You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ત્રિપુરામાં થયેલાં હુલ્લડની હકીકત શું છે? બીબીસીનું ઇન્વેસ્ટિગેશન
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા, ત્રિપુરાથી પરત ફરીને
એક નાનકડી સરકારી મદરેસામાં કુલ પાંચ બાળકો ભણવાનો પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ તેમના ચહેરા પર ખોફ છે. તેઓ થોડી-થોડી વારમાં બારીની બહાર જોતાં રહે છે.
પછી એક વૃદ્ધ શિક્ષક અમારા ભણી નજર કરીને પૂછે છે, "સાહેબ, બધું બરાબર છે ને? કોઈ ગડબડ તો નથી ને?"
મદરેસાની બાજુમાં જ નાનકડી મસ્જિદ છે, જે હવે વેરાન લાગે છે.
મસ્જિદની ત્રણ-ત્રણ ફૂટ લાંબી બારીઓના દરવાજા તૂટેલા છે, છત પરના પંખાઓની પાંખો વાળી નાખવામાં આવી છે અને લગભગ અરધો ડઝન ટ્યૂબલાઇટ્સને તોડી નાખવામાં આવી છે.
મસ્જિદની બરાબર પાછળ એક મુસ્લિમ પરિવારનું ઘર છે, જ્યારે સામેના ભાગમાં એક હિન્દુ પરિવારનું.
ઘટનાના કવરેજ માટે પહોંચેલી બીબીસીની ટીમની પાછળ ત્યાં પહોંચેલા ત્રિપુરા પોલીસના એક હેડ કૉન્સ્ટેબલને જોઈને કદાચ બન્ને ઘરના દરવાજા બંધ જ રહ્યા હતા.
આ ત્રિપુરા રાજ્યના ધર્મનગર જિલ્લાનો ચામતિલા વિસ્તાર છે. આ વિસ્તાર તાજેતરમાં પહેલી જ વાર સાંપ્રદાયિક હિંસાનો સાક્ષી બન્યો હતો.
શું થયું, શા માટે થયું?
આ વર્ષના ઑક્ટોબરમાં દુર્ગાપૂજા અષ્ટમીના દિવસે પાડોશી દેશ બાંગ્લાદેશના અનેક હિસ્સાઓમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા ભડકી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેની શરૂઆત ચિટ્ટગાંવ જિલ્લાના કમિલા શહેરમાંથી થઈ હતી. એ પછી બાંગ્લાદેશ સરકારે લઘુમતી હિન્દુઓને આશ્વાસન તથા ખાતરી આપી હતી, જ્યારે ભારતને ચેતવણી આપી હતી.
બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાએ કહ્યું હતું, "ભારતે અમારા માટે ઘણું-બધું કર્યું છે અને એ માટે અમે તેના આભારી છીએ. ત્યાં એવું કશું ન થવું જોઈએ, જેનો પ્રભાવ અમારા દેશમાં પડે અને અમારા દેશના હિન્દુ સંપ્રદાયને નુકસાન થાય."
જોકે, ત્રણ તરફથી બાંગ્લાદેશ સીમાથી ઘેરાયેલા ભારતીય રાજ્ય ત્રિપુરામાં બાંગ્લાદેશની હિંસાની અસર તરત દેખાવા લાગી હતી.
દસેક દિવસમાં જ ગોમતી જિલ્લામાંથી એવા સમાચાર આવ્યા હતા કે "કેટલાક અજાણ્યા લોકોએ એક મસ્જિદને આગ ચાંપી દીધી છે" અને એ પછી સિપાહીજાલા જિલ્લામાંથી "મસ્જિદો પર હુમલાના નિષ્ફળ પ્રયાસો"ના સમાચાર આવ્યા હતા.
એ દરમિયાન રાજ્યમાં મુસલમાનોના સૌથી મોટા સંગઠન જમાત-એ-ઉલેમા (હિંદ)એ મુખ્ય મંત્રી બિપ્લવકુમાર દેબની મુલાકાત લઈને ચેતવણી આપી હતી કે રાજ્યમાં હિન્દુ તથા મુસ્લિમ સમુદાય વચ્ચેની શાંતિ પર જોખમ તોળાઈ રહ્યું છે. સરકાર તરફથી પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું.
પાનીસાગર હિંસા
પહેલી ઘટના 26 ઑક્ટોબરે બની હતી. એ દિવસે ઉત્તર ત્રિપુરાના પાનીસાગરમાં એક વિશાળ 'પ્રતિવાદ રેલી' કાઢવામાં આવી હતી. તે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલી હિંસાના વિરોધમાં કાઢવામાં આવી હતી.
લગભગ 10,000 લોકોની હાજરીવાળી એ રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ ઉપરાંત કેટલાંક અન્ય હિન્દુ સંગઠનો તથા સ્થાનિક જૂથો પણ સામેલ થયાં હતાં.
પાનીસાગરના લઘુમતી મુસલમાનોનો આક્ષેપ છે કે રેલી શરૂઆતમાં શાંતિપૂર્ણ હતી, પરંતુ બાદમાં ઉગ્ર બની હતી.
રેલીના આયોજકો પૈકીના એક બિજિત રોય વિશ્વ હિન્દુ પરિષદના પાનીસાગર એકમના અધ્યક્ષ છે.
બિજિત રોયે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "અમારી યોજના શાંતિપૂર્ણ રેલીની હતી. અહીંથી ચામતિલા સુધી તો માહોલ શાંત હતો. અમે લોકો આગળ વધી રહ્યા હતા. અચાનક પેલી તરફથી થોડી હલચલનો અણસાર મળ્યો એટલે ત્યાં દોડી ગયા તો સાંભળવા મળ્યું કે સામેની બાજુએથી પથ્થરમારો કરવામાં આવ્યો છે. એ વાત સાંભળીને ભીડ બેકાબૂ થઈ ગઈ હતી. બાજુમાં જ એક મસ્જિદ હતી. અમે જેમતેમ કરીને એ મસ્જિદને બચાવી લીધી હતી."
"બાંગ્લાદેશમાં થયેલી હિંસાના વિરોધમાં યોજવામાં આવેલી રેલી ભારતીય મુસલમાનો પર કેન્દ્રીત કેમ થઈ ગઈ?" એવા મારા સવાલના જવાબમાં બિજિતે કહ્યું હતું, "ભારતીય મુસલમાનના વિરોધમાં કોઈ નથી. એ તો અમારા માણસો છે. અમારા જેટલો અધિકાર તેમનો પણ છે."
ચામતિલાની જે મસ્જિદને બચાવવાનો દાવો બિજિત કરી રહ્યા હતા એ મસ્જિદમાં ભીડના રોષની નિશાની જોવા મળી હતી. હુમલા પહેલાં અને એ પછીનો ફરક આજે પણ જોવા મળે છે.
રેલીની ઘટનાના થોડા દિવસ પહેલાં પતરાંની છતવાળી એક અન્ય મસ્જિદ પર કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો.
ત્રિપુરાની કુલ વસતીમાં હિન્દુઓનું પ્રમાણ 83 ટકા છે, જ્યારે મુસલમાનો લઘુમતીમાં છે. ત્રિપુરામાંના હિન્દુઓમાં બાંગ્લાદેશથી આવેલા સંખ્યાબંધ હિન્દુઓનો પણ સમાવેશ થાય છે.
સ્થાનિક લોકો ત્રિપુરામાં મુસલમાનો પરના હુમલાને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાનો પ્રતિભાવ ગણી રહ્યા છે. એ ઉપરાંત બાંગ્લાદેશમાં કઈ થશે તો તેનો પ્રતિભાવ અહીં ફરી જોવા મળવાની ધાસ્તી પણ લોકોને છે.
રોવામાં હિંસા
ચામતિલા મસ્જિદથી લગભગ દોઢ કિલોમીટર આગળ રોવા નામનું ગામ આવેલું છે. રોવામાં ટોળાંએ કમસે કમ પાંચ દુકાનોમાં આગ લગાવી હતી.
જોકે, 'પ્રતિવાદ રેલી' અને વહીવટીતંત્રે શરૂઆતમાં દાવો કર્યો હતો કે માત્ર બે દુકાનોને નુકસાન થયું છે, પરંતુ બીબીસીએ ઘટનાસ્થળે જઈને પાંચ દુકાનોને આગ ચાંપવામાં આવી હોવાની પુષ્ટિ કરી હતી.
આમિર હુસૈન, મોહમ્મદઅલી તાલુકદાર, સનોહરઅલી, નિઝામુદ્દીન અને અમીરુદ્દીન નામના લોકોની પાંચ દુકાનોને અડધી કે આખી સળગાવી દેવામાં આવી હતી.
અમીરુદ્દીને કહ્યું હતું, "પહેલાં અમારી નજર સામે તોડફોડ કરી, સામાન લૂંટ્યો પછી આગ ચાંપી. હું અહીં મસ્જિદની સામે ઊભો હતો. દુકાને જઈ શકતો હતો, પણ પોલીસે કહ્યું હતું કે રોકાઈ જાઓ."
અમીરુદ્દીનની દુકાન સળગીને રાખ થઈ ચૂકી છે. તેમાં બળેલું ફ્રીઝ પણ જોવા મળ્યું હતું.
રોવાના રહેવાસી સનોહરઅલીએ કહ્યું હતું, "હિંસા થઈ ત્યારે અમે નજીકની એક મસ્જિદની પાછળ ઊભા હતા."
"ભીડ આગળ જઈ શકતી ન હતી તેથી કદાચ રોષે ભરાઈને તેમણે અમારી દુકાનો પર હુમલો કર્યો હતો. તેમણે એક દુકાનમાં આગ ચાંપી હતી અને એ પછી બાજુની દુકાનો તે આગની લપેટમાં આવી ગઈ હતી. આ પગરખાં, કપડાં, બેગ્ઝ અને છત્રીઓ પણ બળી ગયાં છે," એમ સનોહરઅલીએ ઉમેર્યું હતું.
રોવાની ઘટનાના સાક્ષીઓના જણાવ્યા મુજબ, કોઈ અનિચ્છનીય ઘટના ન બને એટલા માટે જિલ્લા વહીવટીતંત્રે એ વિસ્તારમાં સાત-આઠ પોલીસ કર્મચારીઓને તહેનાત કર્યા હતા, પરંતુ "કદાચ એ પૂરતું ન હતું."
કદમતલામાં શું થયું હતું?
ધર્મનગર જિલ્લાના સ્થાનિકોના જણાવ્યા મુજબ, પાનીસાગરમાં ચામતિલા મસ્જિદ તથા લઘુમતી કોમના લોકોની દુકાનોને આગચંપીની ઘટનાના સમાચાર સોશ્યલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા હતા.
અહીં વહીવટીતંત્ર તથા ફાયર બ્રિગેડ સક્રિય થઈ ગયાં હતાં, પરંતુ પાડોશી કદમતલા વિધાનસભા વિસ્તારમાં મુસલમાનો વિરોધમાં એકઠા થવા લાગ્યા હતા.
એ રાતે લગભગ દસેક વાગ્યે કદમતલા પાસેના ચુડાઈબાડી ગામમાં લોકો એકઠા થઈ ગયા હતા અને કેટલાક હિન્દુ પરિવારનાં ઘર પર પથ્થરમારાની ઘટના બની હતી.
તેમાં એક ઘર સુનાલી સાહાનું પણ હતું. તેમની ટાટા નેનો કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા.
સુનાલીએ કહ્યું હતું, "હું અભ્યાસ કરતી હતી ત્યારે પેલી તરફથી આવેલા કેટલાક લોકોએ અચાનક હુમલો કર્યો હતો. બહાર એટલી ધમાલ હતી કે અમે ઘરની બહાર પણ નીકળી શકતા ન હતાં. મમ્મીએ દરવાજો બંધ કર્યો પછી પાંચ-દસ મિનિટમાં બધું શાંત થઈ ગયું હતું. અમે ઘરની બહાર નીકળ્યા ત્યારે જમીન પર કાચના એટલા ટુકડા પડ્યા હતા કે પગ માંડી શકાય તેમ ન હતું. મને બહુ ડર લાગતો હતો, કારણ કે મેં એવું પહેલી વાર જોયું હતું. હું હજુ પણ બહુ ભયભીત છું."
કદમતલાના માર્કસવાદી પક્ષના વિધાનસભ્ય ઇસ્લામુદ્દીને કહ્યું હતું, "પાનીસાગરની ઘટના પછી આ વિસ્તારના મુસલમાન સમુદાયમાં રોષ હતો એ વાત સાચી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેવા તમામ પ્રયાસ અમે કરી રહ્યા હતા."
તેમણે જણાવ્યું હતું, "પોલીસ અને વહીવટીતંત્ર શરૂઆતમાં સક્રિય થયાં ન હતાં. પાનીસાગર હિંસા પછી તેઓ સક્રિય થયાં હતાં. પાનીસાગર રેલી પછી કદમતલામાં, ઉનાકોટિ જિલ્લાના કૈલાસશહરમાં, ધર્મનગરમાં અને યુવરાજનગરમાં મુસ્લિમોએ પ્રતિભાવ આપવાનું શરૂ કર્યું હતું. પોલીસ અને વહીવટીતંત્ર એ પછી જ સક્રિય થયાં હતાં."
ત્રિપુરાના ત્રણ જિલ્લામાં બનેલી સાંપ્રદાયિક તંગદિલીની ઘટનાઓ પછી વહીવટીતંત્રની ભૂમિકા વિશે પણ સવાલ કરવામાં આવી રહ્યા છે.
લગભગ દરેક મામલામાં કાર્યવાહી ઢીલી હોવાનો અને શકમંદોની ધરપકડમાં મોડું થયું હોવાનો આક્ષેપ છે.
આ તમામ આક્ષેપોને ફગાવતાં ત્રિપુરા (ઉત્તર)ના પોલીસવડા ભાનુપદા ચક્રવર્તીએ બીબીસીને કહ્યું હતું, "ધર્મનગરની રેલીમાં 10,000 લોકો સામેલ થયા હતા એ વાત સાચી છે, પણ મસ્જિદને આગ ચાંપવામાં આવી હતી કે નહીં તેની તપાસ ચાલી રહી છે અને મામલો અદાલતમાં છે. કાર્યવાહીની વાત કરીએ તો અમે કોઈ ભેદભાવ રાખ્યા વિના તમામ શકમંદોની ધરપકડ કરી છે."
સાંપ્રદાયિક તંગદિલી
ત્રિપુરા સાથેની બાંગ્લાદેશની સીમા 856 કિલોમીટર લાંબી છે, પરંતુ બાંગ્લાદેશમાં બહુમતી મુસલમાનો દ્વારા અગાઉ આચરવામાં આવેલી હિંસાની, કેટલાંક વિરોધપ્રદર્શનને બાદ કરતાં ખાસ કોઈ અસર જોવા મળી ન હતી.
ત્રિપુરામાં 1980માં બંગાળી તથા આદિવાસીઓ વચ્ચે હિંસા થઈ હતી. તેમાં હિન્દુ-મુસલમાન બન્ને કોમના લોકો સામેલ હતા.
2018ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ માર્ક્સવાદી પક્ષના નેતૃત્વ હેઠળની ડાબેરી સરકારને હરાવી હતી. એ પહેલાં ડાબેરીઓએ ત્રિપુરામાં 25 વર્ષ સુધી શાસન કર્યું હતું.
વિરોધપક્ષોનો આક્ષેપ છે કે રાજ્યમાં ભાજપની સરકારની રચના થઈ છે ત્યારથી સાંપ્રદાયિક સંવાદિતા "નબળી પડી છે."
બીબીસીએ ત્રિપુરા વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને ધર્મનગરના વિધાનસભ્ય વિશ્વબંધુ સેનને સવાલ કર્યો હતો કે અહીંનો મુસ્લિમ સમુદાય ભયભીત છે?
વિશ્વબંધુ સેને કહ્યું હતું, "નહીં. એવું જરાય નથી. ભાજપ સત્તા પર આવી પછી મુસલમાનોને સમજાયું છે કે તેમને કોઈ નુકસાન થશે નહીં. અમે કહીએ છીએ કે જે લોકો મોદી વિરુદ્ધ છે, ભાજપની વિરુદ્ધ છે, બિપ્લવ દેવજીની વિરુદ્ધ છે, તેમને કારણે સાંપ્રદાયિક વિભાજન શરૂ થયું છે."
પાનીસાગર હિસાના બે સપ્તાહ બાદ ત્રિપુરા સરકારે બે મહિલા પત્રકારોને, કથિત રીતે ઉશ્કેરણીજનક સામગ્રી પોસ્ટ કરવાના આરોપસર અટકાયતમાં લીધા હતા.
જોકે, એ ઘટનાના બે દિવસ પછી ત્રિપુરાની એક અદાલતે, સાંપ્રદાયિક હિંસાના રિપોર્ટિંગ માટે ત્યાં ગયેલી એ બન્ને મહિલા પત્રકારોને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
ભાજપના વરિષ્ઠ નેતા વિશ્વબંધુ સેનને બીબીસીએ સવાલ કર્યો હતો કે "પત્રકારત્વ ગુનો ક્યારથી બની ગયું? પત્રકાર તેની ફરજ બજાવી રહ્યા છે. તસવીરો ક્લિક કરી રહ્યા છે, લોકો પાસેથી માહિતી મેળવી રહ્યા છે ત્યારે તેમને કોઈ આરોપ વગર અટકાયતમાં લેવા એ શું લોકશાહી છે?"
વિશ્વબંધુ સેને આ સવાલનો સીધો જવાબ આપવાનું ટાળતાં કહ્યું હતું, "લોકશાહીની ન્યાયસંગતતાનો સંપૂર્ણ લાભ પત્રકારો લઈ રહ્યા છે, રાજકીય પક્ષો નહીં. ઘણા લોકો ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે. એ લોકશાહી છે? કેટલાંક અખબારો છે, લેખકો છે. એ બધા કંઈને કંઈ ફેલાવતા રહે છે."
જોકે, વાસ્તવિકતા બિલકુલ અલગ છે.
હકીકત એ છે કે હિંસાની ઘટનાઓથી ત્રિપુરાનું હ્રદય ખળભળી ઊઠ્યું છે. જેમણે હિંસાને નજીકથી જોઈ હતી તેઓ અને સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ત્રિપુરામાં ક્યારેય સાંપ્રદાયિક હિંસા થઈ ન હોવાનો ગર્વ લેતા લોકોને પણ આંચકો લાગ્યો છે.
વિશ્વ હિન્દુ પરિષદના પાનીસાગર એકમના પ્રમુખ અને 'પ્રતિવાદ રેલી'ના આયોજકો પૈકીના એક બિજિત રોયને બીબીસીએ સવાલ કર્યો હતો કે "જે કંઈ થયું તેનો તમને અફસોસ છે?"
દસેક સેકન્ડ પછી તેમણે કહ્યું હતું, "બહુ અફસોસ છે. ઘણો બધો. આગામી 100 વર્ષમાં આવી ઘટના ન બને તે અમે સુનિશ્ચિત કરીશું."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો