વૉટ્સઍપે બદલી પ્રાઇવસી પૉલિસી, નહીં સ્વીકારો તો ઍકાઉન્ટ ડિલીટ થશે

વૉટ્સઍપે મંગળવારે યુઝર્સને નૉટિફિકેશન્સ મોકલીને ટર્મ્સ ઍન્ડ કન્ડિશન્સમાં થઈ રહેલા ફેરફાર અંગે જાણ કરી હતી. હવે આ અંગે સોશિયલ મીડિયા પર લોકો વૉટ્સઍપ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

ટેક હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે વૉટ્સઍપની આ નવી પ્રાઇવસી પૉલિસી 8 ફેબ્રઆરી 2021થી અમલમાં આવશે.

અહેવાલ પ્રમાણે વૉટ્સઍપનું કહેવું છે કે જે લોકો આ નવી ટર્મ્સ ઍન્ડ કન્ડિશન્સ નહીં સ્વીકારે તેમને હઠાવી દેવામાં આવશે.

આ નૉટિફિકેશનમાં વૉટ્સઍપે અનેક નવી અપડેટ્સ વિશે જાણકારી આપી છે, કંપનીએ જણાવ્યું છે કે તેઓ કઈ રીતે તેમના યુઝર્સના ડેટાને પ્રૉસેસ કરે છે.

અહેવાલ પ્રમાણે વૉટ્સઍપની અપડેટેડ પૉલિસીમાં યુઝર્સ દ્વારા કંપનીને આપવામાં આવતાં લાઇસન્સ અંગે કેટલીક બાબતો લખવામાં આવી છે.

એમાં લખ્યું છે કે 'અમારી સર્વિસને ઑપરેટ કરવા માટે જે કન્ટેન્ટને તમે અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ કે રિસીવ કરો છો; તેને યુઝ, રિપ્રૉડ્યુસ, ડિસ્ટ્રિબ્યુટ, ડિસ્પ્લે કરવા માટે દુનિયાભરમાં નૉન-ઍક્સક્લુસિવ, રૉલ્ટી ફ્રી અને ટ્રાન્સફરેબલ લાઇસન્સ આપીએ છીએ.'

'ઠાકુર' બ્રાન્ડના જૂતાં વેચવા બદલ મુસ્લિમ દુકાનદારની ધરપકડ

ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લામાં પોલીસે 'ઠાકુર' બ્રાન્ડના જૂતાં વેચવાના આરોપમાં ફરિયાદ નોંધીને દુકાનદારની ધરપકડ કરી છે. દુકાનદારની સામે ફરિયાદ એક બજરંગ દળના કાર્યકર્તાએ કરી હતી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર છપાયેલા સમાચાર પ્રમાણે કેસ બુલંદશહેરના ગુલાવઠીનો છે. બજરંગ દળના સભ્ય વિશાલ ચૌહાણે એક દુકાનદાર પર જૂતાના સોલ પર ઠાકુર લખેલું જોયું તો દુકાનદારની પાસે જઈને તેનો વિરોધ કર્યો અને જાતિગત ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો.

સમાચાર મળતા મોટી સંખ્યામાં લોકો દુકાન પાસે એકઠા થઈ ગયા. જોકે દુકાન ચલાવી રહેલાં મોહમ્મદ નાસિક તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે 'ઠાકુર' જૂતાંની એક બ્રાન્ડ છે. વિશાલ ચૌહાણે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી.

પોલીસને આપવામાં આવેલી ફરિયાદ તેમણે દુકાનદાર અને જૂતા દેખાડનાર સામે કરી અને સખત કાર્યવાહીની માગ કરી.

આ ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે જેમાં દુકાનદાર અને બજરંગદળ કાર્યકર્તાઓની વચ્ચે રકઝક થઈ રહી છે.

ઈસરોના વૈજ્ઞાનિકનો દાવો તેને ત્રણ વર્ષ પહેલાં ઝેર આપવામાં આવ્યું હતું

ઇસરોના ઉચ્ચ વૈજ્ઞાનિક તપન મિશ્રાએ મંગળવારે દાવો કર્યો હતો કે તેમને ત્રણ વર્ષ પહેલાં ઝેર આપવામાં આવ્યું હતું.

અગાઉ અમદાવાદમાં આવેલાં ઇસરોના સ્પેસ ઍપ્લિકેશન સેન્ટરના વૈજ્ઞાનિક રહેલાં તપન મિશ્રા હાલ ઇસરોના સિનિયર એડવાઇઝર છે અને આ મહિના અંતમાં ઘડપણને કારણે નિવૃત થવાના છે.

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર તેમને ઢોસાની સાથેની ચટણીમાં આર્સેનિક ટ્રાયોક્સાઇડ મિક્સ કરીને આપવામાં આવ્યું હતું.

તપન મિશ્રાએ ફેસબુક પર લખેલી પોસ્ટમાં દાવો કર્યો છે કે ગૃહ મંત્રાલયના સુરક્ષા અધિકારીઓ તેમને મળ્યા હતા અને તેમને આર્સેનિક ઝેરની ચેતવણી આપી હતી અને તેમણે તેની પર ધ્યાન આપ્યું હતું.

તેમને ત્યારબાદ શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, ચામડી ઉખડવા લાગી હતી અને ફંગલ ઇન્ફેક્શન પણ થયું હતું. તેમને દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા તેના દસ્તાવેજ પણ તેમણે ફેસબુક પર મૂક્યા હતા.

તપન મિશ્રાએ પીટીઆઈને કહ્યું હતું કે મારી સરકાર પાસે માગ છે કે આમાં તપાસ કરવામાં આવે. ઇસરો તરફથી આ મામલે કોઈ નિવેદન આવ્યું નથી.

વૅક્સિનના વિવાદ વચ્ચે મોદી સરકાર 10 દિવસમાં રસીકરણ શરૂ કરવાની તૈયારીમાં

કોરોના વાઇરસની રસીને મળેલી મંજૂરીને લઈને વિવદ ચાલી રહ્યો છે ત્યારે એક મહત્ત્વની જાહેરાત થઈ છે. જેમાં કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે કોરોના વાઇરસના રસીકરણ મામલે સરકાર તૈયાર છે.

ન્યૂઝ વેબસાઇટ 'મિંટ'ના અહેવાલ અનુસાર આગામી 10 દિવસમાં રસીકરણ શરૂ થઈ શકે છે. જેમાં 13મી જાન્યુઆરીથી તે શરૂ થઈ જાય તેવી પણ શક્યતા છે.

ગત સપ્તાહે સરકારે રસીકરણ માટે એક મૉકડ્રીલ પણ હાથ ધરી હતી. અત્રે નોંધવું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિશ્વમાં આ સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેષ ભૂષણે કહ્યું કે કોવિડ-19 રસીના કાર્યક્રમને આગામી દસ દિવસોની અંદર અમલમાં મૂકવામાં આવશે.

બાઇડનની જીત પર મહોર માટે આજે અમેરિકી સંસદનું સત્ર

આજે અમેરિકી સંસદનું સંયુક્ત સત્ર યોજાશે. જેમાં સંસદ જો બાઇડનની જીત પર મહોર લગાવશે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર આજે સંયુક્ત સત્રમાં ઇલેક્ટોરલ વોટની પ્રક્રિયા હાથ ધરાશે.

વળી એક તરફ ટ્રમ્પ સમર્થિત કેટલાક સૅનટર્સ વાંધો રજૂ કરવાના મૂડમાં છે, તો બીજી તરફ કેટલાક બાઇડનની જીત પર મહોર લગાવીને બાઇડનની જીતને સત્તાવાર બનાવી અમેરિકાને નવા રાષ્ટ્રપતિ આપવાની તૈયારીમાં છે.

આજે થનારી ચર્ચા અને મતદાનમાં ટ્રમ્પ સમર્થિત સૅનેટર્સ અને સભ્યોની પ્રવૃત્તિ તમામની નજર રહેશે. જોકે ગૃહમાં બાઇડનના પક્ષની બહુમતી છે.

વળી, આ સાથે જ સૅનેટની બે બેઠકો માટે જ્યૉર્જિયામાં મતદાન થઈ રહ્યું છે. આ બે બેઠકોની ચૂંટણી જો બાઇડનને અસર કરી શકે છે.

10 કરોડ ભારતીય ડેબિટ-ક્રૅડિટ-કાર્ડ યુઝર્સના ડેટા લીક થયા?

'ઇકૉનોમિક ટાઇમ્સ'ના અહેનાલ અનુસાર મોટી સંખ્યામાં ભારતીયોના ડેબિટ અને ક્રૅડિટ કાર્ડના ડેટા લીક થયા છે.

સાયબર સિક્યૉરિટી નિષ્ણાત રાજશેખર રાજહરિયાના દાવા અનુસાર ઓછામાં ઓછા 10 કરોડ ભારતીયોનો ડેટા લીક થયો છે.

તેમના અનુસાર આ ડેટા ડાર્ક વેબ પોર્ટલ પર વેચાઈ રહ્યો છે. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે કાર્ડ ક્યારે ઍક્સપાયર થાય છે તેની પણ વિગતો ડેટામાં સામેલ હતી. આનાથી યૂઝર્સ સામે ફિશિંગ ઍટેક થવાનું જોખમ પણ રહેલું છે.

ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ 700ની અંદર

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કોરોના વાઇરસ સંક્રમિત કેસો સંબંધિત આંકડા મુજબ રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ 700ની નીચે રહ્યાં છે.

ગત મહિને દિવાળી પછી કોરોનાના કેસ એકાએક 1000થી પણ વધી ગયા હતા. પરંતુ છેલ્લે કેટલાક દિવસોથી તે પહેલાં 1000ની નીચે આવ્યા અને હવે 700ની અંદર આવી ગયા છે.

ગત 24 કલાકમાં રાજ્યમાં 655 કેસ નોંધાયા છે અને 4 મોત નોંધાયા. અત્રે નોંધવું કે કોરોનાથી થતાં મોત પણ ઘટ્યા છે અને રિકવરી રેટ પણ વધી રહ્યો છે.

ભારત ઘરેલુ મુદ્દાઓ પર ધ્યાન આપે - ચીનનું સરકારી અખબાર

ચીનના સરકારી અખબાર ગ્લૉબલ ટાઇમ્સે મોદી સરકારને ઘરેલુ મુદ્દાઓ પર ધ્યાન આપવા સલાહ આપી છે.

અખબારે લખ્યું છે કે ભારત અને ચીન સરહદી વિવાદ ઉકેલવા તરફ આગળ ધપી રહ્યા છે. ભારત સરકાર માટે ઘરેલુ મામલાઓને લઈને લોકો અને સરકાર વચ્ચેનો વિવાદ ઉકેલવો મહત્ત્વનો છે. આ મુદ્દાઓમાં કૃષિકાયદાઓ અને ભૂમિ વિતરણ સામેલ છે.

અખબાર લખે છે કે આ સંજોગોમાં ભારતે સરહદે તણાવ વધારવાને બદલે ઘરેલુ મામલાઓ પર ધ્યાન આપવું જોઈએ.

આ દરમિયાન ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે ચીનની સેનાને કોઈ પણ સમયે સંપૂર્ણ યુદ્ધ માટે તૈયાર રહેવા મામલેનું નિવેદન આપ્યું છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર તેમણે આર્મીને કોઈ પણ સમયે સંપૂર્ણ યુદ્ધ માટે સજ્જ રહેવાનો નિર્દેશ આપ્યો છે.

ચીનની સમાચાર એજન્સી ઝિન્હુઆને ટાંકીને અહેવાલમાં કહેવાયું છે કે વાસ્તવિક યુદ્ધની પરિસ્થિતિની તાલીમને વધુ મજબૂત કરવા માટે કહેવાયું છે.

હાલ વૈશ્વિક સ્તરે કોરોના વાઇરસને કારણે ચીન અને અમેરિકા વચ્ચેના સંબંધો તથા વૈશ્વિક રાજનીતિને ધ્યાને લેતા જિનપિંગના આવા નિવેદને વિશ્વમાં ચર્ચા જગાવી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો