ આવ્યો? તેને હસીને જવાબ આપ્યો કે ફરવું પણ જરૂરી છે."
સૈન્યના દાવા પર પ્રશ્ન કરતાં તેઓ પૂછે છે કે "જો તેઓ ઍન્કાઉન્ટરમાં ફસાયા હતા તો તેમણે એકવાર ઘરે ફોન તો કર્યો હોત? તે બધા પાસે ફોન હતા. સેના કહી રહી છે કે તેમને ત્રણેયને શરણાગતિ સ્વીકારવા માટે કહ્યું હતું, પણ તેઓ ન માન્યા. હું પૂછવા માગું છું કે ઘરવાળાઓને કેમ બોલાવવામાં ન આવ્યા?"
શફી કહે છે તેમના દીકરા સામે કોઈ પોલીસ કેસ નહોતો.
તેઓ કહે છે, "હું વિનંતી કરું છું કે મારી બધી મિલકત સરકાર લઈ લે કારણકે હવે અમે આ દેશમાં રહેવા માગતા નથી. અમારો આખો પરિવાર અહીંથી નીકળવા માગે છે."
"અમને હિન્દુસ્તાનમાં જોખમ અનુભવીએ છીએ. આ અમારાં બાળકોને મારી નાખશે. કહેશો તો જાતે મરી જઈશું."
પોલીસને ટાંકતાં સમાચાર અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે અતહર ઉગ્રવાદીઓ માટે ઑવરગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરતા હતા. જોકે શફી પોલીસના દાવાઓને ફગાવી દે છે અને કહે છે કે "પોલીસ અને સૈન્ય જણાવે કે તે કોના માટે કામ કરતો હતો?"
સેનાના જનલર ઑફિસર કમાન્ડિંગ મેજર જનરલ એચ. એસ. સાહીએ બુધાવરે એક પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું કે શ્રીનગરના હોકરસર વિસ્તારમાં આવેલા એક મકાનની અંદર થયેલા ઍન્કાઉન્ટરમાં ત્રણ ઉગ્રવાદીઓ માર્યા ગયા છે.
જનરલ એચ. એસ. સાહીએ જણાવ્યું કે માર્યા ગયેલા આંતકવાદીઓને શરણાગતિ સ્વીકારવા માટે કહેવામાં આવ્યું હતું, પણ તેઓ આ માટે તૈયાર ન થયા અને ઓચિંતા સુરક્ષાદળો પર ગોળી ચલાવવા લાગ્યા, જે બાદ ઍન્કાઉન્ટર શરૂ થઈ ગયું.
જમ્મુ-કાશ્મીર પોલીસના ડાયરેક્ટર જનરલ દિલબાગ સિંહે ગુરુવારે એક પ્રેસ-કૉન્ફરેન્સમાં જણાવ્યું કે તેઓ સેનાના દાવાને ફગાવી શકતા નથી.
જોકે તેમણે કહ્યું કે પરિવારના સભ્યો દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે તેની તપાસ કરવામાં આવશે.
બીબીસીએ કાશ્મીર ઝોનના ઇન્સ્પેક્ટર જનરલ વિજય કુમાર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે ફોન કૉલ્સનો કોઈ જવાબ આપ્યો નહીં.
શુક્રવારે જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં તપાસના આધારે દાવો કરાયો છે કે "માર્યા ગયેલા ત્રણમાંથી બે યુવાનો ઉગ્રવાદી વિચારધારા તરફ ઝોક ધરાવતા હતા અને તેઓ લશ્કર-એ-તૈયબા માટે કામ કરી રહ્યા હતા."'
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું છે કે સેનાના ઇનપુટથી શ્રીનગર ઍન્કાઉન્ટર શરૂ થયું હતું, જે પાછળથી સંયુક્ત ઑપરેશનમાં ફેરવાઈ ગયું. જેમાં સેના, CRPF અને પોલીસ સામેલ થઈ ગયાં.
તેમણે કહ્યું કે ઘેરો ઘાલ્યા બાદ અંદરથી ગ્રૅનેડ દ્વારા હુમલો થયો અને પોલીસ પર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ બધી શક્યતાઓને ધ્યાનમાં રાખીને આ ઍન્કાઉન્ટરની તપાસ ચાલી રહી છે.
દરમિયાન ગુરુવારથી પુલવામા અને શોપિયાંમાં મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે.
છ મહિના પહેલાં શોપિયાંના ઓમશિપોરામાં જે ઍન્કાઉન્ટર થયું હતું, જેમાં પોલીસે થોડા દિવસો પહેલાં સેનાના કૅપ્ટન સામે ચાર્જશીટ દાખલ કરી છે.
સેનાએ દાવો કર્યો હતો કે 18 જુલાઈ 2020ના રોજ ઓમશિપોરામાં ત્રણ પાકિસ્તાની ઉગ્રવાદીઓને ઠાર માર્યા હતા. જોકે, બાદમાં ખુલાસો થયો કે માર્યા ગયેલા યુવક રાજૌરીના હતા, જે મજૂરી કામ કરવા આવ્યા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો