You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં લોહી ચઢાવવાથી થૅલેસેમિયાગ્રસ્ત બાળકને HIVનો ચેપ લાગ્યો હોવાનો આરોપ
રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં ટીનએજરને લોહી ચડાવ્યા બાદ તેને એચ.આઈ.વી.નો ચેપ લાગ્યો હોવાનો પરિવારજનોનો આરોપ છે.
સ્થાનિક પત્રકાર બિપીનભાઈ ટંકારિયા પીડિતના પિતાને ટાંકતા જણાવે છે કે, પીડિત બાળકને થૅલેસેમિયા મેજર હોય, તેને દર 15 દિવસે તેને લોહી ચડાવવું પડતું.
જે પછી બાળકની તબિયત લથડી હતી, જેથી તપાસમાં બાળકને એચ.આઈ.વીનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું.
સિવિલ હૉસ્પિટલની કથિત બેદરકારી વિરુદ્ધ રાજકોટ કૉંગ્રેસ દ્વારા જિલ્લાના કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સિવિલ હૉસ્પિટલમાં લોહી ચડાવ્યા બાદ જ બાળકને એચ.આઈ.વીનો ચેપ લાગ્યો હોવાનું પરિવારનું કહેવું છે.
ઉલ્લેખનીય છે કે એચ.આઈ.વી.ના ચેપને કારણે ઍઇડ્સ થાય છે. સામાન્ય રીતે ચેપગ્રસ્ત વ્યક્તિનું લોહી ચઢાવવાથી, ધંધાદારી રીતે લોહી આપતી વ્યક્તિનું લોહી લેવાથી કે ઍઇડ્સગ્રસ્ત વ્યક્તિ સાથે અસુરક્ષિત જાતીયસંબંધ બાંધવાથી એચ.આઈ.વી.નો ચેપ લાગી શકે છે.
પીડિતના પરિવારજનોના કહેવા પ્રમાણે, દર છ મહિને તેમના બાળકનો એચ.આઈ.વીનો રિપોર્ટ કરવામાં આવતો હતો. જે મુજબ તા. ચોથી જાન્યુઆરીએ લોહી લેવામાં આવ્યું હતું. પરંતુ પરીક્ષણના રિપૉર્ટમાં એચ.આઈ.વી. પૉઝિટિવ આવતા પરિવાર ચોંકી ગયો હતો.
પરિવાર મુજબ તેમણે ક્યારેય બાળકને સિવિલ સિવાય કોઈ ખાનગી હૉસ્પિટલમાંથી લોહી નથી ચડાવ્યું, તેથી સરકારી હૉસ્પિટલના જવાબદાર અધિકારીઓ અને તબીબો સામે કાર્યવાહી કરવામાં આવે.
કેટલાંક ખેડૂત સંગઠનો સરકારના પ્રસ્તાવના પક્ષમાં, આજે ફરી વાતચીત
કેન્દ્ર સરકારના 18 મહિના માટે કૃષિકાયદાને સ્થગિત કરવાના અને ખેડૂતોની સમસ્યા સાંભળવા માટે સંયુક્ત સમિતિ બનાવવાનો પ્રસ્તાવ ખેડૂતોએ નકારી દીધો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે ઇન્ડિયન એક્સપ્રેસ સૂત્રોના હવાલાથી લખે છે કે પંજાબના ખેડૂતનાં 32 સંગઠનો પૈકી ડઝનથી વધારે સંગઠન પ્રસ્તાવનાના પક્ષમાં હતાં, જોકે અન્ય સંગઠનો પ્રસ્તાવની વિરોધમાં હતાં.
આજે બુધવારે ખેડૂતો અને મોદી સરકારના પ્રતિનિધિઓ વચ્ચે 11મી બેઠક છે.
કૃણાલ પંડ્યા સાથે વિવાદ બાદ ક્રિકેટર દીપક હુડા પર BCAનો પ્રતિબંધ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર બરોડા ક્રિકેટ ઍસોસિયેશને દીપક હુડા પર આ વર્ષની ડૉમેસ્ટિક સિઝન માટે પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણયથી બોર્ડના કેટલાક સભ્યો નારાજ થયા છે.
બરોડાના કૅપ્ટન કૃણાલ પંડ્યા અને દીપક હુડા વચ્ચે સૈયદ મુસ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટ શરૂ થવાના એક દિવસ પહેલાં ઝઘડો થયો હતો. હુડાએ આરોપ મૂક્યો હતો કે કૃણાલ પંડ્યા અપશબ્દો બોલ્યા હતા, જેથી તેઓ ગ્રાઉન્ડ છોડીને ઘરે જતા રહ્યા હતા.
બીસીએની પ્રેસ અને પબ્લિસિટી કમિટીના ચૅરમૅન સત્યજીત ગાયકવાડે કહ્યું, "ઍપેક્ષ કાઉન્સિલે નક્કી કર્યું છે કે હુડા હાલની ડૉમેસ્ટિક સિઝનમાં બરોડા ટીમનું પ્રતિનિધિત્વ નહીં કરે. આ નિર્ણય ટીમ મૅનેજર, કૉચ અને હુડા સાથે થયેલી ચર્ચાના આધારે લેવામાં આવ્યો હતો."
હુડા સૈયદ મુસ્તાક અલી ટ્રોફી અને વિજય હઝારે વન ડે ટ્રોફીમાં નહીં રમી શકે. હુડા 2021-22ની સિઝનમાં રમી શકશે.
બીસીએના જૉઇન્ટ સેક્રેટરી પરાગ પટેલે કહ્યું, "હુડાએ મૅનેજમૅન્ટ સાથે ચર્ચા કર્યા વિના ગ્રાઉન્ડ છોડીને જવાનું ખોટું કામ કર્યું હતું. પણ તેમના પર આખી સિઝન માટે પ્રતિબંધ મૂકવો બિનજરૂરી છે. તેમને ઠપકો આપીને રમવા દેવા હતા."
અમિત શાહનું ઍકાઉન્ટ બ્લૉક કરવા અંગે સંસદીય સમિતિએ ટ્વિટરને પ્રશ્નો પૂછ્યા
એનડીટીવીના અહેવાલ અનુસાર નવેમ્બરમાં અમિત શાહના ટ્વિટર એકાઉન્ટને બ્લૉક કરવાને લઈને સંસદીય સમિતી સામે રજૂ થયેલાં ટ્વિટરના અધિકારીઓને આકરા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો.
ગુરુવારે યોજાયેલી બેઠકનો એજન્ડા નાગરિકોના અધિકારોનું રક્ષણ, સોશિયલ મીડિયા ન્યૂઝ પ્લેટફૉર્મના દુરુપયોગને રોકવાનો અને મહિલાસુરક્ષા સંબંધિત હતો.
જોકે સૂત્રોએ કહ્યું કે અધિકારીઓએ પ્રશ્ન કર્યો કે અમિત શાહનું ઍકાઉન્ટ કેમ બ્લૉક કરવામાં આવ્યું? આવું કરવાનો અધિકાર કોણે આપ્યો?
આના પર ટ્વિટરના અધિકારીઓએ જવાબ આપ્યો કે પોસ્ટ કરવામાં આવેલા એક ફોટોના કૉપિટરાઇટના કારણે તેમણે અસ્થાયી રીતે ઍકાઉન્ટને બ્લૉક કરવા મજબૂર થવું પડ્યું હતું.
માઇક્રો બ્લૉગિંગ સાઇટના પ્રવક્તાએ કહ્યું, "જ્યારે શાહનું ઍકાઉન્ટ બ્લૉક કરવામાં આવ્યું ત્યારે ટ્વિટરે આની કૉપીરાઇટ પૉલિસી હેઠળ અજાણતા થયેલી એરર તરીકે વ્યાખ્યા કરી હતી. આને તરત બદલી નાખવામાં આવ્યું અને હવે આ ઍકાઉન્ટ સંપૂર્ણપણે ચાલું છે."
કચ્છમાં થયેલી હિંસામાં 36ની ધરપકડ
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર કચ્છના ગાંધીધામના કડાણા ગામે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા યોજાયેલી રેલી બાદ થયેલી હિંસામાં બી ડિવિઝન પોલીસે 36 લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે ચાર એફઆઈઆર નોંધી છે.
કચ્છ પૂર્વના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ મયૂર પાટીલે કહ્યું, "કિડાણા ગામમાં થયેલી હિંસાનો કેસ નોંધાતાં અમે 36 લોકોની ગઈકાલે ધરપકડ કરી છે. જેમની ધરપકડ કરવામાં આવી છે તેમને હિંસા પછી રાઉન્ડેડ અપ કરાયા હતા."
ધરપકડ કરાયેલા લોકો બંને ગ્રૂપના છે. એસપીએ વધુમાં કહ્યું, "અમારા માટે કયા ગ્રૂપના હતા તે મહત્ત્વનું નથી. મુખ્ય બાબત એ છે કે આ લોકો ગુનો કરવામાં જોડાયેલા હતા."
ઝારખંડના સ્થળાંતરિત મજૂર અર્જુન સોવૈયાની આ હિંસા દરમિયાન હત્યા કરી દેવામાં આવી હતી.
તે અંગે એસપીએ કહ્યું કે અમે હાલ તપાસ કરી રહ્યા છીએ વધારે પુરાવા ભેગા કરવાની જરૂર છે. અમે સીસીટીવી ફૂટેજ અને વીડિયો ક્લિપની તપાસ કરી રહ્યા છીએ.
લાલુપ્રસાદ યાદવની તબિયત લથડી, ન્યુમોનિયાના લક્ષણ
રાંચી રિમ્સમાં સારવાર કરાવી રહેલા આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવની તબિયત અચાનક બગડી છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.
રિમ્સના ડિરેક્ટર ડૉક્ટર કામેશ્વર પ્રસાદે કહ્યું કે લાલુ યાદવની અનેક પ્રકારની તપાસ કરાવવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું, "ઍઇમ્સ દિલ્હીના નિષ્ણાત ડૉક્ટરો સાથે વાત કરવામાં આવી છે. તેઓ પણ અમારી સારવાની પેટન્ટથી ખુશ છે. હાલ ચિંતાની કોઈ વાત નથી. શુક્રવારે બીજી કેટલીક તપાસ થશે."
જેલ આઈજી ડૉ.વીરેન્દ્ર ભૂષમે કહ્યું, "ડૉક્ટરોના કહેવા પ્રમાણે ન્યુમોનિયાનાં લક્ષણો જોવા મળ્યાં હતાં."
યાદવનો ઍન્ટિજન ટેસ્ટ નૅગેટિવ આવ્યો છે, જ્યારે આરટીપીસીઆર શુક્રવાર સવારે આવવાની આશા છે.ૃ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો