આણંદમાં ગરબા જોવા ગયેલા દલિત યુવાનની હત્યા, આઠની ધરપકડ

આણંદ જિલ્લામાં પોલીસે 8 યુવાનોની દશેરાના ગરબા જોવા ગયેલા જયેશ સોલંકીની રવિવારે સવારે હત્યા કરવા બદલ ધરપકડ કરી છે.

જયેશનાં કાકાના દીકરા ભાઈ પ્રકાશ સોલંકીએ ભાદરણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ ઘટના આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના ભાદરણિયા ગામે બની હતી.

પ્રકાશ સોલંકીએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, "અમારો વાંક એટલો જ હતો કે અમે દલિત છીએ અને ગરબા જોવા ગયા. આ વાત ગામના ઉચ્ચ જ્ઞાતિના લોકોને ગમી નહીં. તેમણે જયેશને બેરહમીથી મારી નાંખ્યો."

તમને આ વાંચવું પણ ગમશે

તેમણએ વધુમાં કહ્યું, "શું દલિતોને ગામમાં ગરબા જોવાનો પણ હક્ક નથી? જયેશ તેના માતા-પિતાનો એકનો એક દીકરો હતો. તેની એક બહેન છે. એના માતા-પિતા ખેત-મજુરી કરી ગુજરાન ચલાવે છે. એના મૃત્યુની પીડાં તો તેના માતા-પિતા જ સમજી શકે."

અમારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા ગાળો આપી

પ્રકાશે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે રવિવારે વહેલી સવારે ચારેક વાગ્યે મંદિર પાસે બેઠા હતા. ત્યારે સંજય પટેલ નામનો વ્યક્તિ તેમની પાસે આવ્યો અને એમની પૂછપરછ કરવા લાગ્યા કે, એ લોકો ત્યાં કેમ બેઠા હતા.

જ્યારે એમણે તેને કહ્યું કે, એ લોકો ગરબા જોવા માટે ત્યાં ગયા હતા.

પ્રકાશે કહ્યું, "અમારી બેન-દીકરીઓ પણ અહીં ગરબા રમે છે. ત્યારે સંજયે અમારી સાથે અપમાનજનક અને તોછડાઈથી વાત કરી. પછી અમને અમારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા. ગાળો આપી."

તેમણે વધુમાં કહ્યું, "આ પછી સંજય ત્યાંથી ચાલ્યો ગયો. થોડા સમય પછી તે અન્ય સાત વ્યક્તિઓ સાથે પાછો આવ્યો.

એ લોકોએ મને લાફા માર્યા. આ દરમિયાન જયેશ મને બચાવવા વચ્ચે પડ્યો. પણ આરોપીઓ તેને ઢસડીને બાજુનાં વરંડા પાસે લઇ ગયા અને ગડદાપાટુનો માર માર્યો."

"આરોપીઓમાંથી કોઇએ જયેશને ફંગોળ્યો અને જયેશનું માથુ દિવાલ સાથે ભટકાયું. જયેશ ગંભીર રીતે ઘવાયો અને ત્યાં જ બેભાન થઇ ગયો. આમ છતાંય, આરોપીઓ જયેશના પેટ પર લાતો મારતાં રહ્યાં."

પ્રકાશે ફરિયાદમાં આરોપ કરતા જણાવ્યુ કે, આ પછી સંજય અને તેના મિત્રો ઘટના સ્થળેથી જતા રહ્યાં.

આ સમયે શોરબકોર સાંભળી અન્ય લોકો ઘટના સ્થળે આવ્યા.

હોસ્પિટલ લઈ જતી વખતે જ જયેશનું મોત

તેણે ઉમેર્યું કે, "અમે જયેશને બેભાન હાલતમાં બાઇક પર બોરસદ હોસ્પિટલમાં લઈ ગયા.

ત્યાં નર્સે અન્ય હોસ્પિટલ પર લઇ કહેતા, અમે જયેશને ત્યાંથી ખાનગી એમ્બુલન્સમાં તેને કરમસદ મેડિકલ કોલજ હોસ્પિટલ લઈ ગયા, પણ હાજર તબીબોએ તેને તપાસતા મૃત જાહેર કર્યો."

પોલીસે સંજય પટેલ, જીજ્ઞેશ પટેલ, ચિંતન પટેલ, ધવલ પટેલ, ઋત્વિજ પટેલ, વીકી પટેલ, રીપેન પટેલ અને દિપેશ પટેલની ધરપકડ કરી છે.

નાયબ પોલિસ અધિક્ષક અને તપાસ અધિકારી એ.એમ. દેસાઇએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, "પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ, દલિત યુવાનો ગરબા જોવા ગયા ત્યારે પટેલ યુવાનોએ તેમને જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહી ઝઘડો શરૂ કર્યો હતો અને આ પછી જયેશની હત્યા થઇ હતી. અમે આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરીશું."

હજુ ગયા અઠવાડિયે જ, ગાંધીનગર પાસે આવેલા લિંબોદરા ગામમાં, દલિત યુવાનોને મુંછ રાખવા બદલ ગામના ઉચ્ચ જ્ઞાતિના લોકોએ માર માર્યો હતો.

આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને દલિત યુવાનોએ સોશિયલ મિડીયા પર પોતાની મુંછો વાળા ફોટો શેર કરી વિરોધ નોંધાવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો