બંગાળની ખાડીમાં બનશે સિસ્ટમ, ગુજરાતમાં ક્યારે પડશે ધોધમાર વરસાદ?

વરસાદી માહોલ

ઇમેજ સ્રોત, Getty Images

બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડ્યો છે. કેટલાક જિલ્લાઓમાં તેની સરેરાશ કરતાં અનેક ગણો વધારે વરસાદ પડી ગયો છે.

વાવાઝોડાની નબળી પડેલી સિસ્ટમની સૌથી વધારે અસર રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં થઈ છે.

અહીં અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો છે અને ગામોમાં પાણી ભરાઈ ગયાં હતાં.

બીજી તરફ ચોમાસું મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો સુધી પહોંચ્યું છે જે બાદ તેની પ્રગતિ ધીમી પડી ગઈ છે. કોકણના વિસ્તારોથી ચોમાસું છેલ્લા 9 દિવસથી આગળ વધ્યું નથી.

જોકે, હવામાન વિભાગનું કહેવું છે કે 2થી 3 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ સ્થિતિ સર્જાવાની શક્યતા છે. બીજી ખાનગી હવામાન એજન્સીનું કહેવું છે કે બંગાળની ખાડીમાં એક લૉ-પ્રેશર સિસ્ટમ બનશે.

હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આવનારા દિવસોમાં ચોમાસું ઝડપથી પ્રગતિ કરશે અને ગુજરાત સહિતના પ્રદેશોને આવરી લેશે.

GREY LINE

બંગાળની ખાડીમાં બનશે વરસાદી સિસ્ટમ, ગુજરાતને શું અસર થશે?

ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના અહેવાલ મુજબ બિપરજોય વાવાઝોડા બાદ હવે બંગાળની ખાડી ફરી એક્ટિવ થશે અને તેમાં લૉ-પ્રેશર સિસ્ટમ સર્જાશે.

આ લૉ-પ્રેશર એરિયા જમીન પર ઝડપથી આવશે અને મધ્ય ભારતના વિસ્તારો તરફ આગળ વધશે. ઓડિશા, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં તેના કારણે ભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.

જૂન મહિનાના અંત સુધીમાં આ સિસ્ટમ નબળી પડી જશે પરંતુ તે ગુજરાત અને રાજસ્થાન તરફ આવે તેવી શક્યતાઓ છે. જેના કારણે ગુજરાત અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.

સ્કાયમેટનું કહેવું છે કે હાલ જે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે તે આ સિસ્ટમને કારણે ઝડપથી આગળ વધશે અને મધ્ય ભારત તથા પશ્ચિમ ભારતના વિસ્તારો સુધી પહોંચી જશે.

સ્કાયમેટના કહેવા પ્રમાણે 24 કે 25 તારીખની આસપાસ આ સિસ્ટમ બનશે અને પછી ભારતના ભૂ-ભાગો પર આગળ વધશે.

આ વર્ષે ચોમાસાની શરૂઆત તેના નિર્ધારિત સમય કરતાં 7 દિવસ મોડી થઈ હતી.

કેરળમાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત 1 જૂનના રોજ થતી હોય છે પરંતુ આ વર્ષે ચોમાસું કેરળમાં 8 જૂનના રોજ પહોંચ્યું હતું.

GREY LINE

ગુજરાતમાં ફરી કઈ તારીખથી વધશે વરસાદ?

વીડિયો કૅપ્શન, Monsoon 2023: ગુજરાતમાં ચોમાસાનો વરસાદ ક્યારે આવશે? કયા જિલ્લાથી શરૂઆત?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના કારણે વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે.

ચોમાસા પહેલાં જ વાવાઝોડાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને અનેક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડ્યો હતો.

રાજ્યના ઘણા એવા વિસ્તારો છે જેમાં હજી પણ વાવણીલાયક વરસાદ થયો નથી અને સારા વરસાદની રાહ જોવાઈ રહી છે. પાંચ કે છ દિવસ બાદ ગુજરાતમાં ફરી વરસાદ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

હવામાન વિભાગની લાંબાગાળાની આગાહી પ્રમાણે ગુજરાતમાં 25 જૂનની આસપાસ વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે. જ્યારે સ્કાયમેટ વેધરના 15 દિવસના અનુમાન મુજબ ગુજરાતમાં 24 તારીખની આસપાસ ફરી વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં જૂનના અંત સુધીમાં મોટા ભાગના વિસ્તારોમાં ફરી વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી પણ શક્યતા છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 3 જુલાઈની આસપાસ તમામ વિસ્તારોને ચોમાસું આવરી લે તેવી સંભાવના દેખાઈ રહી છે.

રાજ્યમાં ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી થાય છે અને જે બાદ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તથા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ચોમાસું પહોંચે છે.

બીબીસી ગુજરાતી

બિપરજોય વાવાઝોડાને કારણે ચોમાસું અટકી ગયું?

બિપરજોય વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images

કેરળમાં જ્યારે ચોમાસું પહોંચ્યું એ સમયે જ અરબી સમુદ્રમાં વાવાઝોડાની સિસ્ટમ બનવાની શરૂઆત થઈ ગઈ હતી. 8 જૂનના રોજ કેરળમાં ચોમાસું પહોંચ્યું હતું જે તેના સમય કરતાં મોડું હતું.

જે બાદ બિપરજોય વાવાઝોડું સર્જાયું અને વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધ્યું, જેના કારણે ચોમાસાને અસર થઈ. 11 જૂન સુધી ચોમાસું કોકણના વિસ્તારો સુધી પહોંચ્યું પરંતુ તે બાદ તેની પ્રગતિ રોકાઈ ગઈ હતી.

વાવાઝોડું ગુજરાત પર ટકરાઈને નબળું પડી ગયું પરંતુ તેની બાકી રહેલી સિસ્ટમ રાજસ્થાન, મધ્ય પ્રદેશ થઈને ઉત્તર પ્રદેશ સુધી અસર કરી હતી. જેના કારણે બંગાળની ખાડી તરફથી આવતા પવનોને પણ અસર થઈ હતી.

બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એમ બંને તરફ વાવાઝોડાની અસર થતાં ચોમાસું આગળ વધતું અટક્યું હતું. પરંતુ હવે સિસ્ટમ વિખેરાઈ જતાં ચોમાસું આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી