જ્યારે ખાલિસ્તાનીઓએ ભારતમાં રોમાનિયાના રાજદૂતનું અપહરણ કર્યું

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

રોમાનિયામાં ભારતના રાજદૂત જુલિયો રિબેરો 20 ઑગસ્ટ, 1991ની સાંજના છ વાગ્યે પોતાની ઑફિસેથી પાછા આવીને તરત જ પોતાનાં પત્ની સાથે વૉક પર નીકળી ગયા. એમનાથી 30 મિટર પાછળ બે રોમેનિયન સુરક્ષાકર્મીઓ ચાલી રહ્યા હતા.

એમની પાસે રિવૉલ્વર હતી, જેને એ બંનેએ ગજવામાં સંતાડી રાખી હતી.

રોમાનિયા સરકારને અનુમાન હતું કે રિબેરોના જીવને જોખમ છે, કેમ કે તેઓ પંજાબમાં પોલીસ મહાનિદેશક રહી ચૂક્યા હતા.

રિબેરો દંપતી લગભગ અડધો કિલોમિટર ચાલ્યાં હશે કે એમને ઝડપથી પોતાની નજીક આવેલી કારની બ્રેક વાગવાનો અવાજ સંભળાયો.

અવાજ સાંભળતાં જ રિબેરો સાવચેત થઈ ગયા.

એમણે પાછળ ફરીને જોયું તો ચાર લોકો હાથમાં હથિયાર લઈને ઝડપથી કારમાંથી નીચે ઊતરી રહ્યા હતા.

એમાંના એકે રિબેરોની દિશામાં ફાયર કર્યો.

જુલિયો રિબેરોએ આત્મકથા 'બુલેટ ફૉર બુલેટ'માં લખ્યું છે, "હું એટલી ઝડપથી ભાગ્યો જેટલી ઝડપથી 62 વર્ષની વ્યક્તિ ભાગી શકતી હતી. દોડતાં દોડતાં મેં રસ્તો પાર કર્યો જે ખૂબ પહોળો હતો. બે હુમલાખોર મારો પીછો કરી રહ્યા હતા."

"તેઓ પોતાની AK 47થી મારા પર સતત ફાયર કરતા હતા. AK 47 ક્ષેત્રનું હથિયાર હોય છે. એનાથી કોઈ એક ખાસ વ્યક્તિને નિશાન બનાવવાની સંભાવના ખૂબ ઓછી હોય છે. પહેલી વાત એ કે, તમારી પાસે સમય ખૂબ ઓછો હોય છે. અને જો સમય હોય તો માત્ર પહેલી ગોળી જ નિશાના પર વાગવાની સંભાવના હોય છે. બાકીની ગોળીઓ અહીંતહીં ખાલી જાય છે."

"દોડતો દોડતો જેવો હું બાજુમાં આવેલા ઘરના આંગણામાં ઘૂસ્યો ત્યાં જ એક ગોળી મારા નિતંબ પર વાગી. હું થોડાંક ડગલાં દોડ્યો પરંતુ પછી નીચે પડી ગયો."

હુમલાખોરને વાગી સુરક્ષાકર્મીની ગોળી

બીજી તરફ જેવો રોમેનિયન સુરક્ષાકર્મીઓને અંદાજ આવ્યો કે શું થઈ રહ્યું છે, તો, એમણે વૉકી ટૉકીથી પોતાના સાથીઓને આની માહિતી આપી દીધી.

તેઓ ખૂબ ઝડપથી કાર ચલાવીને ત્યાં પહોંચી ગયા.

એમણે એ હુમલાખોરો પર ગોળીઓ છોડી જે કારની દેખરેખ રાખતા ઊભા હતા.

એક વ્યક્તિ ત્યાં જ મૃત્યુ પામી. બીજા શખ્સને રિબેરોની સાથે જ હૉસ્પિટલ લઈ જવાયો. એમનું ઑપરેશન કરવામાં આવ્યું અને થોડા દિવસોમાં તેઓ વાત કરવા લાયક થઈ ગયા.

ત્રીજા હુમલાખોરને એના હથિયાર સાથે રંગેહાથ પકડી લેવાયો.

ચોથો હુમલાખોર પોતાના એક સાથી સાથે એક બીજી કારમાં ભાગી જવામાં સફળ રહ્યો. રિબેરોનું તરત જ ઑપરેશન કરવામાં આવ્યું.

તેઓ 22 દિવસ સુધી હૉસ્પિટલમાં રહ્યા.

રિબેરો પર હુમલો થયાના સમાચાર જેવા મળ્યા કે તરત જ ભારત સરકારે દિલ્હીમાંના રોમેનિયન દૂતાવાસ અને રાજદૂતના ઘરે છ સુરક્ષાકર્મીઓને ડ્યૂટી પર મૂકી દીધા.

દરમિયાનમાં ભારતીય વિદેશમંત્રાલયના આધિકારીઓએ લિવિયો રાડુને મંત્રાલય બોલાવીને એમને સવાલ પૂછ્યો કે ભારતના રાજદ્વારીઓની સુરક્ષા માટે એમનો દેશ શું કરી રહ્યો છે?

રાડુ અને ભારતીય અધિકારી આ વાતને સમજી શકે એ દરમિયાન શીખ ચરમપંથી રાડુની દરેક પ્રવૃત્તિ પર નજર રાખી રહ્યા હતા.

ઘરથી અડધા કિલોમિટરના અંતરે થયું રાડુનું અપહરણ

આ ઘટના બન્યાના લગભગ બે મહિના પછી દિલ્હીમાં આઠ ઑક્ટોબર, 1991ની સવારે આઠ વાગ્યા ને પાંચ મિનિટે ભારતમાંના રોમાનિયાના 55 વર્ષીય રાજદૂત લિવિયો રાડુ પોતાના જોરબાગસ્થિત ઘરેથી વસંતવિહારની ઑફિસે જવા માટે પોતાની કાળા રંગની ડાચિયા કારમાં બહાર નીકળ્યા.

તેઓ જાતે કાર ચલાવી રહ્યા હતા. જેવા તેઓ જોરબાગ લેનમાં પ્રવેશીને લોદી રોડ તરફ આગળ વધ્યા, એવામાં, એક મારુતિ કારે એમની ડાબી તરફથી ઓવરટેક કરી.

રાહુલ પાઠકે ઇન્ડિયા ટુડેના 31 ઑક્ટોબર, 1991ના અંકમાં છપાયેલા પોતાના લેખ 'ઇન ઍન એપેરેંટ રિટેલિએશન, શીખ મિલિટન્ટ્સ ઍબડક્ટ રોમેનિયન ડિપ્લૉમેટ'માં લખ્યું છે, "રાડુની કારની બરાબર પાછળ એક ફ્રૅન્ચ રાજદ્વારીની કાર આવતી હતી. જોરબાગના નિવાસીઓએ સુરક્ષાની દૃષ્ટિએ જોરબાગ માર્કેટ લેન અને લોદી રોડના ક્રૉસિંગ પર બૅરિયર મૂક્યા હતા. જેવા બૅરિયર નીચે આવ્યા, ત્રણે કાર - મારુતિ, રાડુ અને ફ્રૅન્ચ રાજદ્વારીની કાર - અટકી ગઈ."

"નજરે જોનારાઓ અનુસાર મારુતિમાંથી ત્રણ લોકો ઊતર્યા. બે લોકો રાડુની કાર બાજુ આગળ વધ્યા. એક શખસે પાઘડી પહેરી હતી અને એના હાથમાં એક AK 47 હતી."

"બીજી વ્યક્તિના હાથમાં એક પિસ્તોલ હતી. ત્રીજી વ્યક્તિ પાસે કશું હથિયાર નહોતું. બે વ્યક્તિ જબરજસ્તી રાડુની કારમાં બેસી ગયા."

જોકે ત્યારે દિલ્હીના અધિક પોલીસ કમિશનર નીરજકુમારે બયાન આપ્યું હતું કે એક વ્યક્તિએ પોતાની બંદૂક બતાવીને રાડુ પાસે કારનો દરવાજો ખોલાવ્યો હતો. પાછળની કારમાં બેઠેલા ફ્રૅન્ચ રાજદ્વારી સમજ્યા કે કેટલાક સુરક્ષાકર્મી રાડુની કારમાં ઘૂસી રહ્યા છે.

જનરલ વૈદ્યના હત્યારાઓને છોડી મૂકવાની માગ

ચરમપંથી જેવા રાડુની કારમાં બેઠા, બૅરિયર ખૂલી ગયું અને રાડુની ડાચિયા કાર અને મારુતિ આગળ નીકળી ગઈ.

પોલીસને આ અપહરણની જાણકારી ઘટના બન્યાની 100 મિનિટ પછી નવ વાગ્યા ને 50 મિનિટે મળી.

એમને આ જાણકારી વિદેશમંત્રાલય દ્વારા મળી હતી.

પોલીસ સાડા દસ વાગ્યા આસપાસ સક્રિય થઈ.

પછીથી નજરે જોનાર એક સાક્ષી દ્વારા ખબર પડી કે જે મારુતિ કારે રાડુની કારને રોકી હતી એનો નંબર હતો ડીડીડી 4747.

તપાસ કરતાં ખબર પડી કે કાર પર લાગેલી નંબર પ્લૅટ નકલી હતી.

થોડી વાર પછી રાડુની કાર અને મારુતિ, સુંદરનગર વિસ્તારમાં પાર્ક કરેલી મળી આવી.

મોડેથી પોલીસ કમિશનર નીરજકુમારે સ્વીકાર્યું કે ઘટના બન્યાના લગભગ બે કલાક પછી રોડ બ્લૉક કરવાથી અને વાહનોની તપાસ કરવાથી કશું હાથ લાગવાનું નહોતું.

ખાલિસ્તાન કમાંડો ફોર્સ સહિત ચાર શીખ ચરમપંથી સંગઠનોએ આ અપહરણની જવાબદારી સ્વીકારી.

12 ઑક્ટોબરે સમાચાર એજન્સી યુએનઆઈની ઑફિસને રાડુની એક તસવીર મોકલવામાં આવી, જેમાં તેઓ હથિયારબંધ ચરમપંથીઓ વચ્ચે ઘેરાયેલા બેઠા હતા.

આ એક પોલોરૉએડ કૅમેરાથી પાડેલી તસવીર હતી જેને ઍન્લાર્જ કરી શકાય એમ નહોતી. સાથે જ એક નોટ પણ આવી, જેમાં લખેલું હતું કે જો ભારત સરકારે ભારતીય સેનાધ્યક્ષ જનરલ વૈદ્યની હત્યા માટે મૃત્યુદંડની સજા ભોગવી રહેલા ત્રણ શીખ ચરમપંથીઓ સુખ્ખા, જિંદા અને નિમ્માને છોડી ના મૂક્યા તો તેઓ રાડુના ટુકડેટુકડા કરી નાખશે.

પોલીસે કડીઓ શોધવાની કોશિશ કરી કે પોલોરૉએડ કૅમેરાનો રોલ ક્યાંથી ખરીદવામાં આવેલો, પરંતુ એમને ખાસ કશી માહિતી ના મળી શકી.

ભારત અને રોમાનિયા સરકાર વચ્ચે મતભેદ

ઇન્ટેલિજન્સ બ્યૂરોએ રાડુના ઘરે આવતા ફોન કૉલને મૉનિટર કરવા માટે એક કન્ટ્રોલરૂમ બનાવ્યો.

એમણે પોતાના કન્ટ્રોલરૂમના બે નંબર રાડુનાં પત્નીને આપી રાખ્યા.

એમને સૂચના આપવામાં આવી કે જો અપહરણકારો એમને ફોન કરે તો એમને આ નંબર આપી દેવાય.

પરંતુ ચરમપંથીઓએ એમના ઘરે એક પણ ફોન ના કર્યો.

દરમિયાનમાં રાડુનાં પત્ની કૅથરીન રાડુએ ભારત સરકારની ટીકા કરીને કેસને વધારે જટિલ કરી નાખ્યો.

ભારત સરકારે એનો જવાબ એમ કહીને આપ્યો કે વિચાર રોમાનિયાની સરકારના નથી.

પરંતુ ભારતે એ સમયે શરમમાં મુકાવું પડ્યું જ્યારે રોમાનિયાના વડા પ્રધાને એ વાતે આશ્ચર્ય પ્રકટ કર્યું કે ભારત આ મામલામાં સક્રિયતા કેમ નથી દાખવતું!

16 ઑક્ટોબરે કેએલએફ, ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ અને શીખ સ્ટુડન્ટ ફેડરેશન (બિટ્ટુ ગ્રૂપ)એ એક પત્ર લખીને કહ્યું કે જો વૈદ્યના હત્યારાઓને 19 નવેમ્બર સુધી છોડી મૂકવામાં નહીં આવે તો તેઓ સમજશે કે ભારત સરકાર રાડુને મરેલા જોવા માગે છે.

ચરમપંથી દેવપાલસિંહને મારી નખાયા

અપહરણ થયા બાદ લિવિયો રાડુએ ચરમપંથીઓને જણાવ્યું કે તેઓ હૃદયરોગના દર્દી છે અને જો એમને સમયસર દવા નહીં મળે તો એમની તબિયત બગડી શકે છે.

ચરમપંથીઓએ પોતાના એક સાથી દેવપાલસિંહ દ્વારા ટેલિફોન બૂથમાંથી રાડુના ઘરે દવાઓનાં નામ પૂછવા માટે ફોન કરાવ્યો.

પોલીસ આ ફોનને ટૅપ કરી રહી હતી.

એ પહેલાં કે દેવપાલસિંહ રિસીવર મૂકે, પોલીસે સુપર બજારની બહાર એક ટેલિફોન બૂથને ચારેબાજુથી ઘેરી લીધું.

દેવપાલસિંહે પોલીસને જોતાં જ ગોળીઓ છોડવા માંડી. પોલીસે ગોળીનો જવાબ ગોળીથી આપ્યો.

એમાં દેવપાલસિંહને ત્રણ ગોળી વાગી અને એ ત્યાં જ માર્યા ગયા.

આ બનાવની તરત પછી ચરમપંથીઓએ રાડુને સાદિકનગરવાળા સેફ હાઉસમાંથી હઠાવીને ઉત્તર દિલ્હીના નાનક પિયાઓ ગુરુદ્વારામાં પહોંચાડી દીધા.

પોલીસે રાડુને શોધવા દિલ્હીમાં ઘણી જગ્યાએ છાપા માર્યા પરંતુ એમને સફળતા ના મળી.

શીખ ચરમપંથીઓએ થોડા દિવસ સુધી તો એમને દિલ્હીમાં રાખ્યા પરંતુ પછી તેઓ એમને કારમાં બેસાડીને સિંઘુ બૉર્ડરથી પંજાબ લઈ ગયા.

રાડુને છોડાવવા માટે પાકિસ્તાન અને પશ્ચિમી દેશોનું દબાણ

ભારત સરકારે જનરલ વૈદ્યના હત્યારાઓને છોડી મૂકવાની ચરમપંથીઓની માગણીને બિલકુલ નકારી કાઢી.

ચરમપંથીઓએ એવા પણ સંકેત આપ્યા કે રાડુના અપહરણનો એમનો ઉદ્દેશ જનરલ વૈદ્યના હત્યારાઓને છોડાવવાનો નથી, બલકે તેઓ એવું પણ ઇચ્છે છે કે રોમાનિયાની સરકાર એ લોકોને પણ છોડી મૂકે જેમણે જુલિયો રિબેરોની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

રોમાનિયાની સરકારે સ્પષ્ટ કરી દીધું કે તે જુલિયો રિબેરોની હત્યાનો પ્રયાસ કરનારા હુમલાખોરોને છોડશે નહીં.

દરમિયાનમાં રોમાનિયાની સરકારે પોતાના રાજદ્વારીને છોડાવવા માટે પાકિસ્તાનની સરકાર સાથે સંપર્ક કરીને એમની પાસે મદદ માગી.

પાકિસ્તાન પર બીજા પશ્ચિમી દેશોએ પણ દબાણ કર્યું.

અપહરણના લગભગ 15 દિવસ બાદ ચરમપંથીઓને એવો અંદાજ આવી ગયો કે એમની યોજના સફળ થવાની શક્યતા ખૂબ ઓછી છે.

આંતરરાષ્ટ્રીય મીડિયામાં અપહરણનો ઉલ્લેખ ન થવાના કારણે નિરાશા

ભારતીય જાસૂસી એજન્સી રૉમાં અધિક સચિવના પદ પર રહેલા બી. રમને પોતાના પુસ્તક 'ધ કાઉ બૉય્ઝ ઑફ રૉ ડાઉન મેમરી લેન'માં લખ્યું છે, "ભારત, અમેરિકા અને જર્મનીની જાસૂસી એજન્સીઓએ લાહોરમાં રહેતા ચરમપંથીઓના ટેલિફોન ટૅપ કર્યા. ઇન્ટેલિજન્સ બ્યૂરોએ પણ કેએલએફના એક કાર્યકર્તાને પકડી લીધા, જેને આ અપહરણની થોડી ઘણી માહિતી હતી. પકડાયેલા લોકોની પૂછપરછ કરવાથી ખબર પડી કે કેએલએફ પહેલાં એક ફ્રૅન્ચ રાજદ્વારીનું અપહરણ કરવા માગતું હતું પરંતુ જ્યારે ખબર પડી કે એમની સુરક્ષાવ્યવસ્થા મજબૂત છે ત્યારે એ વિચાર પડતો મુકાયો."

"રાડુને એ માટે પસંદ કરવામાં આવ્યા કેમ કે એમને અંગત રીતે કોઈ સુરક્ષા આપવામાં આવી નહોતી. પરંતુ શીખ ચરમપંથીઓને એ વાતે ઘણી નિરાશા મળી કે આ અપહરણને આંતરરાષ્ટ્રીય મીડિયામાં ખાસ કશું મહત્ત્વનું ના મળ્યું. તેથી એમણે રાડુને છોડી મૂકવાનો નિર્ણય કર્યો. એમણે એમ પણ નક્કી કર્યું કે ભવિષ્યમાં તેઓ અમેરિકા જેવા મહત્ત્વપૂર્ણ દેશના રાજદ્વારીનું જ અપહરણ કરશે."

રાડુ જેલમ ક્સપ્રેસમાં દિલ્હી આવ્યા

દરમિયાનમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતોના અમેરિકન અંડર સેક્રેટરી રેજિનાલ્ડ બાર્થોલોમિઉ 21 નવેમ્બરે ઇસ્લામાબાદથી ભારત આવ્યા.

પાકિસ્તાનસ્થિત સોહનસિંહના નેતૃત્વવાળી બીજી પંથિક કમિટીએ એલાન કર્યું કે 24 નવેમ્બરે રાડુને છોડી મૂકવામાં આવશે.

25 નવેમ્બરે અપહરણકર્તાઓએ રાત્રે 11 વાગ્યે એમને પંજાબમાં જલંધર અને લુધિયાણા વચ્ચેના એક નાનકડા સ્ટેશન પરથી દિલ્હી જતી ટ્રેનમાં બેસાડી દીધા.

26 નવેમ્બર, 1991ની સવારે દસ વાગ્યે ઝેલમ ઍક્સપ્રેસ નવી દિલ્હી સ્ટેશનમાં આવી.

એના જનરલ કમ્પાર્ટમેન્ટમાંથી એક સામાન્ય મુસાફરની જેમ લિવિયો રાડુ પ્લૅટફૉર્મ પર ઊતર્યા.

ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તરત જ એમને પોતાની સુરક્ષામાં લઈ લીધા.

તેઓ એમને પોતાની સુરક્ષામાં બહાર લાવ્યા જ્યાં એક ટૅક્સી એમની રાહ જોતી હતી. તે એમને સીધા એમના જોરબાગવાળા ઘરે લઈ ગઈ. એ સમયે રાડુની દાઢી વધી ગયેલી હતી અને એમણે પાઘડી પહેરી હતી.

આ વેશમાં ત્યાં ફરજ પરના પોલીસકર્મીઓ એમને ઓળખી ના શક્યા. પોતાના જ ઘરમાં જવા માટે રાડુએ પોતાનું ઓળખપત્ર બતાવવું પડ્યું.

શીખ ચરમપંથીઓની બદનામી

એના બીજા દિવસે રાડુએ એક પત્રકારપરિષદ બોલાવીને પત્રકારોને પોતાની આપવીતી કહી સંભળાવી.

હજુ તો તેઓ પત્રકારો સાથે વાત જ કરી રહ્યા હતા એવામાં એમના માટે રોમાનિયાથી રાષ્ટ્રપતિ ઇયાન ઇલ્યેસ્કૂનો સંદેશ આવ્યો, જેમાં એમણે રાડુને અભિનંદન આપતાં કહ્યું કે આખો દેશ એમના માટે ચિંતિત હતો.

રાડુએ કહ્યું કે એમને 27 ઑક્ટોબર સુધી દિલ્હીમાં રાખવામાં આવ્યા પરંતુ દરેક સમયે એમની આંખો પર પટ્ટી બાંધેલી રહેતી હતી.

રાડુએ એમ પણ જણાવ્યું કે ચરમપંથીઓએ એમની સાથે સારો વ્યવહાર કર્યો.

તેઓ એમને 'અંકલ' કહીને બોલાવતા હતા અને એમના વાંચવા માટે દરરોજ અંગ્રેજી છાપાંની વ્યવસ્થા કરતા હતા.

સમય પસાર કરવા માટે એમણે એમને એક ટેલિફોન પણ આપ્યો હતો.

રાત્રે સૂતાં પહેલાં એમને પીવા માટે દૂધનો એક ગ્લાસ અપાતો હતો.

અપહરણમાંથી મુક્ત થયા પછીના થોડા દિવસોમાં રોમાનિયાની સરકારે લિવિયો રાડુને દિલ્હીથી પાછા બોલાવી લીધા.

ભારત સરકારને પણ શીખવા મળ્યું કે ક્યારેક ક્યારેક દૃઢતા બતાવવાનું સારું પરિણામ મળે છે.

ચરમપંથીઓના અભિયાન પર આ અપહરણની અવળી અસર પડી. તેઓ પોતાના સાથીઓને છોડાવવાના પોતાના ઉદ્દેશમાં સફળ ન થયા.

આખી દુનિયામાં એમની ખૂબ બદનામી થઈ, એ જુદું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો