કોરોના વૅક્સિન : રસી માટે સ્માર્ટફોન, ઇન્ટરનેટને જરૂરી બનાવવું ભારત માટે કેટલું જોખમી?

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા

કોરોનાની રસી માટે તમારે કોવિન ઍપ પર નોંધણી કરાવીને રસીકરણનું સ્થાન અને સમય બુક કરાવવનો હોય છે. રસી માટે સરકારે આ રીત નક્કી કરી છે.

એટલા માટે રસીકરણની પ્રક્રિયા પર સવાલ ઊઠી રહ્યા છે અને કહેવાઈ રહ્યું છે કે જે લોકોને ટેકનોલૉજી કે તેને ઉપયોગ કરવાનો અભ્યાસ નથી એવા ઘણા લોકો રસીથી વંચિત રહી જશે અને આ સંખ્યા સામાન્ય નથી.

સવાલ પુછાઈ રહ્યા છે કે ભારત જેવા દેશમાં એ લોકો કેવી રીતે રસી મુકાવશે જેમની પાસે સ્માર્ટફોન નથી, જેમને સ્લૉટ બુક કરાવતા ફાવતું નથી, કે પછી જે ડિજિટલ દુનિયાથી દૂર છે.

કોરોના સમયમાં લોકો સામાજિક અંતરનું પાલન કરી રહ્યા છે, તો કોણ અને કેવી રીતે તેમની મદદ કરશે?

રઘુનાથ ખાખર આદિવાસી છે અને તેઓ થાણે જિલ્લાના આદિવાસી બહુલ બલલિવારે ગામમાં રહે છે.

રઘુનામ અનુસાર, તેમના ગામમાં અંદાજે 700 લોકોમાંથી માત્ર 40-50 લોકો પાસે સ્માર્ટફોન હશે, જ્યારે માત્ર 20-25 લોકોને પોતાના સ્માર્ટફોન પર ઍપ ડાઉનલોડ કરતા કે તેનો ઉપયોગ આવડે છે.

દેશમાં રસી ઓછી છે અને રસી મુકાવનારા તેનાથી અનેક ગણા, તેના કારણે 18-44 આયુવર્ગના બધી સ્લૉટ પળ વારમાં બુક થઈ જાય છે.

રઘુનાથના ગામમાં ખરાબ મોબાઇલ નેટવર્કને કારણે તેમના માટે કોવિન ઍૅપનો ઉપયોગ વધુ મુશ્કેલ થઈ જાય છે. જ્યાં સુધી તેઓ મોબાઇલ પર ઍપ ખોલે, ઓટીપી નાખે અને રસી માટે સ્લૉટ શોધે ત્યાં સુધીમાં બધા સ્લૉટ બુક થઈ જાય છે.

તેઓ કહે છે, "નોંધણી કર્યા બાદ મોબાઇલ જે સમય લે છે, તેનાથી બુકિંગ થઈ શકતું નથી. સ્લૉટ્સ પહેલેથી બુક દર્શાવે છે. છ દિવસથી બુકિંગ થતું નથી. સવારે નવ વાગ્યાથી પાંચ-દસ મિનિટ પહેલાં સ્લૉટ જોવા મળે છે, પણ જેવા નવ વાગે કે સ્લૉટ બુક દેખાડે છે."

અને આ સ્લૉટ્સ મોટા ભાગના એ લોકો બુક કરી લે છે, જેઓ શહેરોમાં રહે છે જ્યાં મોબાઇલ નેટવર્ક સારું હોય છે, કે પછી તેમની પાસે વાઈફાઈની સુવિધા છે.

રઘુનાથ કહે છે, "અમને મોબાઇલમાં જોઈએ એટલું નેટવર્ક મળતું નથી. શહેરના લોકો લેપટૉપ, વાઈફાઈનો ઉપયોગ કરે છે, માટે તેઓ રસીનું બુકિંગ ઝડપી કરાવી શકે છે, જ્યારે અમારો સમય પ્રક્રિયામાં જ પૂરો થઈ જાય છે."

રઘુનાથ ખાખર માટે સૌથી પાસેની હૉસ્પિટલ 25 કિમી દૂર છે, જ્યાં રસીકરણ ચાલે છે, પરંતુ રઘુનાથના કહેવા પ્રમાણે ત્યાં રસી મુકાવનારાઓમાં શહેરોમાંથી આવનારની સંખ્યા વધુ છે.

તેઓ કહે છે, "ત્યાં મુંબઈ, થાણે, અહીંતહીંથી લોકો રસી માટે આવે છે અને અહીં લોકો જોતાં રહી જાય છે."

કૅપ્ચા કોડની મુશ્કેલી

રઘુનાથના ગામની પાસે ઉતારવાડી આદિવાસી વિસ્તારમાં રહેતા એક શિક્ષક પણ પરેશાન છે.

તેમણે જણાવ્યું, "કોવિન ઍપમાં પહેલાં કૅપ્ચા કોડ નહોતો. હવે કૅપ્ચા કોડ આવી રહ્યો છે. તેનાથી પરેશાની વધી ગઈ છે. જ્યારે હું કૅપ્ચા કોડ નાખું છું ત્યારે ક્યારેક-ક્યારેક તે ખોટો પડે છે. જ્યાં સુધી તમે પોતાની ભૂલ સુધારો અને કોડ ફરીથી નાખો, ત્યાં સુધીમાં રસીકરણનો સ્લૉટ બુક થઈ જાય છે."

કૅપ્ચા કોડનો ઉપયોગ વેબસાઇટ પર લૉગીન માટે થાય છે, તમારે કેટલાક અક્ષરો કે નંબર એક બૉક્સમાં લખવાના હોય છે, જેથી ખબર પડે કે તમે રોબૉટ નથી.

ભારતમાં અત્યાર સુધીમાં અંદાજે 18.5 કરોડ લોકો રસી મુકાવી ચૂક્યા છે, જેમાં મોટા ભાગના શહેરી, શિક્ષિત અને ડિજિટલ ટેકનોલૉજીના ઉપયોગના જાણકાર છે.

ભારતની એક મોટી જનસંખ્યા ગ્રામીણ વિસ્તારમાં રહે છે અને એક આંકડા અનુસાર દેશની 58.5 ટકા જનસંખ્યા જ ઇન્ટરનેટ સાથે જોડાયેલી છે.

ગ્રામીણ વિસ્તારમાં ઇન્ટરનેટ સાથે જોડાયેલા લોકોની ટકાવારી 34.6 છે. તેનાથી કોવિન ઍપ અને રસીકરણની પ્રક્રિયાની સીમાનો અંદાજ આવે છે.

ઍૅપની મુશ્કેલીઓ

સોફ્ટવેર ફ્રીડમ લૉ સેન્ટરના લીગલ ડાયરેક્ટર પ્રશાંત સુગઠન કહે છે, "સ્માર્ટફોન અને હાઈ સ્પીડ ઇન્ટરનેટ વિના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે આ બહુ મુશ્કેલી સમાન છે. તેમની પાસે કોવિન ઍપના ઉપયોગની જાણકારી નથી."

તેઓ કહે છે, "બીજી મુશ્કેલી છે, ઍપમાં ગરબડો. જે રીતે શહેરી વિસ્તારના લોકો રસી લગાવવા માટે ગ્રામીણ વિસ્તારમાં જાય છે, તેનાથી બંને વચ્ચે ઝઘડા થયા છે."

સુગઠન અનુસાર, આ ઍપના ઉપયોગથી ડિજિટલ અસમાનતાને પ્રબલન મળે છે.

તેઓ કહે છે, "આ ઍપના ઉપયોગનો અર્થ એ થયો કે રસીકરણ માટે તમને અંગ્રેજી આવડવું જોઈએ. તમને તકનીકી જ્ઞાન હોવું જોઈએ અને એ કારણે દેશની મોટી જનસંખ્યા તેનાથી વંચિત રહી જાય છે. ટેક પ્લૅટફૉર્મના ભરોસાથી વિકલાંગ લોકો આ સુવિધાઓથી વંચિત રહી જાય છે."

થાણે જિલ્લા પરિષદના ઉપપ્રમુખ સુભાષ પવાર પાસે પણ ડિજિટલ અસમાનતાને કારણે રસીકરણ નહીં થવાની ફરિયાદ પહોંચી છે અને તેમણે પ્રશાસનમાં આ મામલો ઉઠાવ્યો છે.

તેઓ કહે છે, "બધા લોકો ફોન કરે છે કે અમે લોકો ત્રણ-ચાર દિવસથી કોશિશ કરીએ છીએ, પણ અમારું લૉગીન થતું નથી. શહેરોમાં નેટવર્ક પાવરફુલ હોય છે, આથી તેની નોંધણી જલદી થઈ જાય છે."

રિપોર્ટો અનુસાર, કેટલાક વિસ્તારોમાં માગ ઊઠી છે કે તેમની માટે રસીકરણનો સ્લૉટ બુક કરાવવામાં આવે. તો કેટલાક વિસ્તારોમાં સ્થાનિક નેતાઓએ રસીકરણ માટે બહારથી આવતા લોકો પર રોક લગાવવાની માગ કરી છે.

આ અંગે નેશનલ હેલ્થ ઑથૉરિટીના પ્રમુખ અને કોવિન ઍપનું સંચાલન કરનારા શીર્ષ અધિકારી આરએસ શર્મા સાથે વાત કરવાની કોશિશ કરી છતાં સંપર્ક થઈ શક્યો નથી, તેમની પ્રતિક્રિયા આવતા આ રિપોર્ટમાં અપડેટ કરાશે.

ભારતમાં રસીકરણનો ઇતિહાસ બહુ જૂનો છે. શીતળા, પોલિયો, ઓરી વગેરે માટે રસી સફળતાપૂર્વક લોકોને અપાતી રહે છે.

ઇતિહાસ દર્શાવે છે કે વર્ષ 1802માં ભારત પહેલી વાર શિતળાની રસી અપાઈ હતી.

જનસ્વાસ્થ્ય અભિયાન સાથે જોડાયેલા અમૂલ્ય નિધિ કહે છે, "પહેલાં જે પણ રસીકરણ થયું, એ સમયે કોઈ પણ ઍપ નહોતી", પણ આ પહેલી વાર ઍપને રસીકરણનો મુખ્ય આધાર બનાવાઈ છે.

સરકારી પક્ષ

નવ મેના રોજ દાખલ કરેલા સોગંદનામામાં સરકારે ગ્રામ પંચાયતના કૉમન સર્વિસ સેન્ટરનો હવાલો આપ્યો અને કહ્યું કે ત્યાં ગ્રામીણ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.

કૉમન સર્વિસ સેન્ટર મિનિસ્ટ્રી ઑફ ઇલેક્ટ્રોનિક્સ ઍન્ડ ઇન્ફર્મેશન ટેકનોલૉજી અંતર્ગત આવે છે અને તેનો હેતુ શહેરી અને ગ્રામણી વિસ્તારો વચ્ચે ડિજિટલ અંતર કરવાનો છે.

પણ 14 મેના ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, 11 મેના રોજ અંદાજે ત્રણ લાખ કૉમન સર્વિસ સેન્ટરમાંથી 54,460 કામ કરતાં હતાં અને તેમાં માત્ર 1.7 લાખ લોકો નોંધાયા હતા, જે કુલ રજિસ્ટ્રેશનનો અડધો ટકો પણ નથી.

પોતાના સોગંદનામામાં સરકારે રસીકરણ માટે ઍપના ઉપયોગનાં ઘણાં કારણો જણાવ્યાં હતાં- જો લોકોને સીધા રસીકરણ સેન્ટર પર આવવા દેવામાં આવે તો ભીડ વધી જાય, એક સીમિત સમયમાં બે ડોઝ આપવાને કારણે લોકોનો હિસાબ રાખવાની પણ જરૂર છે.

અમૂલ્ય નિધિ અનુસાર, જૂની રસીકરણ પૉલિસી ઘણી સારી હતી. તેઓ કહે છે, "જે રીતે રાષ્ટ્રીય ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમના આધારે રસીકરણ થયું, તેનાથી કોઈ મુશ્કેલી નહોતી."

તો સોગંદનામામાં સરકારે કહ્યું લોકોના ઘરેઘરે જઈને રસી આપી શકાય નહીં, કેમ કે વારંવાર રસી કૅરિયર બૉક્સ ખોલવાથી રસીના જરૂર પ્રમાણે તાપમાન રાખવું મુશ્કેલ થશે, તેનાથી રસીની બગાડ થઈ શકે છે. સાથે જ ઘરો પર જવાથી સ્વાસ્થ્યકર્મીઓ પર આસપાસના લોકો રસી માટે દબાણ કરી શકે છે અને તેનાથી તેમને સુરક્ષા આપવાની જરૂર પડે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો