You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીએ છોડેલા આ પાંચ તીર 2019ની લોકસભાનું નિશાન સાધી શકશે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર (9 જાન્યુઆરી 2019)ના રોજ આગ્રામાં પોતાના ભાષણ દરમિયાન સામાન્ય વર્ગને આપવામાં આવેલા અનામતનો ચૂંટણીલક્ષી ઉપયોગ શરૂ કરી દીધો છે.
આગ્રામાં આયોજિત રેલીમાં તેમણે પોતાના અંદાજમાં કહ્યું કે અત્યાર સુધી લોકો, રાજકીય પક્ષો ચૂંટણી પહેલા વાયદા કરતા હતા, પણ કોઈ પણ વાયદો તેમના માટે ગંભીર ન હતો.
પણ તેમની સરકારે ગંભીરતાથી આ મુદ્દા પર કામ કરીને આ નિર્ણય પર કાયદાકીય જામો પહેરાવી દીધો છે.
સામાન્ય ચૂંટણી પહેલા આ મુદ્દા પર નિર્ણય કરીને ભાજપે એ જણાવી દીધું છે કે તે આગામી ચૂંટણી જીતવાની તૈયારીઓમાં કોઈ ખામી નહીં છોડે.
આ પહેલા મોદી સરકાર મુસ્લિમ ટ્રિપલ તલાક, એનઆરસી, રામ મંદિર અને ભ્રષ્ટાચાર વિરોધી તીર છોડી મતદાતાઓનું સમર્થન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી ચૂકી છે.
પરંતુ સવાલ એ છે કે આ પાંચ મુદ્દા સરકારને ચૂંટણીમાં શું આપી શકશે?
તમે આ વાંચ્યું કે નહીં?
સામાન્ય વર્ગને અનામત ભાજપને શું આપશે?
વડાપ્રધાન મોદીએ આગ્રામાં રેલી દરમિયાન લોકોને એ બતાવવાનો પ્રયાસ કર્યો કે આ મુદ્દાને લઈને પૂર્વ સરકાર ગંભીર ન હતી પરંતુ તેમની સરકારે ગંભીરતાથી આ મુદ્દા પર કામ કરીને સામાન્ય વર્ગના ગરીબોને અનામત આપી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સાથે જ તેમણે કહ્યું છે કે તેમની સરકારે આમ કરવામાં વંચિત તેમજ શોષિત વર્ગોનો હક છીનવ્યો નથી.
જ્યારે રાજકીય વિશ્લેષક રાધિકા રામાશેષનને આ સવાલ કરવામાં આવ્યો કે ભાજપ આ મુદ્દાનો રાજકીય લાભ કેવી રીતે ઉઠાવી શકશે તો તેમણે કહ્યું કે આ નિર્ણય ચૂંટણીના મેદાનમાં ભાજપ માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે.
બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશા સાથે વાતચીતમાં તેઓ કહે છે, "ભાજપ સરકારને હાલ જ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ખૂબ નુકસાન થયું છે. નોટબંધી અને જીએસટી જેવા વિવિધ મુદ્દાઓના કારણે સામાન્ય વર્ગના મત તેમને ન મળ્યા અને વિદ્યાર્થીઓએ બેરોજગારીના પગલે તેમને નકારી કાઢ્યા."
"ત્યારબાદ તેમને લાગ્યું કે સામાન્ય વર્ગને અનામત આપીને તેઓ દૂર થઈ રહેલા સામાન્ય વર્ગને સંભાળી લેશે અને બીજા સમૂહોને પણ તેમની નજીક લાવશે."
"સામાન્ય ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપને આ નિર્ણયથી ફાયદો ચોક્કસ મળશે કેમ કે ભાજપ પ્રોપેગેંડા ફેલાવવામાં ઉસ્તાદ છે."
રામ મંદિર મુદ્દો
જો રામ મંદિર મુદ્દાની વાત કરીએ તો ભાજપે આ મુદ્દે હાલ કોઈ પણ પ્રકારની નિવેદનબાજીથી અંતર જાળવી રાખ્યું છે.
વડા પ્રધાન મોદીએ હાલ જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં એ વાતના સંકેત આપ્યા હતા કે તેમની સરકાર તેમની સરકાર રામ મંદિરના મુદ્દા પર કોઈ નિર્ણય ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ લેવા માગશે.
પરંતુ મોદી સરકાર પાસે કોઈ મજબૂત નિર્ણય લેવાનો વધારે સમય નથી. કેમ કે માર્ચ પહેલા જ આગામી ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થઈ જશે.
માર્ચમાં આચારસંહિતા લાગૂ થયા બાદ પણ મોદી સરકાર રામ મંદિર બનાવવા માટે અધ્યાદેશ લાવી શકશે નહીં. તેવામાં સમય જ જણાવશે કે તેનાથી ભાજપને કેટલો ફાયદો થશે.
નાગરિકતા સંશોધન અધિનિયમનો વિષય
ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ અમિત શાહથી માંડીને પાર્ટીના તમામ નેતા છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દા પર કૉંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અમિત શાહ જયપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં કહી ચૂક્યા છે કે સિટિઝન રજિસ્ટર બનાવવાનું કામ ભારતીય જનતા પક્ષે કર્યું છે અને પહેલી યાદીમાં 40 લાખ લોકો શંકાસ્પદ હોવાનું બહાર આવ્યું છે.
આ પહેલા આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનેવાલ પણ કહી ચૂક્યા છે કે દેશના બાકી ભાગોમાં એનઆરસી લાગુ થવી જોઈએ, જેનાથી દેશમાં પ્રવેશ કરી ચૂકેલા ઘૂસણખોરોને ઓળખીને બહાર કાઢી શકાય.
તેનાથી સંકેત મળે છે કે સરહદ સાથે જોડાયેલી લોકસભાની બેઠકોમાં ભાજપ આ મુદ્દે હિંદુ- મુસ્લિમ ઘ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરી શકે છે.
તેવામાં સવાલ ઉઠે છે કે આખરે કયા આધાર પર ભાજપ એનઆરસી અંતર્ગત મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
બીબીસી સાથે વાત કરતા વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંઘ કહે છે, "લોકસભા ચૂંટણીની દૃષ્ટિએ ભાજપને લાગે છે કે એનઆરસીના મુદ્દા પર મત પ્રાપ્ત કરી શકાય છે. કેમ કે તે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને સામે લાવે છે અને સાથે જ તેમાં એક પ્રકારનો ધાર્મિક મુદ્દો પણ છૂપાયેલો છે."
"જોકે, ધર્મની વાત ભાજપે બોલવાની જરુર જ પડતી નથી. બહારના ઘૂસણખોરોના મુદ્દાને ભાવનાત્મક રૂપે રજૂ કરી ભાજપ તેનો ફાયદો ઉઠાવી શકે છે."
ટ્રિપલ તલાકનો મુદ્દો
ટ્રિપલ તલાકના મુદ્દા પર અધ્યાદેશ લાવી ચૂકેલી ભાજપ સરકાર સતત કહેતી આવી છે કે લૈંગિક ન્યાય અને સમાનતા માટે અધ્યાદેશ લાવવો જરુરી હતો.
ત્યારબાદ ભાજપ નેતાઓએ કૉંગ્રેસને આ મુદ્દા પર ઘેરી તેને મહિલા વિરોધી ગણાવવાનો પ્રયાસ પણ કર્યો.
આ તરફ કૉંગ્રેસે ભાજપનો વિરોધ કરતા કહ્યું કે ભાજપને મહિલાની સમસ્યાઓથી કોઈ મતલબ નથી, તેઓ બસ બિલને સળગતો રાજકીય મુદ્દો બનાવીને રાખવા માગે છે.
તેવામાં સવાલ ઉઠે છે કે ભાજપ આ મુદ્દાનો રાજકીય ફાયદો કેવી રીતે ઉઠાવી શકશે.
અધ્યાદેશ આવ્યો તે સમયે વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંઘે બીબીસીને જણાવ્યું હતું, "રાજકીય પક્ષ કોઈ પગલું ઉઠાવે છે તો નિશ્ચિત રૂપે તેની સાથે રાજકીય હિત જોડાયેલું હોય છે."
"ભાજપને ચૂંટણીમાં મુસ્લિમ સમાજ તરફથી સમર્થન મળતું નથી. તે છેલ્લા ઘણા વર્ષોથી એ પ્રયાસમાં છે કે આ સમુદાયમાં પોતાની સિક્કો જમાવી શકે. તે બિલના માધ્યમથી મુસ્લિમ વોટ બૅન્કમાં વૃદ્ધિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે."
ભ્રષ્ટાચાર વિરોધી વલણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ઘણા સમયથી પોતાને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતા ચોકીદાર ગણાવતા આવ્યા છે.
જોકે, રફાલ વિમાન કરાર પર સવાલ ઉઠ્યા બાદ કૉંગ્રેસ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી મોદી પર સીધો હુમલો કરી રહ્યા છે અને ભાજપ આ મુદ્દે રક્ષાત્મક મુદ્રામાં જોવા મળી રહ્યો છે.
પરંતુ આગ્રામાં રેલી દરમિયાન મોદીએ ફરી એક વખત કહ્યું કે એ પાર્ટીઓ કે જેઓ એકબીજાને જોવાનું પસંદ કરતી નહોતી તેઓ હવે એક ચોકીદારના ડરથી એકસાથે આવી રહી છે.
આ સાથે જ અગસ્તા વેસ્ટલૅન્ડ મામલે કૉંગ્રેસ પાર્ટી વિરુદ્ધ અને ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ તેમજ માયાવતી વિરુદ્ધ સીબીઆઈ તપાસ શરૂ કરાવીને ભાજપ એ દર્શાવવાનો પ્રયાસ કરશે કે તે ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંઘર્ષ કરી રહ્યો છે.
જોકે, આ મુદ્દાઓ પર વાત કરતા ભાજપ મતદાતાઓનું સમર્થન પ્રાપ્ત કરવામાં સફળ થશે કે નહીં, તે તો સમય જ જણાવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો