બિપરજોય વાવાઝોડું : 'રાત કાતિલ હતી', કચ્છના માંડવીમાં વાવાઝોડાએ એક જ રાતમાં કેવી હાલત કરી?

ઇમેજ સ્રોત, Pavan Jaiswal/BBC
ઉષ્ણકટિબંધિય ચક્રવાત બિપરજોય આખરે ગુજરાતના કાંઠે ત્રાટકી ચૂક્યું છે. કચ્છના કાંઠા વિસ્તારે તેણે લૅન્ડફૉલ કર્યું હતું. જેથી કચ્છ જિલ્લામાં ભારે પવનો-વરસાદ છે.
બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા કચ્છના માંડવીથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યા છે.
તેમણે ત્યાંની પરિસ્થિતિ અને ત્યાં થયેલા નુસકાન વિશે જાણકારી મેળવવાની કોશિશ કરી.
માંડવીના માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. અને રસ્તાઓ પરનાં વૃક્ષો તથા વીજળીના થાંભલા તૂટી ગયા છે.
બિપરજોય વાવાજોડાએ જખૌ બંંદરની પાસે ગુરુવાર સાંજથી લૅન્ડફૉલ કર્યું અને તેની આ પ્રક્રિયા અડધી રાત્રે પૂરી થઈ. જેના પગલે ગુરુવારથી કચ્છના આ વિસ્તારમાં ઝડપી પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો.
એક સ્થાનિક સચિનભાઈએ બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાને જણાવ્યું કે, "આખી રાત તે લોકો સૂઈ નથી શક્યા. સતત 12 કલાકથી વરસાદ અને પવન છે. વીજ પુરવઠો ઠપ છે. ખાવાપીવાની ચીજવસ્તુઓની મહદઅંશે તમામ દુકાનો બંધ છે."
માંડવીમાં વરસાદને કારણે ઠેરઠેર વૃક્ષો પડી ગયાં જોવા મળ્યાં હતાં.
કચ્છમાં વાવાઝોડાના પગલે લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા. વહીવટીતંત્ર અનુસાર ગર્ભવતીઓ માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોરદાર વરસાદ વચ્ચે બાઇક પર પાણી ભરેલા રસ્તા પરથી પસાર થતા તાલુકા હૅલ્થ ઑફિસરે જણાવ્યું હતું કે તંત્ર સજ્જ છે અને ગર્ભવતીઓની સારવાર ચાલી રહી છે.
ઉપરાંત તાલુકા હેલ્થ ઑફિસર નાથાણીભાઈએ બીબીસીને જણાવ્યું કે, "છેલ્લા 3 દિવસમાં ત્રણ મહિલાના સિઝેરિયન (પ્રસૂતિ) થયા છે. ગતરાતથી ખૂબ જ ભારે પવન અને વરસાદ વરસી રહ્યો છે. હું એક શૅલ્ટરહૉમની મુલાકાત લઈને આવી રહ્યો છું. ત્યાં બધું સુરક્ષિત છે. અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મકાનો પણ સુરક્ષિત છે."
અત્રે નોંધવું કે, માંડવીમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયાં છે અને કેટલીક દુકાનોને નુકસાન થયું છે. દુકાનોના છાપરા ઊડી જતાં એમાં પાણી ભરાઈ ગયાં જ્યારે અંદર રહેલો સામાન પણ ખરાબ થઈ ગયો છે.

મકાનો-દુકાનોને નુકસાન

ઇમેજ સ્રોત, PAVAN JAYSWAL
સ્થાનિક સિંકદરભાઈ સાથે બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાએ વાતચીત કરી. તેઓ તેમની સાથે તેમની દુકાનમાં થયેલું નુકસાન જોવા ગયા હતા.
વેલ્ડિંગ અને વર્કશૉપ ચલાવતી દુકાનમાં જોવા મળ્યું કે, તેમની પણ દુકાનનાં છાપરાં ઊડી ગયાં છે અને એમાં પાણી ભરાઈ જતાં સામાન ખરાબ થઈ ગયો હતો. વળી દુકાનમાં જવાના રસ્તા પર પણ પાણી ફરી વળ્યાં હતાં.
વળી સ્થાનિક અલતાફભાઈએ બીબીસી સંવાદદાતાને જણાવ્યું કે, "રાત ઘણી કાતિલ હતી. દરગાહને નુકસાન થયું છે. લાઈટના થાંભલા પડી ગયા છે. દરગાહની આસપાસના ઝાડવા તૂટી ગયાં છે."
દરમિયાન અહીં સતત ભારે પવન છે અને વરસાદ વરસી રહ્યો છે. રસ્તા પર ગણતરીના લોકો જેઓ પોતાનાં ઘર-દુકાનોને નુકસાન જાણવા બહાર નીકળ્યા છે, તેઓ જ જોવા મળી રહ્યા છે. એ ઉપરાંત સરકારી વાહનો આવતાજતાં જોવાં મળી રહ્યાં છે.
કચ્છના કલેક્ટરે બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથે કરેલી વાતચીત અનુસાર કાંઠા વિસ્તારમાં નુકસાન થયેલું હોઈ શકે છે. જોકે હજુ વરસાદ અને પવન હોવાથી સરવે ચાલુ નથી કરી શકાયો.

રાશનની શોધમાં નીકળેલા લોકો

ઇમેજ સ્રોત, PAVAN JAYSWAL
જોકે કેટલાક સ્થાનિકો સાથે થયેલી વાતચીતમાં જોવા મળ્યું કે લોકોની વાવાઝોડાની ચેતવણી છતાં પૂરતી તૈયારીઓ નહોતી. જેથી તેઓ વાવાઝોડાના દિવસે બહાર ખાદ્યચીજવસ્તુઓ શોધવા નીકળ્યા હતા.
માંડવી, મુંદ્રા, કચ્છમાં રીતસરનો મેઘતાંડવ, વાવાઝોડું પસાર થયા બાદથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ છે. માંડવી અને આસપાસના વિસ્તારમાં 12-13 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે.
વાવાઝોડા પછી ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. હાલમાં, મુંદ્રા, જઠુઆ, કોટેશ્વર, લખપત અને નલીયામાં ભારે પવન સાથે વરસાદ છે. વાવાઝોડાંના કારણે દક્ષિણ રાજસ્થાનના ભાગોમાં પણ વરસાદની આગાહી છે. દરિયાકાંઠાના જિલ્લાઓના ઘણા ભાગોમાં રસ્તાઓનું સમારકામ ચાલી રહ્યું છે.
આખી ય પરિસ્થિતિ અનુસાર માંડવીમાં હજુ વરસાદ વરસવાની શક્યતા છે. બીબીસી સંવાદદાતા સતત માંડવીથી અપડેટ્સ આપી રહ્યા છે. તેમણે ઘણાં સ્થાનિકો સાથે વાતચીત કરી તેમની સ્થિતિ જાણવાની કોશિશ કરી છે.














