ગુજરાતમાં ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ, વાલીઓને શો વાંધો છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

આજથી ગુજરાતમાં ધોરણ 1થી 5 માટે ઑફલાઇન વર્ગો શરૂ થઈ રહ્યા છે. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ રવિવારે આ અંગે જાહેરાત કરી છે. આ અગાઉ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ઑફલાઇન વર્ગો શરૂ કરી દેવાયા હતા.

તહેવારો બાદ ફરી એક વખત ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસને પગલે આ જાહેરાત સંદર્ભે વાલીઓમાં જુદા-જુદા મત પ્રવર્તી રહ્યા છે.

કોરોનાને કારણે લગભગ છેલ્લાં બે વર્ષથી ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ ઑનલાઇન અભ્યાસ કરી રહ્યા હતા.

કોરોનાની બીજી લહેર બાદ રાજ્ય સરકારના શિક્ષણવિભાગ દ્વારા તબક્કાવાર શાળાઓ ફરી શરૂ કરવામાં આવી હતી.

ત્યારે રવિવારે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ધોરણ 1થી 5ના ઑફલાઇન વર્ગો પણ શરૂ કરવાની જાહેરાત કરી હતી.

જોકે સાથે જ ઓનલાઇન વર્ગોનો વિકલ્પ પણ રાખવામાં આવ્યો છે, જેથી શાળાએ ન જવા માગતા વિદ્યાર્થીઓ ઘરેથી ભણી શકે.

વાલીઓમાં ડર કેમ?

શાળાઓમાં આ અગાઉ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વર્ગોને પણ ઑફલાઇન કરવામાં આવ્યા હતા, જે દરમિયાન વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ પ્રસર્યું હોવાના કિસ્સા પણ છે.

16 ઑક્ટોબરના રોજ સુરતના એક ક્લાસીસમાં એક સાથે સાત વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરતાં 125 વિદ્યાર્થીઓ પૈકી 1 કોરોના સંક્રમિત થતાં તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાવાયા હતા.

જેમાંથી સાત વિદ્યાર્થીઓના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા.

અન્ય એક કિસ્સામાં સુરત શહેરની બે જુદી-જુદી શાળાઓમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા.

જેના કારણે બંને શાળાઓ બંધ કરાવાઈ હતી અને તમામ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા.

આ પ્રકારના કિસ્સાઓને પગલે વાલીઓ પોતાનાં બાળકોને શાળાએ મોકલતા ખચકાય છે.

એવામાં ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે ઑફલાઇન વર્ગો શરૂ કરી દેવાતા વાલીઓનો એક વર્ગ ચિંતામાં છે.

વાલીઓના મતાનુસાર આ અંગે મુખ્ય બે પડકાર છે.

  • પહેલો પડકાર એવો છે કે બાળકોનું હજી સુધી રસીકરણ થયું નથી.
  • બીજો પડકાર એવો છે કે નાનાં બાળકો પાસે કોરોના સંદર્ભેની ગાઇડલાઇન્સનું પાલન કરાવવું થોડું મુશ્કેલ પણ છે.

તો કેટલાક વાલીઓનું માનવું છે કે શાળાઓ શરૂ થવી જરૂરી છે, અને આ પગલું બાળકોના અભ્યાસમાં મદદરૂપ સાબિત થશે.

વાલીઓનો આ વર્ગ માને છે કે ઘરે રહીને કરેલા અભ્યાસ અને શાળામાં કરેલા અભ્યાસ વચ્ચે ઘણું અંતર છે.

વાલીઓ શું કહે છે?

વડોદરાના વાલી રાકેશ પરમાર જણાવે છે કે, "કોરોનાને કારણે બે વર્ષથી બાળકો ઘરેથી અભ્યાસ કરતાં હતાં."

તેઓ કહે છે કે, "ઘરેથી અભ્યાસ કરવામાં સૌથી મોટું નુકસાન એ હતું કે, તેઓ ભણવામાં પૂરતું ધ્યાન નહોતાં આપી શકતાં."

"બાળકો શાળામાં રહીને જે રીતે અભ્યાસ કરી શકે છે, તેવું ઓનલાઇન શક્ય બનતું નથી."

તેમણે વધુમાં જણાવ્યું કે, "આથી સરકારનો ઑફલાઇન વર્ગો શરૂ કરવાનો નિર્ણય યોગ્ય છે અને હું મારી પુત્રીને પણ શાળાએ મોકલીશ અને તે કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરે તે માટે પૂરતી તકેદારી રાખીશ."

અન્ય એક વાલી ગૌરવ બારોટ જણાવે છે કે, "જ્યાં સુધી બાળકો માટે વૅક્સિન ન આવી જાય અને તમામ બાળકો વૅક્સિન ન લઈ લે, ત્યાં સુધી બાળકો માટે શાળા શરૂ કરવી હિતાવહ નથી."

તેઓ વધુમાં કહે છે, "જો બાળકો શાળાઓમાં જશે અને કોરોના સંક્રમિત થશે, તો સંક્રમણ પ્રસરવાનો દર પણ વધશે અને તે માત્ર બાળકોમાં જ નહીં, ઘરે પહોંચ્યા બાદ પરિવારજનોમાં પણ પ્રસરવાની શક્યતાઓ રહેલી છે."

કોરોનાના કેસ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, "દિવાળી બાદથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. બાળકો માટે વૅક્સિન આવી નથી. આ સંજોગોમાં હું મારા બાળકને ભણવા માટે શાળાએ નહીં મોકલું. તેનો ઓનલાઇન અભ્યાસ જ ચાલુ રખાવીશ."

વાલીમંડળો કેમ કરે છે વિરોધ?

ઑલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ પટેલ સરકારના આ નિર્ણય અંગે કહે છે કે, "વા મંડળનું માનવું છે કે બાળકોનું શિક્ષણ બગડવું ન જોઈએ."

"જોકે, હજુ સુધી 1થી 18 વર્ષનાં બાળકોને રસી મળી નથી. જેથી બાળકો માટે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય જોખમી છે."

તેઓ વધુમાં કહે છે કે, "ધોરણ 1થી 5નાં બાળકોની શાળાઓ શરૂ થાય, એ બાદ જો બાળકોમાં કોરોના સંક્રમણનો દર વધશે, તો સંપૂર્ણ જવાબદારી શિક્ષણમંત્રી જિતુ વાઘાણીની રહેશે."

નરેશે પટેલે સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે, "સરકારે આ નિર્ણય શાળાઓના સંચાલકોના દબાણમાં આવીને જ લીધો છે. સંચાલકોને માત્ર ફી વસૂલવામાં જ રસ છે."

"અગાઉના શિક્ષણમંત્રીએ જે 25 ટકા ફી ઘટાડાની વાત કરી હતી, તેનું હજુ સુધી કંઈ નથી થયું. પહેલાં સરકારે તે દિશામાં કંઈક કરવું જોઈએ. ત્યારબાદ શાળાઓ શરૂ કરવા અંગે વિચારવું જોઈએ."

તેમણે એવું પણ કહ્યું કે, "જો સરકાર નિર્ણય પરત નહીં લે તો રાજ્યભરના વાલીમંડળો એકઠાં થઈને શાળાઓ બંધનું એલાન જાહેર કરશે."

તબીબોનો શો છે મત?

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન, વડોદરાના પ્રમુખ ડૉ. મિતેષ શાહ સરકારના શાળાઓ શરૂ કરવાના આ નિર્ણયને યોગ્ય ઠેરવતાં કહે છે કે, "હાલમાં કોરોના કેસની સંખ્યા ઘટી રહી છે. બાળકોમાં પણ સંક્રમણના કેસ નહિવત્ છે. "

તેઓ કહે છે કે, "અગાઉ એવી આગાહી કરવામાં આવી હતી કે કોરોનાની ત્રીજી લહેરની બાળકો પર ગંભીર અસર થશે, પરંતુ અત્યારની પરિસ્થિતિ પરથી તે આગાહીઓ સાચી પડે તેમ લાગતું નથી."

જે વાલીઓ પોતાનાં બાળકોને શાળાએ મોકલવા માગતા હોય તેમના માટે ડૉ. શાહ કહે છે કે, "બાળકોને શાળાએ મોકલતી વખતે તેઓ સતત માસ્ક પહેરીને રાખે અને પ્રોટોકૉલનું ધ્યાન રાખે, તેની કાળજી રાખવી જોઈએ. જો બાળકને જરા પણ વાઇરલની અસર લાગે તો તેને શાળાએ ન મોકલવું જોઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો