એ ભારતીય જે કોરોનાના ડરથી ત્રણ મહિના ઍરપૉર્ટમાં ગોંધાઈ રહ્યો

કોરોનાના ભયનો એક વિચિત્ર કિસ્સો અમેરિકાના શિકાગો ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ ખાતે જોવા મળ્યો છે. જ્યાં મહામારી દરમિયાન યાત્રા કરવાથી એક શખ્સ એટલો ડરી ગયો હતો કે તે વિમાનમથકના સુરક્ષિત વિસ્તારમાં કોઈને જણાવ્યા વગર રહેવા લાગ્યો હતો.

36 વર્ષીય આદિત્યસિંહની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. એક ઍરલાઇન કર્મચારીએ આદિત્યને તેમની ઓળખ છતી કરવાનું કહેતાં સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું.

આદિત્યે એક બેજ દેખાડીને પોતે ઑપરેશન મૅનેજર હોવાનો દાવો કર્યો હતો. જોકે, એ મૅનેજરે ઑક્ટોબર મહિનામાં જ પોતાનો બિલ્લો ખોવાઈ ગયો હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે, આદિત્યસિંહ 19મી ઑક્ટોબરે વિમાન દ્વારા લૉસ એન્જલ્સથી ઓ'હારે ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પહોંચ્યા હતા.

'શિકાગો ટ્રિબ્યુન'ના રિપોર્ટ મુજબ, આસિસ્ટન્ટ સ્ટેટ ઍટર્ની કૅથલી હેગર્ટીએ જણાવ્યું કે ઍરપૉર્ટ પર આદિત્યને કથિત રીતે આ બિલ્લો મળ્યો હતો અને તેઓ 'કોવિડને કારણે ઘરે જતાં ડરી રહ્યા હતા.'

આરોપી પક્ષના જણાવ્યા પ્રમાણે, અન્ય મુસાફરો પાસેથી મળેલાં ભોજન તથા પૈસાથી ગુજરાન ચલાવ્યું હતું. કૂક કાઉન્ટીના ન્યાયાધીશ સુજાના ઓર્ટિઝે આ મામલે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

રવિવારે આદિત્યસિંહ સામે આરોપનામું દાખલ કરનાર વકીલને જજે કહ્યું, "જો હું બરાબર સમજી હોઉં તો તમે કહી રહ્યા છો કે એક અનધિકૃત, બિનકર્મચારી વ્યક્તિ 19મી ઑક્ટોબરથી 16મી જાન્યુઆરી 2021 દરમિયાન ઓ'હારે હવાઈમથકના સુરક્ષિત વિસ્તારમાં કથિત રીતે રહેતી હતી અને તેના વિશે કોઈને જાણ ન થઈ? હું તમારી વાતને વધુ સારી રીતે સમજવા ચાહું છું."

આસિસ્ટન્ટ પબ્લિક ડિફેન્ડર કર્ટન સ્મૉલવુડના કહેવા પ્રમાણે, આદિત્ય લૉસ એન્જલ્સના પરાવિતારમાં રહે છે અને તેઓ ગુનાહિત પૃષ્ઠભૂમિ નથી ધરાવતા. જોકે તેઓ શા માટે શિકાગો આવ્યા હતા, તે હજુ સુધી સ્પષ્ટ નથી.

ઍરપૉર્ટ પર દેખરેખ

આદિત્યસિંહ ઉપર ઍરપૉર્ટના પ્રતિબંધિત વિસ્તારમાં ખોટી રીતે ઘૂસવાનો તથા ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમણે જામીન પેટે એક હજાર ડૉલર ભરવાના રહેશે, ત્યાર સુધી તેઓ હવાઈમથકમાં પ્રવેશી નહીં શકે.

જજ ઑર્ટિઝના કહેવા પ્રમાણે, "અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલી પરિસ્થિતિ તથા તથ્યો ચોંકાવનારા જણાય છે. આટલો સમય સુધી આ ચાલતું રહ્યું હતું."

"લોકો સલામત રીતે મુસાફરી ખેડી શકે તે માટે ઍરપૉર્ટ સંપૂર્ણપણે સુરક્ષિત હોય તે જરૂરી છે. મને લાગે છે કે આવાં કથિત કામોને કારણે આ શખ્સ સમાજ માટે જોખમરૂપ બની ગયો છે."

હવાઈમથકો ઉપર દેખરેખ રાખતા શિકાગો વિમાનવિભાગે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું, "આ ઘટનાનની તપાસ ચાલુ છે, પરંતુ આ શખ્સે હવાઈમથક કે કોઈ મુસાફરની સુરક્ષાને જોખમ ઊભું થાય તેવું કોઈ કૃત્ય નહોતું કર્યું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો