ઉત્તર પ્રદેશમાં રસ્તામાં ટ્રાફિક જામ થયો તો શિવ મંદિરમાં જઈને મુસલમાનોએ પઢી નમાજ

    • લેેખક, સુમિત શર્મા
    • પદ, બુલંદશહરથી, બીબીસી ગુજરાતી માટે

ઉત્તર પ્રદેશના બુલંદશહર સ્થિત જૈનપુર ગામમાં શિવ મંદિરમાં નમાઝ પઢતા મુસલમાનોની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.

આ તસવીરો બુલંદશહરમાં ચાલી રહેલા ત્રણ દિવસના વિશેષ ધાર્મિક સમંલેન 'ઇજ્તેમા'માં સામેલ થવા આવેલા મુસલમાનોના એક સમૂહની છે.

આ ઇજ્તેમામાં દેશ-વિદેશથી લગભગ દસ લાખ મુસલમાનો એકઠા થયા છે.

તેઓ અહીંથી સમૂહોમાં વહેંચાય છે અને ધાર્મિક સંદેશ ફેલાવવાનું કામ કરે છે.

વાઇરલ થઈ રહેલી આ તસવીરો રવિવારની છે અને સોશિયલ મીડિયા પર લોકો તેને એક સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક ગણાવી રહ્યા છે.

આ ઇજ્તેમા બુલંદશહરના દરિયાપુર ગામમાં આયોજીત કરાયો છે.

અહીં આવી રહેલા લોકો માટે આસપાસના ગામના લોકોએ પણ ખાવા-પીવાની વ્યવસ્થા કરી છે.

ભારે ભીડને કારણે મેરઠ-બુલંદશહર માર્ગ પર જામ લાગી ગયો છે.

મંદિરમાં કેમ અદા કરાઈ નમાઝ?

મંદિરના વ્યસ્થાપક અને પુજારી કનૈયાલાલ શર્માએ બીબીસીને જણાવ્યું, "કાર્યક્રમમાં સામેલ થવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે."

"સડક પર જામ લાગ્યો હતો, અમે પણ આવનારા લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી છે."

"બપોરે જ્યારે નમાઝ પઢવાનો સમય થયો તો તેમણે નમાઝ અદા કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી."

કનૈયા કહે છે, "અમે તેમને કહ્યું કે મંદિર સાફ જગ્યા છે, તમે અહીં જ નમાઝ અદા કરી લો."

"અમારા કહેવાથી તેમણે મંદિરમાં જ નમાઝ પઢી, અમને ખૂબ સારું લાગ્યું."

જે સમયે આ લોકો નમાઝ પઢી રહ્યા હતા ત્યારે કનૈયા પણ ત્યાં હાજર હતા.

તેઓ કહે છે, "અમે તમામ ધર્મોનું સન્માન કરીએ છીએ. આ મંદિર મુખ્ય માર્ગ પર છે. અહીં તમામ ધર્મના સાધુ-સંતો આવે છે."

"અમે તમામની સેવા કરવામાં વિશ્વાસ કરીએ છીએ. મુસલમાનોએ નમાઝ પઢી, અમને સારું લાગ્યું. ભગવાનો તો બધાના છે."

કનૈયાને ખુશી છે કે તેમના મંદિરમાં લેવામાં આવેલી તસવીર દેશભરમાં ભાઈચારાનો સંદેશ આપી રહી છે.

તેઓ કહે છે, "તમામ લોકો ભાઈચારાથી અને હળીમળીને રહે. આ જ સૌથી સારું છે. જીવો અને જીવવા દો. આનાથી સારી કોઈ વાત નથી."

તસવીરો સામે આવ્યા બાદ કોઈએ પણ મંદિરના પ્રશાસનને કોઈ પણ પ્રકારની ફરિયાદ કરી નથી.

કનૈયા કહે છે, "અમારા વિસ્તારમાં સાંપ્રદાયિક ભાઈચારો ખૂબ જ છે. અહીં હિંદુઓએ ઇજ્તેમા માટે શક્ય એટલી મદદ કરી છે."

"ઉપરાંત શાંતિ વ્યવસ્થા જાળવી રાખી છે. ખાવા-પીવાની વ્યવસ્થા પણ કેટલાક હિંદુ સમૂહોએ કરી છે."

કનૈયા કહે છે, "હિંદુ-મુસલમાનના નામ પર ફેલાવવામાં આવી રહેલી નફરતનું સૌથી મોટું કારણ નિરક્ષરતા છે."

"જ્યારે સમાજમાંથી નિરક્ષરતા દૂર થઈ જશે તો નફરત પણ ખતમ થઈ જાશે."

તેઓ એ પણ કહે છે કે નફરતનું એક કારણ રાજકારણ પણ છે.

આ તરફ ગામના અન્ય લોકો પણ મુસલમાની નમાઝથી ખુશ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો