You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસની દવાના બાબા રામદેવના દાવા પર સરકારે માગ્યા પુરાવાઓ, કહ્યું જાહેરાત ન કરો
બાબા રામદેવની પતંજલિ કંપનીએ દાવો કર્યો છે કે તેણે કોરોના વાઇરસની દવા તૈયાર કરી લીધી છે. જોકે, ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે આ જાહેરાતની ગંભીર નોંધ લીધી છે અને કહ્યું છે કે આવી દવાના નિર્માણની હકીકતોની કે વૈજ્ઞાનિક સંશોધન અંતે તે અજાણ છે.
આયુષ મંત્રાલયે બાબા રામદેવની કંપનીએ કરેલી જાહેરાત સામે સવાલો ઊભા કર્યા છે અને કહ્યું છે કે પતંજલિ આર્યુવેદ લિમિડેટ જાહેરાત ન કરે. સમાચાર સંસ્થા એએનઆઈએ આ સમાચાર આપ્યા છે.
આયુષ મંત્રાલયે કંપનીને દવાનું કંપોઝિશન, સંશોધન પદ્ધતિ, કઈ હૉસ્પિટલમાં પરીક્ષણ કરવામાં આવ્યું, કેવી રીતે કરવામાં આવ્યું સૅમ્પલ સાઇઝ વગેરે સહિત તમામ વિગતો રજૂ કરવાનો આદેશ કર્યો છે.
આયુષ મંત્રાલયે કહ્યું કે જ્યાં સુધી યોગ્ય પ્રક્રિયા ન પતે ત્યાં સુધી જાહેરાત ન કરવી. મંત્રાલયે રાજ્ય સરકારને પણ પતંજલિની કથિત દવા અંગે લાઇસન્સ અને પરવાનગી વગેરે આપવા કહ્યું છે.
બાબા રામદેવની પતંજલિ કંપનીએ દાવો કર્યો છે કે તેણે કોરોના વાઇરસની દવા તૈયાર કરી લીધી છે. મંગળવારે બાબા રામદેવે પત્રકારપરિષદનું આયોજન કરીને કહ્યું કે 'દુનિયા જેની રાહ જોઈ રહી હતી કે કોરોના વાઇરસની દવા મળી આવી, આજે અમને ગર્વ છે કે કોરોના વાઇરસની પ્રથમ આયુર્વેદિક દવા અમે તૈયાર કરી લીધી છે.'
બાબા રામદેવનું કહેવું છે કે જે દવા તૈયાર કરવામાં આવી છે તેનું નામ કોરોનિલ રાખવામાં આવ્યું છે.
બાબા રામદેવે આ પત્રકારપરિષદમાં દાવો કર્યો હતો કે આ કોરોનિલ દવાનો સો લોકો પર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ દિવસની અંદર 65 ટકા લોકોનો કોરોના રિપોર્ટ નૅગેટિવ આવી ગયો હતો. તેમજ સાત દિવસમાં સો ટકા લોકો સાજા થઈ ગયા.
તેમણે દાવો કર્યો કે પતંજલિએ સંપૂર્ણ રિસર્ચ બાદ આ દવા તૈયાર કરી છે અને તેમની દવાનો સો ટકા રિકવરી રેટ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉપરાંત રામદેવે કહ્યું કે "લોકો ભલે હાલ અમારા આ દાવા પર સવાલ કરે પરંતુ અમારી પાસે તમામ દાવાના જવાબ છે. આ દવા તૈયાર કરવામાં વૈજ્ઞાનિક નિયમોનું પાલન કરવામાં આવ્યું છે."
તેમના દાવા પ્રમાણે આ દવા બનાવવામાં માત્ર દેશી સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આવનારા સાત દિવસોમાં પતંજલિના સ્ટોર પર આ દવા ઉપલબ્ધ થઈ જશે. ઉપરાંત એક ઍપ પણ લૉન્ચ કરવામાં આવશે, તેની મદદથી આ દવા ઘર પર પહોંચાડી શકાશે.
જોકે, આ મામલે આઈસીએમઆર કે ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આ માત્ર પતંજલિ કંપનીનો દાવો છે. તેને સરકાર દ્વારા અધિકૃત કરવામાં આવ્યો નથી.
વિશ્વમાં અનેક જગ્યાએ કોરોના વાઇરસની રસી શોધવાનું કામ પૂરજોશથી ચાલી રહ્યું છે. બ્રિટનમાં તો કોરોના વાઇરસની રસીનું માનવપરીક્ષણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
જોકે, હજી સુધી કોરોના માટેની કોઈ દવા કે રસી શોધાઈ શકી નથી.
ઘણા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોનાની રસી બજાર સુધી આવતા લગભગ એક વર્ષ જેટલો સમય લાગી જશે.
બ્રિટિશ વૈજ્ઞાનિકોએ કર્યો હતો પ્રથમ 'લાઇફ સેવિંગ' દવાનો દાવો
હાલમાં જ બ્રિટનના નિષ્ણાતોએ દાવો કર્યો છે કે દુનિયાભરમાં ખૂબ જ સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ દવા ડૅક્સામૅથાસન કોરોના વાઇરસથી સંક્રમિત અને ગંભીર રૂપથી બીમાર દર્દીઓનો જીવ બચાવવામાં મદદ કરી શકે છે.
શોધકર્તાઓનું અનુમાન છે કે જો આ દવાનો ઉપયોગ બ્રિટનમાં સંક્રમણના શરૂઆતના તબક્કામાં જ કરવામાં આવ્યો હોત તો લગભગ 5000 લોકોના જીવ બચાવી શકાયા હોત.
ઑક્સફર્ડ યુનિવર્સિટીની એક ટીમે હૉસ્પિટલોમાં ભરતી 2000 દર્દીઓને આ દવા આપી અને એ પછી તેમનો તુલનાત્મક અભ્યાસ એ 4000 દર્દીઓ સાથે કર્યો જેમને દવા અપાઈ નહોતી.
જે દર્દી વૅન્ટિલેટર પર હતા એમને આ દવાની અસરથી 40 ટકાથી લઈને 28 ટકા સુધી મૃત્યુનું જોખમ ઘટી ગયું અને જેમને ઓક્સિજનની જરૂર હતી એમાં આ જોખમ 25 ટકાથી 20 ટકા સુધી ઓછું થઈ ગયું.
શોધકર્તાઓ પ્રમાણે, કોરોના વાઇરસનું સંક્રમણ શરીરમાં સોજો વધારવાનો પ્રયત્ન કરે છે જ્યારે કે ડૅક્સામૅથાસન આ પ્રક્રિયાને ધીમી પાડવામાં અસરકારક જણાઈ છે.
નોંધપાત્ર છે કે આ દવા એ જ દર્દીઓને આપવામાં આવવી જોઈએ જેઓ હૉસ્પિટલમાં ભરતી હોય અને જેમને ઓક્સિજન અથવા વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હોય.
આ દવા સસ્તી પણ છે માટે ગરીબ દેશો માટે પણ ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો