નેલી સેનગુપ્તા : આઝાદીની ચળવળમાં ભાગ લેનારાં કૉંગ્રેસનાં એ પ્રમુખ, જેમને ભારતમાં યાદ કરવાવાળું કોઈ નથી

નેલી સેનગુપ્તા

ઇમેજ સ્રોત, amritmahotsav.nic.in

ઇમેજ કૅપ્શન, નેલી સેનગુપ્તા અને તેમના પતિ યતિન્દ્ર મોહન સેનગુપ્તા
    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

સ્વતંત્રતા પહેલાં ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસનો છ દાયકા જૂનો ઇતિહાસ રહ્યો છે, જેનાં ત્રણ મહિલા પ્રમુખ હતાં. તેમાંથી બે મહિલા પ્રમુખ બ્રિટનમાં જન્મેલાં હતાં. એની બેસન્ટ એક એવાં નેતા હતાં જેમને લોકો 'હોમ રુલ લીગ'ના કારણે ઓળખતા હતા.

પરંતુ નેલી સેનગુપ્તાનું નામ કદાચ જ કોઈએ સાંભળ્યું હશે. કૉંગ્રેસ નેતા પટ્ટાભિ સીતારમય્યાએ 1935માં એક હજાર પાનાંનું કૉંગ્રેસનો ઇતિહાસ દર્શાવતું પુસ્તક લખ્યું હતું, તેમાં પણ તેમણે નેલી સેનગુપ્તાને "શ્રીમતી સેનગુપ્તા" તરીકે ઓળખ આપી હતી અને તેમણે તેમનું નામ કલકત્તા કૉંગ્રેસ પ્રમુખ, 1933ની યાદીમાં પણ લખ્યું ન હતું. (કૉંગ્રેસનો ઇતિહાસ, 1885-1935, ધ વર્કિંગ કમિટી ઑફ ધ કૉંગ્રેસ (કૉંગ્રેસની કાર્યકારી સમિતિ), 1935, પાનાં નંબર 934 - 937)

નેલી સેનગુપ્તાનો જન્મ એડિથ ગ્રે તરીકે યુકેના કૅમ્બ્રિજમાં થયો હતો.

તેમણે પોતાના શિક્ષણ મેળવતી વખતે જ ભારતના યુવા રાષ્ટ્રવાદી જતિંદર મોહન સેનગુપ્તા સાથે લગ્ન કર્યાં હતાં.

નેલીએ પછી ભારત આવવાનું નક્કી કર્યું અને પછી તેઓ પતિ સાથે સ્વતંત્રતાની લડતમાં જોડાઈ ગયાં હતાં.

ગાંધીજીએ નેલી વિશે કહ્યું હતું કે તેઓ 'એક સંસ્કારી અંગ્રેજ મહિલા છે જેમણે સંસ્કારી બંગાલી સાથે લગ્ન કર્યાં છે.' (નોંધ, યંગ ઇન્ડિયા, 13-10-1921, ધ કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી, વૉલ્યુમ-21, પેજ 286).

તેમના પતિ જતિંદરને લોકો દેશપ્રિય કહેતા હતા અને તેઓ પૂર્વ બંગાળના ચિત્તાગોંગના જાણીતા નેતા હતા.

નેલી અને જતિંદર એવાં દેશભક્ત દંપતી હતાં, જેઓ સંપૂર્ણપણે સ્વતંત્રતાની ચળવળમાં જોડાઈ ગયાં હતાં.

line

કૉંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રમુખ

નેલી સેનગુપ્તા

ઇમેજ સ્રોત, Getty Images

નેલી સેનગુપ્તા પર ફૂલરેનુ ગુહાએ એક લેખ લખ્યો હતો જેમાં તેમણે નેલી વિશે લખ્યું હતું કે તેઓ "1933માં કૉંગ્રેસનાં ચૂંટાયેલાં પ્રમુખ હતાં. તે ભારતની સ્વતંત્રતા માટે તેમના યોગદાન બદલ તેમને મળેલું સન્માન હતું."

વધુમાં ગુહાએ ઉમેર્યું હતું કે કૉંગ્રેસ પર તે સમયે પ્રતિબંધ લાગી ગયો હતો. પ્રમુખપદે ચૂંટાયા બાદ સ્પીચ આપતાં પહેલાં નેલીની ધરપકડ કરી લેવામાં આવી હતી. (વુમન પાયોનિયર્સ ઇન ઇન્ડિયન રિનેસન્સ, લેખક : સુશીલા નાયર, કમલા માણકેકર, નેશનલ બુક ટ્રસ્ટ, નવી દિલ્હી, 2002, પેજ 168).

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની જૂની વેબસાઇટે પણ તેમને કલકત્તા અધિવેશનનાં પ્રમુખ ગણાવ્યાં હતાં અને એ જ રીતે વિગતો આપી હતી.

કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધીના તંત્રીઓએ એક ફૂટનોટમાં નેલી વિશે લખ્યું હતું કે, "1933માં કૉંગ્રેસના સૌથી ગંભીર સમય દરમિયાન તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનાં પ્રમુખ હતાં" (કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી, વૉલ્યુમ-88, પેજ નંબર 227).

કૉંગ્રેસના ઠરાવોના અધિકૃત સંકલનમાં નોંધ્યું છે કે 1 એપ્રિલ 1933માં કૉંગ્રેસ પર પ્રતિબંધ છતાં કૉંગ્રેસનું 47મું અધિવેશન યોજાયું હતું અને શ્રીમતી નલિની સેનગુપ્તા તેનાં પ્રમુખ હતાં (મહાસભાના ઠરાવો, લેખક : વિઠ્ઠલદાસ કોઠારી, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, 1948, પેજ નંબર 411).

line

કેમ ન ગણાવાયાં કૉંગ્રેસનાં પ્રમુખ?

નેલી સેનગુપ્તા

ઇમેજ સ્રોત, Getty Images

તો પછી કૉંગ્રેસના નેતા અને ઇતિહાસકાર સીતારમય્યાએ નેલીને કૉંગ્રેસનાં પ્રમુખ કેમ ગણાવ્યાં ન હતાં? આ અસ્પષ્ટતા વિશે કલકત્તા સત્રના તેમના વર્ણને થોડો પ્રકાશ પાડ્યો.

સીતારમય્યાએ આ સત્રને "સૌથી ઉત્કૃષ્ટ" ગણાવ્યું હતું અને કૉંગ્રેસના જનરલ સચિવો દ્વારા રજૂ કરાયેલા 1933-34 માટેના અહેવાલમાંથી તેના સંદર્ભ ફરી રજૂ કરાયા હતા.

રિપોર્ટ પ્રમાણે, સત્ર 31 માર્ચના રોજ મળ્યું હતું અને તે સમયે વાતાવરણ ખૂબ ખતરનાક હતું. સત્રના પ્રમુખ પંડિત મદન મોહન માલવીય હતા.

પરંતુ તેમની મોતીલાલ નહેરુ જેવા બીજા ઘણા નેતાઓ સાથે ધરપકડ થઈ હતી.

કાર્યકારી પ્રમુખ એમ. એસ. એને પણ જ્યારે કલકત્તા આવવા માટે રસ્તામાં હતા ત્યારે તેમની ધરપકડ કરી લેવાઈ હતી જ્યારે શ્રીમતી સેનગુપ્તા અને ડૉ. મોહમ્મદ આલમ જેવાં સ્થાનિક કૉંગ્રેસ નેતાઓ પર નિયંત્રણના આદેશો હતા (હિસ્ટ્રી ઑફ ધ કૉંગ્રેસ, પેજ 935).

નેલી સેનગુપ્તા

ઇમેજ સ્રોત, Getty Images

પ્રતિબંધ છતાં આશરે 1,100 જેટલા પ્રતિનિધિઓ તે સ્થળે પહોંચ્યા હતા.

શાંતિપૂર્ણ રીતે ચાલતા સત્ર પર પોલીસે લાઠીચાર્જ કર્યો. પરંતુ જ્યાં સુધી ટોળું વિખેરાઈ ન ગયું, ત્યાં સુધીમાં શ્રીમતી સેનગુપ્તા જેવાં મુખ્ય નેતાઓ પોતાની સીટ પર બેઠાં રહ્યાં અને સાત ઠરાવો પાસ કર્યા.

તેમની તેમના સાથીઓ સાથે ધરપકડ કરી લેવામાં આવી હતી અને સત્રનો સમય પૂર્ણ થયા બાદ તેમને છોડી દેવામાં આવ્યાં હતાં (ધ હિસ્ટ્રી ઑફ ધ કૉંગ્રેસ, પેજ નંબર 935).

સીતારમય્યા દ્વારા ટાંકવામાં આવેલા સંદર્ભથી એ સ્પષ્ટતા મળી ન હતી કે નેલીને પોલીસના લાઠીચાર્જ પહેલાં સત્રની શરૂઆતમાં પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યાં હતાં કે તે બાદ.

જોકે, એક વાત સ્પષ્ટ છે કે "ભારતની સ્વતંત્રતા માટે તેમના મૂલ્યવાન ફાળાનો શ્રેય આપવા માટે" તેમને કૉંગ્રેસનાં પ્રમુખ ચૂંટવામાં નહોતાં આવ્યાં.

નેલી માટે તે યોગ્ય હોઈ શકે છે કે સત્રના પ્રમુખનું પદ પંડિત માલવીય સંભાળવાના હતા. એ વાતની કોઈ જાણકારી નથી કે તેમનું નામ કલકત્તા સત્રનાં પ્રમુખ તરીકે કૉંગ્રેસના ઇતિહાસમાં ક્યારે ઉમેરાયું.

line

ભારતે કેમ ભૂલાવ્યાં?

નેલી સેનગુપ્તા

ઇમેજ સ્રોત, Getty Images

તેમણે એ વર્ષે જ પોતાના પતિ ગુમાવ્યા હતા. તેમના મૃત્યુનો દેશભરમાં શોક મનાવાયો હતો. નેલીને લખેલા એક ટેલિગ્રામમાં ગાંધીએ લખ્યું હતું, "સેનગુપ્તાના અચાનક થયેલા મૃત્યુ વિશે સાંભળ્યું. તમારું નુકસાન એ દેશનું નુકસાન છે. મને તમારા દુઃખના અસંખ્ય સહભાગીઓમાંથી એક ગણો અને પ્રાર્થના કરો." (જુલાઈ 23, 1933, ધ કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી, વૉલ્યુમ - 55, પેજ નંબર 290)

તેમણે પોતાના પતિના ગામ ચિત્તાગોંગમાં જ રહેવાનું નક્કી કર્યું હતું જે આગળ જઈને વિભાજન બાદ પૂર્વ પાકિસ્તાનનો ભાગ હતું. ભારતના હાઇકમિશનર શ્રી પ્રકાસાએ 1948માં પૂર્વ બંગાળના પોતાના પ્રવાસ દરમિયાન નેલીની મુલાકાત લીધી હતી.

હિંદુસ્તાન ટાઇમ્સમાં જ્યારે તેમણે પોતાની અને નેલીની મુલાકાત વિશે એક લેખ લખ્યો, ત્યારે નેલીએ શ્રી પ્રકાસાને પત્ર લખ્યો અને યાદ રાખવા માટે તેમનો આભાર માન્યો હતો.

શ્રી પ્રકાસાએ લખ્યું હતું, "જૂના કૉંગ્રેસી તેમને કેવી રીતે ભૂલી શકે છે?"

બાંગ્લાદેશ ફોરમ ફૉર હેરિટેજ સ્ટડીઝના સંશોધક વકાર ખાને તેમના વિશે ગયા વર્ષે એક વિગતવાર લેખ લખ્યો હતો. પરંતુ આજે ભારતમાં તેમને યાદ કરવાવાળું કોઈ નથી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ