You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આર્યન ખાન જામીન : શાહરુખ ખાનનો દીકરો 28 દિવસ બાદ જેલમાંથી જામીન પર બહાર, શું છે શરતો?
- લેેખક, કમલેશ
- પદ, બીબીસી સંવાદદાતા
ડ્રગ્સના કેસમાં અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન આજે શનિવારે જામીન પર જેલમાંથી બહાર આવ્યા છે, તેમને ગુરુવારે જામીન મળ્યા હતા.
જોકે ઔપચારિકતાના કારણે શનિવારે સુધી આર્યન ખાનને મુંબઈની આર્થરરોડ જેલમાં રાખવામાં આવ્યા હતા.
જે બાદ બૉમ્બે હાઈકોર્ટે શુક્રવારે જામીનની શરતો જણાવી હતી.
ગુરુવારે બૉમ્બે હાઈકોર્ટે આ કેસમાં આર્યન ખાનની સાતે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને પણ જામીન આપ્યા હતા.
આ જામીનની સાથે 14 શરતો મૂકવામાં આવી છે અને જો તેનું ઉલ્લંઘન થશે તો જામીન રદ કરવામાં આવશે.
જામીન બાદ પણ આર્યન ખાન શનિવાર સુધી જેલમાં કેમ?
માહિતી પ્રમાણે સાંજે સાડા પાંચ વાગ્યા પછી કોઈ કાર્યવાહી નહીં થાય, એવું જેલના તંત્ર દ્વારા જણાવાયું હતું, પરંતુ લીગલ ટીમ પેપરવર્ક કરવાનો સમય સાચવી શકી ન હતી.
જૂહી ચાવલા સાંજે 6.10 વાગ્યે એક લાખ રૂપિયાનું જામીનખત સાઇન કરીને બહાર આવ્યાં હતાં.
મંગળવારે આર્યન ખાનની જામીનઅરજી પર બૉમ્બે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી અને ત્રણ દિવસ સુધી ચાલેલી દલીલો બાદ આખરે કોર્ટે 28 ઑક્ટોબરે આર્યન ખાનને જામીન આપ્યા હતા અને શુક્રવારે 29 ઑક્ટોબરે પાંચ પાનાંના બેલ-ઑર્ડર સાથે જામીનની શરતો જણાવાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્રણ અઠવાડિયાંથી આર્યન ખાન જેલમાં બંધ હતા અને બે વખત તેમના જામીન નીચલી કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા હતા.
જે બાદ આખરે શનિવારે સવારે આર્યન ખાનને આર્થર રોડ જેલમાંથી મુક્ત કરાયા છે.ગુરુવારે જામીન મળ્યા બાદ શનિવાર સવાર સુધી આર્યન ખાન મુંબઈની આર્થર રોડ જેલમાં હતા, જેનાં કારણોમાં તેમની જામીનની શરતો અને જેલ સુધી દસ્તાવેજો પહોંચવાની ડેડલાઇન પસાર થઈ જવા જેવી બાબતો સામેલ છે.
અદાલતે કઈ શરતો મૂકી?
- દરેક આરોપીએ એક લાખ રૂપિયાનાં જામીનખત ભરવા પડશે.
- આરોપીઓએ ધ્યાન રાખવાનું રહેશે કે આ પ્રકારના કોઈ પણ કેસમાં તેઓ સામેલ ન હોય.
- આરોપી કોઈ પણ સહઆરોપીનો સંપર્ક નહીં કરે, સાથે જ આ મામલામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલી કોઈ પણ વ્યક્તિનો કોઈ પણ પ્રકારે સંપર્ક કરવાનો પ્રયાસ નહીં કરે.
- જ્યાં સુધી આ કેસ એનડીપીએસની વિશેષ અદાલતમાં ચાલે, ત્યાં સુધી આરોપી કોઈ પણ એવું કામ નહીં કરે, જેની કેસ પર અસર થાય.
- આરોપીઓ જાતે કે કોઈના દ્વારા પુરાવા સાથે છેડછાડ કરવાના પ્રયાસ નહીં કરે.
- એનડીપીએસના સ્પેશિયલ જજની અનુમતિ વગર આરોપી દેશમાંથી બહાર જઈ શકશે નહીં.
- મુંબઈમાંથી બહાર જવા માટે આરોપીઓએ તપાસ અધિકારીને જાણ કરવાની રહેશે અને જરૂરી માહિતી આપવાની રહેશે.
- આરોપીઓએ દર શુક્રવારે 11 વાગ્યાથી બપોરના બે વાગ્યા વચ્ચે એનસીબી કચેરીમાં જઈને હાજરી પુરાવવાની રહેશે.
- જ્યાં સુધી કોઈ અગત્યનું કારણ ન હોય, ત્યાં સુધી અદાલતમાં તમામ સુનાવણી દરમિયાન આરોપીઓએ હાજર રહેવાનું રહેશે.
- આ કેસની ટ્રાયલમાં વિલંબનું કારણ આરોપીઓ કોઈ પણ પ્રકારે નહીં બને.
- જ્યારે પણ એનસીબી આરોપીઓને બોલાવે, તો તેમણે હાજર રહેવાનું રહેશે.
જો આ શરતોનું ઉલ્લંઘન થશે તો જામીન રદ કરવામાં આવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો