જમ્મુ-કાશ્મીર : 370 હઠાવ્યાનાં એક વર્ષ પછી કઈ સ્થિતિમાં છે કાશ્મીરી પંડિત?

    • લેેખક, મોહિત કંધારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે, જમ્મુથી

5 ઑગસ્ટ 2019ના દિવસે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતા આવેલા સંવિધાનના અનુચ્છેદ 370 અને 35-Aને નાબૂદ કરી દીધા હતા અને રાજ્યનું પુનર્ગઠન કરી એને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં વહેંચી દીધું હતું.

એ જ દિવસથી અહીં રહેતા વિસ્થાપિત કાશ્મીરી પંડિત પરિવાર પોતાની 'ઘરવાપસી'નું સપનું જોવા લાગ્યા હતા.

એમને એવું લાગવા માંડ્યું હતું જાણે કે તેઓ કાશ્મીર ઘાટીના દરવાજા સુધી તો પહોંચી ગયા છે અને બારીમાંથી તેમને પોતાના સપનાનું કાશ્મીર પણ નજર આવવા લાગ્યું હતું.

પરંતુ હવે એક વર્ષનો લાંબો સમય વીત્યા પછી તેઓ પોતાને છેતરાયેલા અનુભવે છે. તેમને હવે એવું લાગવા માંડ્યું છે કે તેઓ એ જ બારી પાસે ઊભા રહી ફક્ત કદમતાલ મેળવી રહ્યા છે અને એમણે પોતાના મનમાં મંઝિલ તરફ ચાલવાનો માત્ર એક ભ્રમ પાળી રાખ્યો હતો.

કાશ્મીરી પંડિત સમુદાયની આગેવાની કરતી અગ્રણી સંસ્થા પનુન કાશ્મીરના વરિષ્ઠ નેતા ડૉક્ટર અગ્નિશેખરે બીબીસી ગુજરાતીને કહ્યું, "કેન્દ્ર સરકારે જ્યાં 5 ઑગસ્ટ 2019ના દિવસે આટલો મોટો ઐતિહાસિક નિર્ણય લઈ લીધો ત્યાં જ બીજી તરફ વીતેલા એક વર્ષથી કાશ્મીરી પંડિતોનાં પુનર્વસનને લઈને એમણે હજી સુધી કોઈ પહેલ નથી કરી."

ડૉક્ટર અગ્નિશેખરના અનુસાર જમીન પર હજુ સુધી કંઈ નથી બદલાયું. તેમણે સ્પષ્ટ કહ્યું કે જે બારી અમારે માટે એક વર્ષ પહેલા ખુલી હતી અમે આજે પણ એની પાસે ઊભા રહી ફક્ત સામે તાકી રહ્યા છીએ.

તેઓ કહે છે કે જો 5 ઑગસ્ટનો દિવસ ખુશીઓ મનાવવાનો દિવસ છે તો સાથે સાથે અમારે માટે ચિંતાઓનો દિવસ પણ છે. અમારે માટે સંભાવનાઓનો દિવસ છે, તો અનિશ્ચિતતાઓ દિવસ પણ છે.

ડૉક્ટર અગ્નિશેખર કહે છે, "પાછલા એક વર્ષમાં જે કંઈ પણ બદલાવ થયા છે તે ફક્ત સપાટી પર જ થયાં છે. પરંતુ હજી પણ અંદર માનસિકતા બિલકુલ નથી બદલાઈ. જે પાછલી સરકારો કરતી હતી, આજની સરકાર પણ એ જ કરી રહી છે."

બીબીસી ગુજરાતીને ડૉક્ટર અગ્નિશેખરે કહ્યું, "અમે પાછલા 30 વર્ષના લાંબા ગાળાથી પનુન કાશ્મીરના ઝંડા નીચે સંઘર્ષ કરી રહ્યા હતા, પરંતુ સરકારે અમને ક્યારેય વાતચીત માટે પણ નથી બોલાવ્યા અને ન તો અમને અમારા રોડ મૅપ વિશે પૂછ્યું."

તેમણે કહ્યું, "સરકારે આ વિશે ચિંતા કરવાની જરૂર છે. સરકારે સંસદમાં એ વાત માનવી પડશે કે ઘાટીમાં કાશ્મીરી પંડિતોનો નરસંહાર થયો હતો. એ પછી જ કાશ્મીર ઘાટીમાં અમારી ઘર વાપસીનો માર્ગ સરળ થઇ શકે છે."

"અમે ક્યારેય એવી નીતિનો ભાગ નહીં બનીએ જે ફક્ત એ વાત પર કેન્દ્રિત હશે કે સરકારે અમારા માટે બે ઓરડાના ચાર હજાર ફ્લૅટ બનાવી દીધા અને એની વહેચણી કરી દીધી. અમે અમારા ઘરે પરત ફરવા માગીએ છીએ.

અમારી જમીન પર ફરીથી વસવા ઈચ્છીએ છીએ. અમે અમારી આવનારી પેઢીના ભવિષ્ય માટે પણ ઘર વાપસી ઇચ્છીએ છીએ પરંતુ આ બધું હવે અમે અમારી શરતો પર ઇચ્છીએ છીએ."

ડૉક્ટર અગ્નિશેખરનું માનવું છે કે જ્યારથી કેન્દ્ર સરકારે અનુચ્છેદ 370ને નાબૂદ કર્યો છે, એમને સંપૂર્ણ આશા છે કે સરકાર કાશ્મીરી પંડિત સમુદાયની એક જ સ્થળે પુનર્વસનની માગને લીલી ઝંડી આપી દેશે.

ત્યાં જ બીજી તરફ વ્યવસાયે ડૉક્ટર અને લેખક રમેશ તામીરીએ બીબીસી ગુજરાતીને કહ્યું, "કેન્દ્ર સરકારે કાશ્મીરી હિંદુ પરિવારોનાં પુનર્વસન અને અન્ય સમસ્યાઓના હલ માટે કોઈ નક્કર પગલાં નથી ઉઠાવ્યાં."

તેમણે એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર કાશ્મીરી વિસ્થાપિત પરિવારની વિરોધી નથી. પરંતુ એક વર્ષ વીતી ગયા છતાં પણ કોઈ મુદ્દાનો હલ કાઢ્યો નથી.

ડૉ.તામીરીએ કહ્યું, "સરકારે એક તપાસપંચનું ગઠન કરવું જોઇએ જે કાશ્મીરી પંડિતોના નરસંહારનુ સત્ય સામે લાવે અને કસૂરવારોને એની સજા અપાવે. જ્યાં સુધી કાશ્મીરી પંડિતોનાં પલાયનને નરસંહારનો દરજ્જો નહીં મળે, સરકાર તરફથી કરાઈ રહેલા પ્રયાસોને સફળતા નહીં મળે."

કેન્દ્રમાં ભાજપ સરકારને કઠેડામાં મૂકી ડૉ.તામીરી કહે છે, "ભાજપ સરકારે હજુ સુધી એક પણ એવો નિર્ણય નથી લીધો જેનાથી કાશ્મીરી વિસ્થાપિત કૉલોનીમાં રહેનારા પરિવારોનાં જીવનમાં કંઈક પરિવર્તન આવ્યું હોય. કાશ્મીરી વિસ્થાપિત પરિવાર આજે પણ એ જ સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે જે 60 વર્ષ પહેલા એમને પરેશાન કરતી હતી."

ડૉ.તામીરીએ કહ્યું, "કાશ્મીર ઘાટીમાં કાશ્મીરી પંડિતોને મજબૂરીમાં પોતાના મકાન, ખેતરો, બાગ-બગીચા બધું ઓછી કિંમતે વેચવું પડ્યું. એને આજ સુધી બેદખલ નથી કરાયું અને ન તો તેમને પોતાની વસ્તુઓની ખરી કિંમત મળી છે."

એમણે બીબીસીને કહ્યું, "બેરોજગાર કાશ્મીરી પંડિત યુવાનોને વડા પ્રધાનના રોજગાર પૅકેજ અંતર્ગત કાશ્મીર ઘાટી જઈને કામ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા એ શરતોને પરત લેવામાં નથી આવી. જગતી વિસ્થાપિત કૉલોનીમાં રહી રહેલા કાશ્મીરી પંડિતો માટે બહેતર સારવારની વ્યવસ્થા, સાફ-સફાઈ અને રોજગારીની તકો આપવામાં નથી આવી. જેનાથી તેઓ પોતાના પગ પર ઊભા રહી શકે અને પોતાની રોજીરોટી કમાઈ શકે."

2018માં કાશ્મીર ઘાટીમાં અનંતનાગ જિલ્લાની બ્રાહ પંચાયતમાં સરપંચ પદની ચૂંટણી જીતીને રાકેશ કૌલે પોતાના વિસ્તારમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ જૂન મહિનામાં એક સરપંચની હત્યા પછીથી ત્યાં માહોલ બદલાઈ ગયો.

બીબીસી સાથે વાત કરતાં રાકેશ કૌલે કહ્યું કે "નવેમ્બર 2018માં અમે કામ સંભાળ્યું હતું અને ત્યારથી લઈને આજ સુધી સરકાર સામે એક તો રહેઠાણ અને બીજી સુરક્ષાની માગ મૂકી. આજ સુધી આ માગો પર અમલ નથી થયો."

રાકેશ કૌલ કહે છે કે પાછલા એક વર્ષમાં એમને માટે અહીં કશું જ નથી બદલાયું. તેઓ કહે છે, "હજુ સુધી અમારી ઓળખને લઈને સવાલ કરાય છે. ના તો અમને કોઈ જમ્મુવાળા માને છે અને ના કોઈ કાશ્મીરવાળા માને છે.

અમારા બધા સરકારી દસ્તાવેજ પહેલા કાશ્મીર ઘાટીમાં ચકાસવામાં આવે છે એ પછી જમ્મુમાં. અનુચ્છેદ 370 અમલમાં હતો ત્યારે પણ આ જ વ્યવસ્થા ચાલી રહી હતી અને હઠ્યા પછી પણ એ જ સ્થિતિ છે."

ડૉમિસાઇલ સર્ટિફિકૅટનો મુદ્દો ઉઠાવતા રાકેશ કૌલ કહે છે, "અમે સદીઓથી કાશ્મીરના જ નિવાસી છીએ. અમારા પૂર્વજો સદીઓથી કાશ્મીરમાં રહેતા હતા અને આજે અમારે અમારું ડૉમિસાઇલ સર્ટિફિકૅટ મેળવવા માટે દર દર ભટકવું પડી રહ્યું છે."

"હું આજે પણ જોખમ ઉઠાવી કાશ્મીર ઘાટી જાઉં છું, કારણ કે સરકારે અમારે માટે હજુ સુધી રહેવાની અને સુરક્ષાની કોઈ વ્યવસ્થા નથી કરી."

તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરતાં કહ્યું કે કાશ્મીરી પંડિતોને પ્રાથમિકતા આપી આયુષ્યમાન ભારત સ્કીમમાં સામેલ કરાવવા જોઈએ જેથી પરિવારના સભ્યોની સારી રીતે સારવાર કરાવી શકાય.

લાંબા સમયથી દિલ્હીમાં ફાઇનાન્સ સૅક્ટરમાં કામ કરતા રાજુ મોજાએ બીબીસીને જણાવ્યું કે 370ના હઠી ગયા પછી પણ એમની ઘર વાપસી તો સંભવ ન જ હતી, પણ કાશ્મીરી હોવાને નાતે એમની જે ઓળખ હતી એ પણ એમની પાસેથી છીનવી લેવાઈ હતી.

તેઓ કહે છે, "મારી પાસે એક સ્ટેટ સબ્જેક્ટ હતો જેને કારણે મારો જમ્મૂ-કાશ્મીર સાથે એક સંબંધ જોડાયેલો હતો. પરંતુ હવે એ પણ નથી રહ્યો હવે ડૉમિસાઇલ સર્ટિફિકૅટ મેળવવા માટે ફરીથી ઓળખની સાબિતી આપવી પડશે અને સરકારી કચેરીઓના ચક્કર લગાવવા પડશે."

વિસ્થાપિત સમન્વય સમિતિના નેતા રવિન્દર કુમાર રૈનાએ બીબીસીને કહ્યું, "અમે 370ને નાબૂદ કરવાના સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું."

પરંતુ રૈના ડૉમિસાઇલ સર્ટિફિકૅટના મુદ્દે સરકારના નિર્ણયને ખોટો ગણાવે છે. તેઓ કહે છે, "કાશ્મીરી હોવાને નાતે શા માટે અમને વારંવાર અમારી ઓળખ સાબિત કરવા માટે મજબૂર કરવામાં આવે છે. કાશ્મીર ત્યારે છે જ્યારે ત્યાં કાશ્મીરી પંડિત છે."

રવિન્દર રૈના કહે છે, "મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિત વિસ્થાપન પહેલા કાશ્મીર ઘાટીથી નીકળીને અન્ય રાજ્યોમાં કામ ધંધા માટે જતા રહ્યા હતા. પરંતુ આજે એમને પણ એ જ ચિંતા સતાવે છે કે એમની ઓળખ ખતમ થઇ જશે."

પાછલા દસ વર્ષથી પણ વધુ સમયથી કાશ્મીર ઘાટીમાં નોકરી કરી રહેલા રુબન જી સપ્રુએ બીબીસીને જણાવ્યું, "પાછલા એક વર્ષમાં સરકારે જે નિર્ણયો કર્યા તે એની જગ્યા પર યોગ્ય છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં જે વિસ્થાપિત કાશ્મીરી પંડિત યુવાનો આજે પણ કાશ્મીર ઘાટીમાં નોકરી કરી રહ્યા છે સરકારે એમની પરેશાનીઓ સાંભળવી જોઈએ."

સપ્રુનું માનવું છે કે આ કાશ્મીરી પંડિતો આટલા લાંબા સમયથી કાશ્મીર ઘાટીમાં રહે છે પરંતુ આજે પણ અન્યોથી અલગ-અલગ છે. ત્યાંના સ્થાનિક નિવાસીઓની સાથે તેમના ઘનિષ્ઠ સંબંધ નથી. આટલા લાંબા સમયથી કાશ્મીર ઘાટીમાં રહેવા છતાં તેઓ પોતાના ઘરેથી દૂર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સરકાર તરફથી ચલાવાઈ રહેલા ટ્રાન્ઝિટ કૅમ્પોમાં રહે છે.

હાલ સમગ્ર કાશ્મીરમાં લગભગ ચાર હજાર વિસ્થાપિત કાશ્મીરી અલગ-અલગ ટ્રાન્ઝિટ કૅમ્પમાં રહી રહ્યા છે અને સતત સરકાર સામે ઘર વાપસીની માગને દોહરાવી રહ્યા છે.

સપ્રુ એમ પણ કહે છે કે વિતેલા વર્ષોમાં અનેક કાશ્મીરી પંડિત પરિવારોએ તણખલા જોડી પોતાની નવી રહેવાની જગ્યા જમ્મુમાં અથવા જમ્મુથી બહાર અન્ય રાજ્યોમાં બનાવી લીધી છે અને એમને માટે બધું છોડી ફરી કાશ્મીર પરત ફરવું હવે સંભવ નથી.

એમનું માનવું છે 1990માં કાશ્મીર ઘાટીથી વિસ્થાપન પછી 2010માં એમને ફરી એકવાર પોતાનું ઘર પરિવાર છોડી સરકાર તરફથી અપાયેલી નોકરી માટે કાશ્મીર ઘાટી તરફ વળવું પડ્યું હતું.

2010માં વડાપ્રધાન રાહત પૅકેજ હેઠળ 3,000 કાશ્મીરી પંડિતોને ઘાટીમાં નોકરીઓ અપાઈ હતી. જોકે તેઓ કહે છે કે સરકારે નોકરીના પૅકેજને 'ઘર વાપસી' સાથે જોડીને ન જોવું જોઈએ.

લોલાબના રહેવાસી પ્યારે લાલ પંડિતા જેઓ ઘણા સમયથી જગતી વિસ્થાપિત કૉલોનીમાં રહે છે તેમણે બીબીસીને કહ્યું, "જગતી કૅમ્પમાં 40,000 કાશ્મીરી પંડિત રહે છે અને આ સમયે બધા ડૉમિસાઇલ સર્ટિફિકૅટને લઈને પરેશાન છે."

પંડિતા કહે છે," સરકારે વિસ્થાપિતોની આ પરેશાનીઓને દૂર કરવી જોઈએ ન કે એમાં વધારો કરવો જોઈએ." તેઓ કહે છે કે તેમને આશા હતી કે પાછલા એક વર્ષમાં તેમના જીવનમાં કોઈ પરિવર્તન આવશે પરંતુ એવું નથી થયું.

તેઓ કહે છે, "જે લોકો પાસે સ્ટેટ સબ્જેક્ટ ન હતો ડૉમિસાઇલ સર્ટિફિકૅટ એમના માટે જરૂરી હતું. નહીં કે રાજ્યના એ લોકો માટે જેઓ સદીઓથી કાશ્મીરમાં રહે છે."

જોકે તેઓ એમ પણ કહે છે કે જે લોકો પાછલા પાંચ વર્ષોમાં કાશ્મીરથી દૂર જઈને પોતાને જિંદગી જીવવાનું શીખી ચૂક્યા છે એમને માટે હવે બધું છોડી ઘર વાપસી કરવી ઘણી મુશ્કેલ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો