You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇન્ટરપોલના લાપતા પ્રમુખની ભાળ મળી, ચીનના કબજામાં મેંગ હોંગવેઈ
ઇન્ટરપોલના પ્રમુખ મેંગ હોંગવેઈ ચીનના કબજામાં છે. ચીને આ વાતની પુષ્ટિ કરી છે. મેંગ હોંગવેઈ છેલ્લા કેટલાક દિવસોથી લાપતા હતા.
ચીને જણાવ્યું છે કે દેશના કેટલાક કાયદાના ઉલ્લંઘન મામલે પૂછપરછ કરવા માટે હોંગવેઈને રોકી રખાયા છે.
બીજિંગના જણાવ્યા અનુસાર લાંચરુશવત વિરોધ વિભાગ 'નેશનલ સુપરવિઝન કમિશન' દ્વારા હોંગવેઈની પૂછપરછ કરાઈ રહી છે.
'નેશનલ સુપરવિઝન કમિશન' ભ્રષ્ટાચારના આરોપમાં સંડોવાયેલા ચીનના સરકારી અધિકારીઓની તપાસ કરે છે.
આ દરમિયાન ઇન્ટરપોલે જણાવ્યું છે કે રવિવારે તેને હોંગવેઈનું રાજીનામું મળ્યું છે.
હોંગવેઈ ફ્રાન્સના લીયોન શહેરમાંથી ચીન માટે રવાના થયા બાદ ગાયબ થઈ હતા. ઇન્ટપોલનું મુખ્ય મથક અહીં જ આવેલું છે.
આ જ વર્ષે 25 સપ્ટેમ્બરે ઇન્ટરપોલના મુખ્ય મથકથી ચીન જવા માટે નીકળેલા હોંગવેઈની કોઈ ભાળ નહોતી લાગી.
જે બાદ તેમનાં પત્ની ગ્રૅસ મેંગે હોંગવેઈનો જીવ જોખમમાં હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હોંગવેઈ પર શો આરોપ?
જોકે, હજુ સુધી એ જાણી નથી શકાયું કે ચીનમાં હોંગવેઈ પર કયો આરોપ લગાવાયો છે અને આગળ તેમના વિરુદ્ધ શી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અહીં એ વાત પણ મહત્ત્વપૂર્ણ બની જાય છે કે ઇન્ટરપોલ એ વિશ્વની પોલીસ સંસ્થાઓનું સંગઠન છે. જેનું નેતૃત્વ મેંગ હોંગવેઈ કરી રહ્યા હતા.
મેંગ હોંગવેઈ ચીનમાં લોક સુરક્ષા વિભાગમાં નાયબ મંત્રી પણ રહી ચૂક્યા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
તેઓ ચીનના પહેલા એવા નાગરિક છે કે જેમની પસંદગી બે વર્ષ પહેલાં ઇન્ટરપોલના પ્રમુખના પદ માટે કરવામાં આવી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે ચીનમાં હાલમાં કેટલાંય ટોચના સરકારી અધિકારીઓ, તવંગરો તેમજ ટોચની જાણતી વ્યક્તિઓ ગુમ થઈ ગઈ છે.
જુલાઈ માસમાં ચીનનાં ફાન બિંગબિંગ નામનાં અભિનેત્રી ગુમ થઈ ગયાં હતાં.
તાજતરમાં જ તેઓ સામે આવ્યાં હતાં અને તેમણે કરચોરી અને અન્ય ગુનાઓ બદલ જાહેરમાં માફી માગતાં 129 મિલિયન ડૉલરનો દંડ ચૂકવ્યો હતો.
ઇન્ટરપોલે શું કહ્યું?
એક નિવેદનમાં ઇન્ટરપોલે જણાવ્યું કે તેને હોંગવેઈનું રાજીનામું મળી ગયું છે. ઇન્ટપોલે આ મામલે ટ્વીટ કરીને માહિતી આપી છે.
હોંગવેઈનું રાજીનામું તત્કાલ અસરથી સ્વીકારવાની પણ તેમા વાત કરાઈ છે.
જેને પગલે હવે દક્ષિણ કોરિયાના નાયબ પ્રમુખ કિમ જોન્ગ-યાન્ગને કાર્યકારી પ્રમુખ બનાવાયા છે.
ફ્રાન્સે આ મામલે એક તપાસ પણ હાથ ધરી દીધી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો