અમેરિકાની ડેમૉક્રસી સમિટમાં તાઇવનને આંમત્રણ, પણ ચીન કેમ બાકાત? - BBC Top News

આગામી મહત્ત્વપૂર્ણ લોકશાહી મુદ્દેની સમિટ મામલે અમેરિકાએ તાઇવાનને આમંત્રણ આપતા ચીનને વાંધો પડ્યો છે. અત્રે નોંધવું કે તાઇવાન પર ચીન પોતાનો અધિકાર હોવાનો દાવો કરતું આવ્યું છે.

એનડીટીવી ડોટ કૉમના એક અહેવાલ અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ડેમૉક્રસી સમિટમાં તાઇવાનને પણ આમંત્રણ પાઠવ્યું છે. નોંધનીય છે કે તાઇવાન સહિત અન્ય 100 દેશોના પ્રતિનિધિઓને આ વર્ચ્યુઅલ સમિટમાં આમંત્રણ અપાયું છે. પરંતુ આ યાદીમાં ચીનને સામેલ કરાયું નથી.

નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની વિદેશનીતિના કેન્દ્રમાં લોકશાહી અને એકહથ્થુશાહી સરકારો વચ્ચેનો સંઘર્ષ છે. જેના કારણે તેમણે આ કૅમ્પેનનું આયોજન કરવાની યોજના ઘડી હતી.

આ સમિટ નવ અને દસ ડિસેમ્બરે આયોજિત કરાશે. ચીનની સાથોસાથ રશિયાનો પણ આ યાદીમાં સમાવેશે નથી કરાયો.

પરંતુ ચીન અને રશિયા જેવા વૈશ્વિક શક્તિ ગણાતા દેશોને જ્યાં એક તરફ આમંત્રણ નથી અપાયું ત્યાં બીજી તરફ તાઇવાનને આમંત્રણ અપાયું છે. જેને અમેરિકા એક અલગ રાષ્ટ્ર તરીકે માન્યતા આપતું નથી પરંતુ એક આદર્શ ડેમૉક્રસી તરીકે જરૂર માન્ય રાખે છે.

ચીન તાઇવાનને આંતરરાષ્ટ્રીય માન્યતા આપવાના કોઈ પણ પ્રકારના પ્રયાસને ચલાવી નહીં લે તેવી ચેતવણી અવારનવાર ઉચ્ચારી ચૂક્યું છે.

પરંતુ અમેરિકાના હાલના પગલાથી બંને મહાસત્તાઓ એકમેકની સામસામે આવી જવાની સંભાવના જરૂર વધી જશે.

પેટ્રોલના ભાવ મામલે 'ઑપેક' દેશો પર ભારત કઈ રીતે દબાણ લાવી રહ્યું છે?

દેશમાં સતત વધતાં જઈ રહેલ પેટ્રોલિયમ પેદાશોના ભાવને નિયંત્રિત કરવા માટે આખરે ભારત પોતાના વ્યૂહરચનાત્મક રિઝર્વમાંથી 50 લાખ બૅરલ ઑઇલ રીલિઝ કરવા જઈ રહ્યું છે.

ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર અમેરિકા, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાની જેમ ભારતે પણ સતત વધી રહેલ પેટ્રોલિયમ પેદાશોના ભાવો પર અંકુશ મૂકવા માટે આ પગલું ભર્યું છે.

નોંધનીય છે કે પોતાની માગને પહોંચી વળવાની સાથોસાથ ભાવને નિયંત્રિત રાખવા માટે અમેરિકા પણ પોતાના વ્યૂહરચનાત્મક રિઝર્વમાંથી પાંચ કરોડ બૅરલ ઑઇલ રીલિઝ કરવા જઈ રહ્યું છે.

આની પ્રતિક્રિયા સ્વરૂપે OPEC+, જે દેશો વૈશ્વિક ક્રૂડ ઑઇલ સપ્લાયમાં 50 ટકા હિસ્સો ધરાવે છે, તેમણે સંકેત આપ્યો છે કે તેઓ આવનારા દિવસોમાં પોતાનુ ઑઇલ ઉત્પાદન ફરીથી પૂર્વવત્ કરવા અંગે યોજના પર વિચાર કરી શકે છે.

ભારત સરકારે આ મામલે નિવેદન જારી કરી કહ્યું હતું કે, "ઑઇલ ઉત્પાદક દેશો દ્વારા ઑઇલનો પુરવઠો માગ કરતાં જાણીજોઈને ઓછો રાખવામાં આવી રહ્યો છે. જેથી ભાવવધારાનો સામનો કરવો પડી રહ્યો છે."

નોંધનીય છે કે ભારત દ્વારા રીલિઝ કરાઈ રહેલ પાંચ લાખ બૅરલ ક્રૂડ ઑઇલ તેના કુલ રિઝર્વના 12.8 ટકા જેટલો છે. જે તેની સાડા નવ દિવસની જરૂરિયાત જેટલું છે.

ગુજરાતમાં IT રેડમાં 100 કરોડની છૂપી આવક મળી એ મામલો શું છે?

ગુજરાતસ્થિત એક ગુટકા ડિસ્ટ્રિબ્યૂટરનાં ઠેકાણાંની તપાસમાં આવકવેરાવિભાગને 100 કરોડ રૂપિયાની અઘોષિત આવક મળી આવી હતી.

સરકાર દ્વારા જારી કરાયેલ એક નિવેદન અનુસાર, આવકવેરાવિભાગે 16 નવેમ્બરના રોજ ગુટકા ડિસ્ટ્રિબ્યૂટરનાં 15 ઠેકાણાં પર તપાસ કરી હતી. આ નિવેદનમાં જૂથના નામ અંગે માહિતી નથી અપાઈ.

'એનડીટીવી'ના રિપોર્ટ અનુસાર આ દરોડા ચોપડે નહીં નોંધાયેલ એવા 7.5 કરોડ રૂપિયા રોકડ, ચાર કરોડ રૂપિયાનાં ઘરેણાં મળી આવ્યાં હતાં.

નિવેદનમાં નોંધાયું છે કે જૂથે 30 કરોડ રૂપિયા જેટલી અઘોષિત આવક ધરાવતા હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. મળી આવેલ પુરાવા જૂથ દ્વારા આચરાતી ગેરરીતિ તરફ આંગળી ચીંધી રહ્યા હોવાનું નિવેદનમાં કહેવાયું હતું.

આ બધું અમુક ખરીદી ચોપડે નહીં દર્શાવી, વેચાણનાં બિલો ઓછી કિંમતનાં બતાવી કરાઈ રહ્યું હતું.

કૉમ્પ્લેક્સ માટે 1,200 વૃક્ષ કપાતાં ગુજરાત હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી

ન્યૂઝ18 ડોટ કૉમના એક અહેવાલ અનુસાર મંગળવારે ગીર-સોમનાથમાં કૉમર્શિયલ કૉમ્પલેક્સના બાંધકામ માટે સ્થાનિક તંત્ર દ્વારા 1,200 વૃક્ષો કપાયાં હોવાની વાત જાણમાં આવતાં ગુજરાત હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી.

હાઇકોર્ટે સ્થળ પર ચાલી રહેલ તમામ કાર્યો બંધ કરવાનું જણાવી. સરકારને પોતાનાં કૃત્યો માટે યોગ્ય સુધારાત્મક પગલાં લેવાં જણાવ્યું હતું. સાથે જ હાઇકોર્ટે ટિપ્પ્ણી કરી હતી કે, “એ દિવસ દૂર નથી જ્યારે આપણે ઑક્સિનજ ઉધાર માગવાનો વારો આવશે.”

નોંધનીય છે કે હાઇકોર્ટ આ મામલે એક જાહેરહિતની અરજીની સુનાવણી કરી રહી હતી. જે દરમિયા સરકારે કોર્ટની કઠોર પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો હતો.

સરકારના વકીલે પોતાની દલીલો રજૂ કરતાં કહ્યું હતું કે, “જે જમીન પર કામ ચાલી રહ્યું છે તે મ્યુનિસિપાલિટીની છે. અને જે વૃક્ષો કાપવામાં આવ્યાં હતાં તે બિનઅનામત કૅટગરીનાં છે. આ સિવાય સ્થાનિક તંત્ર દ્વારા આના બદલે એક લાખ વૃક્ષોનું વાવવાનો નિર્ણય પણ કરાયો છે.”

જોકે, સરકારી વકીલના આ તર્કથી હાઇકોર્ટનું વલણ નરમ પડ્યું ન હતું. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, “તો પછી જ્યારે એક લાખ વૃક્ષો આજથી 80 વર્ષ બાદ જ્યારે સંપૂર્ણપણે વિકસિત થઈને વિસ્તાર જંગલ જેવો થઈ જાય ત્યારે જ આ પ્રોજેક્ટ માટેની મંજૂરી અપાશે.”

અફઘાનિસ્તાન : તાલિબાન મંત્રીમંડળનું વિસ્તરણ, 27 નવા સભ્યો

ડૅક્ક્ન ક્રોનિકલના એક અહેવાલ પ્રમાણે મંગળવારે તાલિબાને કૅબિનેટવિસ્તરણ દ્વારા નવા 27 સભ્યો સામેલ કર્યા છે.

વચગાળાની સરકારના પ્રવક્તા, ઝબિહુલ્લાહ મુજાહિદે કહ્યું હતું કે, "તાલિબાનના સુપ્રીમ લીડર મુલ્લા હૈબતુલ્લાહ અખુંદઝદાના આદેશાનુસાર આ નવી નિમણૂકો કરવામાં આવી છે."

નવા કૅબિનેટ વિસ્તરણમાં ઘણા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને નાયબ મંત્રીઓને સામેલ કરાયા છે. ખાણ અને પેટ્રોલિયમ મંત્રાલયના કાર્યકારી મંત્રી તરીકે મૌલવી શાહબુદ્દીન દેલાવરની નિમણૂક કરાઈ છે. આ સિવાય મુલ્લા મોહમ્મદ અબ્બાસ અખુંદને આપત્તિસંચાલનના કાર્યકારી મંત્રી બનાવાયા છે. આ સિવાય અન્ય 25 લોકોને જુદા જુદા વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે.

તાલિબાને સપ્ટેમ્બર, 2021માં ઇસ્લામિક ઍમિરેટ ઑફ અફઘાનિસ્તાન (IEA)ની સ્થાપના કરી હતી. અને 33 કૅબિનેટ મંત્રીઓ બનાવાયા હતા. જેમાં મહિલાઓ અને અગાઉની સરકારના મુખ્ય પ્રવાહના કોઈ પણ નેતાને સામેલ કરાયા નહોતા.

નોંધનીય છે કે આ વર્ષે અમેરિકન સેના દ્વારા વતન પરત ફરવાની યોજના પર અમલ શરૂ કરાયાના અમુક દિવસો બાદ જ 15 ઑગસ્ટના રોજ તાલિબાને અફઘાનિસ્તાનના પાટનગર કાબુલ પર કબજો કરી લીધો હતો. અને તેના થોડા દિવસોમાં વચગાળાની સરકાર સ્થાપવાની જાહેરાત કરી હતી.

કૉંગ્રેસનેતા મનીષ તિવારીના પુસ્તકના વિવાદાસ્પદ ઉલ્લેખ બાબતે કૉંગ્રેસ પગલાં લેશે?

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ પોતાના નવા પુસ્તકમાં લખ્યું હતું કે મનમોહનસિંહની આગેવાનીવાળી સરકારે 26/11ના હુમલા બાદ પાકિસ્તાન સામે સૈન્ય કાર્યવાહી કરવાની જરૂર હતી.

પુસ્તકના આ વિવાદાસ્પદ લખાણથી કૉંગ્રેસ નારાજ હોવાનું મનાઈ રહ્યું છે.

નોંધનીય છે કે ભાજપે પણ આ બાબત ઉઠાવી અને તત્કાલીન કૉંગ્રેસ સરકારની નિર્ણયશક્તિ સામે સવાલ ઊભા કર્યા હતા.

’10 ફ્લૅશ પૉઇન્ટ્સ; નેશનલ સિક્યૉરિટી સિચુએશન્સ ધેટ ઇમ્પેક્ટેડ ઇન્ડિયા’નામના પુસ્તકમાં તિવારી કે જેઓ UPA સરકારમાં મંત્રી હતા, તેમણે તત્કાલીન કેન્દ્ર સરકારની 166 લોકોનાં મૃત્યુ નિપજાવનારી ઘટના બાબતે સામો પ્રહાર ન કરવાની વાતને લઈને ટીકા કરી હતી.

તિવારીએ જાતે જ આ પુસ્તકમાંના લખાણની તસવીરો ટ્વિટર પર શૅર કરતાં પક્ષ દ્વારા તેમની સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરાય તેવી વાતો થવા થવા લાગી છે.

તાજેતરમાં રચાયેલ AICC ડિસિપ્લિનરી કમિટીના વડા એ. કે. એન્ટનીએ કૉંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને મંગળવારે મળ્યા હતા. જે દરમિયાન આ મુદ્દા અંગે ચર્ચા થઈ હતી. જોકે, પક્ષ દ્વારા હજુ સુધી આ અંગે હજુ કોઈ પુષ્ટિ કરાઈ નથી.

જોકે, કૉંગ્રેસના કેટલાક નેતાઓના મતે પુસ્તક રીલિઝ થાય ત્યાં સુધી તેઓ રાહ જોશે અને ત્યાર બાદ જો આવી કોઈ વિવાદાસ્પદ બાબત તેમાં મળી આવે તો લેખક પાસેથી તે અંગે ખુલાસો માગવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો