બિયરની બૉટલ પર હિંદુ દેવી-દેવતાઓની તસવીરનું સત્ય શું છે?

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

સોશિયલ મીડિયા ઉપર ઑસ્ટ્રેલિયન 'બિયરની જાહેરાત'ની એક કૉપી શેર કરવામાં આવી રહી છે, જેની ઉપર હિંદુઓના દેવતા ગણેશની તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

દક્ષિણ ભારતના ઘણાં વૉટ્સઍપ ગ્રૂપ્સમાં આ વાઇરલ જાહેરાતને એવું કહીને શેર કરવામાં આવી છે કે આ રીતે મદિરાની બૉટલ ઉપર હિંદુ દેવી-દેવતાઓની તસવીરોનો ઉપયોગ કરીને હિંદુઓની ભાવનાઓને દુભાવવામાં આવી રહી છે.

કેટલાક ટ્વિટર યૂઝર્સએ આ તસવીરને ટ્વીટ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સહિત ઘણાં અન્ય મોટા નેતાઓને અપીલ કરી છે કે તેઓ આની વિરુદ્ધ ફરિયાદ કરે અને બૉટલ ઉપર લગાવેલી ગણેશની તસવીરને હટાવવાનો પ્રયત્ન કરે.

ઘણાં લોકોએ આ જાહેરાતની સાથે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન મૈલ્કમ ટુર્નબુલને પણ ટેગ કર્યા છે અને તેમને જાહેરાત પ્રસારિત કરનારી કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

વાઇરલ જાહેરાત અનુસાર, ઑસ્ટ્રેલિયાની બ્રુકબેલ યૂનિયન નામની બિયર કંપની ટૂંક સમયમાં કોઈ નવું ડ્રિંક લાવી રહી છે, જેની ઉપર ભગવાન ગણેશની તસવીર છે અને હોલીવૂડ ફિલ્મ 'પાયરેટ્સ ઑફ કેરેબિયન'ની જેમ તેમની સુરત બદલી નાખવામાં આવી છે.

સોશિયલ મીડિયા ઉપર ઘણાં લોકો એવા પણ છે જે આ જાહેરાતને સાચી માનવા તૈયાર નથી. તેમનો અભિપ્રાય છે કે કોઈએ આ જાહેરાત સાથે છેડછાડ કરી છે.

પરંતુ અમારી તપાસમાં આ જાહેરાત સાચી હોવાનું જણાયું છે. બ્રુકવેલ યુનિયન નામની ઑસ્ટ્રેલિયન બિયર કંપની ટૂંક સમયમાં એક ડ્રિંક લઈને આવી રહી છે, જેની બૉટલ ઉપર ગણેશની તસવીરનો ઉપયોગ કરવામાં આવશે.

તમે આ વાંચ્યું કે નહીં?

જૂનો વિવાદ

ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ (સિડની)માં સ્થિત આ કંપની વર્ષ 2013માં પણ બિયરની બૉટલ્સ પર ગણેશ અને લક્ષ્મીની તસવીરનો ઉપયોગ કરવાની બાબતે ચર્ચામાં આવી હતી.

એ વખતે કંપનીએ બૉટલ ઉપર દેવી લક્ષ્મીની તસવીર લગાવી હતી અને તેમનું માથું ગણેશના મસ્તક સાથે બદલી નાખ્યું હતું. બૉટલ ઉપર ગાય અને 'માતાના સિંહ'ને પણ છાપવામાં આવ્યાં હતાં.

'ધ ટેલીગ્રાફ'ના અહેવાલ અનુસાર, વર્ષ 2013માં આ વિવાદાસ્પદ જાહેરાત ઉપર એક કથિત આંતરરાષ્ટ્રીય હિંદુ સંગઠને વાંધો નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે પૈસા કમાવા માટે હિંદુઓની ધાર્મિક ભાવનાની મજાક ઉડાવવી એ નિમ્ન સ્તરની હરકત છે અને તેને સહન કરી શકાય નહીં.

આ અહેવાલ અનુસાર, હિંદુ સંગઠને બ્રુકવેલ યુનિયન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવાની વાત કહી હતી.

સમાચાર એજન્સી 'પીટીઆઈ' (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇંડિયા)ના રિપોર્ટ અનુસાર, ઑસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય સમુદાયના લોકોએ કંપની દ્વારા દેવી લક્ષ્મીનો ફોટો ઉપયોગમાં લેવાનો વિરોધ કર્યો હતો.વિવાદ વધતો જોઈને બિયર કંપનીએ એક નિવેદન પ્રકાશિત કરીને ભારતીય સમુદાયના લોકોની માફી માંગી હતી.

'ડેઇલી ટેલીગ્રાફે' પોતાના અહેવાલમાં કંપનીનું નિવેદન છાપ્યું હતું, જેમાં લખ્યું હતું:

"અમે લડનારા નહીં, પ્રેમ કરનારા લોકો છીએ. અમને લાગે છે કે ઇચ્છા ના હોવા છતાં પણ અમે અમારા હિંદુ સાથીઓની આસ્થાને ઠેસ પહોંચાડી છે. અમે ફિડબેક લઈ રહ્યા છીએ."

"કેટલીક નવી ડિઝાઇન પણ શોધી રહ્યા છીએ. ટૂંક સમયમાં બૉટલોનું નવું બ્રાન્ડિંગ અને નવી ડિઝાઇન તૈયાર કરાવવાનો અમારો પ્રયત્ન રહેશે."

હિંદુ સંગઠનોના પ્રયત્નો

કેટલાક અહેવાલોમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે બિયર કંપનીની વેબસાઇટ પર ગણેશની પ્રતિમા ઉડતી દેખાય છે, જેનો ચહેરો વચ્ચે-વચ્ચે ભારતીય ક્રિકેટર સચિન તેંડૂલકરના ચહેરામાં બદલાઈ જાય છે.

બિયરની બૉટલ્સ ઉપરથી દેવી-દેવતાઓની તસવીરોને હટાવવા માટે ઘણી ઑનલાઇન પિટિશન પણ દાખલ કરવામાં આવી છે.

વર્ષ 2015માં પણ કેટલાક ધાર્મિક સંગઠનોએ ઑસ્ટ્રેલિયામાં જાહેરાતો ઉપર નજર રાખતી સંસ્થાને 'બ્રુકબેલ યુનિયન'ની ફરિયાદ કરવાની વાત કહી હતી.

સંગઠને કહ્યું હતું, "ફરિયાદ કર્યાના બે વર્ષ પછી પણ બિયર કંપની પોતાની બૉટલ્સ પર વાંધાજનક લેબલો લગાવી રહી છે."

"એમની બૉટલ્સ પર અને તેમની વેબસાઇટ પર હિંદુઓના દેવી-દેવતાઓની તસવીરો લાગેલી છે. તેની ઉપર તરત જ પ્રતિબંધ લાગવવો જોઈએ."

જોકે, બ્રુકવેલ યુનિયને હજુ સુધી પોતાની બિયરની બૉટલ્સના લેબલમાં અને વેબસાઇટ પર લાગેલી તસવીરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.

અમે ઈ-મેલ દ્વારા કંપનીને એ સવાલ પૂછ્યો હતો કે 'શું તેઓ નજીકના ભવિષ્યમાં બૉટલ્સનું પેકિંગ બદલવાના છે?' કંપનીએ તેનો કોઈ જવાબ આપ્યો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો