સુશાંતસિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીનો મીડિયા ટ્રાયલનો આરોપ, ફરી સુપ્રીમ કોર્ટમાં પિટિશન

સુશાંત સિંહ રાજપુત કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં નવી પિટિશન દાખલ કરી છે. જેમાં તેણે આ કેસમાં મીડિયા ટ્રાયલની ફરિયાદ કરી છે.

રિયા ચક્રવર્તીની ફરિયાદ પ્રમાણે મીડિયા ટ્રાયલમાં તેમને સુશાંતસિંહ રાજપુતના મૃત્યુમાં દોષિત ઠેરવવામાં આવી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પોતાની પિટિશનમાં રિયા ચક્રવર્તીએ કહ્યું કે આ કેસને જે પ્રકારે સનસનીખેજ બનાવવામાં આવી રહ્યો છે તેનાથી તેમની પ્રાઇવસીને હાનિ પહોંચી રહી છે સાથે તે વધારે તણાવનો પણ અહેસાસ કરી રહી છે.

રિયા ચક્રવર્તીએ પોતાની પિટિશનમાં 2જી ઘોટાળો અને આરૂષી તલવાર હત્યાકાંડમાં મીડિયા ટ્રાયલ થયા હોવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે મીડિયામાં જે લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા તે પાછળથી નિર્દોષ સાબિત થયા હતા.

ઉલ્લેખનીય છે કે સુશાંતસિંહ રાજપૂતનો કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે અને તેને લઈને મહારાષ્ટ્ર-બિહાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ખટરાગ ઊભો થયો છે.

સુશાંતસિંહ રાજપૂત મૃત હાલતમાં એમના ઘરથી મળી આવ્યા હતા અને પોલીસે આત્મહત્યા ગણાવી તપાસ હાથ ધરી હતી.

ગુજરાતના નવથી વધારે જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાનવિભાગે બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. રવિવારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસ્યા બાદ 10 ઑગસ્ટે પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, સુરત અને તાપી જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

12 ઑગસ્ટે દક્ષિણ ગુજરાતમાં અને 13 ઑગસ્ટે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

13 ઑગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરા નગરહવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

13 ઑગસ્ટે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં 107 નવી શાળા ખોલવાનો નિર્ણય મોકૂફ

જ્યારે ગુજરાતની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના દાખલાની સંખ્યા વધવાના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે 2020-21ના વર્ષમાં 107 નવી સરકારી શાળાઓ ખોલવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ભંડોળની અછતને કારણે સ્કૂલ નહીં ખોલી શકાય.

અધિકારીઓને ટાંકતાં અખબાર લખે છે કે વર્તમાનમાં ચાલતી સરકારી પ્રાથમિક શાળાઓના ભંડોળમાંથી પણ આ નવી સ્કૂલો ચલાવી શકાય તેમ નથી.

આની સૌથી વધારે અસર આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં થશે જ્યાં આ 107 નવી શાળાઓ ખોલવાનું આયોજન હતું.

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે "કોવિડ-19 મહામારી વચ્ચે ફંડની કમીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમે આ વિશે કામ કરીશું અને જોઈશું કે શું કરી શકાય."

ગુજરાતના શિક્ષણવિભાગે 10 ડિસેમ્બર 2019ના દિવસે બિનઆદિવાસી અને આદિવાસી વિસ્તારોમાં 118 માધ્યમિક સ્કૂલોનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો, જેમાંથી 107 શાળાઓ 2020-21 વર્ષમાં શરૂ થનાર હતી.

જોકે 17 જૂન 2020એ શિક્ષણવિભાગે જિલ્લાઓના શિક્ષણઅધિકારીઓને માધ્યમિક સ્કૂલો ત્વરિત પ્રભાવથી સરકારી પ્રાથમિક શાળાઓની ઇમારતોમાં ચાલુ કરવાના નિર્દેશ કર્યા હતા.

જોકે, તેના એક દિવસ પછી શિક્ષણવિભાગે કહ્યું કે "આગામી નિર્દેશ સુધી 17 જૂને આપેલો નિર્દેશ હોલ્ડ પર રહેશે."

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના જિલ્લા શિક્ષણઅધિકારી રાકેશ વ્યાસે કહ્યું કે તેમને રાજ્ય સરકાર તરફથી આગામી નિર્દેશ સુધી આ પગલું હોલ્ડ પર રાખવાનું કહેવામાં આવ્યું હતું.

ભારત-નેપાળ વચ્ચે ગૌતમ બુદ્ધના જન્મ અંગે વિવાદ

ભારત અને નેપાળ વચ્ચે રામ પછી ગૌતમ બુદ્ધના જન્મને લઈને વિવાદ ઊભો થયો છે.

ભારતે વિદેશમંત્રી એસ. જયશંકરના નિવેદનને લઈને સ્પષ્ટતા કરી છે કે તેમણે ગૌતમ બુદ્ધની સંયુક્ત વિરાસતનો ઉલ્લેખ કર્યો હતો અને એમાં કોઈ શંકા નથી કે બૌદ્ધ ધર્મના સંસ્થાપકનો જન્મ નેપાળના લુંબિનીમાં થયો હતો.

શનિવારે એક વેબિનાર દરમિયાન જયશંકરે ભારતના નૈતિક નેતૃત્વનો ઉલ્લેખ કર્યો હતો અને ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીના પાઠ આજે પણ સુસંગત છે.

જોકે, એનડીટીવીના અહેવાલ પ્રમાણે પ્રમાણે નેપાળી મીડિયાએ નોંધા લીધી છે કે 'એવું કહેવામાં આવ્યું છે કે બુદ્ધ ભારતીય હતા'.

નવી દિલ્હીમાં વિદેશમંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે સ્પષ્ટતા કરી કે વિદેશમંત્રીનું નિવેદન ભારત અને નેપાળના સંયુક્ત બૌદ્ધ વારસા પર આધારિત હતું.

તેમણે કહ્યું, "એમાં કોઈ શંકા નથી કે ગૌતમ બુદ્ધનો જન્મ લુંબિનીમાં થયો હતો, જે નેપાળમાં છે."

આની પહેલાં નેપાળના વિદેશમંત્રીએ ભારતીય વિદેશમંત્રીના નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ઐતિહાસિક પુરાવાઓ સ્પષ્ટ કરે છે કે બુદ્ધનો જન્મ નેપાળના લુંબિનીમાં થયો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો