બિપરજોય વાવાઝોડાને લીધે ગુજરાતમાં ચોમાસું મોડું બેસશે?

 ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું જૂનથી સપ્ટેમ્બર મહિના સુધીનું ગણવામાં આવે છે
    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતના કચ્છ જિલ્લાના કાંઠા વિસ્તારમાં બિપરજોય વાવાઝોડું ત્રાટક્યા બાદ તેની અસર ઉત્તર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે. જખૌ બંદર પાસે તેનું લૅન્ડફૉલ થયું હતું.

કેરળમાં ચોમાસું બેઠાં બાદ રાજ્યના ખેડૂત સહિત તમામ લોકો ચોમાસું ક્યારે બેસશે એની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન ગુજરાતમાં અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડું ત્રાટક્યું અને ઠેરઠેર ધોધમાર વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગ અનુસાર અને હવામાન નિષ્ણાતો અનુસાર મોટાભાગે ગુજરાતમાં 15મી જૂને ચોમાસું બેસી જતું હોય છે.

ભારતમાં સૌપ્રથમ કેરળમાં ચોમાસું બેસતું હોય છે અને સામાન્યપણે તારીખ પહેલી જૂને કેરળમાં ચોમાસાનું આગમન થાય છે. જોકે, આ વર્ષે કેરળમાં ચોમાસું સાત દિવસ મોડું બેઠું હતું. આ વખતે આઠમી જૂને કેરળમાં ચોમાસું બેઠું હતું.

હવામાન વિભાગ (અમદાવાદ)નાં વડાં મનોરમા મોહંતી અનુસાર દક્ષિણપશ્ચિમનું ચોમાસું ભારતના પશ્ચિમ કાંઠે આગળ વધે છે અને મહારાષ્ટ્ર પછી મુંબઈમાં બેસે છે, તેના બે-ત્રણ દિવસો બાદ ગુજરાતમાં ચોમાસું બેસે છે.

દક્ષિણ ગુજરાતમાં પહેલાં ચોમાસું બેસે છે અને પછી તે આગળ વધે છે. અને એકાદ-બે દિવસમાં તે રાજ્યભરમાં બેસી જાય છે.

હવામાન વિભાગ અનુસાર આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી રહી છે. અને ચાર મહિનામાં 96 ટકા વરસાદ પડવાની આગાહી છે. જોકે કેટલાંક નિષ્ણાતો અલ નીનો અસર થવાની શક્યતા પણ વ્યક્ત કરી ચૂક્યા છે. જેના પગલે ચોમાસાને અસર થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

ગ્રે લાઇન

બિપરજોય વાવાઝોડાની ચોમાસા પર અસર થશે?

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

બીજી તરફ વૅધર ચેનલના રિપોર્ટ અનુસાર દેશમાં ચોમાસાનો જે સમયગાળો છે એ શરૂ થયાના 15 દિવસો વિતી ગયા છે. પણ વરસાદના ડેટા અનુસાર જૂનના પહેલા પખવાડિયામાં જેટલો સરેરાશ વરસાદ વરસવો જોઈતો હતો એનાથી અડધા કરતા પણ ઓછો વરસાદ થયો છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સામાન્યપણે કેરળમાં પહેલી જૂને ચોમાસું બેસે છે પણ એ અઠવાડિયું મોડું બેસતા એની અસર ઉત્તર અને મધ્ય ભારત પર થઈ. કેમ કે ચોમાસું ત્યાં પણ મોડું પહોંચી રહ્યું છે. હજુ સુધી એના લીધે સમગ્ર દક્ષિણ ભારતમાં પણ ચોમાસું બરાબર બેઠું નથી.

ચોમાસાના વરસાદના અભાવ સમયે વાવાઝોડાને લીધે થયેલી વર્ષા અને માવઠા જોવા મળ્યા છે. અને તે પૂરતું નથી એટલે વરસાદની અછત જોવા મળી રહી છે.

હવામાન વિભાગ મુજબ દેશમાં છેલ્લા 15 દિવસમાં માત્ર 30.5 મિમિ વરસાદ જ પડ્યો છે. જે મોટાભાગે આ સમયગાળામાં રહેતા વરસાદ કરતા 51 ટકા ઓછો છે.

‘હિંદુસ્તાન ટાઇમ્સ’ના અહેવાલમાં ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાને ટાંકીને કહેવાયું છે કે, ચક્રવાત બિપરજોયે પોતાને ચોમાસાની સિસ્ટમ ફ્લૉથી અલગ કરી લીધું છે અને ચોમાસાની પ્રગતિમાં તેની કોઈ અસર નહીં થાય.

તેમણે કહ્યું, "જો બિપરજોય ચક્રવાત ઉત્તર-પશ્ચિમ તરફે એટલે કે ઓમાન તરફ આગળ વધ્યું હોત તો તેનાથી ચોમાસાના આગમનને અસર થઈ હોત."

પરંતુ આવું ન થતાં તેમના અનુસાર રાજ્યમાં ચોમાસાના આગમનમાં કોઈ અસર નહીં થાય.

હવામાન વિભાગ અનુસાર 18 જૂનથી 21 જૂન વચ્ચે પૂર્વ ભારત અને દક્ષિણના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમી ચોમાસું આગળ વધે એવી અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે.

શરૂઆતમાં અરબી સમુદ્રમાં બિપરજોયની હાજરીના લીધે ચોમાસું વિલંબિત થયું હતું અને ઘટ્યું પણ હતું કેમ કે વાવાઝોડાએ ભેજ અને તીવ્રતા તેણે ખેંચી લીધી હતી.

જોકે નિષ્ણાતો અનુસાર કેરળમાં ભલે ચોમાસું મોડું બેસે તેનાથી ઉત્તરપશ્ચિમમાં ચોમાસું બેસવાને કોઈ અસર નથી થતી.

વળી આઈએમડી અનુસાર અલ નીનોની સ્થિતિ હોવા છતાં પણ ભારતમાં આ વખતે દક્ષિણપશ્ચિમ ચોમાસાની સિઝનમાં પૂરતો વરસાદ થવાનો છે.

ગ્રે લાઇન

ચોમાસું મોડું બેસશે?

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં વાવાઝોડાને લીધે ચોમાસાના આગમન પર શું અસર થશે એ વિશે બીબીસીએ જૂનાગઢ ઍગ્રિકલ્ચર યુનિવર્સિટીના પ્રોફેસર ધીમંત વઘાસિયા સાથે વાતચીત કરી.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "બિપરજોય વાવાઝોડું આવવાના કારણે ચોમાસાનું આગમન 2-3 દિવસ મોડું બેસી શકે છે. નૈઋત્યના પવનો સાથે વાવાઝોડું આવ્યું પણ હવે ફરીથી એ પવનો દક્ષિણપશ્ચિમ ચોમાસા સાથે આવશે. મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં ચોમાસું બેસતું હોય છે."

"જોકે આ વખતે વાવાઝોડાને લીધે ચોમાસું થોડું મોડું બેસી શકે છે. ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આ સ્થિતિ પ્રવર્તી શકે છે. ખાસ કરીને ગુજરાત માટે."

"હાલ વરસાદ છે અને વાવાઝોડાની અસર છે. પરંતુ વાવાઝોડાએ ભેજ ખેંચ્યો હોવાથી ચોમાસું મોડી બેસવાની શક્યતા છે. જોકે એ ભેજવાળા પવનો ફરી આવશે અને ચોમાસું બેસી જશે."

ગ્રે લાઇન

કેરળમાં ચોમાસાના વિલંબ માટે બિપરજોય વાવાઝોડું જવાબદાર?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે આ પહેલાં કહ્યું હતું કે કેરળમાં ચોમાસામાં જે વિલંબ થયો તેનું કારણ અરબી સમુદ્રમાં સર્જાયેલું આ વાવાઝોડું છે.

એક તરફ વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું હતું અને બીજી તરફ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ હતી.

ભારતના હવામાન વિભાગે તેના પૂર્વાનુમાનમાં ચોમાસું સારું રહે તેવું અનુમાન કર્યું હતું. હવામાન વિભાગ અનુસાર આ વર્ષે ચોમાસાના ચાર મહિના દરમિયાન 96 ટકા જેટલો વરસાદ થાય તેવી શક્યતા છે.

જોકે, ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર ચોમાસું થોડું નબળું રહે તેવી સંભાવના છે. આ વર્ષે ભારતના ચોમાસા પર અલ નીનોની અસર થાય તેવી શક્યતા છે.

પ્રશાંત મહાસાગરમાં જ્યારે અલ નીનો બને છે ત્યારે સામાન્ય રીતે ભારતમાં ચોમાસામાં ઓછો વરસાદ પડે છે.

આ પહેલાં 2003 અને 2019માં ચોમાસું 8 જૂનના રોજ કેરળમાં પહોંચ્યું હતું. જોકે, 2019માં દેશમાં સરેરાશ સારો વરસાદ થયો હતો.

કેરળમાં ચોમાસું મોડા પહોંચવા અને ઓછા વરસાદને સીધો કોઈ સંબંધ નથી. એટલે કે ચોમાસું મોડું પહોંચે તો વરસાદ ઓછો પડે તેવું કહી શકાય નહીં. ચાર મહિના દરમિયાન સરેરાશ થતા વરસાદ પર તેની કોઈ અસર થતી નથી.

ગ્રે લાઇન

અલ નીનો શું છે?

અલનીનો
ઇમેજ કૅપ્શન, અલ નીનો કેવી રીતે સર્જાય છે તે ઉપરના ચિત્ર પરથી સમજો

ભારતમાં આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર ખતરો તોળાઈ રહ્યો છે અને ચોમાસાના ચાર મહિના દરમિયાન તેની વરસાદ પર અસર પડે તેવી શક્યતા ઘણા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

જોકે, અલ નીનોની ભવિષ્યવાણી હાલથી કરવી થોડી વહેલી છે, તેનો ચોક્કસ અંદાજ એપ્રિલ-મે મહિનામાં આવી શકશે. પરંતુ અલ નીનો બને તેવી શક્યતા છે અને તેના માટે તૈયાર રહેવું જરૂરી છે.

નેશનલ ઑશેનિક ઍન્ડ ઍટમોસ્ફેયરિક ઍડમિનિસ્ટ્રેશન (NOAA)એ પૂર્વાનુમાન જારી કર્યું છે. જેમાં અલ નીનો આ વર્ષે બનશે તેવી શક્યતા દેખાઈ રહી છે.

અમેરિકન જિયો સાયન્સ અનુસાર અલ નીનો અને લા નીના શબ્દનો સંદર્ભ પ્રશાંત મહાસાગરની સપાટીના તાપમાનમાં સમય-સમય થનારા ફેરફાર સાથે છે. જેની અસર આખી દુનિયાની મોસમ પર પડે છે.

સરળ રીતે સમજીએ તો અલ નીનોને કારણે તાપમાનમાં વધારો થાય છે અને લા નીનાને કારણે તાપમાનમાં ઘટાડો થાય છે.

અલ નીનો અને લા નીનાની આ ઘટના ભારતથી હજારો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં થાય છે. દક્ષિણ અમેરિકાના દેશ પેરુના દરિયાકિનારે દરિયાની સપાટી પર ગરમ પાણી આવવાનું શરૂ થાય એટલે અલ નીનોની સ્થિતિ પેદા થાય છે.

સમુદ્રના તાપમાન અને વાયુમંડલની પરિસ્થિતિમાં થનારા ફેરફારથી સર્જાતી આ ઘટનાને અલ નીનો કહે છે. આ ફેરફારને કારણે સમુદ્રના તાપમાનમાં સામાન્ય કરતા ઘણો વધારો થાય છે. 4થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે. જેના કારણે દુનિયાભરના હવામાન પર તેની અસર જોવા મળે છે. ખાસ કરીને ભારત, વિયેતનામ અને ઑસ્ટ્રેલિયામાં સહિતના દેશોના ચોમાસામાં ફેરફાર આવે છે.

ગ્રે લાઇન

ચોમાસા પર અલ નીનો શું અસર કરે છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અલ નીનો જળવાયુમાં થનારા પરિવર્તનનો એક હિસ્સો છે અને તે મોસમ પર ખૂબ ઊંડો પ્રભાવ પાડે છે. ભારતના ચોમાસા પર તેની અવળી અસર થાય છે.

અલ નીનોની સીધી અસર ભારતના દક્ષિણ-પશ્ચિમના ચોમાસા પર થાય છે, જેમાં દરિયાનું ગરમ પાણી પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાંથી હઠીને પૂર્વ પેસિફિક મહાસાગરમાં જતું રહે છે. જેના કારણે ભારતમાં ચોમાસામાં થનારા વરસાદમાં ઘટ પડે છે. એટલે કે જૂનથી સપ્ટેમ્બર સુધીનો સરેરાશ વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની શક્યતા હોય છે.

સરળ રીતે સમજીએ તો અલ નીનોની સ્થિતિમાં ભારતના ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ ઓછો થવાની શક્યતા રહેલી હોય છે. જો ઉનાળામાં જ અલ નીનોની સ્થિતિ શરૂ થઈ જાય તો ભારતમાં ઓછો વરસાદ થવાની સંભાવના વધી જાય છે.

જોકે, અલ નીનોને કારણે જ ભારતમાં વરસાદ ઓછો થઈ જશે તેવું નથી, તેના માટે બીજાં પરિબળો પણ કામ કરે છે. અલ નીનો બને છતાં ભારતમાં ચોમાસું સામાન્ય રહી શકે છે. ઇન્ડિય ઑશન ડાયપૉલની સ્થિતિ જો અનુકૂળ હોય તો તે અલ નીનોની સ્થિતિને ખાળી શકે છે.

1997માં મજબૂત અલ નીનોની સ્થિતિ હતી પરંતુ ભારતમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થયો હતો. જોકે, આવી ઘટના ભાગ્યેજ જોવા મળતી હોય છે.

રેડ લાઇન
રેડ લાઇન