You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં રેમડેસિવિર મોકાણ : 'ઘરેબેઠા દારૂ મળે, પણ ઇન્જેક્શન ન મળે'
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, અમદાવાદ, સુરત અને નવી દિલ્હીથી
એક તરફ દરરોજ વધતા કેસો અને બીજી તરફ પ્રાણરક્ષક દવા માટે લાગી રહેલી લાંબી કતારોમાં કલાકો સુધી વેઇટિંગ.
ગુજરાતમાં કોરોના વાઇરસના રેકર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે તેની સારવાર માટે જરૂરી એવાં રેમડેસિવિર ઇન્જેક્શન મળી રહ્યા નથી.
અમદાવાદ હોય કે સુરત રેમડેસિવિર માટે લાગતી લાંબી લાઇનોનાં દૃશ્યો એકસરખાં છે.
અમદાવાદમાં રેમડેસિવિરના ઇન્જેક્શનનું વેચાણ થઈ રહ્યું હતું, ત્યાંથી બીબીસી સંવાદદાતા સાગર પટેલે ફેસબુક લાઇવ કર્યું હતું.
આ લાઇવમાં તેમણે રેમડેસિવિર ઇન્જેક્શન લેવા આવેલા દરદીઓના સગા-સંબંધીઓ સાથે વાત કરી હતી.
'ઇન્જેક્શન લેવા 350 કિલોમિટર દૂર આવ્યો'
રેમડેસિવિર લેવા માટે દર્દીઓના સંબંધીઓ કચ્છ, મોરબી, બનાસકાંઠા, અમરેલી, એમ અનેક જિલ્લાઓમાંથી આવ્યા હતા.
કચ્છથી આવેલી એક વ્યક્તિએ ફેસબુક લાઇવમાં કહ્યું, "અમે કચ્છથી આવ્યા છીએ. સવારના ચાર વાગ્યાથી લાઇનમાં ઊભા છીએ."
"કચ્છમાં રેમડેસિવિરની કોઈ વ્યવસ્થા નથી. ખાનગીમાં બ્લૅક માર્કેટમાં વેચાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે એવું પણ કહ્યું કે "અમારા ત્યાં ઘરેબેઠા 700 રૂપિયામાં દારૂની બૉટલ મળી જાય, પણ પૈસા ખર્ચવા છતાં રેમડેસિવિર ઇન્જેક્શન મળતાં નથી, એટલે 350 કિલોમિટર દૂર આવ્યો છું."
લાઇનમાં ઊભેલાં શ્વેતાબહેન સુખડિયા અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાંથી આવ્યાં હતાં, તેમના પિતા ગાંધીનગરની હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.
શ્વેતાબહેને કહ્યું, "સવારે પાંચ વાગ્યાથી અમે લાઇનમાં ઊભાં છીએ. બપોરે બે વાગ્યા છે, પણ અમારો નંબર આવ્યો નથી."
"મારે એક નાની દીકરી છે એ ઘરે છે. કોઈ મૅનેજમૅન્ટ નથી. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી."
તેઓ કહે છે, "હું ગુરુવારે પણ લાઇનમાં ઊભી હતી પરંતુ સ્ટૉક પૂરો થઈ જતાં પરત જવું પડ્યું હતું. આજે પણ મળશે તો મળશે. ત્રણ દિવસથી હું ધક્કા ખઉં છું."
ભાજપ ઑફિસથી રેમડેસિવિરનું વિતરણ
સુરતમાં પણ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત હોવાની રાવ છે, આ વચ્ચે ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે શુક્રવારે સુરત સિવિલ હૉસ્પિટલથી જાહેરાત કરી હતી કે ભાજપ સુરતમાં પાંચ હજાર રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કરી રહ્યો છે.
ગણતરીના કલાકમાં આ વ્યવસ્થા થઈ ગઈ હતી અને ભાજપના સુરત કાર્યાલય દ્વારા શનિવારે ઇન્જેક્શનની વહેંચણી શરૂ પણ કરી દેવામાં આવી હતી.
રાજ્યમાં એક તરફ રેમડેસિવિર ઇન્જેક્શનની માગ સામે ઘટ સર્જાઈ છે, ત્યારે ભાજપ પાસે આટલા જથ્થામાં ઇન્જેક્શન ક્યાંથી આવ્યાં એ અંગે પ્રશ્નો સર્જાયા હતા.
આ અંગે કૉંગ્રેસ દ્વારા ભાજપ સામે આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.
પંચમહાલના મોરવા હડફમાં પહોંચેલા સી. આર. પાટીલે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું, "સુરત શહેરના કેટલાક મિત્રોએ આ ઇન્જેક્શન ખરીદ્યાં છે અને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી વિતરણ કરી રહ્યા છે."
"ભાજપ દ્વારા આ પૂરક વ્યવસ્થા કરવામાં આવી છે, સરકાર દ્વારા વ્યવસ્થા કરાઈ રહી છે અને સરકારી દવાખાનાઓમાં વિનામૂલ્યે ઇન્જેક્શન આપવામાં આવી રહ્યાં છે."
ભાજપ કાર્યાલય બહાર લાઇનમાં ઊભેલા લોકોએ શું કહ્યું?
સુરતમાં ભાજપના કાર્યાલય બહાર પણ અમદાવાદ જેવી જ લાઇન લાગી હતી, ત્યાં લાઇનમાં ઊભેલા લોકોની બીબીસીએ પ્રતિક્રિયા લીધી હતી.
લાઇનમાં ઊભેલી એક વ્યક્તિએ કહ્યું, "ભાજપે આ આયોજન કર્યું છે, એ માટે ખાસ ધન્યવાદ. જ્યાં-જ્યાં દર્દીઓ દવાખાનામાં દાખલ છે, ત્યાં જ એમને મળી જાય એવી વ્યવસ્થા કેમ ન કરી શકાય?"
"બાકી અહીં તો સવારના નવ-નવ લાગ્યાથી લાઇનો લગાવવામાં આવી રહી છે. અમારા સંબંધીઓ ત્યાં દવાખાનામાં મરે છે અને આ લોકો અહીં મજા કરીને બેઠા છે."
ઇન્જેક્શન લેવા આવેલા એક યુવકે કહ્યું હતું કે તેમને ચાર ઇન્જેક્શનની જરૂર છે પણ અહીંથી એક જ આપે છે એટલે તેમને ફરીથી આવવું પડશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો