You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'પશ્ચિમ બંગાળમાં મુસ્લિમો દ્વારા આતંક' વાળા વીડિયોની હકીકત
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
સોશિયલ મીડિયા પર ખૂબ જ હિંસક વીડિયો પશ્ચિમ બંગાળમાં ઇસ્લામિક આંતકની એક ઝલક બતાવતા વીડિયો શૅર કરવામાં આવી રહ્યો છે.
આશરે સવા બે મિનિટના આ વીડિયોમાં અફરા તફરીનો માહોલ સ્પષ્ટપણે જોઈ શકાય છે. વીડિયોમાં જોવા મળી રહેલી ભીડમાં મોટાભાગના લોકો કુર્તા- પાયજામા અને ટોપી પહેરેલા જોવા મળે છે અને તેઓ એક ગલીમાં તોડફોડ કરી રહ્યા છે.
જે ફેસબુક પેજ અને ગ્રૂપ્સમાં આ વીડિયો શૅર કરવામાં આવી રહ્યો છે, તેમાંથી ઘણા લોકોએ લખ્યું છે કે તેમને આ વીડિયો વૉટ્સઍપ પર મળ્યો.
પરંતુ જે લોકોએ આ વીડિયોને સાર્વજનિક રૂપે શૅર કર્યો છે, તેમણે આ વીડિયોને પશ્ચિમ બંગાળનો બતાવ્યો છે.
આવા જ એક ટ્વિટર યૂઝરે લખ્યું, "2019માં જે લોકોને ભાજપને પસંદ કરવામાં મુશ્કેલી પડતી હોય, તે લોકો આ ભવિષ્ય પસંદ કરવા માટે તૈયાર રહે."
"બંગાળમાં ઇસ્લામિક ટેરરની એક નાની એવી ઝલક જોવા મળી છે. અન્ય લોકોને પણ બતાવો, જેથી લોકો જાગરૂક થઈ શકે."
આ જ સંદેશ સાથે વીડિયો 'રીસર્જેંટ ધર્મ'ના નામે કથિત ધાર્મિક ગ્રુપમાં પણ પોસ્ટ કરવામાં આવ્યો છે, જ્યાં આ વીડિયોને 46 હજાર કરતા વધારે વખત જોવામાં આવ્યો છે.
ઉપરાંત 1800 કરતાં વધારે લોકો તેને શૅર કરી ચૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શુક્રવારના રોજ પણ કેટલાક નવા ફેસબુક પેજ પર મોબાઇલથી બનાવવામાં આવેલો આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો.
પરંતુ આ વીડિયોની સાથે જે પણ દાવા કરવામાં આવ્યા છે, તે બધા જ ખોટા છે.
આ વીડિયો મુસ્લિમો વચ્ચે મુસ્લિમો દ્વારા કરવામાં આવેલી હિંસાનો ચોક્કસ છે, પણ તેની પાછળ વાત કંઈક અલગ છે.
તમે આ વાંચ્યું કે નહીં?
ક્યાંનો છે આ વીડિયો?
રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે આ વીડિયો ફેસબુક પર ડિસેમ્બર 2018થી શૅર કરવા થઈ રહ્યો છે.
આ વીડિયોની સાથે સૌથી પ્રાથમિક પોસ્ટમાં વાર્તા કંઈક અલગ લખવામાં આવી હતી.
બાંગ્લાદેશના ઢાકા શહેરમાં રહેતી એક વ્યક્તિએ 1 ડિસેમ્બર 2018ના રોજ આ વીડિયો શૅર કરતા લખ્યું હતું:
"તબલીગી જમાતના બે જૂથોમાં હિંસક અથડામણ. મૌલાના સાદના સમર્થક એક તરફ છે અને બીજી તરફ એ લોકો છે કે જેઓ તેમને પસંદ કરતા નથી."
"એ જાણવું દુઃખદ છે કે આ હિંસામાં 200 કરતા વધારે લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે."
બાંગ્લાદેશની સ્થાનિક મીડિયામાં છપાયેલા સમાચાર પણ આ વાતની પુષ્ટિ કરે છે.
આ રિપોર્ટ્સ અનુસાર આ ઘટના તુરાગ નદીની ઘાટ પાસે આવેલા ટોંગી વિસ્તાર સ્થિત બિસ્વ ઇજ્તેમા ગ્રાઉન્ડ પાસેની છે.
બાંગ્લાદેશી મીડિયા અનુસાર, આ હિંસામાં 55 વર્ષીય બિલાલ હુસૈનનું મૃત્યુ થયું હતું જ્યારે 200 કરતા વધારે લોકો ઘાયલ થયા હતા.
જાણકારોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશમાં યોજાતા બિસ્બ ઇજ્તેમાને દુનિયામાં મુસ્લિમોની બીજી સૌથી મોટી મહેફીલ માનવામાં આવે છે, જેનું આયોજન તબલીગી જમાત કરે છે.
ટોંગીમાં થયેલી હિંસાના કેટલાક વીડિયો યૂટ્યૂબ પર પણ પોસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં એ વીડિયો સામેલ છે જેને ભારતમાં પશ્ચિમ બંગાળનો બતાવીને ચલાવવામાં આવી રહ્યો છે.
તપાસ દરમિયાન અમે જાણ્યું કે બાંગ્લાદેશનો આ પહેલો વીડિયો નથી કે જેને પશ્ચિમ બંગાળનો બતાવીને શૅર કરવામાં આવ્યો હોય.
ભાષા કેટલીક હદે એક જેવી હોવાના કારણે અને લોકોના રંગ રૂપ એક જેવા હોવાના કારણે બાંગ્લાદેશી મુસ્લિમોના વીડિયો પશ્ચિમ બંગાળના મુસ્લિમો બતાવીને શૅર કરવા થઈ રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો