તમે 14મી જાન્યુઆરીએ ખોટી તારીખે તો 'ઉત્તરાયણ' નથી ઊજવીને?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી

14મી જાન્યુઆરીના દિવસને મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ તરીકે ઊજવવામાં આવે છે, પરંતુ શું ખરેખર એ દિવસે ઉત્તરાયણ હોય છે?

પંચાંગ પ્રમાણે, સૂર્ય ગ્રહનો મકર રાશિમાં પ્રવેશ થતો હોવાથી તેને 'મકરસંક્રાંતિ' કહેવામાં આવે છે. આ દિવસને 'ઉત્તરાયણ' તરીકે ઊજવાય પણ છે.

પરંતુ શું ખરેખર એવું હોય છે? જ્યોતિષશાસ્ત્ર તથા ખગોળશાસ્ત્રના આધારે આ મુદ્દાને સમજવા માટે પ્રયાસ કરીશું.

14મી જાન્યુઆરી અને મકરસંક્રાંતિ

કાર્તિકી પંચાગનું સંપાદન કરતા વસંતલાલ પોપટના કહેવા પ્રમાણે, "સૂર્ય મકર રાશિમાં પ્રવેશતો હોવાથી તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે."

"જ્યોતિષશાસ્ત્ર મુજબ, જેમ-જેમ અયનાંશ (અયન અને અંશની સંધિ) વધતા જશે તેમ-તેમ દિવસ ઉમેરાતો જશે. અયનાંશ વધવાને કારણે આગામી વર્ષોમાં 15મી કે 16મી જાન્યુઆરી પણ મકરસંક્રાંતિ હશે."

વસંતલાલ છેલ્લા 26 વર્ષથી હરિલાલ પ્રેસ પંચાગનું સંપાદન કરે છે, જે 74 વર્ષથી પ્રકાશિત થાય છે.

14મી જાન્યુઆરીને ગુજરાત-રાજસ્થાન અને ઉત્તરાખંડમાં 'ઉત્તરાયણ', તામિલ કેલેન્ડર પ્રમાણે 'પોંગલ', પંજાબ-હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં 'માઘી' અને આસામમાં 'માઘ બિહુ' તરીકે ઊજવવામાં આવે છે.

ગુજરાતમાં આ દિવસે પતંગ ચગાવવાની પણ પરંપરા છે. આ દિવસને પાકની લણણીની ઊજવણી સાથે પણ જોડવામાં આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

...પણ ઉત્તરાયણ નહીં

ડૉ. કરણ જાનીના કહેવા પ્રમાણે, "કરોડો વર્ષ અગાઉ ગૅસ, કણ અને ખડકો મળીને પૃથ્વીનું નિર્માણ થયું હતું."

"એ અરસામાં અન્ય એક ગ્રહની પૃથ્વીની સાથે ટક્કર થઈ, જેના કારણે પૃથ્વી તેની ધરી ઉપરથી નમી ગઈ."

"નમેલી અવસ્થામાં પૃથ્વી સૂર્યની ફરતે પરિભ્રમણ કરે છે, જેના કારણે ઋતુઓનું નિર્માણ થાય છે."

"પૃથ્વીનો જે ભાગ સૂર્યની નજીક હોય ત્યાં ઉનાળો અને જે ભાગ તેની વિપરીત દિશામાં હોય ત્યાં શિયાળો અનુભવાય છે."

21મી ડિસેમ્બરે પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ સૂરજની નજીક આવવાનું શરૂ કરે છે.

એટલે ખરા અર્થમાં એ દિવસે 'ઉત્તરાયણ' (ઉત્તર તરફ અયન એટલે કે ગતિ) શરૂ થાય છે.

ક્યારેક 'ઉત્તરાયણ' 22મી ડિસેમ્બરે પણ હોય છે.

ડૉ. કરણ જાની જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ખાતે સેન્ટર ફૉર રિલેટિવિસ્ટિક એસ્ટ્રોફિઝિક્સમાં પોસ્ટ-ડૉક્ટ્રલ રિસર્ચ કરી રહ્યા છે અને LIGO સાયન્ટિફિક કોલોબ્રેશનના સભ્ય છે.

રાત અને દિવસનું ચક્કર

આથી 21મી ડિસેમ્બરે પૃથ્વી ઉપર રાત સૌથી લાંબી (લગભગ 13 કલાક જેટલી) હોય છે.

આ તારીખ પછીથી દિવસ લંબાતો જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. અંગ્રેજીમાં તેને Winter Solstice કહેવાય છે.

આથી તદ્દન વિપરીત તા. 21મી જૂનથી પૃથ્વીનો દક્ષિણ ગોળાર્ધ સૂર્યની નજીક આવવાનું શરૂ કરે છે, જેથી શિયાળો શરૂ થાય છે.

21મીએ વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. એ દિવસથી રાત લંબાતી જાય અને દિવસ ટૂંકો થતો જાય. જે અંગ્રેજીમાં Summer Solstice તરીકે ઓળખાય છે.

21મી જૂનથી દક્ષિણાયન (દક્ષિણ તરફ ગતિ) શરૂ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો