ખેડૂત આંદોલન : 26 જાન્યુઆરીની ટ્રૅક્ટર રેલીને મંજૂરી, જાણો શું હશે કાર્યક્રમ?

    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા

ખેડૂત સંગઠન અને દિલ્હી પોલીસ વચ્ચે પ્રજાસત્તાક દિન નિમિત્તે થનારી ટ્રૅક્ટર રેલી મુદ્દે સમાધાન થઈ ગયું છે.

સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવે મીડિયાને જણાવ્યું કે જે રસ્તા પર દિલ્હી પોલીસ રેલી કાઢવાનું કહી રહી છે તે અંગે ખેડૂતો રાજી થઈ ગયા છે. ઉપરાંત ખેડૂતોની ટ્રૅક્ટર રેલીથી સરકારી કાર્યક્રમમાં કોઈ અગવડતા ઊભી નહીં થાય.

આ સાથે જ ખેડૂતોએ કહ્યું કે આ રેલીમાં શિસ્તનું સચોટપણે પાલન કરવામાં આવશે.

અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિના સંગઠન સચિવ અવિક સાહોએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "ઘણા દિવસોની ચર્ચા બાદ આખરે પોલીસ અને ખેડૂતો વચ્ચે રસ્તાને લઈને સહમતિ સધાઈ છે."

દિલ્હી પોલીસના સૂત્રોએ બીબીસીને જણાવ્યું કે ખેડૂત નેતાઓ સાથેની વાતચીત સાર્થક નીવડી છે પરંતુ રસ્તાને લઈને હજુ અમુક બાબતો સ્પષ્ટ કરવાની બાકી છે.

ખેડૂત સંગઠનોના જે નેતાઓ પોલીસ સાથેની વાતચીતમાં સામેલ હતા તેમણે આશ્વાસન આપ્યું છે કે રેલીનો રસ્તો નક્કિ થયા બાદ પોલીસને જાણ કરવામાં આવશે.

રેલી માટે કયો-કયો રસ્તો લઈ શકાય તે માટે પોલીસે આપેલા વિકલ્પ પર સહમતિ સધાઈ છે.

ખેડૂત નેતાઓનું કહેવું છે કે તેમને પોલીસનો પ્રસ્તાવ પસંદ પડ્યો છે અને જે પણ નિર્ણય કરવામાં આવશે તે પોલીસને જણાવવામાં આવશે.

દિલ્હી પોલીસ તરફથી વાતચીતમાં સંયુક્ત કમિશનર એસ. એસ. યાદવ સિવાય વિશેષ પોલીસ કમિશનર દિપેન્દ્ર પાઠક સામેલ હતા.

ઉલ્લેખનીય છે કે પાઠક અત્યાર સુધી અંદમાન નિકોબાર રાજ્ય પોલીસના માહનિદેશનક હતા અને તેમણે હાલમાં જ દિલ્હી પોલીસમાં કાર્યભાર સંભાળ્યો છે.

ખેડૂત નેતાઓમાં યોગેન્દ્ર યાદવ અને ગુરનામ સિંહ ચઢુની સિવાય રમિન્દર સિંહ પટિયાલા અને દર્શનપાલ સિંહ સામેલ હતા.

દિલ્હી પોલીસ ઇચ્છે છે કે ખેડૂતોની ટ્રૅક્ટર રેલી દિલ્હીની બહાર કાઢવામાં આવે. આ અંગે દિલ્હી પોલીસે ખેડૂતોને ચાર માર્ગોનો વિકલ્પ પણ આપ્યો.

પોલીસનું માનવું હતું કે સૌથી યોગ્ય માર્ગ કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ હશે જ્યાં ટ્રૅક્ટર રેલી કાઢી શકાય અને કોઈને અસુવિધા પણ નહીં થાય. દિલ્હી પોલીસે બીજો વિકલ્પ ટિકરી-નાંગલોઈ-નઝફગઢ-ધંસા માર્ગનો આપ્યો હતો.

બીજી તરફ ખેડૂત સંગઠનો દિલ્હીના બાહ્ય રિંગ રોડ પર રેલી કાઢવા માટે અડગ હતા. શરૂઆતમાં દિલ્હી પોલીસ અને ખેડૂત નેતાઓ વચ્ચે માર્ગને લઈને વિવાદ થયો હતો.

હરિયાણા અને યુપી પોલીસ પણ સામેલ

ખેડૂત સંગઠનો સાથે થયેલી બેઠકમાં દિલ્હી પોલીસ સહિત હરિયાણા પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસ પણ સામેલ રહી.

કિસાન સંઘર્ષ સમન્વય સમિતિના અવીક સાહાએ જણાવ્યું કે વાતચીત દરમિયાન પોલીસે કહ્યું હતું કે ટ્રૅક્ટર રેલીને ટિકરી બૉર્ડર, ગાઝીપુર બૉર્ડર, ધંસા બૉર્ડર અને સિંઘુ બૉર્ડર પર અલગઅલગ રહીને કાઢવામાં આવે.

સાહા અનુસાર ખેડૂતો ઇચ્છે છે કે ટ્રૅક્ટર રેલી એવી જગ્યાએ આયોજિત થાય જ્યાં બધા ખેડૂતો સામેલ થઈ શકે.

દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે ખેડૂતોને રેલી માટે દિલ્હીના બાહ્ય રિંગ રોડનો વિકલ્પ આપવામાં આવ્યો હતો જેથી કરીને સિંઘુ બૉર્ડર, ગાઝિપુર બૉર્ડર અને ટિકરી બૉર્ડર ખાતે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને તેનો ફાયદો થાય.

ગણતંત્ર દિવસ પર ખેડૂતોની ટ્રૅક્ટર રેલીને અનુસંધાને દિલ્હી પોલીસે ગૃહમંત્રાલય પાસે વધુ સૈનિકોના પ્રબંધન માટે અનુરોધ કર્યો છે.

રાજપથ, ઇન્ડિયા ગેટ અને ગણતંત્ર દિવસની પરેડ થાય તે રસ્તા પર કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે.

દિલ્હી પોલીસ, પાટનગરની એ સીમાઓએ વધુ સુરક્ષા વ્યવસ્થા કરવા માગે છે જ્યાં જ્યાં આંદોલન કરી રહેલા ખેડૂતોની છાવણીઓ છે.

ખેડૂત સંગઠનોનું કહેવું છે કે તેઓ ગણતંત્ર દિવસે રાજપથ પર યોજાનારા સરકારી સમારોહ બાદ જ પોતાની ટ્રૅક્ટર રેલી કાઢશે.

સંગઠનોનું એ પણ કહેવું છે કે ટ્ર્ર્રૅક્ટર રેલી માત્ર બહારના રિંગ રોડ પર કાઢવામાં આવશે અને તેઓ દિલ્હીમાં એ સ્થળે નહીં જાય જ્યાં દર વર્ષે સરકારી કાર્યક્રમનું આયોજન થાય છે.

હાલ દિલ્હી પોલીસ ગણતંત્ર દિવસ પહેલા જ દિલ્હીની સીમાઓ સીલ કરી દેવા માગે છે અને દિલ્હી આવનાર દરેક હાઇવેની બૅરિકેડિંગ કરવા માગે છે.

પાટનગરની તમામ સીમાઓ પર મોટી સંખ્યામાં સુરક્ષાબળના જવાનોની તહેનાતી સાથે ત્યાં 'વૉટર કેનન' પણ મૂકવામાં આવશે જેથી કોઈ પણ પ્રકારની હિંસાનો સામનો કરી શકાય.

દિલ્હી પોલીસના સૂત્રોનું કહેવું છે કે સીમાઓ પર સુરક્ષાબળના જવાનોની વધુ 20 ટુકડીઓ તહેનાત કરવામાં આવશે જેનું નેતૃત્વ પોલીસ ઉપાયુક્ત અને અપર ઉપાયુક્ત જેવા અધિકારીઓ કરશે.

આ અતિરિક્ત સુરક્ષાબળના જવાનો માત્ર દિલ્હી જ નહીં પરંતુ દિલ્હી સાથે જોડાયેલાં હરિયાણા અને ઉત્તર પ્રદેશ રાજ્યો તરફથી પણ તહેનાત કરવામાં આવશે.

પોલીસ સામે શો પડકાર હશે?

દિલ્હી પોલીસના કમિશનર રહી ચૂકેલા એમ. બી. કૌશલે બીબીસી સાથે વાત કરતાં કહ્યું છે કે ખેડૂત આંદોલનથી પેદા થયેલી સ્થિતિ દિલ્હી પોલીસ માટે પડકાર બની ગઈ છે.

તેમનું કહેવું છે કે દિલ્હી પોલીસે ઘણું સતર્ક રહેવું પડશે અને એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે ગણતંત્ર દિવસે પ્રસ્તાવિત રેલી કે માર્ચ દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન ઘટે.

તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન દિલ્હીમાં થયેલા ખેડૂત આંદોલન વિશે ચર્ચા કરતાં કહ્યું કે આ આંદોલનનું નેતૃત્વ ખેડૂત નેતા મહેન્દ્ર સિંહ ટિકૈત કરી રહ્યા હતા.

કૌશલે ઉમેર્યું, "અમે એ સમયે ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી અને લાલ કિલ્લાથી પાછળ તેમને પોતાની રેલી સીમિત રાખવા માટે તૈયાર કરી લીધા હતા. આમ શાંતિપૂર્વક રેલી પણ થઈ જેથી કોઈને પરેશાની ન થઈ."

તેઓ માને છે કે દિલ્હી પોલીસનું નેતૃત્વ હાલ ધૈર્ય સાથે કામ લઈ રહ્યું છે જે સારી વાત છે.

ઉત્તર પ્રદેશ પોલીસના મહાનિદેશક રહેલા પ્રકાશ સિંહ કહે છે કે દિલ્હી પોલીસ સામે એ પડકાર હશે કે તેઓ કેવી રીતે ન્યૂનતમ બળપ્રયોગ કરીને આ રેલીને શાંતિપૂર્વક પાર પાડી શકે છે.

તેઓ કહે છે, "પડકાર એ છે કે કેવી રીતે પોલીસ એ સુનિશ્ચિત કરી શકશે કે પરેડ દરમિયાન કોઈ અરાજકતા ન ફેલાય. ઓછામાં ઓછો બળપ્રયોગ કરવાની સાથે પાટનગરની સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવે. દિલ્હીમાં જો રેલી અનિયંત્રિત થઈ જશે, તો પછી અરાજકતા ફેલાઈ જશે. તેથી પોલીસને અત્યંત સાવધાનીથી કામ લેવું પડશે."

કેવી હશે ખેડૂતોની માર્ચ?

ખેડૂત સંગઠનોએ સમગ્ર દેશના ખેડૂતોને પોતાની ટ્રૅક્ટર રેલીમાં ભાગ લેવાનું આહ્વાન કર્યું છે જે બાદ દેશના અલગઅલગ ભાગોના ખેડૂતો પોતાનાં ટ્રૅક્ટર લઈને કે પછી વ્યક્તિગત સ્તરે સામેલ થવા માટે દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે.

પંજાબ, ઉત્તર પ્રદેશ સિવાય હરિયાણાથી પણ ખેડૂતોનાં જૂથ ટ્રૅક્ટર લઈને દિલ્હીની સીમા તરફ આવી રહ્યાં છે.

સંયુક્ત કિસાન મોરચાનું કહેવું છે કે માત્ર ટ્રૅક્ટર જ નહીં પરંતુ ખેડૂતો પગપાળા અને ઘોડા પર પણ રેલી કાઢશે.

પંજાબથી આવનારા ખેડૂત સિંઘુ અને ટિકરી બૉર્ડરથી ટ્રૅક્ટર અને પગપાળા રેલી કાઢશે જ્યારે બીજી સીમાઓથી હરિયાણા અને ઉત્તર પ્રદેશની સાથોસાથ બીજાં રાજ્યોથી આવેલા ખેડૂતો રેલી યોજશે.

આ જ કારણે દિલ્હીની સીમાઓએ આંદોલન કરી રહેલા ખેડૂતોની સંખ્યા દરરોજ વધી રહી છે.

અધિકારીઓનું કહેવું છે કે તેઓ ખેડૂતોને સીમાઓ સુધી જ સીમિત રાખવા માગે છે કારણ કે, 'જો આ ટ્રૅક્ટર રેલી દિલ્હીની અંદર પ્રવેશશે તો અરાજકતા ફેલાવાની આશંકા' છે.

આ વાત દિલ્હી પોલીસ સુપ્રીમ કોર્ટ સમક્ષ કરેલા સોગંદનામામાં કરવામાં આવી છે.

દરમિયાન શુક્રવારે મોડી સાંજે સિંઘુ બૉર્ડર પર ખેડૂતોએ પત્રકારો સમક્ષ એક નકાબધારી વ્યક્તિને રજૂ કરી. જેણે આરોપ મૂક્યો કે તેમણે અને તેમના સહયોગીઓએ 'ખેડૂત આંદોલનને બદનામ કરવા માટે ગણતંત્ર દિવસે દિલ્હી પર હુમલો કરવાની યોજના બનાવી હતી.'

ખેડૂત સંગઠનોના નેતાઓનું કહેવું છે કે પકડમાં આવેલી વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે તેમને આવું કરવા માટે હરિયાણા પોલીસના એક સ્ટેશન ઇન્ચાર્જે કહ્યું હતું.

જોકે, નકાબધારી વ્યક્તિએ પત્રકારો સામે જે પોલીસ અધિકારીનું નામ લીધું, એ નામનો કોઈ અધિકારી એ સ્ટેશનમાં તહેનાત નથી.

ખેડૂતોએ પકડમાં આવેલી વ્યક્તિને હરિયાણા પોલીસના કોંડલી પોલીસ સ્ટેશનને સોંપી દીધી છે, જ્યાં તેમની ધરપકડ કરી લેવાઈ છે.

શનિવારે હરિયાણાના મુખ્ય મંત્રી મનોહર લાલ ખટ્ટરનું કહેવું હતું કે ધરપકડ કરાયેલ વ્યક્તિની પૂછપરછ ચાલી રહી છે.

જોકે, પકડમાં આવેલી વ્યક્તિનો શનિવારે બીજો વીડિયો સામે આવ્યો જેમાં તેમણે ખેડૂત નેતાઓ પર તેને બંધક બનાવવાનો આરોપ મૂક્યો હતો.

તેમણે એવો આરોપ મૂક્યો કે અમુક ખેડૂત નેતાઓએ તેમને પોલીસ પર આરોપ લગાવવાવાળુ નિવેદન આપવા માટે કહ્યું હતું. હરિયાણા પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

સંયુક્ત કિસાન મોરચના નેતાઓનું કહેવું છે કે ગણતંત્ર દિવસના અવસરે સમગ્ર દેશમાં ખેડૂતો પોતપોતાના વિસ્તારોમાં પરેડ કાઢશે જેમાં દૃશ્યો પણ સામેલ હશે.

ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂની અનુસાર દિલ્હીમાં ગણતંત્ર દિવસના રોજ યોજાઈ રહેલી ટ્રૅક્ટર પરેડનો કોઈ નિર્ધારિત રૂટ નહીં હોય કારણ કે અલગઅલગ સ્થળો પર અલગઅલગ પરેડ કાઢવામાં આવશે.

રૂટના મુદ્દે ખેડૂત સંગઠનોની પોલીસના અધિકારીઓ સાથે વધુ એક બેઠક થવાની છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો