બુલંદશહર હિંસા : ગૌહત્યા મુદ્દે થયેલી પોલીસ ઇન્સ્પેક્ટરની હત્યા બાદ સ્કૂલ-કૉલેજ બંધ

ઉત્તરપ્રદેશના બુલંદશહર જિલ્લામાં ટોળાઓની હિંસામાં એક પોલીસકર્મી સહિત બેના મૃત્યુ થયાં છે અને એક ગંભીર રીતે ઘાયલ છે.

હિંસાના બીજા દિવસે મંગળવારે શહેરમાં તણાવભરી શાંતિ પ્રવર્તી રહી છે.

સ્થાનિક પત્રકાર સુમિત શર્માએ જણાવ્યા પ્રમાણે, હિંદુવાદી સંગઠનોના કાર્યકર્તાઓ ગૌહત્યા વિરોધી પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે હિંસા ફાટી નીકળી હતી.

પોલીસે આરોપીઓને ઓળખી કાઢવા માટે તજવીજ હાથ ધરી છે.

બે શખ્સોની ધરપકડ, તણાવભરી શાંતિ

વરિષ્ઠ પોલીસ અધિકારી પ્રશાંત કુમારના કહેવા પ્રમાણે:

"પોલીસે હિંસા સંદર્ભે બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી છે. તેમની ઉપર પોલીસ ટુકડી પર હુમલો કરવાનો ગુનો દાખલ કરવામા આવ્યો છે. અમે કથિત ગૌહત્યાના આરોપોની તપાસ કરી રહ્યા છીએ તથા આરોપીઓને ઓળખી કાઢવા પ્રયાસરત છીએ."

બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે, "તાજેતરની હિંસા બાદ શહેરમાં તણાવભરી શાંતિ પ્રવર્તી રહી છે.આ વિસ્તારની શાળાઓ અને દુકાનો બંધ છે. લગભગ એક હજારથી વધુ સુરક્ષાકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે."

ગૌહત્યાના નામે અગાઉ પણ આ વિસ્તારમાં હિંસા અને હત્યા થયા છે, પરંતુ આ પ્રકારની હિંસા અગાઉ નથી થઈ.

ગૌહત્યાની સૂચના મળી હતી: ડીએમ

પ્રદર્શનકારીઓ ઉગ્ર થયા બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો જેની પ્રતિક્રિયા રૂપે ટોળા તરફથી પોલીસ પર હુમલાઓ થયા.

પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ કુમારને આ ઘટનામાં ઇજા થઈ હતી. બાદમાં તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

જિલ્લા અધિકારી અનુજ ઝાએ કહ્યું, ''સોમવારે સવારે 11 વાગ્યે પોલીસને ચિંગરાવટી ગામમાં ગૌહત્યાની સૂચના મળી હતી.''

''પોલીસ અને એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટે તરત જ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી દીધી હતી."

"એ દરમિયાન આસપાસના લોકોએ રસ્તો જામ કરવાના પણ પ્રયત્નો કર્યાં હતા.''

''પોલીસે એફઆઇઆર નોંધી કાર્યવાહી શરૂ કરી દીધી હતી પરંતુ આ દરમિયાન અમુક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોત."

"આ હુમલામાં સ્યાના પોલીસ સ્ટેશનના એસએચઓ સુબોધ કુમારનું મૃત્યુ થઈ ગયું હતું.''

આપને આ પણ વાંચવું ગમશે

આ બનાવ બાદ ઘટનાસ્થળે પોલીસ જવાનોનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.

બુલંદશહેરના વરિષ્ઠ પોલીસ અધિકારી કૃષ્ણ બહાદુર સિંહે કહ્યા પ્રમાણે, ''ભારે પોલીસદળ ઘટનાસ્થળે મોજૂદ છે અને સ્થિતિ પર ચાંપતી નજર છે.''

''અસામાજિક તત્ત્વોની ઓળખાણ કરવામાં આવી રહી છે અને કોઈ પણ વ્યક્તિને કાનૂન વ્યવસ્થા બગાડવા દેવાની છૂટ આપવામાં નહીં આવે.''

વધુ એક પોલીસકર્મી ઘાયલ

રામ સિંહના જણાવ્યા પ્રમાણે, આ હિંસામાં અન્ય એક પોલીસકર્મી પણ ઘાયલ થયા છે, જેમની હાલત સ્થિર છે.

પોલીસ અને હિંદુવાદી સંગઠનોના કાર્યકર્તા વચ્ચેના ઘર્ષણમાં બે પ્રદર્શનકારી પણ ઘાયલ થયા છે.

આ ઘટના બુલંદશહેર જિલ્લાના સ્યાનાની ચિંગરાવટી પોલીસ ચોકી પાસે બની છે.

સુમિત શર્મા પ્રમાણે હિંદુવાદી સંગઠનોના વિસ્તારોમાં ગૌવંશના અવશેષો મળવાના આરોપો લાગ્યા બાદ મહાવ ગામમાં રસ્તો જામ કરી દીધો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો