You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-ચીન સીમાવિવાદ : રશિયા કોને સાથ આપશે?
- લેેખક, પ્રશાંત ચહલ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ત્રણ દિવસના રશિયા પ્રવાસે છે. આ દરમિયાન તેઓ રશિયાના ઉચ્ચ સૈન્ય અધિકારીઓ સાથે બેઠક કરશે અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મની ઉપર સોવિયેટ રશિયાના વિજયની 75મી વર્ષગાંઠ અનુસંધાને આયોજિત ભવ્ય સૈન્ય પરેડમાં સામેલ થશે.
કોવિડ-19ની મહામારીને કારણે ચાર મહિના સુધી મુસાફરી પર લાગેલા પ્રતિબંધ પછી કોઈ અગ્રણી કેન્દ્રીય મંત્રીની પહેલી વિદેશયાત્રા છે.
રાજનાથ સિંહની રશિયાયાત્રા એવા સમયે થઈ રહી છે કે જ્યારે લદ્દાખમાં ચીન અને ભારત વચ્ચે તણાવ છે.
સોમવારે મૉસ્કો રવાના થતાં પહેલાં રાજનાથ સિંહે એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું કે 'ત્રણ દિવસની યાત્રા પર મૉસ્કો રવાના થઈ રહ્યો છું. આ યાત્રા ભારત-રશિયા રક્ષા અને કૂટનૈતિક ભાગીદારીને મજબૂત કરવા માટે વાતચીતનો અવસર બનશે.'
ભારતીય રક્ષા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે ચીન સાથે સરહદ પર તણાવ હોવા છતાં રાજનાથ સિંહે રશિયાની યાત્રા સ્થગિત નથી કરી, કારણ કે રશિયા સાથે ભારતના દાયકાઓ જૂના સંબંધો છે અને તેઓ રશિયાના ઉચ્ચ અધિકારીઓ સાથે બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ વધારવા મુદ્દે અનેક બેઠક કરવાના છે.
ભારતીય મીડિયામાં રક્ષામંત્રીની આ મુલાકાતને ભારતની સૈન્ય ક્ષમતા વધારવાના એક પ્રયાસરૂપે જોવાઈ રહી છે.
અનેક સમાચારપત્રોએ લખ્યું છે કે લદ્દાખ એલ.એ.સી. (લાઇન ઑફ ઍક્ચ્યૂઅલ કંટ્રોલ) પર ચીન સાથે ચાલી રહેલા ઘર્ષણ દરમિયાન ભારતના સંરક્ષણપ્રધાન પોતાના હથિયારોને પૂરી રીતે કારગત બનાવવા અને મારકક્ષમતાને વધારવા માટે રશિયા ગયા છે, જેથી ચીનને અંકુશમાં રાખી શકાય. ને
જોકે વિશ્લેષકોનું માનવું છે કે ભારત સરકાર મોડી જાગી છે અને કોવિડ-19ની મહામારીને કારણે હવે રશિયા પાસેથી ભારતને મળનારા હથિયારો અને ડિફેન્સ સિસ્ટમની ડીલિવરીમાં વધુ સમય લાગશે, પરંતુ તેની જલદીમાં જલદી ડિલિવરી માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ રશિયા પર દબાણ જરૂર કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રશિયા સાથેના રક્ષાસોદામાં મોડું
મૉસ્કોસ્થિત વરિષ્ઠ પત્રકાર વિનય શુક્લાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ભારત ઘણા લાંબા સમયથી અનેક મહત્ત્વપૂર્ણ રક્ષા સોદાને ટાળતું આવ્યું છે. ક્યારેક કહેવાય છે કે નાણાં નથી. ક્યારેક કોઈ અન્ય કારણ જણાવાય છે. જેમ કે મલ્ટિ યુટિલિટી હેલિકૉપ્ટરના મામલામાં થયું."
"રશિયાએ કહ્યું હતું કે 60 હેલિકૉપ્ટર તૈયાર લઈ લો અને 140 હેલિકૉપ્ટર અમે ભારતમાં બનાવી આપીશું, પરંતુ ભારતીય બ્યૂરોક્રૅટ્સ સોદાબાજીમાં લાગી ગયા. કહેવા લાગ્યા કે તૈયાર હેલિકૉપ્ટર 40 જ લઇશું. પછી કિંમત મુદ્દે ચર્ચા ચાલતી રહી અને 2014થી અત્યાર સુધી આ વિશે નિર્ણય નથી લઈ શકાયો."
વિનય શુક્લના મતે, "જો ભારત પાસે આ (ઍમ્બ્યુલન્સ) હેલિકૉપ્ટર હોત, તો જે સૈનિક ગલવાન ઘાટીમાં મેડિકલ મદદ ન મળી શકવાને કારણે માર્યા ગયા એમને સરળતાથી બચાવી શકાયા હોત."
"એમણે કહ્યું હેલિકૉપ્ટરવાળો એકમાત્ર રક્ષા સોદો નથી. રશિયા સાથે રાઇફલ બનાવવાનો કરાર થયો. તો રશિયાએ ઝડપથી જૉઇન્ટ વૅન્ચરની કાર્યવાહી પૂરી કરી. અમેઠી પાસે ફેકટરી પણ સ્થાપી, તે પણ બ્યુરોક્રૅસીમાં ફસાઈ ગઈ."
"સુખોઈ અને મિગ વિમાન ભારતીય વાયુસેનાની કરોડરજજૂ સમાન છે, પરંતુ એની ખરીદીની પ્રક્રિયા પણ અટકી છે અને જ્યાં સુધી કોઈ મુશ્કેલી ન આવે અટકેલી જ રહે છે. તો જે રોકાણ કરી રહ્યું છે અને પોતાની ટેકનૉલૉજી આપી રહ્યું છે એની કદર નથી થતી. એ વાત રશિયા તરફથી ભારતની વર્તમાન સરકાર સામે મુકાઈ ચૂકી છે અને સરકારની ગંભીરતા પર પણ સવાલ ઉઠાવ્યા છે. એટલા માટે જે મોડું થઈ રહ્યું છે એ ભારત સરકારને કારણે છે."
રશિયાની એસ-400 ડિફેન્સ સિસ્ટમ
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના રશિયા રવાના થયાની સાથે જ એસ-400 સિસ્ટમની પણ ચર્ચા થઈ રહી છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે રશિયાએ ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી ડેટ આગળ ખસેડી લીધી છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે.
રશિયામાં બનનારી એસ-400 'લૉંગ રૅન્જ સરફૅસ ટુ ઍર ડિફેન્સ સિસ્ટમ'ને ભારત સરકાર ખરીદવા ઇચ્છે છે.
આ મિસાઇલ જમીનથી હવામાં વાર કરી શકે છે. એસ-400ને દુનિયાની સૌથી અસરકારક ઍર ડિફેન્સ સિસ્ટમ માનવામાં આવે છે, એમાં અનેક ખૂબીઓ છે, જેમ કે તે એકસાથે 36 મિસાઇલ (વિમાન)ને આંતરી શકે છે.
ચીન પાસે આ ડિફેન્સ સિસ્ટમ પહેલાંથી જ છે અને તેને રશિયા પાસેથી જ મળી છે.
પરંતુ ભારતને મિસાઇલ સિસ્ટમ મળવામાં મોડું કેમ તેને સમજાવતા વિનય શુક્લાએ કહ્યું "અમેરિકાએ ધમકી આપી હતી કે જો ભારતે રશિયા પાસેથી આ સિસ્ટમ ખરીદી તો તેઓ ભારત પર પ્રતિબંધ લગાવશે એટલા માટે ભારતીય બૅન્કો ડરી ગઈ, ખાસ કરીને એવી બૅન્કો જેમનાં નાણાં અમેરિકા સાથે થતાં વેપારમાં લાગેલાં છે.
એટલા માટે એવી ભારતીય બૅન્કો સાથે વાત કરવી પડી, જેમને અમેરિકાથી ખતરો ન હોય. એમાં ઘણો સમય બરબાદ થયો અને એસ-400નાં ઍડવાન્સ પેમેન્ટમાં મોડું થયું. જો કે રશિયા કહી રહ્યું છે કે તે હજુ પણ વહેલામાં વહેલી તકે ભારતને એને આપવાનો પ્રયાસ કરશે.
શુક્લાએ જણાવ્યું, "ચીનથી પહેલાં રશિયાએ ભારતને પોતાની 'લૉંગ રૅન્જ સરફૅસ ટુ ઍર ડિફેન્સ સિસ્ટમ' એસ-400 ઑફર કરી હતી, પરંતુ ભારત તેને ખરીદવા માટે ત્યારે જ તૈયાર થયું, જ્યારે ચીને એને ખરીદી લીધી. હથિયારોના મામલે ચીન રશિયા પર ઘણી રીતે નિર્ભર છે."
"ચીને રશિયામાં બનતા ફાઇટર જેટ-ઍન્જિનની નકલ કરવાની ઘણી કોશિશ કરી, પરંતુ તે એવા ન બની શક્યા જેવા રશિયનો બનાવે છે. એટલા માટે ચીને એનું લાઇસન્સ લેવું પડે છે અને રશિયા આ કંટ્રોલ હંમેશા પોતાના હાથમાં રાખશે."
જેમ કે રશિયાએ ચીનને એસ-400 સિસ્ટમ આપી તો છે, પરંતુ તે એવી સિસ્ટમ નથી જેવી તે ભારતને આપવાનું છે. રશિયા કહે છે કે ચીનને એણે એસ-400 અમેરિકાથી પોતાની રક્ષા કરવા માટે આપી છે એની રૅન્જ ઓછી છે, પરંતુ ભારતને એસ-400ની સૌથી લાંબી રૅન્જવાળી મિસાઇલ આપવામાં આવશે.
એવી આશા રાખવામાં આવી રહી છે કે રાજનાથ સિંહના આ રશિયા પ્રવાસના અંતમાં 'ભારતને એસ-400 ડિફેન્સ સિસ્ટમ મળવા વિશે' કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવશે.
ભારત અને રશિયાના સંબંધ
ભારતીય રક્ષા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓના અનુસાર, સંરક્ષણપ્રધાનની આ મુલાકાત ભારત-રશિયા રક્ષા સમજૂતીથી વધીને બંને દેશો વચ્ચે કૂટનૈતિક ભાગીદારીને વધુ મજબૂત કરવાનો અવસર પણ છે.
ભારતમાં રશિયા સાથે સંબંધોને લઈને એક સર્વસામાન્ય સમજ એ છે કે બંને દેશો વચ્ચે ઐતિહાસિક સંબંધ છે અને ભારત જો કોઈ દેશ સાથે ઝઘડો થયો તો રશિયા ભારતની મદદે આવશે.
પરંતુ આંતરરાષ્ટ્રીય મામલાઓના જાણકાર અને ઑબઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના સ્ટ્રૅટેજિક સ્ટડી પ્રોગ્રામના વડા પ્રોફેસર હર્ષ પંતના મત અનુસાર, આ વાત એટલી સરળ પણ નથી.
પ્રોફેસર હર્ષના અનુસાર રશિયામાં એ સમજ સારી રીતે છે કે ભારત એક લોકશાહી દેશ છે, જ્યારે ચીન સર્વસત્તાવાદી અથવા કહો કે એક પ્રકારની તાનાશાહીવાળો દેશ છે. એટલા માટે રશિયા ભારત સાથે પોતાના સંબંધ વધુ પ્રેમપૂર્વકના માને છે અને આ જ ભારત અને રશિયાના જૂના ગાઢ સંબંધોનો આધાર છે.
પરંતુ પાછલા એક દશકમાં પરિસ્થિતિ બદલાઈ છે. એવું જોવાયું છે કે ચીન સાથે રશિયાના સંબંધ મજબૂત થઈ રહ્યા છે.
તેઓ કહે છે કે "રશિયા માટે પણ પરિસ્થિતિઓ ઓછી પડકારજનક નથી. તેની વસતી પાકિસ્તાનથી પણ ઓછી છે અને ક્ષેત્રફળ ઘણું મોટું છે. યુરોપથી એશિયા સુધી ફેલાયેલું છે. વળી અમેરિકા તો દુનિયાભરમાં બૅઝ બનાવી લે છે."
"પરંતુ રશિયા માટે પડકાર એ છે કે આટલો મોટો વિસ્તાર છે, જેની ટેકનૉલૉજીની મદદથી રક્ષા કરવાની છે અને પોતાની સીમાઓની ચારેતરફ દુશ્મન હોય એવો માહોલ તે ના જ ઇચ્છે. રશિયાની પૂર્વીય સરહદ ચીન સાથે જોડાયેલી છે."
"ત્યાં રશિયા તણાવ બિલકુલ નથી ઇચ્છતું અને ચીન આ વાતનો ફાયદો ઉઠાવે છે. બીજી તરફ રશિયાની અમેરિકા અને એના કેટલાક સહયોગી યુરોપીય દેશો સાથે પણ ખેંચતાણ છે. એવામાં રશિયા પાસે પણ સીમિત વિકલ્પો જ બચે છે."
ભારત એમ કોશિશ કરી રહ્યું છે કે રશિયા સાથે સંબંધોમાં નવું પાસું ઉમેરવામાં આવે કારણ કે બંને દેશોના સંબંધ ફક્ત સંરક્ષણ સંબંધિત જ રહી ગયા છે તથા અનેક મુદ્દે મતભેદ વધ્યા છે.
જેમ કે ઇન્ડો-પેસિફિકની રણનીતિને મામલે ભારતથી વધુ ચીન અને રશિયા એકબીજાની નજીક છે. એટલા માટે ભારત અને રશિયામાં વાતચીત ઘણી જરૂરી છે. ભારત ઇચ્છે છે કે રશિયા ચીન પર થોડું દબાણ વધારે, જેથી લદાખમાં ચીન શાંત રહે.
મૉસ્કોસ્થિત ભારતીય રાજદૂતે પણ રશિયા સામે ભારતની ચિંતાઓ કેટલાક સમય પહેલાં મૂકી હતી અને રશિયાએ સંપૂર્ણ આશ્વાસન આપ્યું હતું કે ચીન સાથે ભારતનો વિવાદ જો વધે છે તો એને શાંતિપૂર્ણ રીતે હલ કરવાની તમામ કોશિશો કરવામાં આવશે.
કેવા છે ચીન અને રશિયાના સંબંધો?
વરિષ્ઠ પત્રકાર વિનય શુકલાના અભિપ્રાય અનુસાર, રશિયાનો મત રહ્યો છે કે વિશ્વ અનેક ઘરીઓ વાળું બને, પરંતુ ચીન આ મામલે રશિયા સાથે જૂનો વૈચારિક મતભેદ ધરાવે છે અને ચીન ક્યાંકને ક્યાંક રશિયાને ભારતની વધુ નજીક માને છે.
ચીન અને ભારત વચ્ચે ઘર્ષણ થાય છે તો રશિયાની આંતરરાષ્ટ્રીય સ્થિતિ પર પણ અસર પડશે આ વાત રશિયા સમજે છે.
રશિયામાં સત્તા પર બેસેલા લોકોના વિચારમાં એ વાત છે કે જે દિવસે ભારત નબળું પડ્યું એ દિવસથી ચીનથી સૌથી વધુ પરેશાની રશિયાને થશે કારણ કે મધ્ય એશિયામાં જે વર્ચસ્વ એક સમયે સોવિયેટ યુનિયનનું હતું તે સ્થાન ધીમેધીમે ચીને લઈ લીધું છે.
પ્રોફેસર હર્ષના અનુસાર સ્થિતિ ત્યાં સુધી પહોંચી ચૂકી છે કે આજે જ્યારે રશિયા અને ચીન સાથે ઊભા રહે, તો રશિયાનું કદ ઘટતું નજરે પડે છે.
પ્રો. હર્ષ કહે છે, "બંને દેશ વચ્ચે હવે ઘણો વેપાર થાય છે, પરંતુ બંને વચ્ચે આજે એવા સંબંધ છે કે રશિયા 'નંબર-2' એટલે કે નાના ભાગીદારના સ્વરૂપમાં પણ ચીન સાથે ખુશીથી ઊભા રહેવા તૈયાર છે.
એનાથી રશિયાને એટલા માટે પણ વાંધો નથી કારણ કે તે અમેરિકાને વધુ મોટી પરેશાની માને છે અને તેને મૅનેજ કરવા માટે તે ચીનની મદદ લેવા માટે પણ તૈયાર છે, પરંતુ અહીં ભારત માટે પરેશાની જરા અલગ પ્રકારની છે, કારણ કે ચીન સાથે ઘર્ષણ થયાં બાદ રશિયાની મદદથી ભારત ત્રણેય દેશો વચ્ચે પાવરનું એક સંતુલન જાળવવા ઇચ્છે છે.
વિનય શુક્લના પ્રમાણે "રશિયા અને ભારત વચ્ચે થયેલ સંધિમાં એક જોગવાઈ એવી પણ છે કે બંને દેશોની સુરક્ષા સામે કોઈ પડકાર આવે છે, તો બંને દેશ એકબીજા સાથે વિચાર-વિમર્શ કરશે. રક્ષા મંત્રીના રશિયા પ્રવાસને આ દૃષ્ટિએ પણ જોઈ શકાય છે.
સોશિયલ મીડિયામાં એક વર્ગ એવું માને છે કે ભારતના કહેવાથી રશિયા ચીનને 'ધમકાવી' શકે છે અને નિયંત્રિત કરી શકે છે.
પરંતુ પ્રોફેસર હર્ષ આ વાત સાથે સંમત નથી થતા. તેમના મત અનુસાર, રશિયા એક નબળી શક્તિ છે જેને ઊભું થવા માટે ચીનની મદદની ઘણી સખત જરૂરિયાત છે. રશિયાની આર્થિક સ્થિતિ ખરાબ છે જેમાં એને ચીનથી મદદ જોઈએ છે.
એવામાં ભારતે ખુલ્લી આંખોથી એ જોવું જોઇએ કે રશિયા માટે ભારત ભલે એક મહત્ત્વપૂર્ણ સાથીદાર હોય, પરંતુ તે ભારતનું એકતરફી સમર્થન કરવાની સ્થિતિમાં નથી.
તેઓ કહે છે કે રશિયા પણ અન્ય દેશોની જેમ કૂટનૈતિક ભાષાનો જ પ્રયોગ કરશે.
હર્ષ પણ એમ પણ કહે છે કે ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યો અથવા નાની મોટી લડાઈ થઈ તો રશિયાની ઘણી મોટી જરૂર પડશે, કારણ કે ભારત પાસે મોટી સંખ્યામાં રશિયન હથિયારો અને મશીનો છે જેનાં સર્વિસિંગ અને રિપેરમાં રશિયાની ઘણી જરૂર પડશે. એટલા માટે ભારત પાસે રશિયાને નારાજ કરવાનો વિકલ્પ નથી.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો