વાજપેયીની 'સારા માણસની છાપ' મહોરું હતી?

    • લેેખક, એનપી ઉલ્લેખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

એવું કહેવાતું હતું કે અટલ બિહારી વાજપેયી ખોટા પક્ષમાં રહેલા સાચા માણસ હતા. ખરેખર એવી વાત નહોતી.

રોબિન જેફરી જેવા અભ્યાસુઓ અને સ્વતંત્ર રાજકીય વિશ્લેષકો તથા 1960ના દાયકામાં યુવાન રાજકીય નેતા તરીકે તેમના સમકાલીન નેતાઓ વાજપેયીને હિન્દુત્વ વિચારધારાના આક્રમક નેતા તરીકે યાદ કરે છે.

એવા નેતા જે બહુ ખરાબ લાગે તેવા મુસ્લિમવિરોધી નિવેદનો પણ કરી શકે.

આરએસએસની નર્સરીમાં અને તે પહેલાં આર્યસમાજમાં ઉછરેલા વાજપેયી ઉદ્દામવાદી રાષ્ટ્રવાદની પોતાની વિચારધારાને બહુ બહાર આવવા દેતા નહોતા.

દિલ્હીના રાજકારણમાં અને ભારતીય સંસદમાં તેમના મૂળિયા ઊંડા થતા ગયા, તેમ તેમણે આવી લાગણીઓને પોતાની અંદર ધરબીને રાખી દીધી હતી.

આપણે યાદ રાખવું જોઈએ કે વ્યક્તિ સંસદને ઘડે તેના બદલે સંસદ કોઈ પણ રાજકારણીને એકથી વધુ રીતે ઘડે છે.

ભૂતપૂર્વ વડા પ્રધાન વાજપેયી વડા પ્રધાન તરીકે પાંચ વર્ષ પૂરા કરનારા પ્રથમ બિનકોંગ્રેસી રાજકારણી હતા.

તેઓ પણ હવે બહુ બદનામ એવા લુટિયન્સ દિલ્હીની જ ઉપજ હતા, કેમ કે તેઓ 1957થી 2004 સુધી સતત સંસદસભ્ય તરીકે રહ્યા હતા.

વર્ષ 1962 અને 1984માં લોકસભામાં હાર્યા, ત્યારે થોડો સમય જ તેઓ સંસદની બહાર રહ્યા હતા.

બાદમાં તરત જ તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે સંસદમાં હાજર થઈ ગયા હતા.

તેનો અર્થ એ થયો કે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી વિપરીત, વાજપેયી માત્ર 30 વર્ષના હતા, ત્યારે દિલ્હીના બુદ્ધિજીવીઓના ભદ્રવર્ગીય વર્તુળમાં પોતાને સંમિશ્રિત થવા દીધા હતા અને રાષ્ટ્રીય રાજકારણના મુખ્ય પ્રવાહમાં સૌની સાથે સામેલ થઈ ગયા હતા.

આપને આ પણ વાંચવું ગમશે

તેની સામે નરેન્દ્ર મોદી છેક 63 વર્ષના થયા, ત્યાર પછી દિલ્હીની સંસદીય પ્રણાલીમાં દાખલ થયા હતા.

તે પહેલાં તેઓ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે રહ્યા હતા.

વાજપેયી સૌપ્રથમ 1953માં લોકસભાની પેટાચૂંટણીમાં ઊભા રહ્યા હતા અને હાર્યા હતા.

ચાર વર્ષ પછી તેઓ ત્રણ બેઠકો પરથી લડ્યા - બલરામપુર, મથુરા અને લખનૌ. તેમણે બલરામપુરની બેઠક જાળવી અને સંસદમાં પહોંચ્યા હતા.

આરએસએસની શાખાઓમાં ઘડતર

મોદી અને વાજપેયી બંને નાની ઉંમરે આરએસએસની શાખાઓમાં ઘડાયા છે.

મોદીના પિતાની ચાની લારી હતી, જ્યારે વાજપેયીના પિતા શાળામાં શિક્ષક હતા.

બંનેની વકતવ્યની છટા અલગ અલગ છે, પણ રાજકારણમાં તેના કારણે જ બંને સફળ રહ્યા. બંને મુસ્લિમો સામે આકરી વાણી વાપરીને સફળ થયા હતા.

વાજપેયી જુદા જ પ્રકારના યુગમાં ઉછર્યા હતા અને તેમને ભારતીય ઇતિહાસના ઉત્તમ સંસદસભ્યો અને તેમાંના સૌથી ઉદારવાદી નેતાઓ સાથે હળવામળવાનું થયું હતું.

દેશના સૌથી મોટા ધારાગૃહ લોકસભામાં પ્રારંભિક કાળથી જ પ્રવેશ મળ્યો તેના કારણે વાજપેયીને પોતાની અને પોતાના પક્ષની મર્યાદાઓનું ભાન થયું હતું અને તેને વળોટીને કઈ રીતે આગળ વધી શકાય તે સમજી શક્યા હતા.

હકીકતમાં વિદ્યાર્થીકાળમાં વાજપેયી પર સામ્યવાદી વિચારસરણીનો પણ પ્રભાવ પડ્યો હતો.

ગત સદીના પ્રથમ અડધા હિસ્સામાં સામ્યવાદની બોલબાલા રહી હતી, ખાસ કરીને 1945માં હિટલરના શાસન હેઠળના જર્મનીની હાર પછીના ગાળામાં.

તેના કારણે તેઓ હંમેશા પરિવર્તન માટે તૈયાર રહેતા હતા અને સંસદમાં તેમનાથી સિનિયર અને પ્રસિદ્ધ સાંસદોની વ્યાપક દૃષ્ટિથી પ્રભાવિત થવા પણ તૈયાર હતા.

પંડિત જવાહરલાલ નહેરુની સૌમ્ય વર્તણૂક અને ગમે તેવી ટીકા (જેમાં વાજપેયીની આકરી ટીકાનો પણ સમાવેશ થતો હતો, તેને) સહન કરવાની તેમની તૈયારીની લાંબા ગાળાની અસર આરએસએસ દ્વારા તૈયાર થયેલા આ યુવાન સાંસદ પર પણ થવાની હતી.

આપણે ક્યારેય નહીં જાણી શકીએ કે માત્ર રાજકીય સમજૂતિ ખાતર કે પછી ખરેખર પોતાની માન્યતાઓને કારણે વાજપેયી એક તરફ નહેરુના ઉદારવાદ અને બીજી તરફ આરએસએસ પ્રકારના રાજકારણની વચ્ચેની સરહદ પર સમાંતર ચાલવા લાગ્યા હતા.

રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસનું પ્રભુત્વ છવાયેલું હતું તે વખતે સંઘના રાજકારણના પરિઘની બહાર રહેલા લોકોને પ્રભાવિત કરવાનું કદાચ તેમને વધારે યોગ્ય લાગ્યું હશે.

તેનું પરિણામ એ આવ્યું કે તેઓ જમણેરી રાજકારણને ભારતીયોના વિશાળ વર્ગમાં સ્વીકૃત બનાવી શક્યા.

હિન્દુત્વની જગ્યાએ ભારતીયતાને મૂકવાની વાત

વાજપેયીને રાજકારણમાં જુદી જુદી થીમ પર પ્રયોગો કરવાનો જશ આપવો રહ્યો.

તેમણે ઉદ્દામવાદી રાષ્ટ્રવાદથી માંડીને કોંગ્રેસ સામે લોકતાંત્રિક પ્રણાલી પ્રમાણે ભારતીય જનતા પક્ષને વૈકલ્પિક રાજકીય પક્ષ તરીકે ઊભો કરવાના પણ પ્રયાસો કર્યા હતા.

વર્ષ 1979માં તેમણે એક લેખ લખ્યો હતો, જેમાં તેમણે હિન્દુત્વની જગ્યાએ ભારતીયતાને મૂકવાની વાત કરી હતી; જેથી તમામ ધર્મના લોકોને વધારે વ્યાપક એવા આ સૂત્ર હેઠળ આવરી લેવાય.

તે રીતે વધારે સમર્થકો નવા રાજકીય પક્ષને મળી શકે.

આજે છે તેટલું વ્યાપક જનસમર્થન તે વખતે હિન્દુ રાષ્ટ્રવાદી પક્ષને નહોતું, તેથી આરએસએસ પણ તેમને પક્ષના ફેલાવા માટે ઉપયોગી ચહેરા તરીકે જોતો હતો.

બાદમાં સંઘના વિચારક ગોવિંદાચાર્યે તેમના માટે કહ્યું હતું તે રીતે એક મુખવટા તરીકે ઉપયોગી પણ લાગતા હતા.

સંકુચિત અને કટ્ટર રાષ્ટ્રવાદને સમર્પિત

એવું કહેનારા લોકો પણ છે કે વાજપેયી જીવનભર આરએસએસ પ્રકારના સંકુચિત અને કટ્ટર રાષ્ટ્રવાદને જ સમર્પિત રહ્યા હતા.

રામમંદિરનું આંદોલન ચરમસીમાએ હતું ત્યારે તેને રોકવા માટે કે પોતે વડા પ્રધાન હતા ત્યારે ગુજરાતમાં 2002માં સંહાર થયો ત્યારે તેને રોકવા માટે કોશિશ કરી નહોતી.

કેટલાક ઇતિહાસકારો કહે છે કે વાજપેયીની આ બાબતોમાં બહુ ટીકા ના થઈ, કેમ કે તેઓ સવર્ણ હતા અને ભદ્ર રાજકીય વર્તુળોમાં તેમની પહોંચ હતી.

એ વાત સાચી છે કે વાજપેયી પ્રથમ જનસંઘમાં અને બાદમાં ભાજપમાં હિન્દુ રાષ્ટ્રવાદના ઉદારવાદી ચહેરા તરીકે જ ઓળખાતા રહ્યા, પરંતુ વચ્ચે વચ્ચે થોડો સમય તેઓ પણ આક્રમક હિન્દુત્વની છાવણીમાં આંટો મારી આવતા હતા.

ઉશ્કેરણીજનક ભાષણ

એવું કહેવાય છે કે તેમણે 1983માં 'વિદેશીઓ' સામે આક્રમક ભાષામાં ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું, તેના કારણે આસામના નેલ્લીમાં થયેલા રમખાણોમાં અસર થઈ હતી.

1990ના દાયકામાં લોકસભામાં પણ આ મુદ્દે તેમના પર પ્રહારો થતા રહ્યા હતા.

તેનાથી પણ પહેલાં 14 મે 1970ના રોજ તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ વાજપેયીની મુસ્લિમો વિશે ઉશ્કેરણીજનક નિવેદનો કરવા બદલ લોકસભામાં આકરી ટીકા કરી હતી.

ભીવંડીમાં તોફાનો થયા તે પછી તેમણે ગૃહમાં ભાષણ કરતાં કહ્યું હતું કે મુસ્લિમો વધુ ને વધુ કોમવાદી બની રહ્યા છે. કોમવાદ વધારીને હિન્દુઓમાં 'પ્રતિસાદ' જગાવી રહ્યા છે.

મુસ્લિમોના વર્તનને કારણે હિન્દુઓને આકરો પ્રત્યાઘાત આપવો પડે છે એમ તેમનું કહેવું હતું.

ઇન્દિરા ગાંધીએ તેમનો વિરોધ કરતાં કહ્યું કે આરએસએસ અને જનસંઘ આવા રમખાણો કરાવે છે, જેથી મતોનું ધ્રુવીકરણ થાય.

તેમણે ગૃહને એવી પણ વિનંતી કરી હતી કે વાજપેયીના શબ્દોને રેકર્ડમાંથી કાઢી નાખવા નહીં, કેમ કે તે શબ્દોની પાછળ પોતાને 'નગ્ન ફાસીવાદ' દેખાઈ રહ્યો છે.

વાજપેયીએ પોતાનું અસલી રાજકારણ છતું કરી દીધું, એનાથી પોતે ખુશ થયા છે એમ પણ તેમણે કહ્યું હતું.

આ ઉપરાંત બાદમાં એવો પણ ખ્યાલ આવ્યો હતો કે પાંચમી ડિસેમ્બર, 1992ના રોજ, તેઓ લખનૌના અમીનાબાદમાં હતા.

અહીં તેઓ સંઘના કારસેવકોને મળ્યા હતા. તેમને આપેલા જોશભર્યા ભાષણમાં વાજપેયીએ કહ્યું હતું કે અયોધ્યામાં વિધિઓ કરવા માટે 'જમીન તો સમથળ કરવી પડશે'.

તેના પરથી એ ખ્યાલ આવતો હતો કે તેઓ કઈ રીતે જુદા જુદા લોકો સાથે જુદી જુદી ભાષામાં વાત કરતા હતા. તે તેમનો લુચ્ચો અને સંઘર્ષમાં ના ઉતરવાનો સ્વભાવ પણ દર્શાવે છે.

ઉદારવાદી છબીને જાળવી રાખવાનો પ્રયાસ

ભાષણ આપ્યા બાદ તેઓ લખનૌથી રવાના થઈ ગયા હતા, પણ અયોધ્યા (જ્યાં બીજા દિવસે 6 ડિસેમ્બર 1992ના રોજ વિવાદિત ઢાંચાને તોડી પડાયો હતો) ત્યાં નહોતા ગયા.

તેમના હરિફો કહે છે કે પોતાની ઉદારવાદી છબીને જાળવી રાખવા માટે તેઓ ત્યાં ગેરહાજર રહ્યા હતા.

તેમની એ છબી સંઘને બહુ કામ આવી હતી. ભાજપના ટોચના નેતાઓની ધરપકડો થઈ હતી અને ભાજપની ઘણી રાજ્ય સરકારોને પણ બરતરફ કરી નખાઈ હતી, ત્યારે તેમના માટે વાજપેયી જ સહારો બની રહ્યા હતા.

આગળના દિવસોમાં તેઓ જ આ 'લોકતંત્રની હત્યા' સામે ઝુંબેશ ચલાવતા રહ્યા હતા.

તેમની રાજકીય કારકિર્દીના અંત ભાગમાં તેમના જ પક્ષમાંથી વાજપેયી સામે પડકારો ઊભા થયા હતા.

નવા ઉભરી રહેલા યુવાન નેતાઓ વાજપેયીના આદર્શ મનાતા નહેરુની નિંદા કરતા થયા હતા.

2002માં ગુજરાતમાં મુસ્લિમવિરોધી રમખાણો બાદ એપ્રિલ 2002માં ગોવામાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળી તેમાં નરેન્દ્ર મોદી રાજીનામું આપે તેવી વાજપેયીની ઇચ્છા હતી.

પરંતુ મોદી, અડવાણી અને બીજાએ મળીને તેમને ફાવવા દીધા નહોતા.

નરેન્દ્ર મોદીએ સામેથી રાજીનામું આપવાની ઓફર કરી, પણ તેમની દરખાસ્તનો સભામાંથી જ જોરશોરથી વિરોધ થયો.

વાજપેયી ગોવામાં મોદીનું રાજીનામું લઈને ઉદારવાદી નેતા તરીકેની પોતાની છબીને જાળવવા સાથે એનડીએના સાથી પક્ષોને પણ રાજી રાખવા માગતા હતા.

જોકે નરેન્દ્ર મોદી માટે ભાજપના હોદ્દેદારોમાં વ્યાપક સમર્થન જોઈને તેમણે પીછેહઠ કરી.

આ આક્રમક સાથીઓને ખુશ કરવા ખાતર જ તેમણે કારોબારીની બેઠકના અંતે ભાષણ આપ્યું ત્યારે મુસ્લિમો વિશે અયોગ્ય ટિપ્પણીઓ કરી હતી.

તેમણે કહ્યું કે મુસ્લિમો બીજાની સાથે સહઅસ્તિત્ત્વથી રહી જ નથી શકતા. આમ છતાં કવિહૃદય રાજકારણી તરીકે તેમની જાહેર છબી અકબંધ રહી.

રાજકારણમાં પ્રેમ અને લાગણીનું મહત્ત્વ સમજાવ્યું

તેઓ એવા વડા પ્રધાન પણ બન્યા, જેને દેશનો વિશાળ જનસમૂહ આદર અને પ્રેમ આપતો હતો.

ભૂતકાળના કે હાલના બીજા કોઈ અગ્રણી હિન્દુ નેતાને આવું જનસમર્થન મળ્યું નથી.

તેનું કારણ એ કે તેઓ બહુ સમજદાર નેતા હતા, જે રાજકારણમાં પ્રેમ અને લાગણીની અભિવ્યક્તિનું મહત્ત્વ સમજતા હતા.

પ્રેમ અને લાગણી દર્શાવવાનું વાજપેયી ક્યારેય ચૂકતા નહોતા.

કાશ્મીરમાં તેમને કેટલાક લોકો સૂફી તરીકે જોતા હતા, કેમ કે તેમની વાણી લોકોના દિલમાં ઉતરી જતી હતી.

તેનું કારણ કદાચ એ પણ હતું કે તેમણે પોતાની વિધારધારાને વધારે સ્વીકાર્ય બનાવવા માટે, હરીફ સેક્યુલર નેતાઓની સૌની સાથે સંવાદની રીત અપનાવી હતી.

તેથી જ એમાં કોઈ નવાઈ નથી કે તેમના કટ્ટર વૈચારિક વિરોધીઓ પણ તેમને માન આપતા થયા હતા.

તેમની વકતૃત્વ કલાને પસંદ કરનારા તમિલ અગ્રણી સી. એન. અન્નાદુરાઇ પણ તેમને માન આપતા થયા હતા.

વાજપેયીએ ધ હિન્દુ અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્વંય જણાવ્યું હતું કે 'મને યાદ છે કે માર્ચ 1956માં ભાષાના મુદ્દે સંસદમાં ચર્ચા દરમિયાન અન્નાએ શું કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે - હિન્દી સામે અમને શો વાંધો છો એમ? હું ચોખ્ખી અને નિખાલસ વાત કરવા માગું છું.

અમને કોઈ ભાષા સામે કોઈ વાંધો નથી. ખાસ કરીને હું મારા મિત્ર વાજપેયીને બોલતા સાંભળતો હોઉં છું ત્યારે અમને કોઈ વાંધો નથી આવતો, કેમ કે મને લાગે છે કે તે ખૂબ સરસ ભાષા બોલે છે."

લોકસભામાં બહુમતી અને બીજા ભૌગોલિક ક્ષેત્રમાં પણ વિસ્તરણ સાથે ભાજપ હવે વધારે આક્રમક માર્ગે જઈ રહ્યો છે, ત્યારે વાજપેયી એક રાષ્ટ્રીય પ્રતીક બની ગયા છે. વાજપેયીના માર્ગને તેમના યુવાન વારસદારોએ ક્યારનોય ત્યજી દીધો છે.

અન્ય રીતે જોઈએ તો પણ તેઓ નવી પહેલ કરનારા હતા, જેનું અનુસરણ કરવું મુશ્કેલ હોય છે.

વાજપેયીની મોટી સફળતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે ભારત સાથે સંબંધોની પશ્ચિમની ઐતિહાસિક અવઢવ હવે રહી નથી, પણ સાચી વાત એ છે વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે જ આ અવઢવનો અંત આવવાની શરૂઆત થઈ ગઈ હતી.

વાજપેયીએ ઉદારીકરણને ફરીથી પાટે ચડાવ્યું તેના કારણે એ શક્ય બન્યું હતું.

દેશમાં મોબાઇલ ફોન વાગતા થઈ ગયા તે અને પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની કોશિશો થઈ તે પણ તેમની સિદ્ધિઓ ગણાય.

પણ વડાપ્રધાન તરીકે વાજપેયીની સૌથી મોટી સફળતા વિશાળપાયે માળખાકીય સુવિધાઓ ઊભી કરીને ભારતનું નવનિર્માણ કરવાની બાબતમાં ગણાવી શકાય. કદાચ તેઓ નસીબના બળિયા હતા કે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ તરીકે તેઓ ઉપસ્થિત રહી શક્યા હતા.

તેમનું ભાગ્ય એટલું સારું હતું કે જીવનને ભરપુર માણી શક્યા, અને છેક સુધી વિવિધ વર્ગોના લોકોનો આદર અને પ્રેમ મેળવતા રહ્યા.

તેમના વારસદાર શબ્દોમાં અને કાર્યોમાં તેનાથી તદ્દન વિપરીત છબી ઊભી કરી રહ્યા છે, ત્યારે વાજપેયીની આભા તેમના અવસાન સાથે વધારે ચમકદાર બની છે.

- ઉલ્લેખ એનપી, ધ અનટોલ્ડ વાજપેયીઃ પોલિટિશ્યન ઍન્ડ પેરાડોક્સ નામના પુસ્તકના લેખક છે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો