ગોંડામાં ગૌહત્યાનું કાવતરું, બે હિંદુની ધરપકડ

    • લેેખક, સમીરાત્મજ મિશ્ર
    • પદ, બીબીસી ન્યૂઝ

ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લામાં ગૌહત્યાના કરવાના આરોપસર પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. એ બન્ને લોકો હિંદુ સમાજના છે.

પોલીસના જણાવ્યા અનુસાર ગાયના વાછરડાંની હત્યા એક કાવતરાનાં ભાગરૂપે કરવામાં આવી હતી.

પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ ઉમેશ કુમાર સિંહે બીબીસીને કહ્યું, “કટરા બજારના ભટપુરવા ગામમાં રવિવારે રાત્રે કેટલાક લોકો ગણેશ પ્રસાદ દીક્ષિતનું વાછરડું ખોલીને લઈ ગયા હતા. ત્યારબાદ એ વાછરડાંનું માથું કપાયેલી હાલતમાં મળ્યું. પરંતુ ગામના લોકોએ જ રામસેવક અને મંગલને ભાગતા જોયા અને પોલીસને જાણ કરી.”

બીજા દિવસે પોલીસે બન્નેની ધરપકડ કરી લીધી.

તમને આ વાંચવું પણ ગમશે.

ઉમેશ સિંહના જણાવ્યા અનુસાર ગાય ગાયબ થઈ અને પછી તેની હત્યા થવાને કારણે ગામમાં કોમી તણાવની સ્થિતિ સર્જાઈ હતી.

આરોપીઓની પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે આ લોકોએ એક કાવતરાનાં ભાગરૂપે વાછરડાંની હત્યા કરી હતી.

ગૌહત્યા બાદ પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે મોટાં પ્રમાણમાં પોલીસને ગામમાં બોલાવવી પડી હતી.

પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટે વધુ માહિતી આપવાનો એમ કહીને ઇન્કાર કર્યો કે, હજી આરોપીની પૂછપરછ ચાલું છે.

પરંતુ તેમણે જણાવ્યું હતું કે આ ઘટના એક મોટાં ષડયંત્રનો ભાગ હતી.

બન્ને આરોપીઓ પર પહેલાથી જ કોર્ટમાં કેસ ચાલુ છે

ઉમેશ સિંહે જણાવ્યું કે, આરોપીઓ ગણેશ પ્રસાદ દીક્ષિતના પાડોશી જ છે.

તેમણે કહ્યું, “જ્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી ત્યારે બન્ને નશામાં હતા. બન્ને ગુનાઇત પ્રવૃત્તિઓમાં સામેલ છે અને તેમની વિરુદ્ધ કેટલાંય કોર્ટ કેસ ચાલી રહ્યાં છે. બન્ને જેલમાં પણ જઈ આવ્યા છે.”

ઉમેશ સિંહે જણાવ્યું કે જો બન્નેની ઝડપથી ધરપકડ ન કરી લેવામાં આવી હોત તો સ્થિતિ કોઈ મોટાં કોમી વિવાદમાં પરિણમી હોત.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો