ભાજપનું પેજ પ્રમુખ મૉડલ હવે કોરોના મુક્તિ માટે કામ કરશે, કૉંગ્રેસે 'નવો સ્ટન્ટ' ગણાવ્યો

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાત ભાજપનું પેજ પ્રમુખ મૉડલ બૂથથી પણ આગળનાં સ્તરે કામ કરે છે. છેલ્લે જે કેટલીક ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યો એનો ઘણો ખરો શ્રેય પેજ પ્રમુખ મૉડલને આપે છે.

હવે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે મારું પેજ કોરોના મુક્ત ઝુંબેશ શરૂ કરી છે.

જે અંતર્ગત કોરોના રોગચાળા મુક્તિ માટે પેજપ્રમુખો અને ચૂંટાયેલા ધારાસભ્યોને સી.આર.પાટીલે આહ્વાન કર્યું હતું.

કોરોનાના દરદીને ઉપયોગી થવા કઈ રીતે કામ કરશે પૅજપ્રમુખ મૉડલ

ભાજપના પ્રદેશ મીડિયા સંયોજક ડૉ. યજ્ઞેશભાઈ દવેએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "ભાજપે દરેક જિલ્લા અને મહાનગરમાં હેલ્પડેસ્ક શરૂ કર્યાં છે."

"પેજસમિતિના સભ્યોને તેની સાથે જોડવામાં આવ્યા છે."

"ભાજપનું જે પૅજપ્રમુખ મૉડલ છે એમાં એક પેજની અંદર ત્રીસ સભ્યો હોય છે. જેમાં સાતથી આઠ પરિવાર સામેલ હોય છે. એમાં એક પેજપ્રમુખ ઉપરાંત પાંચ જેટલા પેજસમિતિના સભ્યો હોય છે. "

"પાંચમાંથી બે કે ત્રણ જેટલા પેજસમિતિના સભ્યો પોતાના પેજ પર રહેલાં ત્રીસ જેટલા સભ્યોમાં કોઈને કોરોનાની બીમારી હોય તો ક્યાં દાખલ કરવા, ઘરમાં કોઈને તકલીફ છે કે નહીં, ટિફિન વ્યવસ્થા કરવાની છે કે નહીં એની માહિતી જિલ્લા કે મહાનગરની જે હેલ્પડેસ્ક છે ત્યાં પહોંચાડશે. "

ત્યારબાદ જે વ્યક્તિને કોરોના થયો છે તેના માટે તેમજ એના પરિવારને લગતી વ્યવસ્થા જિલ્લા કે મહાનગરના કાર્યાલય દ્વારા કરવામાં આવશે."

યજ્ઞેશભાઈ કહે છે, "કોરોનાગ્રસ્ત દરદીને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે કે તેને ઘરે જ આઇસોલેશનમાં રહેવાનું હોય તો ઘરે જરૂરી દવા પહોંચાડવી. ભોજન માટે જરૂર હોય તો ટિફિનની વ્યવસ્થા કરવી વગેરે કાર્યાલય વ્યવસ્થા કરશે."

"ટૂંકમા પેજસમિતિના સભ્યની જવાબદારી છે કે તેણે પોતાના પેજ પર જે ત્રીસ જેટલા લોકો છે એમાંથી કોઈને કોરોના થાય તો એની સગવડ જોવાની. કોઈ પણ ભોગે તેણે પોતાના પેજ પરના ત્રીસ સભ્યોને કોરોનામુક્ત કરવાના રહેશે."

પેજપ્રમુખ વિજય રૂપાણી અને નિતિન પટેલને પણ ઝુંબેશ લાગુ પડે છે

પરંતુ અત્યારે જે રીતે કોરોના ફેલાયો છે એ જોતાં ઘરની બહાર નીકળવું જોખમી છે એમા પેજસમિતિના સભ્યો કેવી રીતે કામ કરી શકશે?

સવાલના જવાબમાં યજ્ઞેશભાઈ કહે છે કે, "બહાર નીકળવું જોખમી છે એટલે જ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ભાજપની જે પેજપ્રમુખ વ્યવસ્થા છે એમાં એક પેજ પર જે પાંચથી સાત પરિવાર અને તેના ત્રીસ સભ્યો છે તે એક જ મહોલ્લા - સોસાયટીમાં નજીક નજીક જ હોવાના."

"હાલ કોરોનામાં બહાર નીકળવું જોખમી છે તેથી ધારાસભ્યો પણ પોતાના વિસ્તારમાં બધે ન જઈ શકે. તેથી પેજસમિતિના સભ્યો જ જરૂરિયાતમંદ વ્યક્તિ માટે વ્યવસ્થામાં પાયાની ભૂમિકા ભજવે એ માટેનું આ આયોજન છે."

કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહ હોય કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ. આ પ્રધાનો પણ જે તે વિસ્તારમાં પેજ પ્રમુખ પણ છે તો તેમણે પણ આ પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે?

યજ્ઞેશભાઈ જણાવે છે કે "મારૂં પેજ કોરોના મુક્તની ઝુંબેશ દરેક પેજ પ્રમુખને લાગુ પડે છે."

"મોટા નેતાઓ કદાચ ન જઈ શકે તો તેમની પેજસમિતિનાં સભ્યો છે તેણે કામ કરવાનું રહે છે."

અત્યારે રાજ્યભરમાં ઠેર ઠેર વૅન્ટિલેટર અને ઓક્સિજનની વ્યાપક જરૂરિયાત ઊભી થઈ છે.

જો કોઈ ગંભીર દરદીને વૅન્ટિલેટર કે ઓક્સિજનની જરૂર હોય તો પેજ સમિતિ કઈ રીતે મદદ કરશે?

યજ્ઞેશ દવેએ જણાવ્યું, "પેજ સમિતિના સભ્ય આવા દરદી વિશે ધારાસભ્ય અથવા જિલ્લા ભાજપ કાર્યાલયે જાણ કરશે અને પછી એને માટે જવાબદાર વ્યક્તિ તેની વ્યવસ્થા કરશે."

વિવિધ ડૉક્ટરોને સાંકળતું ભાજપનું ડૉક્ટર સેલ છે. એને પણ આ વ્યવસ્થા સાથે જોડવામાં આવ્યું છે.

એ વિશે જમાવતાં યજ્ઞેશ દવે કહે છે કે, "ભાજપનાં ડૉક્ટર સેલમાં દરેક જિલ્લામાં જે એમબીબીએસ ડૉક્ટર્સ છે. આમાંના જે કોઈ ફોનકૉલ કે ઝૂમ કૉલ કે વૉટ્સેપ વીડીયો કૉલ પર દરદીને માર્ગદર્શન આપી શકે એમ હોય તેમને જરૂરિયાતમંદ દરદી સાથે જોડવામાં પેજસમિતિ મદદરૂપ બને છે."

"દરેક જિલ્લાની ડૉક્ટર્સની યાદી અમે તૈયાર કરી છે જે જિલ્લા કેન્દ્રો પર છે."

ભાજપને જે માહિતી 108 દ્વારા મળી શકે એમ છે એના માટે પેજપ્રમુખ ઝુંબેશની જરૂર ખરી? - કૉંગ્રેસ

અમદાવાદમાં કૉંગ્રેસના નેતા અને વ્યવસાયે ડૉક્ટર એવા જીતુભાઈ પટેલ સાથે બીબીસીએ વાત કરી હતી.

પેજપ્રમુખ અને કોરોના મુક્તિ ઝુંબેશ વિશે તેમણે કહ્યું કે, "આ ઝુંબેશ સ્ટન્ટ સિવાય કશું નથી. મુદ્દો એ છે કે ભાજપની જે પેજ વ્યવસ્થા છે એમાં એક પેજમાં પાંચ - સાંત પરિવારના લોકો સાંકળવામાં આવે છે."

"પેજપ્રમુખ એ તમામને પોતાનો પરિવાર જ માને છે. જો પરિવાર જ માનતા હોય તો મદદ કરવાની જ હોય. એના માટે કોઈ ઝુંબેશ આદરવી ન પડે."

જીતુભાઈ પટેલ ઉમેરે છે કે, "સવાલ અત્યારે રેમડેસીવીર ઈન્જેકશન અને ઓક્સિજન નથી મળતાં એનો છે. જો પેજપ્રમુખ એમાં બનતી મદદ કરી શકતા હોય તો આપણે બધા એને જ કહીએ એમાં કશું ખોટું નથી. મુદ્દો એ છે કે જે વ્યવસ્થા સરકાર ન કરી શકતી હોય ત્યાં પેજપ્રમુખ કે પેજસમિતિ શું કરી શકવાના છે?"

પરંતુ પેજપ્રમુખે આમ પણ વ્યવસ્થા નથી કરવાની એણે તો જિલ્લા મહાનગર કાર્યાલયે વાત પહોંચાડવાની હોય છે. આયોજન ત્યાંથી થાય છે.

આનો જવાબ આપતાં જીતુભાઈ કહે છે, "તો પછી ભાજપ તેના તમામ જિલ્લા કાર્યાલયને 108ની જે ઍમ્બુલન્સ સેવાની જે હેલ્પલાઈન છે એની સાથે જોડી દે."

"108 પાસેથી તેમને બધી જ માહિતી મળી જશે. એમાં આવી ઝુંબેશની કોઈ જરૂર જ નહીં પડે. "

કોરોનાના દરદીની વિગતો 108 પર આવે જ છે. ભાજપે કરવી જ હોય તો તેમને મદદ કરવી જોઈએ."

યજ્ઞેશભાઈ દવેએ કહ્યું હતું, "મારૂં પેજ કોરોના મુક્ત જે ઝુંબેશ છે તે એ વાતનો પુરાવો છે કે સરકારની સાથે સંગઠન પણ કામ કરી રહ્યું છે. કૉંગ્રેસ ફક્ત આલોચના કરવાનું કામ કરે છે."

"રાજસ્થાન, પંજાબ, કેરળ જેવા રાજ્યોમાં ભાજપ વિપક્ષમાં છે પણ ત્યાં ભાજપનો કાર્યકર આલોચના કે વિરોધ નથી કરતો. કારણકે સેવાકાર્યનો વિરોધ ન હોઈ શકે."

કોરોનાનાં વધી રહેલા કેસો વચ્ચે કૉંગ્રેસે અમદાવાદ અને સુરત ખાતેના પોતાના કાર્યાલયને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવા માટેની તૈયારી દર્શાવી છે.

આ વિશે કૉમેન્ટ કરતાં યજ્ઞેશભાઈએ કહ્યું હતું કે, "આના માટે કૉંગ્રેસે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું હતું અને મુખ્ય મંત્રીને પત્ર લખ્યો હતો. બાળકને સ્કૂલમાં દાખલ કરવાનું હોય તો સ્કૂલમાં જઈને ફૉર્મ ભરવું પડે."

"રાજ્યપાલને આવેદનપત્ર ન આપવાનું હોય. કૉંગ્રેસે જો પોતાના કાર્યલયોમાં કોવિડ સેન્ટર શરૂ કરવા હોય તો એની એક ચોક્કસ પ્રક્રિયા છે."

"એનું ફૉર્મેટ મુજબનું ફોર્મ ભરીને આરોગ્યખાતામાં આપવાનું હોય છે અને ત્યાંથી તરત મંજૂરી મળે છે."

"ભાજપના ધારાસભ્યો હર્ષ સંઘવી, ભરત બોઘરાએ તેમજ કેટલીક સંસ્થાએ આ રીતે જ મંજૂરી મેળવીને કોવિડ કેર સેન્ટર શરૂ કર્યા છે."

"એના માટે રાજ્યપાલને આવેદનપત્ર કે મુખ્ય મંત્રીને પત્ર ન લખવાનો હોય. કૉંગ્રેસે માત્ર સ્ટન્ટ કરવો છે એટલે આવું કરે છે."

આના જવાબમાં જીતુભાઈ પટેલે કહ્યું હતું કે, "આવેદનપત્ર નથી આપ્યું કન્સર્ન ઑથોરીટીને પત્ર લખ્યો છે. સુધરાઈના કમિશનરને પત્ર લખ્યો છે."

"અમે મુખ્ય પ્રધાનને નથી કહ્યું. અમદાવાદ સુધરાઈ કમિશનરના ક્ષેત્રમાં આવે એટલે તેમને જાણ કરી છે. ભાજપે પહેલા તપાસ કરીને પછી નિવેદન આપવાની જરૂર છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો