You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબમાં નાઈટ કર્ફ્યુ લાદવા પાછળનું લૉજિક શું છે?
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં કોરોના સંક્રમણનો આંકડો એક લાખ 30 હજારને પાર કરી ગયો છે ત્યારે ગુજરાત સહિત કેટલાંક રાજ્યોએ નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો હતો.
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાલમાં જાહેરાત કરી હતી કે રાજ્યના 8 મહાનગરો સહિતનાં 20 શહેરોમાં 30 એપ્રિલ સુધી રાત્રે 8 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ અમલમાં રહેશે.
કોરોનાના સતત વધતા પ્રસારને અંકુશમાં લેવાના એક ઉપાય તરીકે અમદાવાદ,રાજકોટ, વડોદરા, સુરત, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, મહેસાણા, પાટણ, આણંદ, નડિયાદ, મોરબી, ગોધરા, ભુજ, ભરૂચ, દાહોદ, ગાંધીધામ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં નાઈટ કર્ફ્યુ 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે.
ગુજરાત જ નહીં દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રનાં શહેરોમાં પણ નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
દિલ્હી સરકારે 6 એપ્રિલથી 30 એપ્રિલ સુધી રાતે 10 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી હતી.
જોકે, જરૂરી સેવાઓને તેમાં છૂટ આપવામાં આવી છે. પંજાબ સરકારે પણ બુધવારે નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી હતી. પંજાબમાં નાઇટ કર્ફ્યુ રાત્રે 9 વાગ્યાથી જ શરૂ થઈ જશે.
દિલ્હી પહેલાં મહારાષ્ટ્ર સરકારે રાતના આઠ વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુના અમલની જાહેરાત કરી હતી. દેશનાં બીજાં ઘણાં રાજ્યોએ પણ આવું કર્યું છે. કેન્દ્ર સરકારે પણ ગયા વર્ષે નાઇટ કર્ફ્યુનો આદેશ બહાર પાડ્યો હતો.
સવાલ એ છે કે નાઇટ કર્ફ્યુ લાદવા પાછળનું લૉજિક શું છે?
રાજ્ય સરકારો એકમેકની દેખાદેખીથી આવું કરી રહી છે કે પછી કેન્દ્ર સરકારની સલાહને અનુસરી રહી છે, તેની સ્પષ્ટતા એકેય રાજ્ય સરકારે કરી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી મરાઠીના સંવાદદાતા મયંક ભાગવતના જણાવ્યા મુજબ, "મહારાષ્ટ્ર સરકારની દલીલ એવી છે કે લોકો રાતે મોડી સંખ્યામાં મોજમજા કરવા ઘરની બહાર નીકળે છે, નાઇટ ક્લબમાં જાય છે. રેસ્ટોરાંમાં ડિનર કરવા જાય છે. લોકોને આવું કરતા અટકાવવા માટે સરકારે નાઇટ કર્ફ્યુ લાદ્યો છે.
દિલ્હી સરકારના આદેશમાં આ નિર્ણય માટેનું કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી.
બીબીસીએ દિલ્હી સરકારને આ બાબતે સવાલ કર્યો હતો, પણ તેનો સત્તાવાર જવાબ મળ્યો ન હતો. એક અધિકારીએ તેમની ઓળખ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે દિલ્હીના ઉપ-રાજ્યપાલના અધ્યક્ષપદે યોજાયેલી ડીડીએમએની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો."
અલબત્ત, નાઇટ કર્ફ્યુ પાછળના લૉજિક કે તર્ક બાબતે ચર્ચા થઈ હતી કે નહીં એ વિશે કશું જણાવવામાં આવ્યું નથી.
નાઇટ કર્ફ્યુ બાબતે સામાન્ય લોકોના મનમાં કેટલાય સવાલ થઈ રહ્યા છે ત્યારે બીબીસીએ નાઇટ કર્ફ્યુ પાછળના તર્કને જાણવા માટે ત્રણ જાણકાર ડૉક્ટર્સ સાથે વાત કરી હતી. એ ત્રણેયના જવાબ અલગ-અલગ મળ્યા હતા.
એઈમ્સમાં કમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર ડૉ. સંજય રાયે શું કહ્યું?
તેમણે કહ્યું હતું કે "કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે નાઇટ કર્ફ્યુ બહુ અસરકારક નથી. આ પગલું એટલું જ દર્શાવે છે કે રાજ્ય સરકારો ચિંતિત છે અને પોતે કંઈક કરી રહી હોવાનું દર્શાવવા ઈચ્છે છે. આ તો નાગરિકોના આંખમાં ધૂળ નાખવાની વાત છે.
કોરોના ત્રણ રીતે ફેલાય છે. કોરાનાનું સૌથી વધુ સંક્રમણ ડ્રૉપલેટને કારણે થાય છે. આપણે બીજી વ્યક્તિની નજીક જઈ વાત કરીએ, છીંક ખાઈએ ત્યારે ડ્રૉપલેટ મારફત કોરોના ફેલાઈ શકે છે, પણ ડ્રૉપલેટ બે મીટરથી આગળ જઈ શકતાં નથી. આ પ્રકારના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવાની અને બે ગજનું અંતર રાખવાની સલાહ આપવામાં આવે છે.
બીજું એ કે ફોમાઈટ મારફત સંક્રમણ ફેલાય છે. તેમાં ડ્રૉપલેટ સપાટી પર ચોંટી જાય છે. આ પ્રકારના સંક્રમણથી બચવા માટે વારંવાર હાથ ધોવાની સલાહ આપવામાં આવે છે. જોકે, આ પ્રકારે સંક્રમણ ફેલાવાનું પ્રમાણ ઘણું ઓછું છે.
ત્રીજું છે એરોસોલ મારફત ફેલાતું સંક્રમણ. કેટલાક ડ્રૉપલેટ બહુ નાના હોય છે અને એ થોડો સમય હવામાં તર્યા કરે છે. આ સૂક્ષ્મ ડ્રૉપલેટ્સ ખુલ્લી જગ્યામાં ઓછું પણ બંધ ઓરડામાં વધુ સંક્રમણ ફેલાવી શકે છે, પરંતુ આ રીતે કોરોના સંક્રમણ ફેલાતું હોવાનું જૂજ કિસ્સામાં જોવા મળ્યું છે.
કોરોના મોટા ભાગે ડ્રૉપલેટ્સથી ફેલાતો હોવાથી સમગ્ર વિશ્વમાં માસ્ક પહેરવાની, બે ગજનું અંતર રાખવાની અને વારંવાર હાથ ધોવાની સલાહ આપવામાં આવે છે."
સીએસઆઈઆરના ડિરેક્ટર જનરલ ડૉ. શેખર સી. માંડેએ શું કહ્યું?
ડૉ. માંડેની સંસ્થા આ મહામારી પર ચાલી રહેલાં વિવિધ સંશોધન પર ઝીણવટભરી નજર રાખી રહી છે. તેઓ ડૉ. સંજય રાયે કહેલી વાતને અલગ રીતે જણાવે છે અને તેમનો મત અલગ છે.
તેમણે કહ્યું હતું કે "લોકોનું બંધ જગ્યામાં જવું એ કોરોના ફેલાવાનું એક કારણ છે. વૅન્ટિલેશન વધુ હોય ત્યાં કોરોના ફેલાવાની શક્યતા ઓછી હોય છે, પણ બંધ ઓરડામાં કોરોના ફેલાવાની શક્યતા વધારે હોય છે. જેમ કે રેસ્ટોરાં, બાર, જિમ્નેશિયમ. વિશ્વ આરોગ્ય સંગઠને પણ આ વાત સ્વીકારી છે.
નાઈટ કર્ફ્યૂ લાદવા પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ એ જ છે કે લોકો આવી બંધ જગ્યાઓમાં ન જાય. લોકો બંધ જગ્યાઓમાં જવાનું જાતે બંધ કરી દે તો સરકારે નાઈટ કર્ફ્યુ લાદવો જ ન પડે. લોકો સમજતા નથી તેથી સરકારે નાઈટ કર્ફ્યુનું પગલું લેવું પડે છે.
બીજી વાત એ છે કે રાતે ઘણા લોકો મોજમજા માટે વધુ, પણ કામસર ઓછા ઘરની બહાર નીકળે છે. દિવસે લોકો કામ કરવા માટે ઘરની બહાર વધુ નીકળે અને મોજમજા માટે ઓછા.
નાઈટ કર્ફ્યુ સિવાય ઑફિસો બંધ કરાવીને, કેટલાંક આર્થિક કામકાજ પર નિયંત્રણ લાદીને પણ કોરોના પર અંકુશ મેળવી શકાય, પણ તેનાથી અર્થતંત્રને નુકસાન થાય છે. એ બન્ને વચ્ચે સંતુલન સાધવું જરૂરી છે. તે સંદર્ભમાં નાઈટ કર્ફ્યુ બહેતર વિકલ્પ હોઈ શકે."
દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં કમ્યુનિટી મેડિસિન વિભાગના વડા ડૉ. જુગલ કિશોરે શું કહ્યું?
"નાઈટ કર્ફ્યુ કોરોના વિરુદ્ધની સરકારની વ્યૂહરચનાનો એક નાનકડો હિસ્સો હોઈ શકે છે. મોટી વ્યૂહરચના, લોકો કારણ વિના એક જગ્યાએથી બીજી જગ્યાએ ન જાય એ હોઈ શકે. તેનો અમલ અનેક રીતે થઈ શકે. એટલે કે લોકો જાતે સમજે અને ઘરની બહાર ન જાય.
બીજી રીત કન્ટેઈન્મેન્ટ ઝોન બનાવીને લોકોની આવ-જાને રોકવાની છે. જોકે, આ રીત નાના વિસ્તારમાં જ અસરકારક સાબિત થાય છે, બીજા હિસ્સામાં તેનાથી કોઈ ફરક પડતો નથી.
ત્રીજી રીત લોકો મોટા પ્રમાણમાં એકઠા થતા હોય તેવા એટલે કે લગ્ન અને બર્થડે પાર્ટી જેવા સમારંભો તથા પબ અને બાર પર પ્રતિબંધ લાદવાની છે.
રાજ્ય સરકારો ત્રીજી રીતના સંદર્ભમાં નાઈટ કર્ફ્યુનો ઉપયોગ કરી રહી છે. કોરોનાનો પ્રસાર રોકવા માટે આ બહુ અસરકારક રીત નથી, પણ તેનાથી લોકોને એક મેસેજ જરૂર મળે છે કે સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે અને અત્યારે નહીં સમજીએ તો પરિસ્થિતિ વકરી શકે છે. આવા સમયમાં મેસેજનું મહત્ત્વ હોય છે.
માત્ર નાઈટ કર્ફ્યુ લાદવાથી કોરોનાનો પ્રસાર કેટલો ઘટે છે એ બાબતે કોઈ અભ્યાસ થયો નથી, પણ લોકોની હિલચાલ ઘટાડીને કોરોનાને અંકુશમાં લઈ શકાય છે તેનું વૈજ્ઞાનિક પ્રમાણ છે. લોકોની હિલચાલ મર્યાદિત કરવાથી વાયરસના રિપ્રોડક્શનના પ્રમાણમાં ધીમેધીમે ઘટાડો થાય છે. નાઈટ કર્ફ્યુની સાથે બીજાં આકરાં પગલાં લેવાની પણ જરૂર છે."
કેન્દ્ર સરકારે શું કહ્યું હતું?
કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે 2021ની 15 માર્ચે મહારાષ્ટ્ર સરકારને એક પત્ર લખ્યો હતો. તેના છેલ્લા હિસ્સામાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે કોરોનાનું સંક્રમણ રોકવામાં વીકેન્ડ લોકડાઉન અને નાઈટ કર્ફ્યુની અસર બહુ સીમિત છે. કોરોનાના પ્રસારને રોકવા માટે રાજ્ય સરકારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી કન્ટેઈન્મેન્ટ સ્ટ્રેટેજીને જ ધ્યાનમાં રાખવી જોઈએ.
આ પત્ર પરથી સ્પષ્ટ થાય છે કે આ વખતે કેન્દ્ર સરકારના કહેવાથી નહીં, પણ રાજ્ય સરકારોના આદેશ મુજબ નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો