You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : રાકેશ ટિકૈતના વીડિયો બાદ ખેડૂતો ગાઝીપુર બૉર્ડર પર પરત ફરી રહ્યા છે
દિલ્હીને અડીને આવેલી ગાઝીપુર સરહદ પર કેન્દ્ર સરકારના ત્રણ કૃષિકાયદાના વિરુદ્ધમાં ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતના વીડિયો બાદ ખેડૂતો પરત ફરી રહ્યા છે.
ગાઝીપુરમાં રાત તણાવમાં રહી અને ખેડૂતો તંબૂને બદલે રોડ પર જ સુઈ ગયા.
જોકે, અહીં મોટી સંખ્યામાં સુરક્ષાદળોની તહેનાતી પણ કરી દેવાઈ છે. સ્થાનિક તંત્રે અહીં કલમ 144 લાગુ કરી છે અને એ અંતર્ગત અહીં લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
પ્રદર્શનસ્થળ પર દિલ્હી પોલીસ, ઉત્તર પ્રદેશ પોલીસના જવાનો ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર છે અને તેમની સાથે આરએએફના જવાનો પણ છે. ગાઝિયાબાદથી દિલ્હી તરફ આવનારા માર્ગને બંધ કરી દેવાયો છે.
જોકે, ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતનાં ધરણાં અહીં ચાલુ છે.
તેમણે મોડી રાતે પ્રદર્શનકારીઓને સંબંધોતિ કરતાં કહ્યું હતું કે અહીં પર કોઈ ધરપકડ નહીં થાય અને પ્રદર્શન ચાલુ રહેશે.
તેમણે સાથે જ આરોપ પણ લગાવ્યો હતે કે ભાજપના કેટલાક નેતા સ્થળ પર પહેલાંથી જ હાજર છે, જે ખેડૂતો પર ગોળી ચલાવી શકે એમ છે. અને આવું થાય તો એ માટે પોલીસતંત્ર જવાબદાર હશે.
આ દરમિયાન કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ પક્ષ લેવાનો સમય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે લખ્યું "મારો નિર્ણય સ્પષ્ટ છે. હું લોકશાહી સાથે છું. હું ખેડૂતો અને તેમના શાંતિપૂર્ણ આંદોલન સાથે છું."
આ પહેલાં ઉત્તર પ્રદેશ સરકારે તમામ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ અને એસએસપીને રાજ્યમાં ચાલી રહેલાં તમામ ખેડૂત આંદોલનને ખતમ કરવા માટે આદેશ આપી દીધા છે.
સમાચાર સંસ્થા એએનઆઈએ સંબંધિત જાણકારી આપી છે.
આ દરમિયાન ગાઝીપુર બૉર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનના સ્થળ ખાતે મોટા પ્રમાણમાં પોલીસદળની તહેનાતી કરી દેવાઈ છે.
ગાઝિયાબાદના એડીએમ સિટી શૈલેન્દ્રકુમાર સિંહે ગાઝીપુર પરથી જણાવ્યું છે કે ખેડૂતોને સ્થળ ખાલી કરી દેવાની નોટિસ પાઠવી દેવાઈ છે.
ખેડૂતનેતાઓનું કહેવું છે કે તેઓ ઘટનાસ્થળ નહીં છોડે અને પ્રદર્શનકારીઓને શાંતિ રાખવાની અપીલ કરાઈ છે.
આ પહેલાં ગાઝીપર ખાતે ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતને પોલીસ દ્વારા કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી.
દિલ્હીની ગાઝીપુર બૉર્ડરની યૂપી ગેટ પોલીસ ચોકી પર સુરક્ષાદળોની ભારે તહેનાતી કરવામાં આવી છે. આ સિવાય યૂપી રોડવેઝની અનેક બસો પણ લવાઈ છે.
ખેડૂતનેતા રાકેશ ટિકૈતે કહ્યું કે "જે લોકોએ લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવ્યો, તેમના ફોન-કૉલ્સની તપાસ થવી જોઈએ અને આ તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ પોતાની દેખરેખ હેઠળ કરાવે."
તેઓએ કહ્યું કે "ધાર્મિક ઝંડો ફરકાવનારા ખેડૂતો આંદોલનકારી ન હોઈ શકે."
ટિકૈતે કહ્યું, "જે લોકો ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે, એ બધાએ આ ઘટનાની નિંદા કરી છે. આ ઘટનાને આધાર બનાવીને ખેડૂતોનો મુદ્દો દબાવી ન શકાય. ખેડૂત આંદોલન ચાલુ રહેશે."
આ સમયે ગાઝીપુર સીમા પર યુપી પોલીસના જવાનો મોટી સંખ્યામાં તહેનાત છે. તો ખેડૂતોનાં મંચ પરથી સતત ભાષણ થઈ રહ્યાં છે.
ખેડૂતનેતાઓનું કહેવું છે કે તેઓ ધરણાંસ્થળ નહીં છોડે અને પ્રદર્શનકારીઓ ધૈર્ય જાળવી રાખે.
સોશિયલ મીડિયામાં એવી ચર્ચા ચાલતી હતી કે રાકેશ ટિકૈત આજે સાંજે સરેન્ડર કરવાના છે. પણ ટિકૈતે આને અફવા ગણાવતા કહ્યું કે "સરેન્ડર શેના માટે? પ્રશાસન સાથે અમારી કોઈ વાત થઈ નથી."
ખેડૂતોને આશંકા શેની છે?
બીબીસીના સહયોગી પત્રકાર સમીરાત્મજ મિશ્ર કહે છે કે ખેડૂતોને આશંકા છે કે તેમને પોતાના ઘરે પહોંચાડવા માટે આ બસોને લાવવામાં આવી છે.
તેઓ કહે છે કે આ આશંકા બાદ ખેડૂતો પણ સક્રિય થયા છે અને તેમનું કહેવું છે કે 'કોઈ પણ કિંમતે અમે ઘરે નહીં જઈએ.'
ગાઝીપુર બૉર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે બુધવારે રાતભર તેમના કૅમ્પમાં વીજળી કાપી નાખવામાં આવી હતી અને આસપાસ મોટી સંખ્યામાં સુરક્ષાદળોની તહેનાતી કરાઈ હતી.
ગત રાતે ગાઝીપુરમાં હાજર બીબીસીના સહયોગી પત્રકાર સમીરાત્મજ મિશ્રે કહ્યું કે આખી રાત ખેડૂતોનાં કૅમ્પમાં વીજળી નહોતી. ખેડૂતોએ ટ્રૅક્ટરની બૅટરીથી અજવાળું કર્યું હતું.
ખેડૂતનેતા રાકેશ ટિકૈતનું કહેવું છે કે "કદાચ અહીંથી ખેડૂતોને ખસેડવાની કોશિશ થઈ શકે છે, પરંતુ વીજળી કેમ કાપવામાં આવી એની અમારી પાસે કોઈ જાણકારી નથી."
રાકેશ ટિકૈતે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે "પોલીસ પ્રશાસન ભય ફેલાવવાની કોશિશ કરે છે." તેઓએ એમ પણ કહ્યું કે સરકારે ડરાવવાનું બંધ કરવું જોઈએ.
ખેડૂતનેતા રાકેશ ટિકૈતને નોટિસ
દિલ્હી પોલીસે ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતને નોટિસ ફટકારીને પૂછ્યું છે કે 'ટ્રૅક્ટર રેલી નિર્ધારિત માર્ગથી અલગ જવા માટે દિલ્હી પોલીસ સાથે થયેલી સમજૂતીને તોડવા બદલ તેમની વિરુદ્ધ કાર્યવાહી કેમ ન કરાય?'
દિલ્હી પોલીસે જવાબ આપવા માટે ખેડૂતનેતાને ત્રણ દિવસનો સમય આપ્યો છે.
આ સાથે જ દિલ્હી પોલીસે રાકેશ ટિકૈત પાસેથી તેમના સંગઠનમાં સામેલ એ લોકોનાં નામ માગ્યાં છે, જેમણે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં હિંસા કરી હતી.
દિલ્હી પોલીસે આ નોટિસ ગાઝીપુર બૉર્ડર લગ લાગેલા ખેડૂતનેતા રાકેશ ટિકૈતના તંબુની બહાર ચોટાડી દીધી છે.
આ સમગ્ર પ્રકરણમાં સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની વાતચીતમાં રાકેશ ટિકૈતે કહ્યું, "હું નોટિસ વાંચીશ, હજુ વાંચી નથી પણ સાંભળવા મળ્યું છે કે મને ત્રણ દિવસનો સમય મળ્યો છે. તમામ ખેડૂત ભાઈએ આ આંદોલનમાં અમારી એટલે કે યુનિયનની જવાબદારી પર આવ્યા છે. અમે તેની જવાબદારી લઈએ છીએ."
"રહી વાત પોલીસના રૂટની તો અમારી પાસે એ તસવીરો છે, જે સાબિત કરશે કે દિલ્હી પોલીસે અમને જે રૂટ આપ્યો હતો તેના પર બૅરિકેટ લગાવાયા હતા અને દિલ્હીની અંદર જવાનો માર્ગ ખુલ્લો મૂકી દેવાયો હતો."
દિલ્હી પોલીસની આ નોટિસ બાદ ટિકૈતે પોલીસના બંદોબસ્ત પર પણ ગંભીર સવાલ કર્યા હતા.
તેમણે કહ્યું કે "એક માણસ આવે છે, લાલ કિલ્લા પર ઝંડો ફરકાવે છે પણ પોલીસ ગોળીબાર નથી કરતી. કોના આદેશ પર આવું થયું? પોલીસે તેને જવા પણ દીધો. તેની ધરપકડ ન કરાઈ. હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. કોણ છે એ શખ્સ જે સમગ્ર સમાજ અને ખેડૂત સંગઠનને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે?"
ઘાયલ પોલીસકર્મીઓને મળ્યા અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 26 જાન્યુઆરીએ થયેલી હિંસક ઘટનામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓના ખબરઅંતર પૂછવા માટે સિવિલ લાઇન્સસ્થિતિ સુશ્રુત ટ્રૉમા સેન્ટર પહોંચ્યા હતા.
અમિત શાહે અહીં ટ્રૅક્ટર રેલી દરમિયાન ઘાયલ થયેલા પોલીસકર્મીની મુલાકાત લીધી અને તેમનાં ખબરઅંતર પૂછ્યાં.
ઘાયલોને મળ્યા બાદ ગૃહમંત્રીએ કહ્યું કે તેમને પોલીસકર્મીઓનાં સાહસ અને બહાદુરી પર ગર્વ છે.
ખેડૂતનેતાઓને નોટિસ, ત્રણ દિવસમાં જવાબ આપવા કહ્યું
દિલ્હી પોલીસે ટ્રૅક્ટર રેલી દરમિયાન થયેલા કરારને તોડવાના આરોપમાં યોગેન્દ્ર યાદવ, બલદેવસિંહ સિરસા, બલવીર એસ. રાજેવાલ સહિત કમસે કમ 20 ખેડૂતનેતાઓને નોટિસ પાઠવી છે.
એએનઆઈ ન્યૂઝ એજન્સીએ દિલ્હી પોલીસના હવાલાથી લખ્યું કે આ ખેડૂતનેતાઓને ત્રણ દિવસમાં જવાબ આપવાનું કહેવાયું છે.
દિલ્હીમાં સુરક્ષા ચુસ્ત કરાઈ
તો પ્રજાસત્તાકદિવસ પર થયેલી હિંસા બાદ દિલ્હીના અલગઅલગ ભાગમાં સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરાઈ છે.
પ્રજાસત્તાકદિવસે દિલ્હીમાં થયેલી રેલી દરમિયાન ઘણી જગ્યાએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. કેટલીક જગ્યાએ હિંસક ઘર્ષણ પણ થયું હતું.
ટ્રૅક્ટર રેલીમાં સામેલ પ્રદર્શનકારીઓનું એક જૂથ દિલ્હીના લાલ કિલ્લા પર પહોંચી ગયું હતું.
અહીં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેના ઘર્ષણની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી.
આ સ્થિતિને જોતાં રાજધાની દિલ્હીમાં ઘણી જગ્યાએ ખાસ કરીને બૉર્ડર પાસે સુરક્ષા ચુસ્ત કરી દેવાઈ છે.
તો કેટલીક જગ્યાએ ધીમેધીમે આવનજાવન પણ સામાન્ય થઈ રહ્યું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો