કોરોના : શું આજકાલ તમારી પણ ઊંઘ ઘટી ગઈ છે? જાણો તેનું કારણ

કોરોનાકાળમાં વધી રહી છે નિદ્રા સાથે સંકળાયેલી સમસ્યાઓ?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરોનાકાળમાં વધી રહી છે નિદ્રા સાથે સંકળાયેલી સમસ્યાઓ?
    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં વર્ષ 2019માં ગાદલાં બનાવનારી કંપનીએ 'સ્લીપ ઇન્ટર્નશિપ'ની પોસ્ટ માટે એક વિજ્ઞાપન બહાર પાડ્યું હતું. જેના માટે 1.7 લાખ અરજીઓ મળી હતી.

'સ્લીપ ઇન્ટર્નશિપ' દરમિયાન 100 રાત્રિ દરમિયાન નવ કલાક સુધી ઊંઘવાની શરત મુકાઈ હતી. કંપની આ કામ માટે દરેક ઇન્ટર્નને એક લાખ રૂપિયા આપવા માટે તૈયાર હતી.

વિજ્ઞાપન જોઈને એક વ્યક્તિએ વિચાર્યું, "આમાં શું મોટી વાત છે વળી. હું પણ 100 રાત્રિ દરમિયાન નવ કલાક સુધી ઊંઘી શકું છું. અને અરજી કરી દીધી. પરંતુ ઇન્ટરવ્યૂ દરમિયાન ખબર પડી કે આ કેટલું મુશ્કેલ છે."

જો આપ પણ આવું વિચારતા હો તો જરા થોભી જજો.

સંશોધન અનુસાર કોરોના દરમિયાન માંદગીમાંથી બેઠા થયેલ દસમાંથી ત્રણ દર્દીને ઊંઘ સાથે સંકળાયેલી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

મહામારી અગાઉ પણ દસમાંથી ત્રણ લોકો ઊંઘ સાથે સંકળાયેલી કોઈને કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા.

પરંતુ ઊંઘ સાથે સંકળાયેલી સમસ્યા બીમારી હોય, એ પણ જરૂરી નથી.

તેથી એ જાણવું જરૂરી છે કે ક્યારે ઊંઘ ન આવવાની સમસ્યા તમારા માટે બીમારી બની શકે છે અને ક્યારે તમારે તેના માટે ડૉક્ટરની સલાહ લેવાની જરૂર પડે છે.

line

ઊંઘના તબક્કા

ઊંઘ સાથે સંકળાયેલી સમસ્યા અને બીમારીમાં છે ફેર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઊંઘ સાથે સંકળાયેલી સમસ્યા અને બીમારીમાં છે ફેર

ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન બિહેવિયર ઍન્ડ એલાઇડ સાયન્સીઝ (IHBAS)ના વરિષ્ઠ મનોચિકિત્સક ડૉ. ઓમ પ્રકાશ જણાવે છે કે ઊંઘની એક સાઇકલ 90 મિનિટની હોય છે. એક રાત્રિ દરમિયાન આપણે આવી ઊંઘની ચાર-પાંચ સાઇકલો પૂરી કરીએ છીએ.

"90 મિનિટની સાઇકલનો પ્રથમ તબક્કો નૉન રૅપિડ આઈ મૂવમૅન્ટ (NREM) સ્લીપ કહેવાય છે. સામાન્ય બોલચાલની ભાષામાં આપણે આ તબક્કાને ગાઢ નિદ્રા કહીએ છીએ, તે બીજા તબક્કાની સરખામણીએ વધુ લાંબી હોય છે, તે ઊંઘતાં પહેલાં 60-70 મિનિટ સુધી ચાલે છે."

"બીજો તબક્કો રૅપિડ આઈ મૂવમૅન્ટ (REM) સ્લીપ કહેવાય છે. આ દરમિયાન જ આપણે સપનાં જોઈએ છીએ. મોટા ભાગે આ સમય દરમિયાનની ઊંઘની વાતો આપણને યાદ રહી જાય છે."

"જ્યારે આપણે ઊંઘી રહ્યા હોઈએ છીએ ત્યારે ધીમે-ધીમે NREM ઘટતી જાય છે અને REM વધતી જાય છે."

"જેટલા લોકો ઊંઘ સાથે સંકળાયેલી બીમારીઓની વાત કરે છે, તેમને આ જ બે તબક્કા સાથે સંકળાયેલી સમસ્યા હોય છે."

"જેમને NREM તબક્કા સાથે સંકળાયેલી સમસ્યા હોય છે તેઓ કહે છે કે મને ભાન જ નહોતું રહ્યું, ખૂબ સારી ઊંઘ આવી. જ્યારે REMના તબક્કામાં જેમને તકલીફ હોય છે તેઓ કહે છે કે હું સવારે જલદી જાગી ગયો, સારી રીતે ઊંઘી ન શક્યો."

line

ઊંઘ સાથે સંકળાયેલી સમસ્યા બીમારી ક્યારે બની જાય છે?

કોરોના બાદ જે લોકોને ઊંઘ સાથે સંકળાયેલી સમસ્યાઓ થઈ રહી છે, મોટા ભાગે તે કોઈ પણ પ્રકારના ડિસ્ઑર્ડર નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરોના બાદ જે લોકોને ઊંઘ સાથે સંકળાયેલી સમસ્યાઓ થઈ રહી છે, મોટા ભાગે તે કોઈ પણ પ્રકારના ડિસ્ઑર્ડર નથી

ઊંઘ સાથે સંકળાયેલી બીમારીઓની વાત કરીએ તો તે ઘણા પ્રકારની હોઈ શકે છે - જેમ કે, અનિદ્રા, વધુ ઊંઘ આવવી, નસકોરાં બોલવાં, ઊંઘમાં 'ટેરર ઍટેક' આવવો.

કોરોના બાદ જે લોકોને ઊંઘ સાથે સંકળાયેલી સમસ્યાઓ થઈ રહી છે, મોટા ભાગે તે કોઈ પણ પ્રકારના ડિસ્ઑર્ડર નથી. જોકે અમુક લોકો આ વાતે અપવાદ હોઈ શકે છે.

ડૉક્ટર ઓમ પ્રકાશ કહે છે કે ખરેખર ઊંઘમાં અમુક પ્રકારની સમસ્યા થવી અને તેની સાથે સંકળાયેલી બીમારી થવામાં ફેર છે. ઠીક એવું જ જેમ ભૂખ લાગવી એ એક સમસ્યા છે, પરંતુ તેના કારણે સામે આવેલી દરેક વસ્તુઓ ખાઈ જવી તે એક ડિસ્ઑર્ડર કે બીમારી છે.

તમામ લોકોને મહીનામાં ત્રણ ચાર વખત ઊંઘ ન આવવાની ફરિયાદ રહે છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિની સાથે આવું થાય તો તેને બીમારી ન કહી શકાય. કોરોના બાદ દસમાંથી લગભગ ત્રણ લોકોને આ ફરિયાદ છે.

તેનો અર્થ એ છે કે આ સમસ્યા તો છે જ પરંતુ તેણે બીમારીનું સ્વરૂપ ધારણ નથી કર્યું.

ડિપ્રેશન, ઍંગ્ઝાઇટી કે ફેફસાં સાથે સંકળાયેલી બીમારીવાળા લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળી રહી છે.

તેના ઘણા દુષ્પ્રભાવ છે - જેમ કે, યાદશક્તિમાં ઘટાડો, નિર્ણય લેવાની ક્ષમતામાં ઘટાડો, સંક્રમણ અને મેદસ્વીપણામાં વધારો. આ ખતરાથી બધા જાણકાર છે, પરંતુ તે અંગે બેદરકારી દાખવે છે.

line

ઊંઘની બીમારીનાં શરૂઆતનાં લક્ષણો

શું છે નિદ્રા સાથે સંકળાયેલી બીમારીનાં લક્ષણો?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શું છે નિદ્રા સાથે સંકળાયેલી બીમારીનાં લક્ષણો?

ડૉક્ટર ઓમ પ્રકાશ ઊંઘની બીમારીનાં શરૂઆતનાં લક્ષણોને ત્રણ પ્રકારે સમજાવે છે.

પ્રથમ - ઊંઘના કલાકોમાં ઘટાડો

બીજું - ઊંઘની ગુણવત્તા પર ધ્યાન

ત્રીજું - ઊંઘની ટાઇમિંગમાં સમસ્યા

અહીં એ વાત પર પણ ધ્યાન આપવાની જરૂર છે કે ઊંઘની જરૂરિયાત દરેક વ્યક્તિને એકસમાન નથી હોતી.

કેટલાક દિવસ દરમિયાન પાંચ-છ કલાકની ઊંઘ મેળવીને ફ્રૅશ અનુભવે છે. આવા લોકો 'શૉર્ટ ટર્મ સ્લીપર' કહેવાય છે અને કેટલાક આઠ-દસ કલાક ઊંઘે છે, આવા લોકો 'લૉન્ગ ટર્મ સ્લીપર' કહેવાય છે.

જો પાંચ-છ કલાક ઊંઘનારા લોકોની ઊંઘ ઘટીને બે-ત્રણ કલાક થઈ ગઈ છે અને આઠ-દસ કલાક ઊંઘનારાની ઊંઘ ઘટીને પાંચ-છ કલાક થઈ ગઈ છે, તો આ બાબત ઊંઘ સાથે સંકળાયેલી બીમારીનાં શરૂઆતનાં લક્ષણો હોઈ શકે છે.

જો આ સમસ્યા બે-ત્રણ અઠવાડિયાં સુધી સતત રહે, તો તે બીમારીનો શરૂઆતનો સમયગાળો હોઈ શકે છે.

આ માટે પહેલાં આપ જનરલ ફિઝિશિયનની સલાહ લઈ શકો છો. જો તેઓ આપને આગળ મનોચિકિત્સક પાસે જવાની સલાહ આપે છે તો તેમનો સંપર્ક કરી શકાય છે.

બીજું લક્ષણ છે ઊંઘની ગુણવત્તા. એક વ્યક્તિ જે આઠ-દસ કલાક ઊંઘે છે, પરંતુ ચાર-પાંચ વખત જાગી જાય છે, તો આવી વ્યક્તિને સારી ઊંઘ ન આવવાની સમસ્યા હોય છે. આ વાત પણ સમસ્યાની શરૂઆતનો ઇશારો છે.

ત્રીજા લક્ષણમાં ટાઇમિંગની સમસ્યા હોય છે. કેટલાક લોકોને એવી સમસ્યા હોય છે કે પથારી પર આડા પડ્યા બાદ કલાકો સુધી તેમને ઊંઘ નથી આવતી.

તેઓ પડખાં બદલતાં રહે છે. આને 'ઇનિશિયલ ઇનસોમ્નિયા' કહે છે.

કેટલાક લોકો એવા હોય છે જેમને તરત જ ઊંઘ આવી જતી હોય છે, પરંતુ તેઓ અડધી રાત્રે જાગી જતા હોય છે, આવા લોકોની સમસ્યાને 'મિડલ ઇનસોમ્નિયા' કહે છે. ત્રીજી કૅટેગરી એવા લોકોની હોય છે, જેઓ સવાર થવાના અમુક સમય પહેલાં જ જાગી જતા હોય છે. તેમને 'ટર્મિનલ ઇનસોમ્નિયા'ની પરેશાની હોય છે.

આ ત્રણેય પૈકી કોઈ પણ પ્રકારની પરેશાની જો સતત રહે, તો આવી સમસ્યાથી પીડાતી વ્યક્તિએ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

જે-તે વ્યક્તિને ઊંઘ સાથે સંકળાયેલી બીમારી છે કે કેમ તે જાણવા માટેનો એક સરળ ઉપાય sleephyginetest પણ હોય છે.

જેમાં અમુક પ્રશ્નોનો જવાબ આપીને આપ જાણી શકો છો કે તમે અનુભવી રહેલ લક્ષણનો શો પ્રકાર છે, અને તેમાં બીમારીની સારવાર પણ છુપાયેલી છે.

line

કોરોના બાદ ઊંઘની તકલીફ

કોરોના બાદ વ્યાપક બની રહી છે ઊંઘ સાથે સંકળાયેલી સમસ્યાઓ?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરોના બાદ વ્યાપક બની રહી છે ઊંઘ સાથે સંકળાયેલી સમસ્યાઓ?

ચેન્નાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅન્ટલ હેલ્થનાં નિદેશક ડૉક્ટર પૂર્ણા ચંદ્રિકા કહે છે કે, "કોરોનાના સમયમાં લોકોની લાઇફસ્ટાઇલ ઘણી બદલાઈ ગઈ છે."

"બીમાર થવાની પરિસ્થિતિમાં અચાનક આઇસોલેશનમાં રહેવું પડે છે, ક્યારેક હૉસ્પિટલ જવું પડે છે. જેઓ બીમાર નથી તેમનું પણ બહાર જવાનું, લોકો સાથે મળવાનું, શારીરિક શ્રમ કરવાનું વગેરે પ્રવૃત્તિઓને ખરાબ અસર થઈ છે."

"સોશિયલ મીડિયા પર નિર્ભરતા વધતી જઈ રહી છે."

"લોકો અનેક પ્રકારની અનિશ્ચિતતાઓ સામે ઝઝૂમી રહ્યા છે. લોકો આખો દિવસ ઘરે જ રહી રહ્યા છે, આ કારણે તેમના દૈનિક રૂટિનમાં ગરબડ થઈ ગઈ છે."

"આ બધી વાતની અસર લોકોની ઊંઘ અને સ્લીપ સાઇકલ પર પડી છે. તેથી આ પરેશાની હવે સામાન્ય બનતી જઈ રહી છે."

"અનિદ્રા જાતે એક બીમારી હોઈ શકે કે અન્ય બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે."

કોરોનાની માંદગીમાંથી બેઠા થયા બાદ લોકોમાં આ સમસ્યાઓ વધુ જોવા મળી રહી છે. આવા લોકોમાં ડૉક્ટરો પણ સામેલ છે.

વર્ષ 2020માં મેડિકલ જર્નલ ધ લાન્સેટમાં છપાયેલ રિપોર્ટ પ્રમાણે, ચીનમાં કોરોના દરમિયાન 35 વર્ષ કે તેથી વધુ ઉંમરના 7,236 લોકોની સ્લીપ પૅટર્નનો અભ્યાસ કરાયો હતો. જેમાંથી એક તૃતિંયાશ ભાગના લોકો આરોગ્યસંબંધિત સેવાઓ સાથે સંકળાયેલા હતા.

આ અભ્યાસમાં જાણવા મળ્યું કે 35 ટકા લોકોમાં જનરલ ઍંગ્ઝાઇટી, 20 ટકા લોકોમાં ડિપ્રેશન અને 18 ટકા લોકોમાં ખરાબ ઊંઘનાં લક્ષણો જોવા મળ્યાં.

આનું કારણ હતું - લોકો કોરોના મહામારીને લઈને અધિક ચિંતિત હતા.

line

શું છે સારવાર?

કયા ઉપાયો અપનાવવાથી ઠીક થઈ શકે છે ઊંઘ સંબંધિત સમસ્યાઓ?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કયા ઉપાયો અપનાવવાથી ઠીક થઈ શકે છે ઊંઘ સંબંધિત સમસ્યાઓ?

ડૉક્ટર પૂર્ણા અને ડૉક્ટર ઓમ પ્રકાશ બંને સારી રીતે સ્લીપ હાઇજીન અપનાવવાની સલાહ આપે છે.

સ્લીપ હાઇજીનનો અર્થ છે કે ઊંઘતાં પહેલાં કે ઊંઘતી વખતે કયા નિયમોનું પાલન કરવાનું હોય છે. સારી ઊંઘ માટે નીચે મુજબની ટિપ્સ અપનાવો :

  • ઊંઘવાના બે કલાક પહેલાં ચા-કૉફી ન પીશો.
  • ભારે ભોજન ન લેવું.
  • ઊંઘતાં પહેલાં સ્મોકિંગ બિલકુલ ન કરશો.
  • ઊંઘવા માટે એક પથારી અને જગ્યા નક્કી રાખો, ત્યાં જ ખાવું, વાંચવું કે રમવા જેવાં કામ ન કરશો.
  • જો દિવસ દરમિયાન થોડા સમય માટે ઊંઘવું હોય તો પોતાની પથારી પર ન ઊંઘશો.
  • ઊંઘવાના બે કલાક પહેલાં સ્ક્રીન ટાઇમ બિલકુલ ન રાખશો.
  • વારંવાર બાથરૂમ જવાની સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ જરૂર લો.
  • જો આપ શુગર કે બ્લડ પ્રૅશરની સમસ્યાથી પીડાતા હો તો તેની દવા સમયસર લો.
  • રોજિંદા કામકાજમાં એક નક્કી રૂટીનનું પાલન કરો, જેમાં ઊંઘનો, જાગવાનો અને વ્યાયામનો સમય નિર્ધારિત હોય.

આ રીતો અપનાવવાથી મોટા ભાગે આપની સમસ્યા દૂર થઈ શકે છે.

પરંતુ જો તેમ છતાં પણ સમસ્યા બીમારીનું સ્વરૂપ ધારણ કરી લે તો ડૉક્ટરની સલાહ જરૂર લો.

ડૉક્ટર પૂર્ણા ઊંઘ ન આવવા માટે 'ડ્રગ કોર્સ'ના ઉપયોગની સલાહ પણ આપે છે.

આ કોર્સ બે-ત્રણ અઠવાડિયાં માટે હોય છે, જેમાં અમુક દવા આપવામાં આવે છે. પરંતુ ગભરાશો નહીં, ઊંઘ આવે એ માટેની આ દવા એવી નથી હોતી જેની આપને આદત પડી જાય.

આ દવા લીધાનાં બે-ત્રણ અઠવાડિયાં બાદ આપ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકો છો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો